સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા

૧૯૮૫ની ૨૫ માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે આપેલ ભાષણના ટેપરેકોર્ડીંગમાંથી અદિતિ લાહિડી દ્વારા કરાયેલ બંગાળી અનુલેખનનો અંજુબહેન ત્રિવેદીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

ૐ સ્થાયકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણે —।
અવતારવરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમ: —।

સ્મૃતિચારણ કરતાં મારા મનમાં પ્રથમવાર મેં તેમને (પ્રભુ મહારાજને) જોયા, જે લગભગ ૪૫ વર્ષ પહેલાંની વાત છે, તે યાદ આવે છેે. હું તેમની પાસે જ્યારે પણ ગયો છું, ત્યારે કોઈપણ પ્રકારનો સંકોચ નહોતો થતો. પોતાના હોય તેવું લાગતું. અદ્વૈત આશ્રમના સામાન્ય કર્મીથી શરૂઆત કરીને ત્યાંના અધ્યક્ષ બન્યા તેમજ બેલુર મઠમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે આવ્યા, તે જ સમયે હું જ્યારે અદ્વૈત આશ્રમમાં હતો ત્યારે તેમની પાસે ઘણીવાર આવ્યો હતો. હું નિ:સંકોચપણે વાત કહેતો. પાસે આવતાં જ તેઓ કામકાજની વાતો વિશે જિજ્ઞાસા વ્યક્ત કરતા: કેવી રીતે પબ્લિકેશન થાય છે, વેચાણ (સેલ્સ) કેવું થાય છે, કેવી રીતે શું થાય છે કે નથી થયું. તે પ્રસંગે તેઓ કહેતા કે, પુસ્તક પેકીંગ કરવાથી શરૂ કરીને તેને ઉપાડી લઈ જઈને તેની ડિલિવરી કરવા સુધીનું બધું જ કામ એક વ્યક્તિએ કરવું પડતું. જો કે એક જણ માટે આ સંભવ નહોતું, છતાં કરવું પડતું. ત્યારે જેઓ અદ્વૈત આશ્રમના અધ્યક્ષ હતા તેઓએ એક દિવસ કહ્યું, ‘જુઓ, પ્રભુ મહારાજ પાસે છત્રી નથી. તેઓ આસિસ્ટન્ટ સેક્રેટરી છે, તેમને બહાર જવું પડે. તું મારી પાસેથી પૈસા લઈ જઈને એક છત્રી ખરીદીને તેમને આપી દેજે. જો કે તેઓ તો પાછા કોઈને આપી દેશે. તો પછી શું કરવું કહે તો ?’ મેં કહ્યું, ‘નામ લખી દઈશ. પછી તેઓ કોઈને આપી દે તો પણ તેમનું નામ લખેલું હશે તો આપી નહીં શકે.’ હું એક છત્રી લઈ આવીને, તેમને કહ્યા વગર તેમના ઓરડામાં સાંજના સમયે ગયો. તેઓ જે ઓરડામાં રહેતા તેના ઉપર એક નાનો ઓરડો હતો, તેમાં તે રહેતા. મેં ચાવી માગતાં કહ્યું, ‘કંઈ રાખવું છે કે શું ?’ મેં કહ્યું, ‘હા, કંઈક છે.’ હું તે ઓરડામાં છત્રી રાખીને ચાવી પાછી આપીને ચાલ્યો ગયો. બીજે દિવસે સવારમાં ફોન કર્યો : ‘દાતાએ દાન કર્યું છે, લેનાર હવે સ્વાધીન, તે જેમ સારું લાગે તેમ કરી શકે.’ મેં કહ્યું, ‘તે ન થઈ શકે, આ તો કંડિશન છે.’ ‘એટલે ?’ ‘તમે છત્રી ખોલી નથી ?’ ‘ના, ખોલી નથી.’ ‘ખોલીને જુઓ, નામ લખ્યું છે.’ ‘ઓહ ! તો હવે શું થશે ? હું આ સુંદર છત્રીનો ઉપયોગ કરીશ અને જેઓ જનરલ સેક્રેટરી – માધવાનંદજી છે તેમની છત્રી તૂટેલી છે, તો મારા માટે આ નવી છત્રી વાપરવી યોગ્ય નથી. તેમને નવી છત્રી આપવામાં ન આવે ત્યાં સુધી મારા માટે આનો ઉપયોગ કરવો શક્ય નથી.’ અવશ્ય ! પછી એક છત્રી તેમને પણ આપવામાં આવી.

બીજા એક દિવસની ઘટના યાદ આવે છે. ખૂબ પછીની વાત, ત્યારે તેઓ પ્રેસિડન્ટ હતા. તેઓ ઊટીમાં હતા. ત્યાં ઠાકુરની મૂર્તિપ્રતિષ્ઠા થઈ હતી. ઘણા સાધુ-બ્રહ્મચારી સંમિલિત થયા હતા. બીજે દિવસે સવારે અમે પાછા ફરવાના હતા. મેં સંધ્યા આરતી પછી કહ્યું, ‘મહારાજ, આપ અહીંયાં છો તે અમારું મહાસૌભાગ્ય છે. સાધુ-બ્રહ્મચારીઓ આપની પાસે આવીને બેસશે, આપ તે લોકોને કંઈક કહો.’ વિનંતી કરવાથી તેઓ રાજી થયા. તે દિવસે વાત વાતમાં તે લોકોને તેમણે કહ્યું હતું. ‘આજકાલ તમને કોઈને કંઈક કામની વાત કહેતાં કોઈને કોઈ બહાનાં આપો છો કે હું તો આ કામ નથી જાણતો, મેં તો ક્યારેય કર્યું નથી, એવું બધું. પરંતુ અમારા વખતમાં આવું કંઈ નહોતું. અમે જ્યારે આવ્યા ત્યારે જે કામ કરવાનું કહેતા, તે માટે અમે અમને ‘ખબર નથી’ કે ‘કર્યું નથી’ એવું અમે ક્યારેય કહ્યું નથી. સોંપેલ કામ કરવાનો અમે પ્રયત્ન કરતા તથા શીખી લેતા. મદ્રાસ મઠમાં જ્યારે આવ્યો હતો ત્યારે હું લગભગ ચાર વર્ષ ત્યાં હતો. બે વર્ષથી વધારે સમય મારે રસોઈ કરવી પડી હતી. ઘણીવાર રસોયો ચાલ્યો જતો. ત્યાં ઠાકુરને ભોગ દેવાનો હોવાથી રસોઈનું કામ કરવું પડતું.’

ઉપરાંત કહ્યું હતું, ‘ઘણો સમય અમે ઠાકુર પૂજા કરતા રહેતા, જાણે ઠાકુર આપણા છે. આપણે તો ઠાકુર માટે છીએ, તે આપણે ભૂલી જઈએ છીએ. ત્યાંની શશી મહારાજની એક ઘટના કહી હતી. ‘શશી મહારાજ જ્યારે મદ્રાસમાં હતા ત્યારે જે બ્રહ્મચારી પૂજા કરતા, તેઓ ઠાકુરને ભોગ અર્પણ કરી થોડો સમય રહીને પછી બીજા એક કામ માટે ચાલ્યા ગયા. બરાબર તે સમયે શશી મહારાજે ખબર લીધી કે તે બ્રહ્મચારી ક્યાં ગયા ! બ્રહ્મચારીને ત્યાં ન જોતાં, શોધતા શોધતા તેઓ જ્યાં હતા ત્યાં ગયા. તેમને ત્યાંથી પાછા લઈ આવીને કહ્યું, ‘ઠાકુરની પાસેથી તમે ચાલ્યા ગયા, કદાચ તે સમયે જ કંઈક જરૂર પડે તો તેઓ કોને કહેશે ?’ ઠાકુરપૂજા જ્યારે કરો ત્યારે પૂરું મન લગાવીને તમારે તે કામ કરવું જોઈએ.’

બેલુર મઠમાં પ્રભુ મહારાજના સેવકને અમે મંદિરમાં ઠાકુરની સેવા માટે નિયુક્ત કરવાની વિનંતી કરી. તેથી મહારાજ આનંદથી રાજી થયા તથા પોતે આવીને ઠાકુરની પાસે તેમને અર્પણ કરીને તેમની સેવામાં નિયુક્ત કર્યા હતા. તે સેવક વચ્ચે વચ્ચે મહારાજ પાસે જતા. તેઓએ તેમને ખિજાઈને કહ્યું : ‘તમે મારી પાસે ન આવતા. જ્યારે પૂજા કરો છો ત્યારે ત્યાં જ રહેજો.’ જ્યારે તે સેવક કહેતા : ‘અત્યારે મારો વારો નથી, બીજા કરે છે.’ ત્યારે કહ્યું : ‘કદાચ તેમને કાંઈ જરૂર પડશે, ત્યારે તમે નહીં મળો તો ?’ ઠાકુરસેવા પ્રત્યે તેમની આવી અગાધ શ્રદ્ધા, નિષ્ઠા તથા એકાગ્રતા, તે ખૂબ શિક્ષાપ્રદ છે.

મહારાજ જ્યારે માયાવતીમાં અધ્યક્ષ હતા ત્યારે ત્યાં એડિટર સ્વામી પવિત્રાનંદ હતા. તેઓ ખૂબ નિયમ, નિષ્ઠા તથા શિસ્ત મુજબ ચાલનારા હતા. જ્યારે જે કામ કરવાનું નક્કી થાય તે સમયે ત્યાં ઉપસ્થિત રહેતા. માયાવતીના જીવનમાં કંટાળાજનક સમય વિતાવવા માટે તેઓ વચ્ચે વચ્ચે થોડી મજા પણ કરતા. એક વખતની ઘટના મહારાજે કહી હતી : ‘પવિત્રાનંદજીને લઈને મોટી મુશ્કેલી થઈ હતી. જેવો ઘંટ પડે કે તરત જ તેઓ જઈને ડાઈનિંગ હોલમાં બેસતા, પરંતુ અમને થતું બીજા કામમાં વ્યસ્ત રહ્યા છીએ તેથી શરમ પણ આવતી. એક દિવસ તેમને થોડી મજાક કરી. ઘડિયાળનો કાંટો ફેરવી નાખ્યો. કાંટો ફેરવવાથી સ્નાન માટેનો ઘંટ વહેલો પડી ગયો. તે સમયમાં પણ તે કામ ન થયું. જેવો સ્નાનનો ઘંટ પડ્યો કે તરત જ સ્નાન કરવા જવું પડ્યું. તેઓએ પોતાની ઘડિયાળ ન જોઈ. ઘંટ સાંભળીને તેઓ તૈયાર થઈ સ્નાન કરવા ગયા. ત્યારે હાંડીમાં ગરમ પાણી રહેતું. ત્યાં જઈને જોયું તો પાણી ઠંડું, લાકડાં સળગાવ્યાં પરંતુ એટલું જલદી તો પાણી ગરમ થાય નહીં. થોડીવાર કામમાં સમય વિતાવવો પડશે. આ બાજુ જમવાનો ઘંટ પડી ગયો છે. જ્યારે તેઓ સ્નાન પતાવીને આવ્યા ત્યારે બધાએ પ્રશ્ન કર્યો, ‘શું થયું મહારાજ ? આજે આપને બહુ મોડું થયું ? શું થયું ?’ તેઓ તો આશ્ચર્યચકિત ! પરંતુ કંઈ બોલી શક્યા નહીં અને સમજી પણ ન શક્યા કે શું થયું છે?

બીજા એક દિવસની ઘટના. સવારના બ્રેકફાસ્ટના ટેબલે બધા આવ્યા છીએ. બધા જાણીજોઈને વધારે ગરમ કપડાં પહેરીને આવ્યા. જરૂરત નહોતી છતાંય પહેર્યાં. તેઓ સામાન્ય કપડાં પહેરીને આવ્યા. તેમને જોઈને બધા બોલ્યા, ‘શું થયું ? તમને શું થયું છે ? ઠંડી નથી લાગતી ?’ તેઓ કંઈ બોલ્યા નહીં. ઉપર જઈને ખૂબ વધારે ગરમ કપડાં પહેરીને જ્યારે નીચે આવ્યા, ત્યારે બાકીના બધાએ વધારે ગરમ કપડાં કાઢી નાખ્યાં. એટલે કે સ્વાભાવિક અવસ્થામાં આવી ગયા હતા. આ રીતે ઘણીવાર તેઓ આમોદ-પ્રમોદ કરતા. પ્રભુ મહારાજ એ બધામાં સામેલ નહોતા થતા, છતાં તેઓની વચ્ચે હતા. (ક્રમશ:)

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.