સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ મિશન, વાયઝેક્માં પોતાની સેવાઓ આપે છે. – સં.

સામાન્ય રીતે આપણા લોકોમાં બે પ્રકારનાં વ્યક્તિત્વ જોવા મળે છે. ૧. સ્થૂળ-બાહ્ય ૨. આંતરિક કે સૂક્ષ્મ.

૧. સ્થૂળ-બાહ્ય : આપણા જીવનમાં આવું વ્યક્તિત્વ બહુ સીમિત ભાગ ભજવે છે. એમાં આપણો ચહેરો-મ્હોરો, પોશાક, આપણી દેહયષ્ટિ, બાહ્ય હાવભાવ, બોલવાની ચતુરાઈ જેવાં પાસાંનો સમાવેશ કરી શકાય. આ બાહ્ય વ્યક્તિત્વ તો મહાસાગરમાં તરતી હિમશિલાનો માત્ર ઉપરનો જ ભાગ ગણાય. આ સાચું વ્યક્તિત્વ ન કહેવાય.

૨. આંતરિક કે સૂક્ષ્મ : આપણા જીવનમાં આવા વ્યક્તિત્વનું પ્રદાન ઘણું મહત્વનું છે. એમાં આપણી સંકલ્પનાઓ, મૂલ્યો, સિદ્ધાંતો, સત્આચરણ, વિચારો અને ચારિત્ર્યનો સમાવેશ કરી શકાય. માનવના વ્યક્તિત્વનું ચારિત્ર્ય એક ઘણું અગત્યનું પાસું છે. સાચી કેળવણી માનવના આ આંતરિક અને સૂક્ષ્મ વ્યક્તિત્વના વિકાસમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે.

આવી સાચી વ્યક્તિ-પ્રતિભાનો આધાર દૈહિક દેખાવ પર નથી હોતો. એ તો વ્યક્તિના ભીતરના જગતનું હાર્દ છે. જો કોઈ પણ વ્યક્તિ પ્રામાણિકતા, નિષ્ઠા, પવિત્રતા, નિ :સ્વાર્થભાવના, વિનમ્રતા અને સેવા જેવા સદ્ગુણો ધરાવતી હોય, તો એ વ્યક્તિ ખરેખર મહાન વ્યક્તિત્વ ધરાવે છે એમ કહી શકાય.

અમેરિકાના સુખ્યાત પ્રમુખ અબ્રાહમ લીંકન આવી પ્રતિભા ધરાવતા હતા. તેઓ જબરા શાણપણવાળા, ઉદારદીલના, પ્રામાણિક અને સન્નિષ્ઠ માનવ હતા. દેખાવે એટલા સુંદર ન હતા, પણ મનહૃદયથી અત્યંત પવિત્ર અને નિર્મળ માનવી હતા. એક વખત તેમને મળવા નાગરિકોનું એક પ્રતિનિધિમંડળ આવ્યું. એમણે પોતાના એક સભ્યની ઓળખાણ આપતા કહ્યું, ‘આ મિત્ર સારું ચિત્રકામ જાણે છે અને આપની એક સુંદર છબી બનાવીને અમારા મંડળના ખંડ માટે ભેટ આપવા માગે છે.’ આ સાંભળીને અબ્રાહમ લીંકને જવાબ આપ્યો, ‘મહાશય શ્રી, હું ધારું છું કે તમે એ ચિત્રમાં મારા જીવનના સિદ્ધાંતો અને આદર્શાેમાંથી કંઈક લેશો. એ સિવાય મને એક વ્યક્તિ તરીકે ધ્યાનમાં ન લેવા વિનંતી.’

તાજેતરમાં ઘણી આંતરરાષ્ટ્રિય ચર્ચામાં અવારનવાર ‘૨૧મી સદીમાં કોણ દોરવણી આપશેે, ભારત કે ચીન ?’ એવો પ્રશ્ન ચર્ચા તો રહે છે. અલબત્ત આપણે બધા તો ઇચ્છીએ છીએ કે ભારતે સમગ્ર વિશ્વને ૨૧મી સદીમાં નેતૃત્ત્વ પૂરું પાડવું જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે ભારતનું નેતૃત્ત્વ કોણ સંભાળશે ? આવનારી સમસ્યાઓ અને પડકારોને ઝીલીને કોણ ભારતનું ઘડતર કરશે ? યુવાનો- ‘ભારતના નવયુવાનો’ – નવભારતનું સર્જન કરશે અને આ યુવાનો જ દેશમાં શાંતિ, સમૃદ્ધિ અને સુસંવાદિતા લાવી શકશે. આના માટે યુવાનોએ શું કરવું જોઈએ ? એ માટે યુવાનોએ વિચાર, આદર્શ, કાર્ય અને ચારિત્ર્યની આધારભૂમિ રચવી પડે અને આવા સત્ચારિત્રથી ભાવિભારત ઘડી શકાય.

વ્યક્તિત્વ અને કેળવણીના ચાર આધાર સ્તંભો

૧. આત્મ નિરીક્ષણ ૨. વિવેક ૩. ખંત અને ૪. ભીતરની શક્તિઓનું પ્રગટીકરણ. આ ચાર સાચાં વ્યક્તિત્વ અને કેળવણીના આધાર સ્તંભો છે.

૧. આત્મ નિરીક્ષણ : આજની કેળવણી કારકિર્દીલક્ષી છે, તે સારા ધંધા રોજગાર આપી શકે, આર્થિક સમૃદ્ધિ લાવી શકે અને લોકોને ભૌતિક સુખસુવિધાઓનો સ્વાદ ચખાડી શકે. પણ મુશ્કેલી એ છે કે આ બધાંને લીધે ક્યારેક લોભ, મોહ, સ્વાર્થભાવના, મનની અશાંતિ, ક્રોધ, આસક્તિ અને નિરાશા જીવનમાં વ્યાપી જાય છે. સાથે ને સાથે સામાજિક ભેદભાવ, લાંચરુશ્વત, સગાવાદ, હિંસા અને ઝનૂનથી માણસ ઘેરાઈ જાય છે. ભણેલાની સંખ્યા વધી છે અને જીવનધોરણ પણ સુધર્યું છે છતાં આવું કેમ બને છે ?

એનો ઉત્તર ટૂંકો ને ટચ જેવો છે, ‘લોકો સાક્ષર છે પણ કેળવાયેલા નથી. એમની પાસે જ્ઞાન માહિતી છે પણ નિ :સ્વાર્થભાવવાળું શાણપણ નથી. સ્વામી વિવેકાનંદ કહેતા કે આપણને તો માણસને માણસ બનાવે અને એનું ચારિત્ર્ય ઘડતર કરે એવી કેળવણીની જરૂર છે. પણ આપણી આજની કેળવણી સંસ્થાઓ તો ‘ધનોપાર્જન કરનારા’ અને ‘કારકિર્દી અને ધંધો રોજગાર મેળવનારા’ માનવીઓ ઊભા કરે છે.

‘માનવની સાહજિક વૃત્તિઓ પર સંયમ મેળવવો અને તેમને સન્માર્ગે વાળીને કાર્ય કરતી કરવી એટલે ચારિત્રઘડતર.’ આજે વિદ્યાર્થીઓને આવી ચારિત્ર કેળવણી મળતી નથી. આપણી વૃત્તિઓ બે પ્રકારની હોય છે, એક ભાવાત્મક અને બીજી ખંડનાત્મક કે અભાવાત્મક. ભાવાત્મક વૃત્તિઓમાં પ્રેમ, કરુણા, નિ :સ્વાર્થભાવના, સેવા જેવા ઉદાત્ત ગુણોનો સમાવેશ કરી શકાય. જો આવી વૃત્તિઓને આપણે વિક્સાવીએ કે કેળવીએ તો આ જગત વધારે સારી રીતે જીવવા જેવું બની જાય. એટલે આ ઉદાત્તગુણો કેળવવા આપણે મથવું જોઈએ; ગરીબ, કચડાયેલા અને વંચિત લોકોને માટે સહાનુભૂતિ રાખવા શીખવું જોઈએ અને એમને ઊંચે લાવવા કાર્યશીલ બનવું જોઈએ. આપણી સ્પર્ધા-ઈર્ષાની વૃત્તિનું પણ સારી રીતે ઊર્ધ્વીકરણ કરીને આપણે કેટલીક ઊણપોને દૂર કરી શકીએ છીએ. દા.ત. આપણે ઈર્ષા કરીએ પણ કોઈકના સદ્ગુણોની, આપણે ધિક્કારીએ પણ આપણી મર્યાદાઓને, સીમિતતાને. જો આમ કરી શકીએ તો આપણે સારા વ્યક્તિ બની શકીએ. સુખી થવા માટે આ ત્રણ નિયમો ધ્યાનમાં રાખો :

* ઇર્ષા અને ધિક્કારથી હૃદયને મુક્ત કરો.

* અનાવશ્યક ચિંતાઓ અને તણાવથી મનને મુક્ત રાખો.

* સાદું જીવન જીવો અને ઉચ્ચ આદર્શ અને વિચાર કેળવો.

(ક્રમશ 🙂

Total Views: 273

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.