ૐ નમો ભગવતે રામકૃષ્ણાય
તારીખ : ૧૨ જુલાઈ, ૨૦૧૪,
ગુરુ પૂર્ણિમા

મારા પ્રિય મિત્રો,
જય સ્વામી વિવેકાનંદ.

અમારી વિવેકાનંદ રથયાત્રા વિશે આપને મંે પહેલો પત્ર લખ્યાને ઘણો લાંબો સમય થયો છે.

અમે યાત્રામાં ઘણા વ્યસ્ત રહેતા હોવાથી, સાચે જ સમય લઈને બેસી શકયા નહીં અને અતીતની સ્મૃતિઓના પ્રદેશમાં પાછા ફરીને તેને લખી શક્યા નહીં. એ તેના જેવું છે કે ઘડિયાળ અમારી પાછળ દોડતી હતી અને અમે ઘડિયાળ પાછળ દોડતા હતા. વળી, ગરમી પણ હતી. ઓહ, એ સમયે મને લાગતું હતું કે એ સારું છે કે હું, શરીર નથી પણ અશરીરી વાણી છું. દરેક દેહધારી ખરેખર અસહ્ય તાપથી રાહત મેળવવા ઝંખતા હતા.

મેં આપને બધાને આણંદથી પત્ર લખ્યાને લગભગ બે મહિના થઈ ગયા. એ પછી, અમે ખેડા, અરવલ્લી, સાબરકાંઠામાં યાત્રા કરી અને હવે બનાસકાંઠા જિલ્લામાં યાત્રા ચાલી રહી છે. અમે સત્વરે પાટણ અને મહેસાણામાં પહોંચવાની ધારણા રાખીએ છીએ.

મારા મિત્રો, આવો મઝાનો અનુભવ મને કયારેય થયો ન હતો. રોજ હજારો લોકોને મળવાનું જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. એ એવું લાગે જાણે અમે ગુજરાતને પ્રત્યક્ષ મળીએ છીએ. તે અનુભવોમાંથી કેટલાકને આપની સાથે મને વહેંચવા દો.

જ્યારે અમે બધાએ સ્વામીજીના રથ સાથે આશ્રમથી શુભ પ્રયાણ કર્યું, ત્યારે અમારા સહયાત્રીઓમાંથી કોઈકે કહ્યું, ‘ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં સ્વામીજીના સંદેશનો પ્રચાર-પ્રસાર કરવાની આ સુવર્ણ તક છે.’ તો પણ, જ્યારે તેઓ સ્થળો પર પહોંચતા ત્યારે મેં જોયું કે એ જ વ્યક્તિઓ એકબીજા સાથે સહભાગી બની કહેતા, ‘એવું લાગે છે કે આપણા પહેલાં સ્વામીજી પહોંચી ગયા છે! દરેક શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓના વર્ગના ઓરડા અને કાર્યાલયની દીવાલો ઉપર બરાબર મધ્યમાં સ્વામીજીની તસ્વીર શોભી રહી છે. જો કે બહુ ઊંડાણથી નહીં, પણ સહુ તેમના વિશે જાણે છે. દરેક બાળકને સ્વામીજીનું અમર સૂત્ર કંઠસ્થ હતું : ‘ઊઠો! જાગો! અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટકો નહીં.’ સ્વામીજી વાસ્તવમાં ‘ભારત-આત્મા વિવેકાનંદ’ બની ગયા છે.

‘સ્વામીજીના અનુયાયીઓ’ તરીકે અમારો સ્વીકાર થતાં અમે અત્યંત ગૌરવાન્વિત થઈ જતા હતા. સ્વામીજીના નામથી, દરેક દ્વાર અમારા માટે ખુલ્લું હતું, પ્રેમ અને કાળજી સાથે સહુ અમારી સરભરા કરતા, સમાજના દરેક સંપ્રદાય અને ધર્મના લોકો રથનું અને અમારું સ્વાગત કરતા હતા. તદ્ઉપરાંત, સ્વામીજી અને તેમના સંદેશના યથાર્થ પ્રતિનિધિઓ થઈ રહેવા માટેનું મહાન ઉત્તરદાયિત્વ અમારા પર છે તેવી ભાવના મનમાં ઘોળાયા કરતી.

પ્રત્યેક દિવસે એક જગ્યાએથી બીજી જગ્યાએ લગભગ ૧૫-૨૦ લોકોના સમૂહ સાથે ફરવાનું હોય તેમના સહુની ભોજનની અને રહેવાની વ્યવસ્થા કરવાની મુશ્કેલી વિશે સંન્યાસીઓમાંના એકને મેં સાંભળ્યા હતા. પણ, વાસ્તવિકતા કંઈક જુદી જ હતી. જ્યાં પણ અમે ગયા, ત્યાં સ્થાનિક લોકોનાં સત્કાર, પ્રેમ અને દરેક પ્રકારની કાળજીભરી વ્યવસ્થાએ અમારાં હૃદયને ઝણઝણાવી મૂક્યાં.

સ્વામીજીની મહાન પ્રતિભાના અનેક આયામો વિશે અનેક લોકોની વ્યાખ્યાઓ અમે સાંભળી હતી, પ્રત્યેક પોતાની સમજ પ્રમાણે સ્વામીજી પ્રત્યે આદર પ્રદર્શિત કરતા હતા. આણંદમાં એક માણસે કહ્યું, ‘જીવન ખરેખર તો સંઘર્ષથી ભરેલું છે. તેઓ કદાચિત્ એક માત્ર એવા પયગંબર છે જેઓે કઠોરપણે આપણને કહે છે, ‘જીવન જેવું છે, તેવો જ તેનો સામનો કરો; સંઘર્ષ, સંઘર્ષ અને સંઘર્ષ કરો.’

અને રથની એક ઝલક થતાંની સાથે જ બધા જ લોકોમાં આનંદ છવાઈ જતો. તેઓ સહુ સ્વામીજીની મૂર્તિ સાથેનો ભવ્યરથ જોઈને અતિ આનંદ અનુભવતા હતા અને તરત જ હાજર રહેલા બીજા સહુનું ધ્યાન ખેંચીને કહેતા, ‘અરે! જુઓ! જુઓ!’ કેટલાક વળી પોતાના મોબાઈલમાં રથના ફોટોગ્રાફ લેવા પ્રયત્ન કરતા. ને બાળકો? હા! હા! હા! તેઓ તેમની ખુશીઓને સંભાળી શકતા ન હતા, કેટલીક વાર નાચતા પણ ખરા!

ઉત્તર ગુજરાતના એક સ્થળેથી બીજા સ્થળે, એક ગામેથી બીજા ગામે, એક નગરથી બીજા નગર, એક તાલુકાથી બીજા તાલુકે અને એક જિલ્લાથી બીજા જિલ્લામાં એમ ફરતા રહીને સ્વામીજી ખરેખર દરેકને પ્રેરણા આપતા રહ્યાં. તેમના આશિષ પ્રાપ્ત કરનાર બધા તેમનાં શક્તિ અને જુસ્સા(સ્પિરિટ)થી પ્રાપ્ત થશે. એ તેના જેવું છે, જાણે હું સ્વામીજીના કહેવાનું સાંભળી શકું છું, ‘તમારી જાતને શીખવો, દરેકને તેમના સાચા સ્વરૂપને શીખવો, સૂતેલા આત્માને જગાડો અને જુઓ તેઓ કેવા જાગી ઊઠે છે. શક્તિ આવશે, તેજસ્વિતા આવશે, ભલાઈ આવશે, પવિત્રતા આવશે અને જે કાંઈ ઉત્કૃષ્ટ છે તે આવી મળશે…’

હાલ તો આટલું જ. તેઓ બધા બીજા દિવસની રથયાત્રાની તૈયારી કરી રહ્યા છે. મારે રથમાં બેસવા ઉતાવળ કરવી જોઈએ. તમને ફરીથી પત્ર લખીશ.

જય સ્વામી વિવેકાનંદ

તમારો રથમાંનો સહૃદયી મિત્ર,
‘વિવેક’
પ્રતિ : સ્વામી વિવેકાનંદના સર્વમિત્રોને

Total Views: 271

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.