મૈત્રેયી વિદેહ રાજા જનકના અમાત્ય મિત્રની પુત્રી હતાં. તેમનું અધ્યયન પોતાનાં માસી બ્રહ્મવાદિની ગાર્ગી પાસે થયું હતું. ગાર્ગીને ત્યાં અધ્યયન પૂરું કરીને તેઓ પિતા પાસે પાછાં આવ્યાં. યાજ્ઞવલ્ક્ય ઋષિની વિદ્વત્તા અને વાક્ચાતુરીને લીધે એમના તરફ તેઓ આકર્ષાયાં. તે બન્નેનાં લગ્ન થયાં. ઋષિનાં પ્રથમ પત્ની કાત્યાયની અત્યંત કર્તૃત્વશાલિની હતાં. આશ્રમમાં આવતા હજારો વિદ્યાર્થીઓની દેખરેખ તેઓ રાખતાં. કાત્યાયની અને મૈત્રેયીનો સંબંધ ઘણો સ્નેહપૂર્ણ હતો.

થોડા સમય પછી ઋષિ યાજ્ઞવલ્ક્યે પોતાની સંપત્તિનું વિતરણ પોતાની બન્ને પત્નીઓ વચ્ચે કર્યું. પોતે પરમાર્થ સાધના માટે જવા તૈયાર થયા. એ વખતે મૈત્રેયીએ ઋષિને પ્રશ્ન પૂછ્યો, ‘માન્યવર, આખા સંસારની સંપત્તિ મેં મેળવી લીધી હોય તો શું હું અમર બની શકું ખરી ?’ યાજ્ઞવલ્ક્યે જવાબ દીધો, ‘ના.’ એટલે મૈત્રેયીએ ફરી પૂછ્યું, ‘જો મને અમરત્વ ન મળે તો એવી સંપત્તિને લઈને હું શું કરું ? મારે તો અમરત્વ આપનાર જ્ઞાનની જરૂર છે. એટલે એવું જ્ઞાન આપો કે જેથી હું જન્મમરણના ફેરાથી મુક્ત બનું.’ ઋષિએ ખુશ થઈને તેને પરમાર્થ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. કાત્યાયનીએ મૈત્રેયીને પૂછ્યું, ‘બહેન, સ્ત્રીઓ આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે ?’ એ સાંભળી મૈત્રેયીએ જવાબ દીધો, ‘વેદાંતમાં સ્ત્રીપુરુષના ભેદ નથી. કોઈ પણ પ્રાણી કે જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનો ઉદ્ધાર કરવાનો અધિકારી છે. એટલે હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ.’ આમ મૈત્રેયીએ આત્મજ્ઞાન મેળવ્યું. યાજ્ઞવલ્ક્યે જે આત્મજ્ઞાનનો ઉપદેશ દીધો તે આ હતો : આત્મનસ્તુ કામાય સર્વ : પ્રિય : ભવતિ – અર્થાત્ માતાપિતા, પુત્રપુત્રી બધાં પ્રિયજન, આત્મજન પોતાના જ સુખ માટે પ્રિય હોય છે. એટલે આ આત્મા કોણ છે ? – એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ આત્મજ્ઞાન થતાં બધી વસ્તુનું જ્ઞાન એની મેળે થઈ જાય છે.

જેવી રીતે બધી નદીઓનું ગંતવ્ય સ્થાન સાગર છે એવી જ રીતે અનંત અપાર આત્મસ્વરૂપ બધી વસ્તુઓનું વાસ્તવિક સ્વરૂપ એકાયન છે.

સર્વત્ર આત્મા જ છે. આવું જ્ઞાન થતાં જ મૃત્યુનો ભય એની મેળે નાશ પામે છે અને અંતે સાચા સુખની આપણને પ્રાપ્તિ થાય છે.

Total Views: 242

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.