સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા – સં.

મહર્ષિ આયોદધૌમ્ય વિદ્યા, તપસ્યા, ઉદારતા, વિચિત્ર અને કઠોર કસોટી લેવા માટે પ્રસિદ્ધ હતા. બહારથી કઠોર લાગતા આ ઋષિ ભીતરથી અપાર સ્નેહવાળા હતા. તેઓ પોતાના શિષ્યોને સુયોગ્ય બનાવવા ઇચ્છતા. એટલે જિજ્ઞાસુ શિષ્યો શ્રદ્ધાથી તેમની પાસે રહેતા. એમના શિષ્યોમાં એક બાળકનું નામ ઉપમન્યુ હતું. ગુરુદેવે એને પોતાની ગાયો ચરાવવાનું કામ સોંપ્યું. દિવસે ગાયો ચારે અને સાંજના આશ્રમે પાછો આવે. એક દિવસ ગુરુદેવે પૂછ્યું, ‘બેટા, તું આજકાલ ભોજન કેવી રીતે કરે છે ?’

ઉપમન્યુએ કહ્યું, ‘હું ભિક્ષા માગીને એ કામ ચલાવી લઉં છું.’

મહર્ષિએ કહ્યું, ‘બ્રહ્મચારીએ ભિક્ષાનું અન્ન ખાવું ન જોઈએ. ભિક્ષા માગીને જે કંઈ મળે તે ગુરુ સામે ધરી દેવું જોઈએ. એમાંથી ગુરુ જે કાંઈ આપે તે જ ખાવું જોઈએ.’

ઉપમન્યુએ ગુરુની આજ્ઞા સ્વીકારી. ભિક્ષામાં જે કંઈ મળે તે ગુરુને ધરી દેતો. ગુરુદેવ શિષ્યની શ્રદ્ધાને દૃઢ બનાવવા ઇચ્છતા હતા. એટલે એ બધું અન્ન રાખી લેતા. એમાંથી ઉપમન્યુને કંઈ દેતા નહીં. થોડા દિવસ પછી વળી ગુરુદેવે પૂછ્યું, ‘બેટા, આજકાલ તું શું ખાય છે ?’

ઉપમન્યુએ કહ્યું, ‘હું એકવારનું અન્ન ગુરુદેવને ધરી દઉં છું અને બીજીવાર ભિક્ષા માગીને ખાઈ લઉં છું.’

ગુરુદેવે કહ્યું, ‘બેવાર ભિક્ષા માગવી તે ધર્મથી વિરુદ્ધ છે. તેનાથી ગૃહસ્થો પર ભાર પડે છે. એટલે ભિક્ષા આપવામાં તેમને સંકોચ થાય.’

ઉપમન્યુએ કહ્યું, ‘જેવી આપની આજ્ઞા.’

એણે તો બીજીવાર ભિક્ષા માગવાનું બંધ કરી દીધું. વળી પાછા મહર્ષિએ થોડા સમય પછી એ જ પ્રશ્ન પૂછ્યો. ઉપમન્યુએ કહ્યું, ‘હું ગાયોનું દૂધ પી લઉં છું.’

સાંભળીને મહર્ષિએ કહ્યું, ‘આ બરાબર ન કહેવાય. જેની ગાય હોય છે, દૂધ તેનું જ ગણાય.’ ઉપમન્યુએ દૂધ પીવાનું છોડી દીધું. થોડા દિવસ પછી ફરી ગુરુએ પૂછ્યું, ‘બીજીવાર ભિક્ષા માગતો નથી અને ગાયોનું દૂધ પીતો નથી, તો તું શું ખાય છે ? તારું શરીર દુર્બળ તો દેખાતું નથી.’

ઉપમન્યુએ કહ્યું, ‘વાછડાના મુખમાંથી જે ફીણ પડે છે તે પીને મારું કામ ચલાવી લઉં છું.’

સાંભળીને મહર્ષિએ કહ્યું, ‘વાછડા તો ઘણા દયાળુ હોય છે, તે પોતે ભૂખ્યા રહીને તારા માટે વધારે ફીણ બહાર કાઢતા હશે. તારી આ વૃત્તિ પણ બરાબર નથી.’

હવે ઉપમન્યુ ઉપવાસ કરવા લાગ્યો. દિવસભર ગાયો ચારે, વનમાં ભટકે, અંતે ભૂખ લાગે ત્યારે આંકડાનાં પાદડાં ખાતો. આવાં ઝેરી પાંદડાં ખાવાથી તે આંધળો થઈ ગયો. ગાયોના ચાલવાનો અવાજ સાંભળીને તેની પાછળ પાછળ ચાલવા માંડતો. એક વખત રસ્તામાં પાણી વિનાનો કૂવો આવ્યો, તેમાં તે પડી ગયો. ગાયો તો પાછી આવી ગઈ પણ ઉપમન્યુ પાછો ન આવ્યો એટલે મહર્ષિને ચિંતા થઈ. તે વિચારવા લાગ્યા કે મેં એ ભોળા બાળકનું ભોજન બધી રીતે બંધ કરી દીધું. કદાચ દુ :ખથી ક્યાંક ભાગી તો નહીં ગયો હોય ને ? ચિંતા સાથે ગુરુ તેને શોધવા નીકળ્યા. મોટા અવાજે ‘ઉપમન્યુ, બેટા ઉપમન્યુ’ એવા સાદ કરવા લાગ્યા. ઉપમન્યુને કાને શબ્દો પડ્યા એટલે તેણે ઉત્તર દીધો, ‘ભગવાન્, હું કૂવામાં પડી ગયો છું.’ મહર્ષિ નજીક આવ્યા. તેની બધી વાતો સાંભળી અને ઋગ્વેદના મંત્રોથી તેમણે એને અશ્વિનીકુમારોની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. સ્વર સાથે શ્રદ્ધાપૂર્વક ઉપમન્યુએ તે સ્તુતિ કરી. અશ્વિનીકુમારો કૂવામાં પ્રગટ થયા. તેમણે નેત્ર સારાં કરવા માટે પૌઆ ખાવાની સલાહ આપી. પણ ઉપમન્યુએ ગુરુને અર્પણ કર્યા વિના પૌંઆ ખાવાનું સ્વીકાર્યું નહીં. અશ્વિનીકુમારોએ કહ્યું, ‘તું જરાય સંકોચ ન કર. તારા ગુરુએ પણ પોતાના ગુરુને આપ્યા વિના, પહેલાં અમારા દીધેલા પૌંઆ પ્રસાદ માનીને ખાઈ લીધા છે.’ ઉપમન્યુએ કહ્યું, ‘તેઓ મારા ગુરુ છે. તેમણે જે કંઈ કહ્યું છે તેનું હું અતિક્રમણ નહીં કરું.’ આ ગુરુભક્તિથી પ્રસન્ન થઈને અશ્વિનીકુમારોએ તેને બધી વિદ્યાઓ ભણ્યા વિના કે વાંચ્યા વિના તેનામાં આવી જાય તેવા આશીર્વાદ આપ્યા. જેવો ઉપમન્યુ કૂવામાંથી બહાર નીકળ્યો કે મહર્ષિ આયોદધૌમ્ય તેને ભેટી પડ્યા અને તેને હૃદયના આશીર્વાદ આપ્યા.

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.