(ગતાંકથી આગળ…)

આટલું જ નહીં અન્ય સંન્યાસીઓ આશ્રમના કામમાં સહયોગ કરતા રહેતા હતા. દૃષ્ટાંત તરીકે : કેટલાંક વર્ષોથી સ્વામી નિશ્ચયાનંદજીએ સ્વામી વિવેકાનંદની આરસની એક પ્રતિમા માટે ઘણી જ ઓછી રકમ એકત્ર કરી હતી. જ્યારે હું ત્યાં હતો ત્યારે મેં કલ્યાણ સ્વામીને પૂછ્યું, ‘આ રકમ કેટલી છે?’ તેમણે કહ્યું, ‘નિશ્ચય (મહારાજ) સ્વામીજીની આરસની એક મૂર્તિ સ્થાપિત કરવા ઇચ્છતા હતા. જુઓ, આ આટલા આશ્રમના સ્થાનને તેમણે જ વ્યવસ્થિત કર્ર્યું; તેના મધ્યમાં આધાર છે, ત્યાં જ તેઓ પ્રતિમાને સ્થાપવા ઇચ્છતા હતા. પરંતુ તેમને વધુ રકમ મળી નહીં.’ આ રકમ લગભગ બે હજાર રૂપિયા હતી. મેં આ રકમને અલગ રાખી અને જ્યારે કોઈ કશું આપતા તો હું આ રકમમાં તે ઉમેરી દેતો. ધીરે ધીરે આ રકમ ચાર-પાંચ હજાર રૂપિયા થઈ ગઈ. મારા કરાંચી જવા પછી આ ભંડોળને સામાન્ય ખાતામાં મેળવી દીધી. મને જાણ થતાં મેં જણાવ્યું, ‘નહીં, તમને આવું કરવાનો કોઈ અધિકાર નથી. તે મહાન સ્વામી એક પ્રતિમા ઇચ્છતા હતા. એટલે એ ભંડોળની રકમને એમ જ રહેવા દો. વ્યાજ ઉમેરાવા દો. પછી કોઈ આવીને આ કામ કરશે.’ આ સન ૧૯૪૪ કે ૧૯૪૫ની વાત છે. જ્યારે સ્વામીજીની જન્મશતાબ્દી ઉજવવાની હતી ત્યારે તેમણે આ ભંડોળની રકમ હિસાબોના ખાતામાંથી શોધી કાઢી. નિશ્ચયાનંદજી અને અમારા સહુના પરિચિત કેટલાક સ્થાનિક સંન્યાસીઓએ કહ્યું, ‘અમે પ્રતિમા માટે વધુ રકમ એકત્ર કરવાનું શરૂ કરી રહ્યા છીએ.’ તેમણે ભંડોળ મેળવ્યું અને મોટી સુંદર પ્રતિમા આપી. આના પરથી સમજી શકાય છે કે સ્થાનિક સંન્યાસીઓ પાછળથી કેવી રીતે સમર્પિત થયા હતા.

‘સર્વપ્રથમ આ એક હોસ્પિટલ છે’

સન ૧૯૧૬માં બ્રહ્માનંદ મહારાજ પુન: પધાર્યા, તે સમયે ક્ષયના દર્દીઓ માટે એક ભવન નિર્મિત કરવામાં આવી રહ્યું હતું. આ એક વિશાળ ઓરડા સાથેનું સુવિધાપૂર્ણ અને મોટું ભવન હતું. જ્યારે મહારાજે આવીને તેને જોયું હતું તે સમયે તેનું ઉદ્‌ઘાટન નહોતું થયું. તેમણે કહ્યું, ‘આ ભવન સુંદર છે. આપણે દુર્ગાપૂજા અહીં કરીએ.’ એટલે દુર્ગાપૂજા ત્યાં જ કરવામાં આવી અને સહુએ તેનો આનંદ માણ્યો. પછી મહારાજે કહ્યું, ‘કલ્યાણ, આ મંદિર માટે યોગ્ય જગ્યા છે. અહીંયાં લોકો આવશે.’ કલ્યાણ મહારાજ કશું બોલ્યા નહીં. મહારાજે કનખલ આશ્રમમાં જ સેવા અને તપસ્યાનું જીવન શરૂ કરનાર પોતાના શિષ્ય સ્વામી દુર્ગાનંદજી સહિત ત્યાંના અન્ય સંન્યાસીઓને પણ આ જણાવ્યું. જ્યારે મહારાજ ચાલ્યા ગયા ત્યારે બે કે ત્રણ સંન્યાસીઓએ સ્વામી કલ્યાણાનંદજીને કહ્યું, ‘મહારાજ આ ભવનને મંદિર માટે ઇચ્છે છે.’ કલ્યાણ સ્વામીએ જવાબમાં કહ્યું, ‘જુઓ, મેં જનતા પાસેથી ક્ષયરોગના દર્દીઓના વિભાગ (ઠફમિ) માટે ભંડોળ લીધું છે. હું તેનો અન્ય કોઈ હેતુ માટે ક્યારે પણ ખર્ચ કરીશ નહીં. આ ભવન તે જ કામ માટે છે. એમાં શંકા નથી કે મહારાજની ઇચ્છા છે. પરંતુ મહારાજની ઇચ્છાથી પણ આવશ્યક છે કે તમે પૈસા કયા ઉદ્દેશ્યથી એકત્ર કર્યા છે. એટલે તે જ ઉદ્દેશ્યને પૂર્ણ કરવો જોઈએ. આ એક હોસ્પિટલ છે.’ એટલે તે ભવન દર્દીઓ માટે રાખવામાં આવ્યું.

કલ્યાણ મહારાજનો સ્વામી બ્રહ્માનંદ
(રાજા મહારાજ) પ્રત્યે આદર

સ્વામી બ્રહ્માનંદજી કનખલ પધારેલા ત્યારે તેમના ઉપયોગ માટે એક ખાસ ખુરશી બનાવવામાં આવી હતી અને વર્ષો સુધી બીજા કોઈને તેના પર બેસવા દેવામાં આવ્યા ન હતા. સન ૧૯૩૫માં જયારે હું ત્યાં ગયો, ત્યારે પણ તે ખુરશી ત્યાં જ હતી. આ એક જૂની ખુરશી હતી અને કોઈએ આના પર ફરીથી રંગ કર્યોે ન હતો. આ અંગેના તથ્યને ન જાણતા હોવા છતાં પણ મેં કલ્યાણ મહારાજને કહ્યું, ‘આ ખુરશી તો તૂટેલી સ્થિતિમાં છે, આપણે તેનું સમારકામ કરાવવું જોઈએ, અથવા નહીં તો તેને દૂર કરવી જોઈએે.’ તેમણે કહ્યું, ‘આને દૂર કરવી જોઈએ? આ જ ખુરશી પર તો મહારાજ બેસતા હતા.’ કલ્યાણ મહારાજ રોજ મંદિરમાં જતા, પાછા આવતા, ખુરશીનો સ્પર્શ કરતા અને પોતાના ઓરડામાં પાછા ફરતા. મેં તેમને ફરી પૂછ્યું, ‘શું આના પર થોડો રંગ, વારનિશ વગેરે કરી દઉં.’ તેમણે કહ્યું, ‘હા, પણ તેને ક્યાંય છુપાવતો નહીં, ત્યાં જ રાખજે.’ એટલે અમે તેને સારી રીતે સાફ કરીને તેના પર લખી પણ દીધું : ‘આના પર કોઈ ન બેસે.’ કલ્યાણ સ્વામીએ અમને જણાવ્યું કે મહારાજ તેના પર બેસતા રહે છે. તેઓ એવું માનતા હતા. મેં તેમની સાથે ક્યારેય તર્ક-વિતર્ક કર્યો નહીં.

દેશી ઔષધિઓનો પ્રયોગ

સન ૧૯૧૫માં મહાત્મા ગાંધી હોસ્પિટલ જોવા આવ્યા હતા, તેઓ તાજેતરમાં જ થયેલા યુદ્ધમાં દર્દીઓ-ઘાયલોને લઈ જવાની સેવા કરીને ઈંગ્લેન્ડથી આવ્યા હતા. તેમણે આશ્રમની મુલાકાતીઓની નોંધપોથીમાં લખ્યું : ‘આયાત કરેલી દવાઓને બદલે દેશી ઔષધિઓનો ઉપયોગ કરો.’ તેઓ આ બાબતે ઘણી કાળજી રાખતા. ત્યારે નિશ્ચયાનંદજીએ આયુર્વેદની કેટલીક અતિ ઉત્તમ ઔષધિઓ મેળવવાનો પ્રારંભ કર્યોે અને તેઓ તેને ઉપયોગમાં લેવા લાગ્યા. હું હંમેશાં એક આવી જ ઔષધિને ન્યુમોનિયાના દર્દીઓના ઈલાજ માટે ઉપયોગમાં લેતો હતો. તેને એક વૃક્ષની છાલને ઉકાળીને તૈયાર કરવામાં આવતી હતી. આ લેઈ બનાવીને જ્યારે તેને લગાડવામાં આવતી તો એ ૨૪ કલાક સુધી ગરમ રહેતી. આ આયુર્વેદિક ઔષધિના પ્રયોગ પહેલાં એક એલોપેથિક દવાનો ઉપયોગ કરવામાં આવતો હતો જેની અસર આઠ-દસ કલાક રહેતી હતી; એ પછી ફરીથી તેને લગાવવી પડતી. નિશ્ચયાનંદજીને આવી કેટલીક ઔષધિઓની જાણ-ઓળખ હતી. પછીથી કોઈને એની જાણ રહી નહીં. અમે તો તે અંગે થોડુંક જ સાંભળ્યું હતું.

ભાતૃભાવ અને સન્માન

તેઓ અને કલ્યાણ મહારાજની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હતા. મેં જે સાંભળ્યું તે અદ્‌ભુત હતું. નિશ્ચયાનંદજી તેમનો આદર કરતા હતા. મારી જાણ મુજબ નિશ્ચયાનંદજી ઉંમરમાં કલ્યાણાનંદજીથી મોટા હતા. કોઈએ મને બતાવેલું કે વરિષ્ઠ હોવા છતાં પણ તેઓ કલ્યાણાનંદજીની આજ્ઞાનું પાલન કરતા હતા. એટલું જ નહીં – સન ૧૯૩૫માં જ્યારે હું ત્યાં ગયો ત્યારે કલ્યાણ સ્વામીજીના ઓરડામાં આવતો-જતો રહેતો. કેટલાક સંન્યાસીગણને આ વાત ગમી નહીં અને તેમણે મને કહ્યું, ‘તારે તેમના ઓરડામાં જવું જોઈએ નહીં. એટલે સુધી કે સ્વામી નિશ્ચયાનંદજી પણ ક્યારેય તેમના ઓરડામાં નથી ગયા; તેઓ તેમના ઓરડાની બહાર ઊભા રહીને જ તેમની સાથે વાતચીત કરતા હતા.’

એમાં કોઈ શંકા નથી કે કલ્યાણ મહારાજની શ્રીરામકૃષ્ણ, મા સારદા, સ્વામીજી તથા બધા સાધુઓ પ્રત્યે શ્રદ્ધા હતી. પરંતુ કઠણાઈ એ હતી કે તેઓ લગભગ ચૂપ રહેતા હતા. પોતાના આ સ્વભાવનો ક્યારેક જ અપવાદ કરીને કોઈની સાથે વાત કરતા. એટલે ઘણાને તેમના વિશે ગેરસમજ થયેલી; લોકો તેમનાં કાર્યોને સમજી ન શક્યા. તેઓ એક વાર પણ બેલુર મઠ ગયા નહીં. સન ૧૯૩૭માં જ્યારે બેલુર મઠનું મંદિર લગભગ તૈયાર થઈ ગયું હતું અને બીજા સંન્યાસીઓ ઇચ્છતા હતા કે તેઓ શ્રીરામકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આવે, તો તેમણે મને જવાનું કહ્યું, પરંતુ મેં કહ્યું, ‘તમારા વિના હું જઈશ નહીં. તેમણે તો મને આપને લઈને આવવાનું કહ્યું છે. ત્યારે તેમણે કહ્યું, ‘તું બહુ જીદી છો. તું કોઈના અનુરોધનું માન રાખીને પણ ઉપકાર કરતો નથી.’ જ્યારે હું કહેતો, ‘મોટા જીદી તો તમે છો.’ તો તેઓ હસી પડતા. મેં તેમને પૂછ્યું, ‘તમે બેલુર મઠ કેમ નથી જતા ?’ ત્યારે તેમણે મને સ્વામીજીની તે વાત કહી જેમાં સ્વામીજીએ તેમને બંગાળને ભૂલી જવા કહ્યું હતું.

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.