એક દેશમાં દુકાળ પડ્યો. એટલે ખેડૂતો બધા ધોરિયા ખોદીને દૂરથી (નદીમાંથી) પાણી લાવવા લાગ્યા. એક ખેડૂતના મનમાં ખૂબ જોર. તેણે એક દિવસ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ખેતરમાં પાણી ન આવે, ધોરિયાનો અને નદીનો મેળાપ ન થઈ જાય ત્યાં સુધી ધોરિયો ખોદ્યે જ જવો. અને તે કામે લાગ્યો. આ બાજુ નહાવાનો સમય થયો એટલે તેની સ્ત્રીએ શરીરે ચોળવા માટે પોતાની દીકરી સાથે તેલ મોકલ્યું. દીકરીએ આવીને કહ્યું, ‘બાબા, નહાવાનું ટાણું થઈ ગયું છે, હવે નાહી લો.’ ખેડૂતે કહ્યું, ‘તું જા, મારે હમણાં કામ છે.’ એમ કરતાં બપોર થયો. તોય ખેડૂત તો ખેતરમાં ધોરિયો ખોદ્યે જ જાય છે, નહાવાનું નામ નહિ. એટલે તેની સ્ત્રી ખેતરે આવીને કહેવા લાગી, ‘હજી સુધી આ તમે નાહ્યા નથી ? રોટલા ઠરી ગયા ! તમારે તો બધું અત્યારે ને અત્યારે ! કાલે કરજો. નહિ તો ખાઈપીને કરજો.’

એ સાંભળતાં ખેડૂતે કોદાળી ઉગામી અને સ્ત્રીને બે ચાર ગાળો દેતો બોલી ઊઠ્યો : ‘તને તે કંઈ અક્કલ છે ? વરસાદ થયો નથી, ખેતરમાં દાણો પાકશે નહિ તો આ વખતે છોકરાં ખાશે શું ? બધાંને ભૂખે મરવાનો વારો આવશે ! મેં નીમ લીધું છે કે આજ ખેતરમાં પાણી લાવવું અને પછી જ નહાવા-ખાવાની વાત.’ સ્ત્રી તો ખેડૂતનો મિજાજ જોઈને નાસી જ ગઈ. ખેડૂતે આખો દિવસ તનતોડ મહેનત કરીને સંઘ્યા સમયે ધોરિયાને નદી સાથે જોડી દીધો.

ત્યાર પછી એક બાજુએ બેસીને જોવા લાગ્યો કે નદીનું પાણી ખળ ખળ કરતું ખેતરમાં આવી રહ્યું છે. તેથી તેનું મન શાંતિ અને આનંદથી પૂર્ણ થયું. પછી ઘેર જઈને સ્ત્રીને કહે, ‘હવે, નહાવાનું પાણી મૂક, તેલ દે, ને જરા હુક્કો ભર.’ ત્યાર પછી નિશ્ચિંત થઈ, નાહીધોઈ, ખાઈપીને ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. આનું નામ તીવ્ર વૈરાગ્ય.’ ‘બીજો એક ખેડૂત હતો. તે પણ ખેતરમાં પાણી લાવવા સારુ ધોરિયો ખોદવા લાગ્યો હતો. તેની સ્ત્રી જ્યારે ગઈ અને કહ્યું કે ‘ઘણો વખત થઈ ગયો છે, હવે ચાલો. એટલું બધું વધુ પડતું કામ ન કરીએ.’ ત્યારે એ બીજું કાંઈ ન બોલતાં કોદાળી બાજુએ રાખીને બોલ્યો, ‘તું કહે છે તો ભલે, ચાલ !’ એ ખેડૂતથી ખેતરમાં પાણી લાવવાનું બન્યું નહિ. એ મંદ વૈરાગ્ય !’ અંતરમાં ખૂબ જોર ન હોય તો ખેડૂતના ખેતરમાં જેમ પાણી આવે નહિ તેમ માણસને પણ ઈશ્વર-પ્રાપ્તિ થાય નહિ.

Total Views: 214

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.