ભૌતિકશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રમાં સંશોધન અને શોધ કરીને જેમણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે એવા જગદીશ ચંદ્ર બોઝ બાળપણથી જ વિલક્ષણ જિજ્ઞાસુવૃત્તિ ધરાવતા હતા. તેઓ પોતાની આસપાસ જે કંઈ બનતું તેના વિશે બધું જાણવા ઇચ્છતા. આગિયો શું છે ? શું એ અગ્નિ છે કે તણખો ? પવન શા માટે વાય છે ? પાણી શા માટે વહે છે ? તેમના મનમાં આવા પ્રશ્નોની વણઝાર વહેતી.

વધુ અભ્યાસ માટે ૧૧ વર્ષની વયે તેઓ કોલકાતામાં ગયા. આ નવા શહેરમાં તેને મિત્ર ન હતા છતાં પણ એમણે એમની વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિ બતાવતાં ઘણાં શોખ અને પ્રવૃત્તિ વિકસાવ્યાં. નજીકના તળાવમાં તેઓ માછલીઓ અને દેડકાં ઉછેરતા. તેઓ અંકુરિત છોડને મૂળ સાથે ઉખેડતા અને તેનાં મૂળિયાંની રચનાનું નિરીક્ષણ કરતા.

તેમના પિતા ન્યાયાધીશ હતા. એમણે અનાથ બાળકો માટે શાળા શરૂ કરી હતી. ત્યાં ધાતુકામ માટેનો વર્કશોપ અને સુથારી કામ જેવા વિષયો શીખવાતા. બોઝ પોતાના રજાના દિવસોનો સદુપયોગ આ વર્કશોપમાં જુદી જુદી ચીજવસ્તુઓ કેવી રીતે બનાવવી તેમાં કરતા.

કોલેજમાં તેઓ ભણતા હતા ત્યારે ભૌતિકશાસ્ત્રના સુખ્યાત પ્રાધ્યાપક ફાધર લેફોન્ટનો તેમના પર ઘણો પ્રભાવ પડ્યો. તેમણે બોઝને ભૌતિકશાસ્ત્રમાં રસ લેવા પ્રેર્યા. પોતાની માંદગીને કારણે તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં કરવાનો નિર્ણય કર્યો. કેમ્બ્રીજમાં ઘણા મહામના લોકો સાથે એમને મેળાપ થયો. ભારતમાં પાછા ફરીને તેઓ કોલકાતાની રેસિડન્સી કોલેજમાં જોડાયા.

અહીં અંગ્રેજ અધ્યાપક કરતાં ભારતીય અધ્યાપકને ઓછો પગાર મળતો. એટલે તેમણે પગાર લેવાનો ઇન્કાર કર્યો. પણ પાછળથી એમને પૂરતો પગાર આપવાનો શરૂ થયો. ભારતીય યુવા વૈજ્ઞાનિકો માટે તેમનાં બારણાં હંમેશાં ખુલ્લાં રહેતાં. તેમણે દસ વર્ષ સુધી સંશોધન કાર્યો કર્યાં અને લેબોરેટરી ઊભી કરવા માટે પૈસા પણ બચાવ્યા.

આ કાર્ય માટે તેમના વર્કશોપમાંના બાળપણના અનુભવે ઘણી મદદ કરી હતી. વર્ગમાં જીવંત નિદર્શન માટે તેમણે એક પ્રવીણ શિક્ષક તરીકે ઘણી ખ્યાતિ મેળવી હતી. ૩૭ વર્ષની ઉંમરે એમણે ઈલેક્ટ્રોમેગ્નેટિક પ્રવાહો વિશે સંશોધન પેપર લખીને વિજ્ઞાનની દુનિયાને આશ્ચર્યમાં નાખી દીધું હતું.

Total Views: 324

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.