શેખ અબ્દુલ કાદીરની માતાએ તેને પરમ સત્યનિષ્ઠ બનાવી દીધો : હજારો વર્ષો પહેલાં જ્ઞાનની શોધમાં અબ્દુલ કાદીરને મક્કા જવાની પ્રેરણા થઈ. આ દિવ્ય આહ્‌વાનને જાણીને તેની માતાએ તેને હજારો માઈલની લાંબી યાત્રાએ જવા દીધો. માતાએ અબ્દુલ કાદીરને ચાલીસ સોનાની દીનાર આપી હતી અને એ એને વારસામાં મળી હતી. પોતાના ડગલાના અંદરના ભાગમાં એણે આ ચાલીસ સોનાની દીનાર બરાબર સીવી લીધી. જ્યારે અબ્દુલ ઊપડ્યો ત્યારે એની માતાએ કહ્યું : ‘અરે, દીકરા ! તું જાય છે ! મારા કયામતના દિવસ સુધી હું તારું મોં ફરીથી નહિ જોઈ શકું, એ જાણીને હું તને ખુદાને ખાતર મારાથી અલગ કરું છું. જતાં પહેલાં મારી આ શિખામણ ધ્યાનમાં રાખજે. બેટા, તારા જીવના જોખમે પણ હંમેશાં સત્યનું આચરણ કરજે, સત્ય જ બોલજે અને સત્યનો જ ઉપદેશ આપજે.’

નાનકડા કાફલા સાથે અબ્દુલ કાદીર તો બગદાદ જવા માટે ઊપડ્યો. રસ્તામાં લૂંટારાઓની ટોળીએ આ કાફલા પર હુમલો કર્યો અને તેઓ તો વેપારીઓને લૂંટવા માંડ્યા. પણ એમાંથી કોઈનુંયે ધ્યાન અબ્દુલ કાદીર તરફ ન ગયું. અંતે એક લૂંટારાએ ઉદ્ધતાઈથી અબ્દુલ કાદીરને પૂછ્યું : ‘એ છોકરા, તારી પાસે કંઈ છે ખરું?’ અબ્દુલે જવાબ આપ્યો : ‘હા, મારી પાસે સોનાની ચાલીસ દીનાર છે અને મારી માતાએ મારા ડગલાની અંદરના ભાગની કિનારમાં સમાઈ જાય તેમ ચાલીસ દિનાર સીવી દીધી છે.’ આમ દેખાવે કંગાળ દેખાતા આ છોકરાના આ જવાબથી પેલા લૂંટારાને તો રમૂજ થઈ. આમ છતાં પણ ત્યાંથી નીકળતાં પહેલાં પેલા લૂંટારાએ સરદારને છોકરાની ચાલીસ દીનારની વાત કરી. જ્યારે સરદારે અબ્દુલને એ વિશે પૂછ્યું ત્યારે પેલા છોકરાએ એ જ સત્યનો પુનરુચ્ચાર કર્યો. સરદારે કોટને ફાડ્યો અને સોનાના સિક્કાની ભાળ મળી.

અબ્દુલના પુનરુચ્ચારથી આશ્ચર્યચકિત થઈને સરદારે એને પૂછ્યું : ‘અરે, તારી પાસે આ દીનાર હોવાની વાત તેં અમને કેમ કરી ?’ અબ્દુલે જવાબ આપ્યો : ‘જુઓ, મારી માતાએ મને હંમેશાં જિંદગીના જોખમે પણ સત્યનિષ્ઠ બનવાનું કહ્યું છે અને ભાઈ, અહીં તો માત્ર ચાલીસ દીનારની વાત હતી. મેં આ સત્યનિષ્ઠાનું તેને વચન આપેલું અને હું એના મારા પરના વિશ્વાસને કદી જૂઠો પડવા નહિ દઉં. એટલે જ મેં સાચી વાત કહી દીધી.’

અબ્દુલ કાદીરના સત્યનિષ્ઠાના અદ્‌ભુત ચારિત્ર્યબળનો પ્રભાવ લૂંટારાઓ પર એટલો બધો પડ્યો કે તે તેમના અંતરને સ્પર્શી ગયો. તેમણે બધાએ તરત જ પોતાનાં આ કુકર્મો છોડી દીધાં અને અબ્દુલને અનુસરવાનો નિર્ણય કર્યો. આ નાના અબ્દુલ કાદીરને સત્યને પથે વાળનાર હતાં એનાં માતા. પાછળથી આ અબ્દુલ સંત શેખ અબ્દુલ કાદીર અલગિલાનીના નામે જાણીતા બન્યા.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.