(ગતાંકથી આગળ…)

૧૭ ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ કેમ્બ્રિજમાં પોતાની આ મહાન સંકલ્પના વિશે બોલતાં સ્વામીજીએ કહ્યું હતું :

‘આર્ય સંસ્કૃતિના ત્રણ પ્રકાર જોવા મળે છે : રોમન, ગ્રીક અને હિંદુ. રોમન સંસ્કૃતિની વિશિષ્ટતા છે વ્યવસ્થા, વિજય, સ્થિરતા – પણ એનામાં ભાવનાત્મક પ્રકૃતિનો, સૌંદર્યદૃષ્ટિનો અને ઉચ્ચતર ભાવનાઓનો અભાવ છે, તેનું દૂષણ છે ક્રૂરતા. ગ્રીક સંસ્કૃતિ તત્ત્વત: સૌંદર્ય માટે અતિઉત્સાહી સંસ્કૃતિ છે અને અનૈતિકતાના વલણવાળો છે. હિંદુ સંસ્કૃતિ તત્ત્વત: આધ્યાત્મિક અને ધાર્મિક છે પણ કાર્યના અને વ્યવસ્થાના બધા અંશોની ઊણપવાળો છે.

આજે એંગ્લો સેકશનો રોમન પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે; બીજી કોઈપણ પ્રજાના કરતાં ફ્રેંચો ગ્રીક પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે; અને પુરાણા હિંદુઓ મરતા નથી ! આશાના આ નવા દેશમાં દરેક પ્રકારને લાભ છે. અહીં રોમનોનું વ્યવસ્થાતંત્ર છે, સૌંદર્ય માટેનો ગ્રીકનો અદ્‌ભુત પ્રેમ છે અને ધર્મની તથા પ્રભુપ્રેમની હિંદુની કરોડરજ્જુ છે. આ ત્રણેયનું બરાબર મિશ્રણ કરી નવી સંસ્કૃતિ પ્રગટાવો અને મારે કહેવું જોઈએ કે આ કાર્ય મહિલાઓએ કરવાનું છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૮. ૩૨૯)

યુ.એસ.એ.ના થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં ૧૮૯૫માં સ્વામીજીએ કહ્યું હતું કે ભૂતકાળમાં સ્ત્રીઓએ રાજનૈતિક, રાજશાસન અને દેશોના શાસનમાં પુરુષો કરતાં વધારે ઉચ્ચતર ભાગ ભજવ્યો છે અને છતાં પણ પોતાની નૈતિકતાનું ધોરણ ભાગ્યે જ નીચું ગયું છે. ઈશ્વરને અનંતશક્તિના સ્રોતસમા માતૃભાવે ભજવા જોઈએ. એ આપણને પવિત્રતા, શુદ્ધિ અને સર્વલક્ષી વિકાસ તરફ દોરી જશે. તેઓ માનતા હતા કે ભારત સૌથી વધારે નિર્બળ અને પછાત હતું કારણ કે ત્યાં ‘શક્તિ’નો અનાદર થતો હતો. એટલે જ તેઓ પુરુષોનો (રામકૃષ્ણ મઠ) થાય તે પહેલાં સ્ત્રીઓ માટે મઠ સ્થપાય એમ ઇચ્છતા હતા. સ્વામીજીએ ભારત વિશે કહ્યું છે કે તેણે વાસ્તવિક, વૈશ્વિક સમાજ તરફ ગતિ કરવા મહત્ત્વનો ભાગ ભજવવાનો છે. એમની દૃષ્ટિએ દરેક રાષ્ટ્ર આત્માનું એક જીવંત અસ્તિત્વ છે અને એને ભિન્ન ભિન્ન જીવન કાર્ય તેમજ ભાવિની પૂર્તિ કરવાની છે. ભારતનો આત્મા આધ્યાત્મિકતામાં રહેલો છે. અને તેણે આ આધ્યાત્મિકતાને આગળ લાવવાનું વૈશ્વિક મિશન-કાર્ય કરવાનું છે. આ કાર્ય એણે પોતાના રાષ્ટ્રિય આદર્શરૂપે કરવાનું છે અને એ આદર્શને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો છે. તેમણે એવા ભાવી ભારતની દૂરંદેશી સેવી હતી કે જે આધ્યાત્મિક દૃષ્ટિએ ઉજ્જવળ, આર્થિક સમૃદ્ધિ સાથે પગભર, સામાજિક સંવાદિતા અને વિજ્ઞાન-ટેક્નોલોજીની દૃષ્ટિએ સમૃદ્ધ બનીને બાકીના વિશ્વ સાથે સંવાદિતા સાધીને વિકસિત રાષ્ટ્ર બનશે.

૨. ગતિશીલ આત્મસન્માન પર આધારિત જીવંત આદર્શાેમાં કોરી બુદ્ધિમત્તા અને રૂઢિગત વિધિવિધાનોમાં પરિવર્તન લાવવું.

૨૧મી સદીનું નવું વલણ એ છે કે વિચારોને ઉપયોતિતા પ્રમાણે અને વૈશ્વિક રીતે ઓછામાં ઓછા પ્રયત્નોથી મેળવી શકાય એવું એક નવું વલણ કે નવો ઝોક જોવા મળે છે. ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીના વિકાસ સાથે પહેલાં કરતાં વધારે ઝડપથી અને સરળતાથી વિચારો કે આદર્શાે તૈયાર કોળિયાની જેમ મળી રહે છે. અલબત્ત એમાં પસંદગી કોની કરવી એની સમસ્યા નડે છે. આને પરિણામે આપણા જીવનના દૃષ્ટિકોણ સાથે અવારનવાર સંઘર્ષ સર્જતા આવા વિચારો સામે આપણને વિવિધ રીતે જોડે એવા વધુ ગહન આદર્શાેની જરૂર છે. એના માટે આપણા મનમસ્તિષ્કમાં થીજી ગયેલી અવસ્થામાં રહેલા ‘વિચારો-આદર્શાે’ને સ્વામીજીના વ્યવહારુ વેદાંતની જેમ આધ્યાત્મિકતા, નૈતિકતા, બુદ્ધિમત્તા અને શારીરિક વિકાસ માટે ચાલક યંત્રની જેમ કામ કરતા ‘જીવંત આદર્શ કે વિચારો’ની જરૂર છે. સામૂહિક રીતે આપણે જેમને સ્વીકારીએ છીએ એવાં આપણાં અપેક્ષાઓ, પસંદગીઓ, અનુસરણીય આદર્શાે અને વર્તનવ્યવહારનાં વલણધોરણોને ઘડે અને જીવંત કરે તેવા આદર્શાેની જરૂર છે. સ્વામીજીએ આવાં સામાન્ય સૂત્રો કે આદર્શાે આધુનિક યુગ માટે આપ્યાં છે. આ આદર્શ સૂત્રો આપણને એમનાં વિવિધ વ્યાખ્યાનોમાંથી મળી રહે છે અને તે દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ચિંતન-મનન કરવા અને આચરણમાં મૂકવા માટે પૂરેપૂરાં માર્ગદર્શક બની શકે તેમ છે.

૨૧મી સદીની ઝડપી ગતિએ પરિવર્તિત થતી માગોને પૂર્ણ કરવા સ્વામી વિવેકાનંદે દૂરંદેશીપૂર્વક સૂચવેલી ચાલકયંત્રસમી ગતિશીલતાવાળી આધ્યાત્મિકતાએ રૂઢિગત ધર્મભાવનાનું સ્થાન લેવું પડશે. અત્યંત ઝડપી વૈશ્વિકીકરણની માઠી અસરોનો જે સામનો આપણે કરી રહ્યા છીએ તે માટે વ્યક્તિગત અને સામાજિક પડકારો માટે ભાવાત્મક રીતે સહાયરૂપ થાય તેવા જીવંત આદર્શાેની આજે તાતી જરૂર છે. એટલે જ વ્યક્તિઓએ વ્યક્તિગત રીતે પોતાની ભીતર ડૂબકી મારીને આ પોતાના વ્યક્તિત્વના ગતિશીલ ‘અસ્તિત્વ’ને શોધવાનો પ્રયત્ન કરવો પડશે. એ માટે કોઈ પણ વ્યક્તિએ પસંદ કરેલા કામધંધા કે કારકીર્દીનું માત્ર ઔપચારિક પાસુ કામ નહીં આવે. પોતાના અસ્તિત્વના આ પાસાને વળગી રહેવાથી વ્યક્તિને આવશ્યક શક્તિ, બળ, ઇચ્છા અને આત્મશ્રદ્ધા મળી રહેશે. એને લીધે વ્યક્તિને પોતાના જીવનમાં કાર્ય કે કાર્યને લગતા ઝડપથી પરિવર્તન પામતાં પાસાંને બદલવા માર્ગ મળી રહેશે.

યુનેસ્કોનો અહેવાલ ‘લર્નિંગ : ધ ટ્રેઝર વિધિન – શીખવું એટલે ભીતરના ખજાનાની ખોજ’ કહે છે કે જીવનભર ચાલતી ૨૧મી સદીની શીખવાની સંકલ્પનાની ચાર આધારશિલાઓ છે – ‘લર્નિંગ ટુ નો – જાણવા માટે શીખો;’ ‘લર્નિંગ ટુ ડુ – કંઈક નવું કરવા માટે શીખો; ‘લર્નિંગ ટુ લીવ ટુગેધર – સૌની સાથે જીવતા શીખવું’ અને ‘લર્નિંગ ટુ બી – તમારું ઘડતર કરતાં શીખો’. આના પરથી એવું લાગે છે કે સ્વામીજી જેનું મૂર્તિમંતરૂપ હતા એવી ભારતની પ્રાચીન પૂર્ણતા માટેની શિક્ષણપ્રણાલીનો જાણે કે આ પ્રતિઘોષ છે. સ્વામીજીએ વિચાર અને આદર્શ શક્તિના જબરા પરિવર્તનની વાત પોતાના પુસ્તક ‘રાજયોગ’માં સુંદર રીતે વર્ણવી છે : ‘એક જ વિચારને પકડૉ. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, તેને વિશે જ વિચાર કરો, તેનાં જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનાં એક એક અવયવને એ વિચારથી ભરપૂર કરી દો અને એ સિવાયના બીજા દરેકે દરેક વિચારને બાજુએ મૂકો. સફળ થવાનો આ જ માર્ગ છે અને આ જ માર્ગે મહાન આધ્યાત્મિક વિભૂતિઓ પાકે છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૧.૧૯૪) પોતાના ‘વ્યવહારુ વેદાંત’ વિશેના ૧૦મી નવેમ્બર, ૧૮૯૬ના રોજ આપેલા સુખ્યાત વ્યાખ્યાનમાં સ્વામીજીએ વધુમાં કહ્યું છે : ‘તમારી જાતને આદર્શથી ભરી દો; તમે જે કાંઈ કરો તેના પર પૂરો વિચાર કરો. ખુદ વિચારની શક્તિથી જ તમારાં સર્વ કાર્યો મોટાં દેખાશે, તેમનું સ્વરૂપ પલટાઈ જશે, તેમનામાં દિવ્યત્વ આવશે. જડ દ્રવ્ય જો શક્તિમાન હોય તો વિચાર સર્વશક્તિમાન છે. આ ભાવના તમારા જીવનમાં ઊતરે એમ કરો; તમારી જાતને તમારા સર્વશક્તિ૫ણાની, તમારી ભવ્યતાની અને તમારા મહિમાની ભાવનાથી ભરપૂર કરી મૂકો.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૨.૪૪૯)

૩. વિશેષ કરીને કાર્ય, કારકિર્દી અને શૈક્ષણિક વિશ્વમાં જ્ઞાનકેન્દ્રી સમાજ તરફનું એક આંદોલન ઊભું કરવું.

પ્રાધાન્ય ધરાવનાર કૃષિ સમાજમાંથી એક સમાજ ઉદ્ભવ્યો અને આ સમાજ ૧૪મી (મધ્યયુય) કે ૧૬મી સદી (નવજાગરણના કાળ)થી માંડીને ૧૮મી સદીના નવા પ્રકાશના પ્રારંભ સાથે ઔદ્યોગિક સમાજ સુધી ઉત્ક્રાંત થતો રહ્યો. એટલું જ નહીં ૨૦મી સદીના ઔદ્યોગિક અંત સુધી આ ચાલતું રહ્યું. આ ઔદ્યોગિક યુગ સમૃદ્ધિ અને શક્તિની મૂડીમાં પરિવર્તિત થવાના આધારને લીધે પૂર્વ ઔદ્યોગિક યુગથી જુદો પડે છે. આને લીધે ધીમું પણ સતત એવું શક્તિ પરિવર્તન ગ્રામ્ય સત્તાવાહીતાથી ૫ર એવો શહેર પર આધારિત મૂડીવાદ ઊભો થયો. વળી ઔદ્યોગિક સમાજ પછીના કાળનો ૨૧મી સદીનો આ ઔદ્યોગિક સમાજ જ્ઞાનમાહિતીમૂલક સમાજ છે. એમાં માત્ર ભૂમિ જ મૂડી કે સમૃદ્ધિ નથી; પરંતુ જ્ઞાન, કૌશલ્ય અને માહિતી પણ મૂડી બની ગયાં છે.

જ્યારે જ્ઞાનમૂલક સમાજ અનેક જ્ઞાન વિતરણ અને પરસ્પરની આપલે માટે એક અનન્ય નવી ક્ષમતાઓ ઊભી કરે છે, ત્યારે એક શક્તિશાળી પરિવર્તન જોવા મળે છે. કૃષિ સમાજમાં જમીન પરનો કબજો મહત્ત્વ ધરાવતો હતો અને ‘એક્્સેસ ટુ કેપિટલ – મૂડી વૃદ્ધિ’ કે જે ઔદ્યોગિક સમાજનું લક્ષણ બની ગયું છે, તેઓ જ્ઞાન અને માહિતી પદ્ધતિ પરની પ્રવીણતા પર ઓછું ને ઓછું મહત્ત્વ આપી રહ્યા છે. આ બાજુએ જમીન, મૂડી અને કોરી માનવશક્તિને બદલે કૌશલ્યયુક્ત અને તાલીમબદ્ધ વ્યક્તિ એ વધારે શક્તિશાળી અને મહત્ત્વનું સ્રોત છે. આને લીધે ‘શિક્ષણના નવા આદર્શાે જેવા કે જ્ઞાનના ઉપયોગ પર ભાર દેવો, રૂપરેખા અને સંરચના વિશેની વિચારણા અને ઉત્પાદન તેમજ સેવાના ક્ષેત્રમાં નવીનીકરણ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. ઈન્ટરનેટ, મોબાઈલ જેવી જ્ઞાન આપતી નવી નવી પદ્ધતિઓ સાથે જોડાયેલ જ્ઞાન ઉદ્ભવની ક્ષમતાઓ વધી છે. એનો અર્થ એ થાય છે કે તર્કસંગત નવો પાઠ્યક્રમ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં શીખવવાના નવા નવા આદર્શાે ઊભા કરવા જોઈએ. જે સમાજ આ નવા યુગમાં જ્ઞાનમાહિતીમૂલક સમાજ રચી શકે તે જ ટકી શકવાના છે, બાકીના બીજા બધા વિલીન થઈ જશે. પ્રાચીનકાળમાં ભારતનો સમાજ પરા અને અપરા વિદ્યાના – આધ્યાત્મિક તેમજ વ્યાવહારિક કે જાગતિક ક્ષેત્રમાં આગળ પડતો હતો. જ્યારે પશ્ચિમનું વિશ્વ ઔદ્યોગિક યુગનાં સમૃદ્ધિ અને સુખને માણતાં હતા ત્યારે આપણા દેશે એ માર્ગ ગુમાવ્યો. આમ છતાં પણ ભારતમાં જ્ઞાનમાહિતીમૂલક સમાજ માત્ર વિજ્ઞાન અને ટેક્નોલોજી પર આધારિત જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકે પરંતુ એણે બીજા જ્ઞાનનાં બે મહત્ત્વનાં પાસાં તરફ ધ્યાન દેવું જોઈએ : ૧. મૂળભૂત કે પ્રણાલીગત જ્ઞાન અને ૨. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જ્ઞાન. આ બન્ને જ્ઞાનને હજારો વર્ષ પહેલાં આપણા લોકોએ વિકસાવ્યાં હતાં અને તેમનું જતન કર્ર્યું હતું. જે આજની શ્રેષ્ઠ શૈક્ષણિક ટેક્નોલોજી કે જે જ્ઞાનમાહિતીમૂલક સમાજરૂપે ઊભરી રહ્યી છે તેનો ભારતની સર્વશ્રેષ્ઠ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે સુભગ સમન્વય કરવો જોઈએ અને એ જ આપણા રાષ્ટ્રને વિનાશ તરફ દોરી જતાં પરિબળોમાંથી બચાવીને ભારતનું પુનરુત્થાન કરવામાં સહાય કરશે. આજે કેળવણી ધંધો-રોજગાર મેળવવાનું અને જીવનયાપન કરવાનું એક સૂત્ર અને સાધન બની ગઈ છે. પરીક્ષાઓમાં ઉપાધિઓ મેળવવાની પાછળ આર્થિક લાભ પર જ ધ્યાન કેન્દ્રિત થતું જાય છે. આને લીધે આપણા નવીનીકરણ અને કૌશલની સંસ્કૃતિનો વિલય થશે. અત્યારે જોવા મળતી ‘ગોખણપટ્ટીની ટેવવાળી કેળવણી’ને બદલે ‘સંશોધન કરો અને શીખો’ની પ્રણાલી સર્જનાત્મકતા અને ગતિશીલ આત્મસન્માન તરફ ઉત્તેજવા મદદરૂપ થશે. સ્વામીજીનું કેળવણીનું દર્શન કે જે વ્યક્તિમત્તના સર્વાંગી વિકાસ પર આધારિત, તેને રાષ્ટ્રનો સાર્વત્રિક હેતુ પાર પાડવા કામે લગાડી શકાય. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે બધા પ્રકારની કેળવણીનો હેતુ ‘પોતાની પૂરેપૂરી શક્તિમત્તા સાથે માણસને વિકસતો, ઉન્નત થતો’ કરવાનો હોવો જોઈએ. તેમણે એક વખત કહ્યું હતું : ‘આપણા સ્વભાવની શારીરિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને ક્રિયાશીલ બાજુનો સમાન વિકાસ કરીને આપણે સંવાદી મનુષ્યો બનવા માગીએ છીએ. ઘણી પ્રજાઓ અને વ્યક્તિઓ આમાંની એકાદ બાજુ કે પ્રકારના વિકાસના ઉદાહરણરૂપ હોય છે અને તેના સિવાય વધારે સમજી શકતા નથી. તેઓ એક આદર્શમાં એવા ઘડાઈ જાય છે કે બીજા કોઈ આદર્શને જોઈ શકતા નથી. સાચો આદર્શ આપણે બહુમુખી બનવું જોઈએ એ છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૩.૧૬૭) સમગ્ર વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાંથી તારવેલ શ્રેષ્ઠ તત્ત્વોનાં સંયોજનવાળી કેળવણીએ આપણને ૨૧મી સદીમાં વાસ્તવિક રીતે સાચા વૈશ્વિક બનાવવાનો લાભ મેળવવામાં મદદ કરી છે.

Total Views: 307

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.