૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મ-પરિષદ માટે સ્વામી વિવેકાનંદે આરંભેલી સફરનો દશકો સમગ્ર માનવજાત માટે એક મહત્ત્વનો દશકો બની રહ્યો છે. ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામીજીના મહાનિર્વાણ સાથે પૂરા થયેલા આ દશકા દરમિયાન તેમના જીવનમાં અનેક મહત્ત્વની ઘટનાઓ બની ગઈ હતી.

વિશ્વધર્મ-પરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરની શતાબ્દીની ઉજવણીની મંગળ શરૂઆત રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુડગાછી, કોલકાતા દ્વારા તારીખ ૩૧મી મેથી ૨ જૂન, ૧૯૯૩ દરમિયાન કરવામાં આવી હતી. વિશ્વધર્મ-પરિષદ સમક્ષ સપ્ટેમ્બર, ૧૮૯૩માં સ્વામીજીનું ઉપસ્થિત થવું એ જ એક અતિ મહત્ત્વની ઘટના હતી. ત્યાર બાદ પણ તેમના જીવનના ઘણા મહત્ત્વના પ્રસંગો એક દશકા સુધી બનતા રહ્યા. સ્વામીજી ઇચ્છતા હતા કે બધા જ ધર્મો સાચા છે, તેમ સ્વીકારીને માનવજાતમાં એકતા લાવવી. આથી ઈ.સ. ૧૯૯૩ થી ૨૦૦૨ સુધીના દશકાની આપણે ‘માનવજાતિ એકતા દશક : ૧૯૯૩-૨૦૦૨’ તરીકે ઉજવણી કરીએ. એની સાથોસાથ ગયા શતકમાં, ૧૮૯૩ થી ૧૯૦૨ના દશકા દરમિયાન સ્વામી વિવેકાનંદના જીવનના અગત્યના બનાવો, જેવા કે વિશ્વધર્મ-પરિષદમાં તેમની હાજરી, ભારતમાં પુનરાગમન અને રામકૃષ્ણ મિશનની સ્થાપના વગેરેની શતાબ્દીની પણ ઉજવણી થઈ શકે.

વિશ્વધર્મ-પરિષદની ૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩ની આખરી બેઠકમાં સ્વામીજીએ જે ત્રણ ઉદ્ઘોષણા કરીને ત્રણ સૂત્રો આપ્યાં હતાં, તે સૂત્રોને પણ ૧૯૯૩-૨૦૦૨ના દશકમાં સૂત્રો તરીકે અપનાવવાં જોઈએ :

‘સહાય; પરસ્પર વેર નહીં’; ‘સમન્વય; વિનાશ નહી’; ‘સંવાદિતા અને શાંતિ; કલહ નહીં.’

૧૮૯૩ના સપ્ટેમ્બરમાં વિશ્વધર્મ-પરિષદમાં સ્વામી વિવેકાનંદ ઉપસ્થિત રહ્યા તે કેવળ ભારત માટે જ નહિ પણ સમસ્ત વિશ્વને માટે એક અતિ મહત્ત્વનો પ્રસંગ હતો, કારણ કે ત્યારે સ્વામીજીએ વિશ્વધર્મ-પરિષદ સમક્ષ ‘બધા જ ધર્મો સાચા છે’ એવો સંદેશ રજૂ કર્યો હતો જે દુનિયા માટે તદ્દન નવો જ હતો. તદુપરાંત સ્વામીજીએ જગતના ધર્મસંમેલનમાં હાજરી આપી અને પશ્ચિમના દેશોમાં પરિવ્રાજક ધર્મગુરુ તરીકેની ભૂમિકા પણ ભજવી હતી. તેમનાં આ કાર્ય અને ધર્મપ્રચાર દ્વારા ભારતને કીર્તિ પ્રાપ્ત થઈ, કારણ કે આ રીતે જ દુનિયાને ખબર પડી કે ભારતની આધ્યાત્મિક સંપત્તિ કેટલી વિપુલ છે! વિશ્વધર્મ-પરિષદ સમક્ષ સ્વામી વિવેકાનંદની હાજરીની શતાબ્દીની ઉજવણી ભારતમાં જ નહીં, પરંતુ જગતના અન્ય ભાગોમાં પણ થઈ રહી છે.

ભારતમાં પરિભ્રમણ પૂરું કર્યા પછી સ્વામીજીએ ૩૧મી મે, ૧૮૯૩ના રોજ જહાજ મારફત વિશ્વધર્મ-પરિષદમાં હાજરી આપવા માટે પ્રયાણ કર્યું હતું. આથી એ દિવસ કેવળ ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે ધન્ય દિવસ હતો. શ્રીરામકૃષ્ણનો આદેશ દિવ્યદર્શન દ્વારા પ્રાપ્ત કર્યા પછી જ સ્વામીજીએ વિશ્વધર્મ-પરિષદની યાત્રા આરંભી હતી. આવો વિદેશપ્રવાસ કરવા માટે શ્રીમાનો આદેશ તેમને મળ્યો હતો, કારણ કે શ્રીમાને પણ શ્રીરામકૃષ્ણે દિવ્યદર્શન દ્વારા વિવેકાનંદને આવો પ્રવાસ કરવા દેવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

વિશ્વધર્મ-પરિષદમાં સ્વામી વિવેકાનંદે હાજરી આપી તે દિવસના શતાબ્દી ઉત્સવના પ્રારંભરૂપે શ્રીરામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુરગાછી, કોલકાતા દ્વારા ૩૧મી મે, ૧૯૯૩ના રોજ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા અને ત્યાર બાદ ૧ તથા ૨ જૂન, ૧૯૯૩ના રોજ અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા.

આ ઉજવણી એક મહત્ત્વના સ્થાનમાં થઈ રહી છે. કોલકાતામાં રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુડગાછીની સ્થાપના શ્રીરામકૃષ્ણના વિશિષ્ટ શિષ્ય શ્રીરામચંદ્ર દત્તે ૧૮૮૩માં કરી હતી. શ્રીરામકૃષ્ણે આ સ્થળની મુલાકાત લઈને તેને પાવન પદ આપ્યું હતું. ત્યાં તેમનાં પવિત્ર સ્મૃતિચિહ્નોને રાખવામાં આવ્યાં છે. આ દૃષ્ટિએ વિશ્વધર્મ-પરિષદની સ્વામી વિવેકાનંદની યાત્રાના પ્રયાણની શતાબ્દીની ઉજવણી જે સ્થળે થઈ રહી છે તેનું પણ વિશેષ મહત્ત્વ છે.

ભારતના પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદને હિન્દની આધ્યાત્મિક સંપત્તિનું દર્શન થયું હતું. એટલું જ નહીં પણ તેમને દેશબાંધવોનાં કંગાલિયત અને ક્ષ્ટો પણ જોવા મળ્યાં હતાં. તેથી જ એમણે કહ્યું, ‘ગરીબ, અભણ, અજ્ઞાની અને રોગી આ બધાંને જ તમારા દેવ ગણો; અને એટલું જાણો કે આ લોકોની સેવા એ જ કેવળ તમારો ધર્મ છે.’ તેમણે આગળ કહ્યું, ‘હું દરિદ્ર, દલિત અને અજ્ઞાનીને ચાહું છું. મને તેના ઉપર કેટલો ભાવ છે, તે કેવળ ઈશ્વર જ જાણે છે!’

તેઓ પોતાના દેશબાંધવોને ચાહતા હતા એટલું જ નહીં, પણ તેમને વતન ઉપર પણ અમાપ પ્રેમ હતો. સ્વામી વિવેકાનંદના દેશપ્રેમને સિસ્ટર નિવેદિતાએ આ શબ્દોમાં વર્ણવ્યો છે :

‘તેઓ પશ્ચિમના પ્રવાસે હતા, ત્યારે ભારતનાં કોઈ દૂરના ગામડા પાસે ઊભા રહીને ત્યાંના મધુર અવાજને, ત્યાં રમત રમતાં બાળકો ઝાડે ચડ્યાં હોય તેમનો ઘોંઘાટ, પશુઓના ગળે બાંધેલ ઘંટડીનો રણકાર, ગોવાળોના બચકારા અને વિવિધ મધુર ધ્વનિ તેમજ ઢળતી સંધ્યા સમયે ગામડામાં સંભળાતા અનેક પ્રકારના રણકારોને સાંભળવા માટે તેઓ કેટલું બધું ઝંખતા હતા તેની તેમણે અમને વાત કરી હતી. તેમને દેશનો કેટલો અસાંગરો લાગ્યો હતો!’

પોતાના દેશ અને દેશબાંધવો પ્રત્યેની અપાર લાગણીએ જ તેમને મહાન દેશભકત બનાવ્યા હતા. દેશની આઝાદી માટે લડતા સૌ કોઈ સ્વાતંત્ર્યવીરો અને રાજનીતિજ્ઞો તેમનાં લખાણો અને ભાષણોમાંથી પ્રેરણા મેળવતા હતા.

દેશપ્રેમને લીધે જ તેમણે અમેરિકાથી સ્વામી રામકૃષ્ણાનંદને લખ્યું, ‘આપણો દેશ સામાજિક ગુણોમાં કંગાલ છે, એવી જ રીતે અમેરિકામાં આધ્યાત્મિકતાનો અભાવ છે. હું તેમને આધ્યાત્મિકતા આપું અને તેઓ મને ધન આપે.’ સ્વામી વિવેકાનંદને પોતાના માટે ધનની જરૂર ન હતી. પરંતુ પોતાના દેશના દલિત અને કંગાળ લોકો માટે તેમને ધન જોઈતું હતું.

માતૃભૂમિ અને દેશવાસીઓ પ્રત્યેના ઉત્કટ પ્રેમે જ તેમને તા. ૨૦ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મ-પરિષદ સમક્ષ આ શબ્દો બોલવા પ્રેર્યા હતા : ‘પૂર્વના દેશોની મુખ્ય ઊણપ ધર્મ નથી. ધર્મ તો તેમની પાસે પૂરતા પ્રમાણમાં છે જ. પરંતુ દુ :ખ અને પીડાના ભડકે બળી રહેલા ભારતના કરોડો ગરીબો પોતાનાં સૂકાં ગળાંના તરડાયેલા અવાજે રડી રડીને માગણી કરી રહ્યા છે, એ મહાન સમસ્યા છે.’ વિશ્વધર્મ-પરિષદ સમક્ષ હાજર થવા માટે સ્વામી વિવેકાનંદની અમેરિકા યાત્રાનો ૩૧મી મે, ૧૮૯૩ના રોજ થયેલો પ્રારંભ અને પરિવ્રાજક ધર્મગુરુની તેમણે આરંભેલી ભૂમિકા એ કોઈ આકસ્મિક કે અસંબદ્ધ પ્રસંગ ન હતો. આ મહાન ઘટના માટેની તૈયારીઓ તો ઘણા લાંબા વખતથી ચાલી રહી હતી.

પોતાને ગમે તેમ કરવાનું સ્વામીજીને કહેવાયું હોત તો તેમણે એકાંતવાસમાં ધ્યાનમગ્ન રહેવાનું જ પસંદ કર્યું હોત. પરંતુ જગતમાં તેમણે જે ભૂમિકા અદા કરવાની હતી તે અંગે શ્રીરામકૃષ્ણે જ પહેલેથી નક્કી કરી રાખ્યું હતું. જ્યારે સ્વામી વિવેકાનંદે પોતાની સર્વોચ્ચ મહેચ્છા પરમાત્મપ્રાપ્તિની છે એમ જણાવ્યું ત્યારે શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું, ‘હે વત્સ, એથી પણ કંઈક વિશેષ મહાન કાર્ય માટે તારો જન્મ થયો છે.’

કાશીપુર ઉદ્યાનવાટીમાં પોતે અત્યંત ગંભીર બીમારીગ્રસ્ત હતા, ત્યારે જ શ્રીરામકૃષ્ણદેવ પોતાના શિષ્યોએ જે ભૂમિકાઓ ભજવવાની હતી એ માટે તૈયારી કરી રહ્યા હતા. આ દિવસો દરમિયાન તેમણે કાગળની એક ચબરખી મગાવી અને તેના ઉપર લખ્યું, ‘નરેન (સ્વામી વિવેકાનંદ) બીજાઓનો ગુરુ બનશે.’ પોતે પાર્થિવદેહનો ત્યાગ કર્યો એ પહેલાંના ત્રણ-ચાર દિવસ પૂર્વે નરેનને બોલાવ્યા અને પોતાની સાથે એકલા રહેવાની આજ્ઞા આપી. આ પછી શું બન્યું, તેનું વર્ણન શ્રી રોમાં રોલાંએ પોતાના પુસ્તક ‘Life of Shri Ramakrishna’માં કર્યું છે. આ વર્ણન અનુસાર શ્રીરામકૃષ્ણે નરેન તરફ પ્રેમથી જોયું અને તે સમાધિમાં ડૂબી ગયા. આ સમાધિએ નરેનને પણ વશીભૂત કરી દીધા. જ્યારે નરેન એની પ્રભાવછાયામાંથી બહાર આવ્યા ત્યારે જોયું તો શ્રીરામકૃષ્ણની આંખમાં અશ્રુઓ હતાં.’ રોમાં રોલાંએ ઉમેર્યું છે કે ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું, ‘આજે મેં તને મારું સર્વસ્વ આપી દીધું છે અને હવે હું તદ્દન ગરીબ ફકીર થઈ ગયો છું. આ શક્તિ દ્વારા તું જગતમાં ખૂબ જ કલ્યાણકાર્યો કરશે અને તે કાર્યો પૂરાં નહીં થાય ત્યાં સુધી તું પાછો નહીં ફરે.’

આ એ શક્તિ છે કે જેના દ્વારા સ્વામી વિવેકાનંદે ‘ભારત પરિભ્રમણ’ પૂરું કર્યું તથા અમેરિકામાં વિશ્વધર્મ-પરિષદમાં ભાગ લેવા માટે પ્રયાણ કર્યું અને પશ્ચિમના દેશો સમક્ષ પરિવ્રાજક ધર્મગુરુની ભૂમિકા ભજવી.

Total Views: 287

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.