શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

બેલુર મઠ,
૧૩/૦૭/૧૯૧૩

પ્રિય,

સંસાર સ્વાર્થથી ભર્યો છે. આ જ સનાતન સત્ય છે. પરંતુ જ્યારે સંસારમાં રહેવું પડે છે, તો ‘સંસાર સ્વાર્થપૂર્ણ છે’ આવુ બધું બોલીને નિરર્થક ચિંતા કરવી ઉચિત નથી. એકવાર આ વાક્યના સત્યની બહુ સારી રીતે ચિંતન ૫ૂર્વકની અને યુક્તિસંગત રીતે ધારણા કરીને પોતાના કામે લાગી પડવાનું છે. સંસારને સ્વાર્થપૂર્ણ રહેવા દો. પરંતુ હું ક્યારેય આને લીધે પૂર્ણસ્વાર્થી ન રહું એ એનો ઉદ્દેશ છે અને જો સ્વાર્થ ન રહે તો સંસાર ચાલે કેમ ? સંસાર છે તો સ્વાર્થ પણ રહેશે. આ એક ઘણો મોટો દોેષ છે, એવી વાત નથી. ભગવાને જ સંસારનું સર્જન કર્યું છે. સાથે ને સાથે એમની માયામાં જ આ સમગ્ર સ્વાર્થની સૃષ્ટિ થઈ છે. હવે વાત એ છે કે આપણે આપણી જાતને નિ :સ્વાર્થ કેમ બનાવી શકીએ. સંસારને દોષ દેવાને બદલે પોતાનો જે દોષ છે તે પહેલાં જોવો જોઈએ. માતાપિતાનો સ્વાર્થ ન રહે તો રહેશે શું ? તેઓ આટલો નિ :સ્વાર્થભાવ સમજી નહીં શકે. તેઓ તો આખું જીવન સ્વાર્થ-ચિંતામાં જ મગ્ન રહે છે. એટલે હજી પણ તેઓ સ્વાર્થમાં રહે છે. એટલે એમનામાં આ બધા દોષ જ છે એવું નથી. લાગે છે તો તેઓ સ્વાર્થી પણ આવું કહીને શું આપણે એમના પ્રત્યે શ્રદ્ધા-ભક્તિવિહોણા બની જઈશું ? જો આવું બને તો આપણે જે નિ :સ્વાર્થભાવનો અહંકાર કરીએ છીએ, તેનું અસ્તિત્વ જ ક્યાં રહ્યું ? કોઈ એક સ્વાર્થપરક હોય તો શું આપણે પણ સ્વાર્થી બનીને યોગ્ય સમાદર, ભક્તિ, સ્નેહ પ્રદર્શિત કરવામાંથી વંચિત રહેવું પડે ? આ સાવ ખોટું છે. જગતની બધી સ્વાર્થમૂલકતા સહન કરીને આપણે સ્વાર્થરહિત બનવું પડે, એ જ આપણો આદર્શ છે. આદર્શ જો બરાબર જળવાય, મનમાં એ માટેની મક્કમતા રહે તો ધર્મના પથમાં કોઈ પણ કોઈને વિચલિત ન કરી શકે. ધર્મના પથ પર મનપ્રાણ સમર્પી દઈને આગળ વધવું જોઈએ. ધર્મના પથમાં જે વિઘ્નો આવે ત્યારે મનમાં જુસ્સો લાવીને એ બધાં વિઘ્નબાધાઓને ધકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને દિવસરાત પ્રાર્થના કરતા રહો, જેનાથી હૃદયમાં બળ, તેજ અને જોમ મેળવી શકીએ. તેજ ન રહે તો કંઈ થઈ શકતું નથી. આ તેજરૂપી રજોગુણ હૃદયમાં ન આવે તો સત્ત્વગુણનો વિકાસ ક્યારેય ન થઈ શકે. અને સત્ત્વગુણ ન આવે તો બ્રહ્મ ક્યારેય મનમાં પ્રતિબિંબિત ન થાય. સર્વપ્રથમ તો પોતાનામાં શ્રદ્ધા-વિશ્વાસ રાખતાં શીખવું પડશે. આપણે પ્રભુનાં સંતાન છીએ એ જ મનમાં રાખવું જોઈએ. આપણી ભીતર ક્યારેય દોષ, સ્વાર્થ ન આવે. એ બધા આવવાનો પ્રયત્ન કરે ત્યારે મનમાં જોમજુસ્સો રાખીને એને ધકેલી મૂકવા જોઈએ. કર્તવ્ય અને કાર્ય કરતા રહો. સાથે ને સાથે ઈશ્વરને મનપ્રાણ સમર્પિત કરી દો. તેઓ પોતે (ઈશ્વર) જ બધી સુવિધાઓ ઊભી કરી દેશે. જો આંતરિક ભાવ કેળવશું તો બધું થઈ રહેશે. શ્રીઠાકુરના એક-એક ભાવને સાથે રાખીને બધા ચિંતન કરશે. એમના મર્મને પ્રતિભાસિત કરીને કાર્ય પૂરાં કરો. શ્રીઠાકુરના ભાવ પ્રમાણે કાર્ય કરવું એ જ એમનામાં શ્રદ્ધા રાખવા જેવું છે.

જો એમ ન થાય તો માત્ર બે ફૂલ એમનાં ચરણોમાં ફેંકીને બે પળ ભાવમાં અહાહા કરીને કોઈ ક્યારેય મહાન ન બની શકે. ભક્તિ ખૂબ થશે અને એના ચિંતનમાં મગ્ન બનવું પડશે; બધું વ્યવસ્થિત રીતે વીણીવીણીને, વિચાર કરીને લેવું પડે. બુદ્ધિશક્તિને પરિચાલિત કરવી જ પડે, નહીં તો બીજો કોઈ ઉપાય નથી. એટલે જ શ્રીઠાકુરે કહ્યું છે, ‘ભક્ત હોય તો બુદ્ધુ હોય શાનો ?’ વગેરે. શ્રીઠાકુરની વાતોને ધ્યાન સાથે ચિંતન કરીને ગ્રહણ કરવી પડે, ત્યારે એની ભીતરનો અર્થ પ્રગટ થશે.

વધારે શું કહેવું ? કંઈ છે નહીં, કંઈ થયું નથી, એમ કહીને હતાશ ન થવું. અસીમ ધૈર્ય જોઈએ, નહીં તો આ પથનો પથિક કોઈ ન થઈ શકે.

શુભાકાંક્ષી,

પ્રેમાનંદ

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.