સૌજન્ય : ‘બાલક અંક, કલ્યાણ, ગીતાપ્રેસ’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા – સં.

સર્વશાસ્ત્ર નિષ્ણાત શ્રી શિવગુરુ નામના એક અત્યંત પવિત્ર, ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતા. તેમનાં પત્નીનું નામ સુભદ્રા હતું. તેઓ પણ ધર્મની મૂર્તિ સમાં હતાં. સંતાનપ્રાપ્તિ માટે પુણ્યમયી દેવી સુભદ્રાએ ભગવાન આશુતોષની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા અને મોટી ઉંમરે તેમની કૂખે એક અત્યંત તેજસ્વી બાળક જન્મ્યું. કહેવાય છે કે ભગવાન શંકર જ તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈને આ મહિમાવાન બાળકના રૂપે અવતર્યા હતા. એમની જન્મભૂમિરૂપે કેટલાક લોકો મલબારને ગણે છે, વળી કેટલાક કર્ણાટ-દેશાન્તર્ગત તુંગભદ્રા નદીને કિનારે આવેલ શૃંગેરી નામના નગરને ગણે છે. નાની ઉંમરમાં જ પિતાનું મૃત્યું થયું હતું.

બાળક શંકર અસામાન્ય મેધાવી હતા. તેમની સ્મરણ શક્તિ અત્યંત તીક્ષ્ણ અને બુદ્ધિ પ્રખર હતી. એક વર્ષની ઉંમરે એમણે માતૃભાષાની વર્ણમાળા કંઠસ્થ કરી લીધી. બીજા વર્ષમાં તેઓ લખેલા અક્ષર વાંચવા લાગ્યા. ત્રીજા વર્ષે પુરાણ અને કાવ્ય વાંચવા લાગ્યા. પાંચમા વર્ષે એમનો યજ્ઞોપવીત સંસ્કાર થયો. વિદ્યાપ્રાપ્ત કરવા માટે ગુરુગૃહે ચાલ્યા ગયા. એમને ભણાવવામાં ગુરુને જરાય શ્રમ કરવો ન પડતો. એમના સહપાઠીઓને તેઓ પોતે ભણાવતા. સાત વર્ષની ઉંમર પૂરી થઈ ત્યારે તેમણે ચાર વેદ, વેદાંગ, દર્શન, પુરાણ, ઇતિહાસ, કાવ્ય અને અલંકાર જેવાં અનેક શાસ્ત્રોને વાંચી લીધાં અને તેમાં પારંગત થઈને તેના મહાન પંડિત બન્યા. આટલી નાની ઉંમર અને આટલી અદ્‌ભુત બુદ્ધિ ! એ જોઈને બધા ચકિત થઈ જતા. એમના તર્ક અને પ્રમાણ સામે ભલભલા વિદ્વાનો પરાજય સ્વીકારી લેતા.

થોડા જ દિવસોમાં એમની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. મોટા મોટા રાજાઓ એમનાં દર્શને આવતા. કેરલના રાજાએ એમનાં ચરણોમાં રહીને વિવિધ ધર્મોનો ઉપદેશ મેળવ્યો. રાજાએ એમને વિપુલ ધન આપવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ તેમણે કહ્યું, ‘આ ધનરાશિ ગરીબોને વહેંચી દો. મારે એની જરૂર નથી.’ વિદ્યા એમના જીવનમાં ઊતરી રહી હતી. તેઓ નિ :સ્પૃહ હતા. તેમણે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. એ સાંભળીને સ્નેહમયી માતા કંપી ઊઠી. તે પોતાની આંખની પૂતળી જેવા આ પુત્રને કેવી રીતે અલગ કરી શકે ! પુત્રને છોડીને પ્રેમમયી જનની કેવી રીતે જીવિત રહી શકે !

એક દિવસ શંકરાચાર્ય ગામથી થોડે દૂર કોઈ સ્વજનને ત્યાં ગયા હતા. રસ્તામાં એક નાની નદી આવતી હતી. નદીમાં પાણી ઓછું હતું. નાવની જરૂર ન હતી એટલે તેઓ નદીને પાર કરી ગયા. એમનાં માતા પણ સાથે જ હતાં. આવતી વખતે વરસાદને કારણે નદીમાં પાણી ઉમટી પડ્યું. માની સાથે નદી પાર કરતા હતા, ત્યાં તો એક મગરે તેમનો પગ પકડી લીધો અને પાણીમાં ખેંચવા માંડ્યો. પાણી કંઠ સુધી આવી ગયું અને તેઓ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા. માતા ગભરાઈ ગયાં.

સમય જોઈને શંકરાચાર્યે તરત જ કહ્યું, ‘મા, ભગવાન સંન્યાસીથી રાજી રહે છે. જો તમે મને સંન્યાસ આપવાની આજ્ઞા આપો તો હું આ ડૂબવાની આપત્તિમાંથી મુક્ત થઈ શકું.’

વિચારવાનો સમય ન હતો. પુત્રને અત્યંત ચાહનારી માતાએ આજ્ઞા આપી. પછી તો બમણા ઉત્સાહથી માતાની સાથે તેઓ નદી પાર કરી ગયા. ‘હું સમયે સમયે જાતે આવીને તમને મળતો રહીશ.’ એવાં આશ્વાસનવાળાં વાક્યો કહીને તેઓ પુણ્યસલિલા નર્મદા તરફ ચાલી નીકળ્યા.

નર્મદા તટ પર જઈને એમણે નાની ઉંમરમાં ગોવિંદ ભગવત્પાદ પાસેથી સંન્યાસની દીક્ષા લીધી. ગુરુએ એમને ભગવત્પૂજ્યપાદાચાર્ય એવું નામ આપ્યું. ગુરુએ બતાવેલા માર્ગ દ્વારા તેઓ તરત જ યોગસિદ્ધ બની ગયા. ગુરુએ એમને કાશી જઈને બ્રહ્મસૂત્ર પર ભાષ્ય કરવાની આજ્ઞા આપી.

ગુરુના આદેશ પ્રમાણે આચાર્ય શંકર કાશી ગયા. ત્યાં ચાંડાલ વેશમાં ભગવાન શંકરે એમને દર્શન આપ્યાં. આચાર્યે એમને ઓળખી લીધા અને તેઓ એમનાં ચરણોમાં પડી ગયા. પછી કરુણામય પાર્વતી વલ્લભ પ્રગટ થયા. શંકરાચાર્યે બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું.

એક દિવસ એકાએક એક વૃદ્ધ બ્રાહ્મણ ઉપસ્થિત થયો અને એક સૂત્રના અર્થ પર તેણે શંકા કરી. શંકરાચાર્યે તેનો ઉત્તર આપ્યો. વળી પાછી એણે શંકા કરી, શાસ્ત્રાર્થનો આમ પ્રારંભ થયો. આઠ દિવસ સુધી આમ આ ચર્ચા ચાલતી રહી.

પદ્મપાદાચાર્ય જેઓ આચાર્ય શંકરના કાશીમાં પ્રથમ શિષ્ય હતા અને જેમનું પૂર્વ નામ સનંદન હતું તેઓ આશ્ચર્યચકિત બની ગયા. તેમણે કહ્યું, ‘મારા ગુરુજી જેવા અદ્વિતીય વિદ્વાન સાથે આટલા દિવસ સુધી શાસ્ત્રાર્થ કરતા રહેવાની ક્ષમતા કોનામાં છે ! એમણે ધ્યાનસમાધિથી જોયું તો ખ્યાલ આવ્યો કે એ તો ભગવાન વ્યાસ વૃદ્ધ બ્રાહ્મણના વેશે શાસ્ત્રાર્થ કરી રહ્યા હતા. તત્ક્ષણ એમણે હાથ જોડીને વિનંતી કરી :

શઙ્કર : શઙ્કર : સાક્ષાદ્ વ્યાસો નારાયણ : સ્વયમ્ —। તયોર્વિવાદે સમ્પ્રાપ્તે ન જાને કિં કરોમ્યહમ્—।।

શંકરાચાર્યે ભગવાન વ્યાસને ઓળખી લીધા અને તેઓ એમનાં ચરણોમાં નમી પડ્યા. અત્યંત પ્રસન્નતાથી વ્યાસજીએ કહ્યું, ‘તમારી ઉંમર કેવળ સોળ વર્ષની છે, એ પૂર્ણ થવા આવી છે. સોળ વર્ષ હું તમને મારા તરફથી આપું છું. ધર્મની સ્થાપના કરો.’ આચાર્ય શંકરે ભગવાન વ્યાસની આજ્ઞાનું જીવનમાં અક્ષરશ : પાલન કર્યું. આચાર્ય શંકર જેવા બાળકને જન્મ આપીને હિન્દુજાતિ કૃતાર્થ બની છે.

Total Views: 762

One Comment

  1. વિમલ વ. દવે April 25, 2023 at 4:19 am - Reply

    સાવ ટૂંકાણમાં ભગવાન શંકરાચાર્યનો સરસ પરિચય આપવાનો સફળ પ્રયત્ન..

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.