આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મોટામાં મોટી મદદરૂપ છે. જો આ આત્મશ્રદ્ધાનો ઉપદેશ અને આચરણ વધુ વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવ્યાં હોય, તો મારી ખાતરી છે કે અત્યારનાં અનિષ્ટો અને દુ :ખોનો ઘણો મોટો ભાગ અદૃશ્ય થઈ ગયો હોત. માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં સઘળાં મહાન નરનારીઓનાં જીવનમાં કોઈપણ પ્રેરક બળ બીજા કરતાં વધુ શક્તિશાળી નીવડ્યું હોય તો તે આત્મશ્રદ્ધાનું છે. પોતે મહાન થવાને જન્મ્યા છે, એવા ભાન સાથે જન્મેલા હોવાથી જ તેઓ મહત્તાને પામ્યાં. (૭.૨૮૭)

માણસ ભલે ગમે તેટલો પતિત બની નીચે ગયો હોય, પરંતુ એક એવો કાળ જરૂર આવશે જ્યારે તે કેવળ નિરુપાય થઈને પણ ઉચ્ચ માર્ગ ગ્રહણ કરશે અને પોતામાં શ્રદ્ધા રાખતાં શીખશે. પરંતુ આપણે જો પ્રથમથી જ એ જાણીએ તો વધુ સારું. આપણને પોતામાં શ્રદ્ધા જન્મે એટલા ખાતર આ બધા કડવા અનુભવો શા માટે લેવા જોઈએ ? (૭.૨૮૭-૮૮)

આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કંઈ તફાવત છે તે તેની જાત વિશેની શ્રદ્ધાની હાજરી અથવા ગેરહાજરીને લીધે છે. આત્મશ્રદ્ધા સર્વ કંઈ કરશે. મેં મારા જીવનમાં તે અનુભવ્યું છે અને હજી અનુભવી રહ્યો છું; અને જેમ જેમ હું ઉંમરમાં વધતો જાઉં છું તેમ તેમ મારી એ શ્રદ્ધા વધુ ને વધુ દૃઢ થતી જાય છે. જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માને તેને નાસ્તિક કહેતા; નવો ધર્મ કહે છે કે જેને પોતામાં આત્મશ્રદ્ધા નથી તે નાસ્તિક છે. પરંતુ એ શ્રદ્ધા સ્વાર્થી શ્રદ્ધા નથી, કારણ કે પાછો વેદાંતનો સિદ્ધાંત એકત્વનો છે. તેનો અર્થ સર્વમાં શ્રદ્ધા એવો થાય છે. કારણ કે તમે સર્વરૂપ છો. તમારા પોતા પર પ્રેમનો અર્થ છે સહુ પ્રત્યે પ્રેમ, પશુઓ પ્રત્યે પ્રેમ, દરેક વસ્તુ પ્રત્યે પ્રેમ; કારણ કે, તમે સહુ એક છો. (૭.૨૮૮)

Total Views: 110
By Published On: January 1, 2014Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram