‘સચિત્ર બાળવાર્તાઓ’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ સંકલન. – સં.

જનાર્દન સ્વામી પવિત્ર અને પરમ ધર્માનુરાગી હતા. એકનાથના પિતા પોતાના પુત્રને એમની પાસે અભ્યાસ કરાવવા લઈ ગયા. સ્વામીજીએ છોકરાને બરાબર જોયો અને કહ્યું, ‘અરે, આ છોકરો ભવિષ્યમાં ચોક્કસ મહાન બનશે. હું એને વિદ્યાર્થીરૂપે સ્વીકારું છું. તમે જઈ શકો છો.’

ગુરુજી તો શિષ્યને ખૂબ કાળજીથી ભણાવવા માંડ્યા. એકનાથ પણ એમની ખંતથી સેવા કરતો. એક દિવસ ગુરુએ પૂછ્યું, ‘ગુરુ શેનાથી મહાન અને ગૌરવવાન બને છે, એની તને ખબર છે ? સારો વિદ્યાર્થી ગુરુને ગૌરવ અપાવે છે. એકનાથ, તારા દ્વારા જ હું મહાન બનીશ.’ સાંભળીને એકનાથે કહ્યું, ‘આપની અમીકૃપા મને સહાય કરશે.’

એક દિવસ મધરાતે એકનાથ વ્યાકુળતાથી કંઈક શોધતો હતો. એકાએક તે હસીને તાળિયો પાડવા લાગ્યો. ગુરુજી જાગી ગયા અને આ જોયું. પૂછ્યું, ‘એકનાથ, આ કાળી રાતે ઊંઘ ઉડાડીને શું કરે છે ?’ એકનાથે કહ્યું, ‘ગુરુજી, હિસાબમાં એક પૈસાની ભૂલ આવતી હતી. એ ભૂલ મને મળી ગઈ એટલે હું રાજી થઈ ગયો.’ એ સાંભળીને ગુરુજીએ કહ્યું, ‘આટલી ઉત્કટતાથી જો તું પ્રભુનું ધ્યાન ધરી શકે તો તું સદૈવ આનંદભાવમાં ડૂબી જઈશ. આટલું યાદ રાખજે.’

ગુરુની કૃપાથી એકનાથ ધ્યાન શીખ્યો, ક્રોધને જીતતાં શીખ્યો. તે એક દિવસ ગંગાસ્નાન કરીને પાછો આવતો હતો ત્યારે કોઈક એના પર થૂંક્યું. એકનાથે મનમાં કહ્યું, ‘ભલે, ફરીથી ગંગાસ્નાન કરી લઈશ.’ એણે ગંગાસ્નાન કર્યું પછી પેલો ફરીથી થૂંક્યો, ફરી ગંગાસ્નાન કર્યું. આવી રીતે ૧૦૮ વાર બન્યું. પછી તો પેલો એમનાં ચરણે પડી ગયો. તેણે કહ્યું, ‘એકનાથજી, મેં તમારી મહાનતા વિશે સાંભળ્યું છે. હું તેની કસોટી કરતો હતો. મને માફ કરો. તમારાં ચરણોમાં રાખો.’ એકનાથે કહ્યું, ‘ક્ષમા ! એ તો પ્રભુનું જ કામ.’

એક વખત ગંગાસ્નાન કરીને ધ્યાનમાં બેસતી વખતે એક રડતા અને નદીની ગરમ રેતીમાં તરફડતા બાળકને જોયું. એને લઈને તેનાં માબાપને સોંપ્યું. એટલે બાળકના પિતાએ કહ્યું, ‘મહારાજ, અમે તો અસ્પૃશ્ય છીએ ! તમારે એને અડવું નહોતું જોઈતું !’ એકનાથે કહ્યું, ‘પ્રભુ પાસે બધા સમાન. મારી ફરજ મેં બજાવી. તમે કંઈ ચિંતા ન કરો.’

રામુ એક સફાઈ કામદાર હતો. તે સદ્ગુણી અને સંસ્કારી હતો. તેણે આવીને એકનાથજીને પ્રણામ કર્યા અને કહ્યું, ‘ગુરુજી, મારી એક ઇચ્છા છે. એક દિવસ તમે અમારા ઘરે આવીને જમશો ?’ એકનાથે કહ્યું, ‘બસ, આટલું જ ! હું આવીશ.’ અસ્પૃશ્ય ગણાતા આ લોકોના આંગણે તો આનંદનો ઉત્સવ આવી ગયો ! ધજાપતાકા અને સાજશણગાર થયાં. રામુએ એકનાથને ભાવથી જમાડ્યા. જમાડતી વખતે કહ્યું, ‘મહારાજ, આવું સાદું ભોજન તમને કેમ ભાવશે ?’ એકનાથે કહ્યું, ‘ચિંતા ન કર. મારે મન તો આ અમૃતનો કોળિયો છે.’ અને એકનાથજી ભાવથી જમ્યા.

એકનાથની જન્મભૂમિ પૈઠણમાં એક ગરીબ વૃદ્ધા હતાં. તેઓ હજારેક લોકોને જમાડવા ઇચ્છતાં હતાં. એક ભાઈએ એમના મનની ઇચ્છા જાણીને કહ્યું, ‘બહેન, આ જન્મારામાં તો તું આવું ન કરી શકે, પણ એક કામ કર. એકનાથ ભક્ત અને સંત છે. એને તું ગમે તેમ કરીને જમાડી લે એટલે એ એક હજારને જમાડવા જેવું થશે.’

હરખાતી હરખાતી વૃદ્ધા તો એકનાથને ભોજન માટે આમંત્રણ આપીને આવી. એકનાથના પુત્ર હરિપંડિતને આ ગમ્યું નહીં. છતાંય એ પિતા સાથે ગયો. ભોજન લીધા પછી એકનાથે પુત્રને કહ્યું, ‘હરિ, દાદીમાને કામમાં મદદ કરવા તું આ પાંદડાં દૂર કરી દે.’ એણે એક પાંદડું ખસેડ્યું તો બીજું એની નીચે હતું. હરિએ કહ્યું, ‘પિતાજી, અહીં તો નીચે એક બીજું પાંદડું છે.’ હરિ પાંદડાં ખસેડતો ગયો અને નીચે પાંદડું નીકળતું ગયું. આમ હજારો પાંદડાં ખસેડ્યાં. આ જોઈને વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, ‘ગુરુજી, તમે માનવ નથી, તમે તો મુક્તિદાતા ભગવાન છો !’

એકનાથ ભક્ત જ ન હતા પણ એક પ્રખર લેખક અને સમાજ સેવક હતા. બનારસમાં એમણે લખેલ ગ્રંથોની શોભાયાત્રા દ્વારા પુસ્તક સન્માન થયું હતું. આ પુસ્તકોમાં ‘ભાવાર્થ રામાયણ, રુક્મિણી વિવાહ’ વગેરે ગ્રંથો હતા. એકનાથની આ પવિત્ર સેવા માટે સર્વત્ર જય જયકાર થયો. આજે ઘણે સ્થળે એકનાથનાં ભજનો ગવાય છે.

Total Views: 154
By Published On: October 1, 2014Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram