(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. – સં.)

મંગલાચરણ શા માટે?

સત્કર્મમાં આવનાર વિઘ્નોના નિવારણ માટે જેમનું આચરણ મંગલ છે, એમનું મનન અને ચિંતન કરવું એ મંગલાચરણ છે. તેમનું ધ્યાન કરીને એમના જેવા આપણે બનીએ છીએ માટે પ્રત્યેક કાર્યના આરંભમાં, મધ્યમાં અને અંતમાં મંગલાચરણ કરવું. આપણે પ્રત્યેક દિવસ—સવાર, બપોર અને સાંજે—તેમજ જીવનની સવાર એટલે બાલ્યકાળ, જીવનનું મધ્યાહ્ન એટલે તરુણ અને યૌવન અવસ્થા અને જીવનની રાત્રિ એટલે કે વૃદ્ધાવસ્થામાં મંગલાચરણ કરવું રહ્યું. સુખ અને દુ:ખ, અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોમાં સર્વ સમયે મંગલાચરણ કરવું ઘટે.

શ્રીકૃષ્ણનું સર્વ—જ્ઞાન, ભાવ, ક્રિયા—મંગલ છે. એ નિષ્કામ છે. શિવજીનું નામ મંગલ છે, કારણ કે એમણે કામનાને ભસ્મ કરી છે. એમની વેશભૂષા ભલે અમંગલ દેખાતી પણ તેમનાં ભાવ તથા કાર્ય મંગલ છે.

જીવ કામને અધીન ન હોય તો મંગલમય છે પણ પરિવર્તનશીલ સંસારનું ચિંતન કરવાથી મન મલિન થાય છે. કામના કરવાથી મન અમંગલ થાય છે. અહંકારથી મન અમંગલ થાય છે. અરે! સેવાકાર્ય કરતી વખતે કર્મફળની અપેક્ષા રાખતાં કે માનની અપેક્ષા રાખતાં મન અપવિત્ર થઈ જાય છે. અહમ્‌-ભાવ, અસ્મિતા, સ્વાર્થ આવી જાય છે. મનના ષડ્‌રિપુ તો છે જ—કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને માત્સર્ય. મનમાં વાસનાથી અપવિત્રતા આવી જાય છે. પરમાત્માનું ધ્યાન ન થાય તો કંઈ નહીં, પણ માણસનું ધ્યાન તો ન જ કરવું. એ વ્યક્તિની કામના અને વાસના આપણામાં આવી જાય છે.

ભાગવતમાં ત્રણ મુખ્ય મંગલાચરણ છે. વ્યાસજી ભાગવત કથાના આરંભમાં એટલે કે પ્રથમ સ્કંધના પ્રથમ શ્લોકમાં કરે છે. પછી શુકદેવજી જ્યારે પરીક્ષિતને શ્રીકૃષ્ણની કથા કહે છે, ત્યારે તેના આરંભમાં બીજા સ્કંધના ચોથા અધ્યાયમાં ૧૨મા શ્લોકથી ૨૩મા શ્લોક સુધી કરે છે. સૂતજી ભાગવત કથાના અંતમાં ૧૨મા સ્કંધના ૧૩મા અધ્યાયના ૧૯મા શ્લોકમાં કરે છે. આ સિવાય સૂતજી પ્રથમ સ્કંધના બીજા અધ્યાયના ચોથા શ્લોકમાં પોતાની કથાની શરૂઆત શૌનક આદિ ૠષિઓના જવાબ રૂપે શરૂ કરે છે ત્યારે પૌરાણિક મંગલાચરણ કરે છે. એ જ પ્રમાણે શ્રીમદ્‌ ભાગવત કથાની શરૂઆત પહેલાં પદ્મપુરાણમાં વ્યાસમુનિએ શ્રીમદ્‌ ભાગવતનું માહાત્મ્ય વર્ણવ્યું છે એ કહેવામાં આવે છે. એ માહાત્મ્યની શરૂઆતમાં પ્રથમ શ્લોકમાં વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે.

શ્રીમદ્‌ ભાગવતનું મંગલાચરણ

શ્રીમદ્‌ ભાગવતના પ્રથમ શ્લોકમાં વેદ વ્યાસે મંગલાચરણ કર્યું છે, જે સમગ્ર ભાગવત, વેદાંત દર્શનનો નિચોડ છે. મંગલાચરણ ‘ज’ કારથી શરૂ થાય છે. ‘ज’ અગ્નિસૂચક છે. ગોપીગીત, ભગવાનની આરતીઓ, પ્રાર્થના વગેરે ‘ज’ કારથી શરૂ થાય છે. સંસારના તાપના અગ્નિથી બળતા જીવને કૃષ્ણની લીલા શીતળ કરે છે. બ્રહ્મસૂત્રમાં આ જ વિધાન ‘जन्माद्यस्य’ બીજા સૂત્ર તરીકે લેવામાં આવ્યું છે, કારણ કે બ્રહ્મસૂત્રને સમજવા માટે પહેલાં યોગ્યતા કેળવવી જોઈએ, એટલે એનું પહેલું સૂત્ર ‘अथ’ થી શરૂ થાય છે, જે યોગ્યતા જરૂરી છે એનો નિર્દેશ કરે છે; જ્યારે કે ભાગવત કથામાં પ્રવેશ કરવા કોઈપણ યોગ્યતાની જરૂર રહેતી નથી. એ સર્વ માટે છે. ભાગવત કથા પોતે જ સાંભળનારને યોગ્યતા પ્રદાન કરે છે.

મંગલાચરણની શરૂઆત છે કે સૃષ્ટિનાં જન્મ, પાલન અને લય એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ કે સર્જન, સંચાલન અને સંહાર જેનાથી થાય છે એ પરમાત્મા સત્‌ સૃષ્ટિમાં અનુગત છે, અન્વય છે અને સૃષ્ટિ પરમાત્મામાં વ્યતિરેક છે, વધારાની છે, અસત્‌ છે.

અન્વય અને વ્યતિરેક સમજીએ. આપણે એક રૂમાલ લઈએ તો એ દોરાઓનો બનેલ છે. એટલે એમ પણ કહી શકાય કે રૂમાલ એ દોરાની ગોઠવણીને અપાયેલ નામ અને રૂપ છે. રૂમાલ કદીયે દોરા વગર હોઈ ન શકે. આમ, રૂમાલમાં દોરા અન્વય છે. જ્યારે કે રૂમાલ દોરા વગર ન હોઈ શકે પણ દોરા તો રૂમાલ વગર હોઈ શકે. એટલે કે દોરામાં રૂમાલ તો વ્યતિરેક છે. રૂમાલનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. રૂમાલ દોરા માટે વધારાનું છે. દોરાની જગ્યાએ જગત મૂકો તો તારવણી થઈ શકે કે જગત વિના પણ જગદીશ હોઈ શકે પણ જગત, જગદીશ (નિર્ગુણ, નિરાકાર, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન) સિવાય કંઈ નથી. જગદીશનાં વિવિધ નામ-રૂપો જ જગત છે, એટલે જગતમાં માત્ર પરમાત્મા છે. જગતમાં પરમાત્મા અન્વય છે. જ્યારે કે જગત જગદીશ વિના ન હોય એટલે એ વ્યતિરેક કહેવાય. વ્યતિરેક એટલે કે વિશેષ રૂપથી અતિરિક્ત છે. વધારાનું છે, ભિન્ન છે. બીજું ઉદાહરણ લઈએ તો માટીનો બનેલ ઘડો અને અન્ય વાસણો બધામાં માટી અન્વય છે, જ્યારે કે નામ અને રૂપ ધરાવતાં માટીના ઘડાં અને વિવિધ વાસણો માટીથી સ્વતંત્ર છે. એ માટીથી વ્યતિરેક છે, ભિન્ન છે, અતિરિક્ત છે.

અન્વય સર્વમાં સર્વ રીતે વ્યાપ્ત છે. એટલે જ પરમાત્મા જગતમાં અનુગત છે. બધામાં છે. પરમાત્મા જગતમાં અનુવૃત્ત છે. બધું એનાથી જ વ્યાપ્ત છે. પરમાત્મા જગતમાં અનુસ્યૂત છે. એ અંદર છે. એમાં સમાયેલ છે. માત્ર એ પરમાત્મા જ છે. બીજી રીતે જોવું હોય તો ઘડામાં માટી છે. એટલે કે ઘડામાં માટી અનુગત છે. માટી કારણ છે અને ઘડા રૂપી કાર્યમાં અનુગત છે. અન્વય છે પરંતુ કાર્ય ઘડો કારણ માટી વગર હોઈ જ ન શકે, એટલે કે કાર્ય ઘડો કારણ માટીથી વ્યતિરેક છે. કાર્ય કારણથી વ્યતિરેક છે. માટી અને ઘડો કે તંતુ અને રૂમાલ એ ઉદાહરણોમાં કાર્ય અને કારણ બંને જડ છે, એટલે કે કાર્યમાં કારણ ઉપાદાન રૂપથી રહે છે. ઉપાદાન એટલે કે જેને કાર્યથી કદીયે અળગું ન કરી શકાય. પરંતુ જો કારણ ચેતન હોય, જેમ કે ઇશ્વર જગતના કારણ છે એટલે ચેતન છે અને તેથી તે ચેતન દ્રષ્ટા બને છે. ચેતન દ્રષ્ટા વિના દૃશ્ય વસ્તુ હોઈ ન શકે. આપણે સ્વપ્ન જોઈએ છીએ જેમાં સ્વપ્નનું દૃશ્ય દ્રષ્ટાથી—ચેતનથી પ્રકાશિત થાય છે. દૃશ્યમાં દ્રષ્ટા અન્વય છે.

અન્વય અને વ્યતિરેક એક અન્ય દૃષ્ટિથી પણ જોઈ શકાય. રાધાકૃષ્ણનો દિવ્યપ્રેમ છે. રાધા પોતે મહાપ્રલયની આગમાં પોતાને ખપાવીને પણ કૃષ્ણને શ્રમ ન પડે, એ દુ:ખી ન થાય એના પર દુ:ખની છાયા પણ ન પડે કે કૃષ્ણના ચહેરા પર એક પણ શ્રમનું ટીપું પણ ન પડે કે આગમાં પડવાથી કૃષ્ણને આનંદ આવે તો એ આગ પણ એને આનંદ આપે છે. પ્રેમમાં બંને એક થઈ જાય છે. જ્યાં બીજાના સુખમાં પોતાનું સુખ અનુગત રહે છે તે અન્વય છે. સુષુપ્તિમાં અન્યથી અપાતાં સુખ કે અન્યના સુખનો વ્યતિરેક થઈ જાય છે અને પોતાનામાં જ પોતાના સ્વરૂપનો અનંત આનંદ મળે છે. એ આનંદ સુખ અને દુ:ખ બંનેથી પર છે. આ જ આનંદ અન્વય છે. વિષયી, બાહ્યજન્ય આનંદ, સુખ વ્યતિરેક છે.

પરમાત્મા બધે જ છે, બધે જ રહે છે. બધા કાળમાં રહે છે. બધી અવસ્થા—જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ—માં રહે છે. એ બધામાં અન્વિત છે. પણ એ બધાથી અલગ છે. સર્વત્ર, સર્વકાળે માત્ર પરમાત્મા જ છે. ભાગવતમાં બ્રહ્મ, પરમાત્મા, ભગવાન કે ઈશ્વર બધાં સંબોધનો એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. એમાં કોઈ પણ ભેદ કરવામાં આવતો નથી.

એ જ પરમાત્મા અભિન્ન એટલે કે જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞ છે. એ સ્વરાટ છે એટલે કે સ્વયંપ્રકાશ છે. એના પ્રકાશથી આખું જગત પ્રકાશિત થાય છે. કઠોપનિષદમાં પણ કહ્યું છે કે પરમાત્માના પ્રકાશથી આખું જગત પ્રકાશિત થાય છે. પરમાત્માએ બ્રહ્માજીમાં પણ વેદનું જ્ઞાન સંકલ્પથી પ્રકાશિત કર્યું. પરમાત્માને જાણવાની બાબતમાં—એમની મહિમાનું જ્ઞાન કરતાં મોટા મોટા યોગીઓ અને વિદ્વાનો પણ મોહિત થાય છે. ‘नेति नेति’ કરતાં પણ એનો મહિમા સમજી શકતા નથી.

અગ્નિ, જળ, પૃથ્વીમાં જે રીતે પરસ્પર ભ્રાંતિમય પ્રતીતિ થાય છે; જે રીતે સૂર્યનાં કિરણોથી પાણી સોનાની જેમ ચમકે છે, છીપ જેમ ચાંદી હોય એમ ચમકે છે; જે રીતે રેતીમાં મૃગજળ દેખાય છે એ સર્વ પરસ્પર ભ્રાંતિ છે. જેમ અંધારામાં દોરડામાં અજ્ઞાનને કારણે સાપ સત્ય હોય એમ પ્રતીત થાય છે, એમ ત્રણ ગુણવાળી માયાને કારણે જગદીશમાં જગત સત્ય ભાસિત થાય છે. આ જગતમાં જે વિભિન્નતા દેખાય છે એ માયા/પ્રકૃતિને કારણે છે. જે પોતે ભગવાનમાં જ સમાયેલ છે. માયા સત્ત્વ, રજસ અને તમસની બનેલ ત્રિગુણાત્મક છે. માયાના ત્રણ ગુણોમાં ક્ષોભ થવાથી આ જગત દેખાય છે. આ માયાથી સમગ્ર જગત વ્યાપ્ત છે અને એવી માયાનું સ્વરૂપ મિથ્યા છે. માયાનો એના અધિષ્ઠાન પરમાત્મામાં અત્યંત અભાવ છે પણ છતાં એ સત્ય હોય એમ ભાસે છે; એટલે એ મિથ્યા છે. માયાના ત્રણ ગુણો પરમાત્માની દૃષ્ટિથી સત્ય છે. એ ત્રણેય પરમાત્મા આશ્રિત છે, પરંતુ પરમાત્માથી પૃથક્‌-રૂપે સત્ય નથી.

જગતની સર્વ વસ્તુ ‘આ’ એમ કહીને નિર્દેશિત કરી શકીએ છીએ એટલે જગતની સર્વ ચરાચર વસ્તુ દૃષ્ટિને અધીન છે અને એટલે જ એ સર્વનાં જન્મ, પાલન અને વિલય થાય છે. જગતમાં સંયોગ અને વિયોગ નિશ્ચિત છે. સર્વ જગત પ્રપંચ છે. સંસાર પરિવર્તનશીલ છે. જગત માત્ર વ્યવહારમાં સત્‌ સ્વરૂપ ભાસિત થાય છે. જગત એના પારમાર્થિક સત્તામાં એના સાચા સ્વરૂપમાં દેખાતું નથી માટે મિથ્યા છે. ઈશ્વર ન દેખાતાં જગત દેખાય છે તે ભાસિત છે. માટે તે માયા છે, અસત્‌ છે.

જગતના અધિષ્ઠાનમાં પરમાત્મા છે માટે જગત ભાસિત હોવા છતાં સત્ય રૂપે ભાસે છે, સત્ય હોય એવું લાગે છે. જગત નામ-રૂપની દૃષ્ટિથી અસત્‌ છે. પરમાત્મા નામ, રૂપ, આકૃતિના અધિષ્ઠાતા છે, એના પ્રકાશક છે. પરમાત્મા એમાં- જગતમાં- સમાયેલા છે; અનુસ્યૂત છે. પરમાત્મા જગતમાં ઓતપ્રોત છે. પરમાત્માને કારણે જગત છે. જગતના નિર્માણ પહેલાં માત્ર જગદીશ કહો કે પરમાત્મા કહો, ભગવાન કહો કે બ્રહ્મ કહો એક જ છે. એ પરમાત્મા દેશ, કાળ અને નિમિત્તથી પર છે. બ્રહ્મમાં પ્રકૃતિ કહો કે માયા સમાયેલ છે.

જેણે પોતાના તેજથી સદાકાળ અજ્ઞાનને દૂર કર્યું છે એ પરમાત્મા પોતાના સ્વરૂપથી નિત્ય માયાને દૂર કરે છે. એવા સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. અમે કહેતાં વક્તા તથા શ્રોતા બંનેનો સમાવેશ થઈ જાય છે. ‘धी महि’  શબ્દપ્રયોગ ગાયત્રી મંત્રનો છે. ગાયત્રી મંત્ર ચારેય વેદમાં છે માટે ભાગવતનો પ્રથમ શ્લોક વેદકીય છે, એમ પ્રતિપાદિત થાય છે. અહીં ‘सत्यम्‌’ શબ્દ લીધો છે અને કોઈ પણ નામધારી ઇષ્ટને નથી લીધો. સત્ય શબ્દ કોઈ પણ સંપ્રદાયનો નિર્દેશ ન કરતાં બધા ઇષ્ટને આવરી લેતો શબ્દ છે. એ શબ્દ દરેક ઇષ્ટમાં રહેલ નિર્વિશેષ સત્યનો સમન્વય કરે છે. ભાગવતનું સત્ય ચેતનાત્મક છે, જડ નથી માટે એવા સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. એને બુદ્ધિથી ગ્રહણ કરીએ છીએ. એના શરણે જઈએ છીએ.

સત્ય અવિનાશી છે. અબાધિત છે. સત્યનું સ્વરૂપ કદી પણ બદલાતું નથી. સત્યમાં પરિવર્તન થતું નથી. એ પ્રત્યક્‌ અભિન્ન ચૈતન્ય છે. એ સૃષ્ટિ પહેલાં અને સૃષ્ટિ પછી પણ રહે છે.

સત્ય વસ્તુને ન જોતાં એના પર અન્ય જે નથી એ દેખાય છે એ અધ્યારોપ છે. જેમ કે દોરડામાં સાપ, રણમાં મૃગજળ કે ઝાડના ઠૂંઠામાં માણસનો અધ્યારોપ કરવામાં આવે છે ત્યારે એનો નિષેધ થઈ શકે છે. એમ કરતાં અધિષ્ઠાન એમનું એમ રહે છે એ રીતે આવરણ ચઢાવેલ જગતરૂપી અધ્યારોપને નિષેધ કરતાં જે નિર્વિશેષ રહે છે એ ભાગવતનું સત્ય છે.

જગતમાં કાર્ય અને કારણ બંને પરમાત્મામાં આરોપિત છે. જગત પરમાત્મા પર આરોપિત છે. આરોપનો નિષેધ જ્ઞાનથી થાય છે. કાર્ય-કારણના દ્વંદ્વથી પર ભગવાનનું સત્ય છે. એ સત્ય સ્વરૂપ પરમાત્માનાં સર્વ અવસ્થામાં દર્શન કરવાં એ જ ભાગવતનું લક્ષ્ય છે.

Total Views: 518

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.