(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. – સં.)

મંગલાચરણનું માહાત્મ્ય

પદ્મ-પુરાણમાં શ્રીમદ્‌ ભાગવતનું માહાત્મ્ય કહ્યું છે. આ માહાત્મ્યને શ્રીમદ્‌ ભાગવત કથા શરૂ કરતાં પહેલાં કહેવામાં આવે છે. એની શરૂઆતમાં વેદ વ્યાસે મંગલાચરણ કર્યું છે.

ભગવાનનું સ્વરૂપ સત્‌ ચિત્‌ આનંદ છે. સત્‌ની પરિભાષા છે કે જે પૂર્વમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે એટલે કે એ ત્રિકાલાતીત છે. સત્‌ પર કાળની અસર થતી નથી. સત્‌ જડ ન લાગે, સત્‌ આપણાથી અલગ, દૃશ્ય સ્વરૂપ, નિર્જીવ ન રહે એટલે એની જડતાને કાપવા ચિત્‌ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ કહ્યું. જ્ઞાન ક્યારે પ્રગટ થયું અને ક્યાં સુધી રહેશે એવું હોય જ નહીં. શ્રીરામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે, ‘ઈશ્વરને ચાહવો એ જ જ્ઞાન.’ બધામાં, અત્ર-તત્ર સર્વમાં ઈશ્વરનાં દર્શન કરવાં એ જ જ્ઞાન; બાકી બધું અજ્ઞાન. આમ કરવાથી આપણો અહંકાર રહેતો નથી. આપણામાં અજ્ઞાન છે એટલે ભગવત્‌ દર્શન થતું નથી. જ્ઞાન, ભગવત્‌ દર્શન સર્વ સંશય દૂર કરે છે; ભયથી મુક્ત કરે છે.

ભગવાન સત્‌, ચિત્‌, સાથે આનંદ સ્વરૂપ છે. એટલે કે એ સહજ આંતરિક આનંદ છે. જગતની વસ્તુ—બાહ્ય વ્યકિત, વસ્તુ, ઘટનામાં જે આનંદ છે એ વિષયી આનંદ છે. બાહ્ય-વિષયી આધારિત આનંદ છે. આવા જગતના વિષયી આનંદમાં ક્રિયા અને પ્રતિક્રિયા રહે છે.

સત્‌ ચિત્‌ આનંદ ત્રણ ભિન્ન પાસાં નથી. એ સ્વરૂપમાં ત્રણેય એક જ છે. એ સ્વરૂપ જ પરમાત્માનું, ભગવાનનું અને આપણા સૌનું પોતાનું સ્વરૂપ છે. આપણા આત્માનું સ્વરૂપ છે. કોઈ મૃત્યુ વાંચ્છતું નથી, કારણ કે સૌનું સ્વરૂપ સત્‌ છે. સર્વ સમય બધાને જ્ઞાનની અભિલાષા રહે છે, કારણ કે જ્ઞાન સૌનું સ્વરૂપ છે. બધાને, સર્વ સમયે, સર્વત્ર, સર્વમાંથી—બધા પરિજનો, સગાંસંબંધીઓ, અજાણ વ્યક્તિઓ, સર્વ વિષયો; જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એમ ત્રણેય અવસ્થામાં જીવનની અંતિમ ક્ષણ સુધી આનંદ જોઈએ છે, કારણ કે સૌનું સ્વરૂપ આનંદ છે. આનંદ તો એ જ માત્ર આપી શકે જે સર્વત્ર છે; આપણી અંદર છે; નારાયણ છે.

ભગવાનનું કાર્ય વિશ્વનું સર્જન, પોષણ અને વિલય કરવાનું છે. એટલે અહીં ભગવાનના કાર્યનું પ્રતિપાદન કરે છે. પ્રત્યેક જીવ, પ્રત્યેક વ્યક્તિ પણ એ જ કરે છે. પ્રત્યેક જીવે અધિભૂતમાંથી અધ્યાત્મમાં પ્રવેશ કરવાનો છે, ભગવાનમાં પ્રેમ વધારવાનો છે.

ભગવાનનો અનુગ્રહ આપણા પાપના પરિણામ  એવા તાપમાંથી મુક્તિ અપાવે છે. માણસના પાપ આચરવાનું મુખ્ય કારણ છે કે માણસને તુરંત તેણે કરેલા પાપની સજા મળતી નથી. પુણ્ય ન કરવાનું કારણ પણ એ જ છે કે પુણ્યનું ફળ તરત મળતું નથી. સંસારમાં ત્રણ પ્રકારના તાપ છે. આધિભૌતિક, જેમ કે શરીરને રોગો લાગુ પડે. આધિદૈવિક જેમ કે વાતાવરણની પીડા થાય, કુદરતના પ્રકોપ થાય જેમ કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે ભૂકંપ થાય, વાવાઝોડું આવે કે જ્વાળામુખી ફાટે. આધ્યાત્મિક તાપ એ મનની પીડા છે. મન અનિત્ય સંસારમાં સુખ શોધવાની પ્રક્રિયા કરે છે. સંસાર તો એક સતત વહેતો પ્રવાહ છે, એ અનિત્ય છે, એમાંથી નિત્ય રહેનાર સુખ શોધવું તાપ આપે છે. અણસમજ, અજ્ઞાનને કારણે માણસ સંસારમાં સુખ શોધે છે. આમ, પ્રત્યેક જણ પોતાના સ્વભાવથી દુ:ખી છે. આધ્યાત્મિકતા કેળવવી એટલે કે પોતાનો સ્વભાવ બદલવો, જેથી અંત:કરણમાં દયા, પ્રેમ, કરુણા ઊભરાય. આવી રીતે સ્વભાવમાં કેળવણીથી બદલાવ લાવી ઈશ્વર તરફ દોરાવું અને પોતાની અંદર રહેલ દિવ્યતાને પ્રગટ કરવી એને અંગ્રેજીમાં Spirituality કહેવામાં આવે છે. શ્રીમા શારદાએ કહ્યું છે કે, ‘બીજામાં ગુણદોષ ન જોવા. પોતાનામાં દોષ જોવા અને અન્યમાં ગુણ જોવા.’ અસૂયા કરનાર વ્યક્તિ બધામાં દોષ જુએ છે અને અનસૂયા રાખનાર વ્યક્તિ બધામાં દોષ નથી જોતી.

જે દરેકને પોતાની તરફ આકર્ષે છે એવા શ્રીકૃષ્ણ ભગવાનને શ્રોતા અને વક્તા બંને નમન કરે છે. અહીં ‘શ્રી’ શબ્દ રાધા માટે વપરાયેલ છે. રાધા શબ્દ ધારાનો સૂચક છે. રાધા-કૃષ્ણ એક છે, જ્યાં રમણી-રમણ, પ્રિયતમા-પ્રિયતમ, ભોક્તા-ભોગ્યનો ભાવ નથી. વૃંદાવન સમગ્ર બ્રહ્માંડ છે. બધા જીવો નવવધૂ છે. સાસુ વાસના, સંસારના લોકો સમાન છે. શ્રીકૃષ્ણની વાંસળી સત્સંગ છે.

શ્રીમદ્‌ ભાગવતના પ્રથમ સ્કંધના અંતમાં શુકદેવજીની પધરામણી થાય છે. જેનું સાત દિવસમાં મૃત્યુ થવાનું છે એવા રાજા પરીક્ષિત અન્નજળનો ત્યાગ કરી ગંગા નદીને કિનારે બેઠા છે. તેઓ શુકદેવજીને પૂછે છે કે મરણાધીન વ્યક્તિનું કર્તવ્ય શું છે? શુકદેવજી પોતાની કથાનો આરંભ આ પ્રશ્નના જવાબ રૂપે શરૂ કરે છે. આ જવાબથી બીજો સ્કંધ શરૂ થાય છે. તેમણે ‘વરીયાન તે પ્રશ્ન:’ કહીને પોતાની કથા શરૂ કરી છે. આમ ‘વ’ કારથી શરૂઆત કરી છે. ‘વ’ બ્રહ્મનો બીજાક્ષર છે. શુકદેવજી શરૂઆત કરે છે કે પરીક્ષિત, લોકહિત માટે પુછાયેલ તમારો આ પ્રશ્ન ‘વરીયાન’ એટલે કે બહુ જ ઉત્તમ છે. મનુષ્યોએ જે કંઈ સાંભળવાનું છે, સ્મરણ કરવાનું છે કે કીર્તન કરવાનું છે એ સર્વમાં આ શ્રેષ્ઠ છે. સંત તુલસીદાસ પણ શ્રીરામચરિતમાનસની શરૂઆત ‘વ’કારથી કરે છે. ‘વર્ણાનામર્થસંઘાનાં’ અક્ષરો, અર્થસમૂહો, રસો, છંદો અને મંગળોને કરનારાં સરસ્વતી તેમજ ગણેશજીની હું વંદના કરું છું.

શુકદેવજીને દેહાભિમાન ન હતું. એટલે એમણે મંગળાચરણ કરવાનો ખ્યાલ ન આવ્યો. ત્રણ અધ્યાય સુધી તો પરીક્ષિત રાજાને જે કંઈ બોધ કરવાનો હતો એનો સાર પણ કહી દીધો. પછી જાણે કે તેમને દેહ અને જગતનો થોડો અણસાર આવ્યો ત્યારબાદ બાર શ્લોકથી મંગળાચરણ કરે છે.

પુરુષોત્તમ ભગવાનનાં ચરણકમળમાં મારા કોટિ કોટિ પ્રણામ છે; જે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા કરવા માટે સત્ત્વ, રજસ અને તમોગુણ રૂપી શક્તિઓનો સ્વીકાર કરીને બ્રહ્મા, વિષ્ણુ અને શંકરનું રૂપ ધારણ કરે છે; જે સમસ્ત ચર-અચર પ્રાણીઓનાં હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન છે; જેના સ્વરૂપ અને ઉપલબ્ધિનો માર્ગ બુદ્ધિનો વિષય નથી; જે સ્વયં અનંત છે અને જેનો મહિમા પણ અનંત છે.

અમે વારંવાર એમનાં ચરણોમાં નમસ્કાર કરીએ છીએ, જે સત્‌પુરુષોનાં દુ:ખ મટાડીને પોતાના પ્રેમનું દાન કરે છે, દુષ્ટોની સાંસારિક પ્રવૃત્તિ રોકીને એમને મુક્તિ પ્રદાન કરે છે તથા જે લોકો પરમહંસ આશ્રમમાં સ્થિત છે એમને એમની જ અભીષ્ટ વસ્તુનું દાન કરે છે, કારણ કે સમસ્ત ચર-અચર જીવ-જગત એની જ મૂર્તિ છે એટલે એમને કોઈ પ્રત્યે પક્ષપાત નથી. જે ભક્તવત્સલ છે અને હઠયોગી તથા ભક્તિહીન સાધના કરવાવાળા જેની છાયાને પણ સ્પર્શ કરી શકતા નથી; એમના જેવું કોઈનું ઐશ્વર્ય નથી એટલે એમાં વધારો તો ન થઈ શકે. આવા ઐશ્વર્યથી યુક્ત થઈ નિરંતર બ્રહ્મસ્વરૂપ પોતાના ધામમાં વિહાર કરે છે, એવા ભગવાન શ્રીકૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું.

જેમનું કીર્તન, સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન જીવોનાં પાપોને તત્કાલ નષ્ટ કરે છે, એવા પુણ્ય કીર્તિવાળા ભગવાન શ્રીકૃષ્ણને વારંવાર નમસ્કાર કરું છું.

વિવેકી પુરુષ જેનાં ચરણકમળોનું શરણ લઈને પોતાના હૃદયમાંથી ઇહલોક અને પરલોકની આસક્તિ મૂકી દે છે એ કોઈ પણ પરિશ્રમ કર્યા વિના બ્રહ્મપદ પ્રાપ્ત કરે છે, એવા મંગલમય, કીર્તિવાળા ભગવાન શ્રીકૃષ્ણને અનેક વાર નમસ્કાર કરું છું.

મોટા મોટા તપસ્વી, દાની, યશસ્વી, મનસ્વી, સદાચારી અને મંત્રવેત્તા જ્યાં સુધી પોતાની સાધનાઓને અને સ્વયંને એમનાં ચરણોમાં સમર્પિત કરતા નથી, ત્યાં સુધી એમને કલ્યાણની પ્રાપ્તિ નથી થતી. જેના પ્રતિ આત્મસ્મરણની આવી મહિમા છે, એવા કલ્યાણમયી કીર્તિવાળા ભગવાનને વારંવાર નમસ્કાર કરું છું.

કિરાત, હૂણ, આન્ધ્ર, પુલિન્દ, પુલ્કસ, આભીર, કંક, યવન અને ખસ વગેરે જેવી હલકી જાતિના લોકો અને અન્ય પાપીઓ એમને શરણાગત થાય છે અને એમનું શરણ ગ્રહણ કરવાથી પવિત્ર થઈ જાય છે. એ સર્વશક્તિમાન ભગવાનને વારંવાર નમસ્કાર કરું છું.

એ જ ભગવાન જ્ઞાનીઓના આત્મા છે, ભક્તના સ્વામી છે, કર્મકાંડીઓના વેદમૂર્તિ છે, ધાર્મિકો માટે ધર્મમૂર્તિ છે તથા તપસ્વીઓ માટે તપ સ્વરૂપ છે. બ્રહ્મા, શંકર જેવા મોટા દેવો પણ પોતાના શુદ્ધ હૃદયથી એમના સ્વરૂપનું ચિંતન કરતાં આશ્ચર્યચકિત થઈ જોતા રહી જાય છે એ મારા પર પોતાના અનુગ્રહનો પ્રસાદ કરે.

જે સમસ્ત જગતની સંપત્તિનાં સ્વામિની લક્ષ્મીદેવીના પતિ છે, બધા યજ્ઞોના ભોક્તા અને ફળદાતા છે, પ્રજાના રક્ષક છે, બધાંના અંતર્યામી અને બધા જ લોકોના પાલનકર્તા છે, તથા પૃથ્વીદેવીના પતિ છે, જેણે યદુવંશમાં પ્રગટ થઈ અન્ધક, વૃષ્ણિ તથા યદુવંશના લોકોની રક્ષા કરી છે અને જે તેમના એક માત્ર આશ્રય રહ્યા છે, તે ભક્તવત્સલ, સંતજનોના શ્રીકૃષ્ણ મારા પર પ્રસન્ન થાય.

વિદ્વાન પુરુષ જેમનાં ચરણકમળોનાં ચિંતનરૂપ સમાધિથી શુદ્ધ થયેલ બુદ્ધિ વડે આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરે છે તથા એમનાં દર્શન કર્યાં પછી પોતાપોતાની મતિ અને રુચિ અનુસાર જેમના સ્વરૂપનું વર્ણન કરતા રહે છે, એવા પ્રેમ અને મુક્તિને લુંટાવનાર ભગવાન શ્રીકૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ.

જેમણે સૃષ્ટિ-સર્જન સમયે બ્રહ્માના હૃદયમાં પૂર્વકલ્પની સ્મૃતિ જાગૃત કરવા જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીને પ્રેરિત કરી, જે પોતાનાં અંગો સાથે વેદના રૂપમાં એમના મુખમાંથી પ્રગટ થયા એ જ્ઞાનના મૂળ કારણ ભગવાન મારા પર કૃપા કરો, મારા હૃદયમાં પ્રગટ થાઓ.

ભગવાન જ પંચમહાભૂતોથી આ સર્વ શરીરોનું નિર્માણ કરી એમાં જીવરૂપે શયન કરે છે અને પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ તથા એક મન એવી સોળ કળાઓથી યુક્ત થઈ, એમના દ્વારા સોળ વિષયોનું પાન કરે છે, એવા સર્વભૂતમય ભગવાન મારી વાણીને આપના ગુણોથી અલંકૃત કરી દો.

અંતમાં પોતાના પિતા સર્વજ્ઞ, વાસુદેવાવતાર ભગવાન વ્યાસ જે ત્યાં હાજર હતા, જેમના મુખ-કમળમાંથી મકરંદ સમાન ઝરતી જ્ઞાનમયી સુધાનું સંતપુરુષો પાન કરતા રહે છે, એમનાં ચરણોમાં વારંવાર નમસ્કાર કરે છે.

ભાગવત ટીકાકાર શ્રીધર સ્વામી ભગવાનનાં સ્વરૂપ, લીલા, નામ, ધામ અને પરિકરને નિત્ય માને છે. ભગવાનનું બધું જ મંગળમય છે, કારણ કે ત્યાં કામ નથી. સંસારમાં કામ જ હોવાથી અમંગલ છે. નિષ્કામ તો ભગવાન નારાયણ છે, મંગલમય છે.

શ્રીમદ્‌ ભાગવત કથાની શરૂઆત રોમહર્ષણનંદન ઉગ્રશ્રવાથી શરૂ થાય છે. નૈમિષારણ્યમાં જ્યારે ૮૦,૦૦૦ ૠષિઓ યજ્ઞ કરતા હતા ત્યારે ઉગ્રશ્રવા-સૂતજી ત્યાં પધારે છે. તેઓને શૌનક ૠષિ અને અન્ય દ્વારા વિનંતી કરવામાં આવે છે કે યજ્ઞના મધ્યાંતરમાં જ્યારે સમય મળે ત્યારે અમને કથા કહો. શૌનકાદિ બ્રહ્મવાદી ૠષિઓએ સૂતજીને મંગલમય પ્રશ્નો પૂછ્યા ત્યારે સૂતજીએ એના ઉત્તરમાં ભગવત્‌-કથા અને ભગવદ્‌-ભક્તિના માહાત્મ્યને કહેવા માટે કથા શરૂ કરી, ત્યારે તેમણે પૌરાણિક મંગલાચરણ કર્યું. (સ્કંધ ૧, અધ્યાય ૨, શ્લોક ૪) મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ ભગવાનના અવતાર નર-નારાયણને, સરસ્વતીદેવીને અને વ્યાસમુનિને નમસ્કાર કર્યા પછી સંસાર અને અંત:કરણના સમસ્ત વિકારો પર વિજય પ્રાપ્ત કરી આપનાર શ્રીમદ્‌ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો ઘટે.

ક્ષીરસાગરમાં જે શયન કરે છે, એ નારાયણ છે. ક્ષીરસાગર એટલે ભાવનાનો સાગર. ભાવના હૃદયમાં છે—આમ, અંતર્યામી નારાયણ સૌના હૃદયમાં જ શયન કરે છે. સંસારનો આધાર શક્તિ છે. દ્રવ્યશક્તિ મહાલક્ષ્મી છે, ક્રિયાશક્તિ મહાકાલી છે અને જ્ઞાનશક્તિ મહાસરસ્વતી છે. જ્ઞાનમાં સ્થિર રહેવા માટે કથાના પ્રારંભમાં સૂતજીએ સરસ્વતી માતાને વંદન કર્યાં છે.

શ્રીમદ્‌ ભાગવત કથાના અંતમાં સૂતજી મંગલાચરણ કરે છે. (સ્કંધ ૧૨, અધ્યાય ૧૩, શ્લોક ૧૯) શ્રીમદ્‌ ભાગવત કથાના પ્રારંભમાં મંગલાચરણમાં ‘सत्यं परं धीमहि’ કહેવામાં આવ્યું અને કથાના અંતમાં કરાયેલ મંગલાચરણમાં પણ ગાયત્રી મંત્ર સૂચક ‘सत्यं परं धीमहि’ કહ્યું છે.

શ્રીમદ્‌ ભાગવત તત્ત્વજ્ઞાનનું સર્વોત્તમ શ્રેષ્ઠ પ્રકાશક છે. એની તુલનામાં કોઈ બીજું પુરાણ આવી ન શકે. ભાગવતની પ્રવૃત્તિ કરુણા રૂપે છે. સૌ પ્રથમ કરુણાને કારણે ભગવાન નારાયણે બ્રહ્માજી માટે ભાગવત્‌ જ્ઞાન પ્રગટ કર્યું. પછી એમણે બ્રહ્માજીના રૂપથી કરુણાપૂર્વક દેવર્ષિ નારદને એનો ઉપદેશ કર્યો. નારદજીના રૂપ દ્વારા કરુણાના સાગર ભગવાને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસને ઉપદેશ કર્યો. ત્યાર પછી વ્યાસ રૂપથી યોગીન્દ્ર શુકદેવજીને અને શુકદેવજીના રૂપથી અત્યંત કરુણાવશ થઈ રાજર્ષિ પરીક્ષિતને ઉપદેશ કર્યો. આવા ભગવાન પરમ શુદ્ધ છે. માયાના મલથી રહિત છે. શોક રહિત થઈ અમૃત સ્વરૂપ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ.

આ મંગલાચરણનો ગૂઢાર્થ છે કે નારાયણ આપણું હૃદય છે, બ્રહ્મા આપણી બુદ્ધિ છે, નારદ આપણું મન છે. વેદ વ્યાસ આપણી વાણી છે. શુકદેવજી આપણા શબ્દો છે. પરીક્ષિત એ છે જે સર્વમાં પવિત્ર દૃષ્ટિને કારણે ભગવાનને જુએ છે. ભાગવત કથાના સત્સંગથી પવિત્ર જ્ઞાન દ્વારા આપણી ભાવના શુદ્ધ થાય છે. એ શુદ્ધ ભક્તિમય પવિત્ર ભાવનાથી મન, વાણી અને કર્મ પણ ભગવદ્‌મય થાય છે.

Total Views: 479

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.