સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીના સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

બેલુર મઠમાં રાતનો સમય છે અને જાગી ગયો. ઊઠીને તરત જ સ્વામીજીને જોવાની ઇચ્છા થઈ. સ્વામીજીના ઓરડાના બારણાને ધીમે ધીમે ઠપકાર્યું. મેં ધાર્યું કે સ્વામીજી સૂતા હશે. જો પ્રત્યુત્તર નહીં મળે તો ઉઠાડવા નથી. પરંતુ સ્વામીજી જાગતા જ હતા. બારણું થોડું ઠપકારવાથી પ્રત્યુત્તર ગાનના સ્વરમાં મળ્યો : ‘Knocking, Knocking who is there? Waiting, Waiting, oh Brother dear !’ – ‘બારણે પડે છે ટકોરા, પડે છે ટકોરા, કોણ ઊભું છે દ્વારે ? થોભો, થોભો, અરે ભાઈ થોભો !’ (એક ખ્રીસ્તી પ્રાર્થના)

સ્વામીજીની વાત જ શી કરવી ? એમની સમક્ષ તો હું નાનો કહેવાઉં. બેલુર મઠમાં એવા પણ દિવસો પસાર થયા કે વાતો કરતાં કરતાં રાતના બે વાગી જતા. સ્વામીજી પથારીમાં સૂતા જ નથી. ખુરશીમાં બેસીને બાકીની રાત વિતાવી દેતા. અમારા બધાના પહેલાં તેઓ ઊઠી જતા. પ્રાત :કર્મ કરીને, કુર્તાે પહેરીને ગંગા નદી તરફના પૂર્વ બાજુના વરંડામાં ટહેલતા. હું દરરોજ વહેલો ઊઠીને જોઉં છું તો તેઓ એવી જ રીતે ટહેલતા રહેતા. સ્વામીજીનાં માતા પાસેથી સાંભળ્યું હતું કે ઘરે પણ તે વહેલા ઊઠતા. ક્યારેય સૂર્યોદય પછી ઊઠ્યા નથી. વહેલી સવારે જ ઊઠતા.

સ્વામીજીએ બેલુર મઠમાં વહેલા ઊઠીને શ્રીઠાકુર મંદિરમાં ધ્યાન કરવાનો નિયમ કર્યો હતો. તેઓ પોતે પણ અમારી સાથે ધ્યાન કરતા. સ્વામી ત્રિગુણાતીતાનંદને ચાર દિવસ સુધી તાવ આવ્યો. પાણી અને સાબુદાણા લેતા. શ્રીઠાકુર મંદિરમાં ધ્યાન કરવા જતી વખતે સ્વામી ત્રિગુણાતીતાનંદને બોલાવ્યા અને કહ્યું, ‘અરે ચાલ, તાવ આવે એટલે શું? ધ્યાન કરીશું, ચાલ. તાવ આવે અને તમે ધ્યાન ન કરો તો લોકો તમારી પાસેથી શું શીખશે ?’ એમ કહીને તેઓ તેમને શ્રીઠાકુર મંદિરમાં લઈ ગયા.

એક બીજા દિવસની વાત છે. મઠ ત્યારે પણ નીલાંબર મુખરજીના બગીચામાં હતો. એક દિવસ બે વાગ્યા સુધી વેદવેદાંતની ચર્ચા ચાલી : પુનર્જન્મ છે કે નહીં; માનવના આત્માની અધોગતિ થાય કે નહીં. સ્વામીજીએ તર્ક લગાડી દીધો અને ચૂપ રહીને હસવા લાગ્યા અને જે પક્ષ ઉત્તર નહોતો આપી શકતો તેને યુક્તિ બતાવીને તર્ક ચાલુ રાખવા પ્રેરતા. બે વાગ્યા પછી ચર્ચા બંધ કરી. પછી બધા સૂઈ ગયા. હજી તો ચાર માંડ માંડ વાગ્યા હશે ત્યાં સ્વામીજીએ અમને ઉઠાડી દીધા. જોયું તો તેઓ પોતે પ્રાત :કર્મ પૂરાં કરીને વરંડામાં ટહેલતા હતા અને ગીત ગણગણતા હતા. મને કહ્યું, ‘ઘંટડી વગાડો, બધાને ઉઠાડૉ. હું બધાને સૂતેલા જોઈ શકતો નથી.’ મેં ત્યારે કહ્યું, ‘બધા બે વાગ્યા પછી સૂતા છે, એમને થોડા સૂવા તો દો.’ આ સાંભળીને સ્વામીજીએ કઠોર વાણીમાં કહ્યું, ‘શું બે વાગ્યે સૂતા છે એટલે છ વાગ્યે ઊઠશે ! મને ઘંટ આપ હું પોતે વગાડીશ. મારી નજર સામે જ આવું થાય ! શું મઠ સૂવા માટે કર્યો છે ?’

પછી મેં જોરથી ઘંટ વગાડ્યો. બધા ધડાધડ ઊઠી ગયા અને જોરથી બોલવા લાગ્યા, ‘શું છે ભાઈ, શું છે?’ મને લાગ્યું કે આ બધા મને મારશે. પરંતુ તેમણે જોયું કે સ્વામીજી મારી પાછળ ઊભા રહીને મંદમંદ હસે છે. પછી બધા ઊઠી ગયા.

સ્વામીજી ઘણા બુદ્ધિશાળી હતા. એમનામાં ક્રોધ હતો જ નહીં. તેઓ અક્રોધપરમાનંદ હતા. હું રાજપૂતાનામાં ગયો હતો ત્યારની એક ઘટના છે : મારું શિરમૂંડન કરતાં કરતાં વાળંદ કહે છે, ‘મહારાજ, આપના સ્વામીજીની કોઈ તુલના નથી. અમારા જેવા મૂર્ખા એમના પાંડિત્યની વાત કેવી રીતે સમજીએ ? એમના જેવા અક્રોધી કોઈને જોયા નથી. ઘણા પંડિતરાજ એમને તર્કમાં પરાસ્ત કરવા આવ્યા હતા અને એમનું અપમાન થાય તેવા ઉત્તર આપતા હતા. પણ સ્વામીજી તો હસતાં હસતાં એનો પ્રત્યુત્તર આપતા હતા. જે એમની નિંદા કરવા આવ્યા હતા એ જ એમના દાસ થઈ ગયા !’

કોઈની પાસેથી કશું શીખવાનું આવે ત્યારે એ વાત અમારા મનમાં ન આવતી કે અમારાથી ઉંમરમાં નાના હોય એમની પાસેથી શું શીખવાનું છે ? સ્વામીજી જેવા પંડિતે પણ ખેતડીમાં નારાયણદાસ પાસે પાણિનિ વ્યાકરણ શીખવાનું શરૂ કર્યું. ખેતડીમાં એમના (નારાયણદાસ પંડિત) જેવા સન્માનને યોગ્ય કોણ હતા ? સ્વામીજી રાજાના ગુરુ હતા અને એમનામાં ત્યાગ, તપશ્ચર્યા, પાંડિત્ય પણ ખરાં. સ્વામીજીએ મને કહ્યું, ‘હું નારાયણદાસ પંડિત પાસે એક વિદ્યાર્થીની જેમ ભણવા માંડ્યો.’

મન એકાગ્ર થતાં બાહ્યજગતનો લોપ થઈ જાય છે. સ્વામીજીની આવી અવસ્થા થતી. જ્યારે રાજેન્દ્ર મિત્ર દ્વારા લખેલ બૌદ્ધ યુગનો ઇતિહાસ વાંચતા હતા ત્યારે થોડો સમય એ ગ્રંથ વાંચ્યા પછી પુસ્તક બાજુએ પડ્યું રહેતું અને તેઓ પોતે એક અન્ય જગતમાં ચાલ્યા જતા. સ્વામીજી કહેતા, ‘ઘર, મકાન, પુસ્તક, ખુરશી, બાંકડો બધાં ઊડી જતાં, કંઈ ન રહેતું. એક અનંત રાજ્યમાં મારી સત્તા જાણે કે ખોવાઈ જતી !’ બુદ્ધદેવ અને શંકરાચાર્યની આવી જ અવસ્થા થતી.

Total Views: 222

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.