શ્રી એ.આર.કે. શર્મા ટાટા ડોકોમોના એડિશ્નલ વાઈસ પ્રેસિડન્ટ છે. એમણે સ્વામીજીના વિચારો પર ખૂબ ગહન ચિંતન કર્યું છે, અને સ્વામીજીના વિચારો આધારિત અનેક પ્રેરણાદાયી પુસ્તકો લખ્યાં છે. એમના મૂળ અંગ્રેજી પુસ્તકના કેટલાક અંશનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં.

સ્મૃતિની પેલે પાર જઈને વિચારવું અને માત્ર વિચારવા વચ્ચેનો ભેદ

આપણે બધા ઘણું ઘણું વિચારતા હોઈએ છીએ. આપણાં બધાં કાર્યો વિચારની પર આધારિત હોય છે. આપણા દૈનિક જીવનમાં પોતાના શરીર પછીના આપણે જે સાધનનો ઘણો વધારે ઉપયોગ કરીએ છીએ તે છે વિચાર. વિચારનું મૂળ સ્રોત સ્મૃતિ છે અને આ વિચાર પણ બાહ્ય વાતાવરણ અને અંતરના વિશ્વ એટલે કે જડ-ચેતન જગતના પડકારો સાથેનો પ્રતિભાવ છે. ર ને ૩ વડે ગુણતાં કઈ સંખ્યા મળે છે ? દા.ત. ૨ # ૩ = ૬ એટલે સ્મૃતિમાંથી તરત જ ૬ એવો વિચાર આવશે. આપણા સમગ્ર અનુભવ અને જ્ઞાન આપણી સ્મૃતિમાં સંગ્રહાઈ જાય છે અને ગમે તેવો પડકાર ઉપસ્થિત થતાં તેનો પ્રતિભાવ આપણને મળી રહે છે. એવી જ રીતે કોઈ વસ્તુના ઉત્પાદનનો કેટલી માત્રામાં વેપાર થવાથી જે તે વેપાર ટકાઉ બની શકે, આવા વિચારોની પ્રતિક્રિયા પણ આપણી સ્મૃતિમાં જમા થયેલ ગઈકાલના અનુભવોથી તરત જ મળી રહે છે. જ્યારે આપણે ગિરદીવાળા રસ્તે કાર ચલાવતા હોઈએ ત્યારે આપણા મગજની કોશિકાઓમાં ટ્રાફિકના નિયમોના પાછલા અનુભવ પર આધાર રાખીને આપણે ગિયર બદલીએ છીએ, એક્્સલેટર દબાવીએ છીએ, બ્રેક મારવાનાં કાર્યો કરીએ છીએ. આ બધું આપમેળે થાય છે.

તો પછી જ્યાં આપણી સ્મૃતિમાં સંગ્રહાયેલ છે એવા આપણા વિચારના અચેતન ઝૂમખાંને કેવી રીતે તોડી શકીએ ? જો એમ કરીએ તો સ્મૃતિમાં રહેલી સીમિત જાણકારી પણ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ ? શું આપણે વિચાર-વલણમાંથી બહાર નીકળીને આપણી સામે આવતી સમસ્યાઓના ઉકેલ વિચારવાથી પર હોય એવું કોઈ અન્ય સાધન આપણે લાવી શકીએ ખરા? વિચારથી પર થઈને કોઈ બીજાં સાધનોનો ઉપયોગ કરવો એટલે આપણી સ્મૃતિની સીમાને ઓળંગીને વિચારવું ! જો આપણે આ સ્મૃતિને એક પેટી માની લઈએ તો કરવો એ પેટીની બહાર નીકળીને, એનાથી સ્વતંત્ર બનીને, વિચાર એ જ ‘સ્મૃતિની સીમાને ઓળંગીને વિચારવું’ કહેવાય છે.

શું આપણા દૈનિક જીવનમાં આપણે આ વિચાર સિવાય બીજું કોઈ સાધન ઊભું કરી શકીએ ખરા?

એક બાજુએ આપણા મગજની કોશિકાઓમાં એકત્રિત સૂચનાઓ સતત પ્રવાહિત બની રહે છે, તો વળી બીજી બાજુએ આપણે આધ્યાત્મિક સૂચનાઓના ભારથી મુક્ત થવા કોઈ વૈકલ્પિક પદ્ધતિનો પ્રયોગ કરીએ અને વિચારથી પર હોય એવા કોઈ બીજા ઉપકરણનો ઉપયોગ કરવાનું શીખીએ, એ આવશ્યક છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે પોતાની ભૂતકાળની સ્મૃતિઓના આ બોજાને એટલે કે આપણાં પાછલાં જ્ઞાન અને અનુભવને ખંખેરી નાખીએ; એ જરૂરી છે. મગજની કોશિકાઓમાં પહેલેથી સંગ્રહાયેલી બાબતો આપણને નવી નવી બાબતો વિશે વિચારતાં રોકે છે. એટલે આપણે પોતાના મગજના ડાબા હિસ્સામાંથી સક્રિય બનતી એ તર્કપૂર્ણ કે તાર્કિક જ્ઞાનના પ્રભાવથી મુક્ત બનીને વિચારવાની કોઈ બીજી રીત કે ઉપાયની કલ્પના કરવી પડે. આનો આપણે સામાન્ય રીતે ઉપયોગ કરતા નથી. આવી રીતે આપણે એક વધારાનું સાધન – ઉપકરણ શોધવું પડે.

એટલે જ આધ્યાત્મિકતાની ભાષામાં કહીએ તો ‘સ્મૃતિથી પર થઈને વિચારવું’નો અર્થ છે, મસ્તિષ્કની જાગરુક અવસ્થામાં રહીને (પહેલેથી જમા થયેલી) સ્મૃતિઓનો સ્પર્શ કર્યા વિના કાર્ય કરવાની ક્ષમતા કેળવવી એવો છે.

બધી બાબતોમાં આપણે વ્યવહારુ બનવું પડશે, એટલે કે આપણા કાર્ય દ્વારા વિકાસ સાધવો પડે. કેવળ મતમતાંતરોએ જ દેશનો વિનાશ નોતર્યો છે.

અધ્યાત્મ વિજ્ઞાનમાં પ્રાય : મસ્તિષ્કથી-બુદ્ધિથી પર થવાની વાત આવે છે. એનો મત એવો છે કે આપણી સ્મૃતિ દ્વારા થતા પડકારોનો પ્રત્યુત્તર આપવા તેમાં રચાયેલા વિચાર પ્રણાલિના ઘેરાને તોડવો પડે છે. વિચારપ્રક્રિયા અટકી પડે એટલે આપણું અસ્તિત્વ મટી જતું નથી. જેવા આપણે વિચારની દુનિયાની પર થઈ બહાર નીકળીએ છીએ એવું જ વિચારથી પર એક એવું બીજું દ્વાર ખૂલી જાય છેે – એ છે ‘ચેતનાનું દ્વાર!’ જ્યારે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ત્યારે વિચારની પ્રક્રિયા બંધ થઈ જાય છે, એટલે શું આપણે મરી જઈએ છીએ ?

ગાઢ નિદ્રામાં દરેક વ્યક્તિ ચેતનાશક્તિના વિશાળ ભંડારના સંસર્ગમાં હોય છે. સાથે ને સાથે નવી તાજી ઊર્જાના સ્પર્શથી ભરપૂર બની જાય છે. વિચાર એક વ્યક્તિગત બાબત છે જ્યારે ચેતના એક બહુવ્યાપી વૈશ્વિક બાબત છે. બીજા શબ્દોમાં કહીએ તો ચેતના એ કોઈ એક વ્યક્તિની સંપત્તિ નથી, પણ સર્વ કોઈની છે.

મેધા શક્તિ સંપત્તિ વિશેનો કોઈ સત્તાધિકાર નથી. એ અધિકારની વાત ત્યારે આવે કે જ્યારે ચેતનાના સ્તરથી (બ્રહ્માંડના સ્તરથી) કોઈ બાબતને વિચારના સ્તર પર (વ્યક્તિગત સ્તર) પર લવાય છે. ઈશ્વરે આ ચેતના પર કોઈનો એકાધિકાર સ્થાપિત કર્યો નથી. વળી એ વાપરવા માટે ઈશ્વરને કોઈ રોયલ્ટી ચૂકવવી પડતી નથી. ‘સ્મૃતિ સીમાથી પર થઈને વિચારવું’ એટલે આપણે જ્યારે જાગૃત અવસ્થામાં હોઈએ ત્યારે એ વિચારપદ્ધતિને વિરામ આપીએ. જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે આ સ્મૃતિનો ઉપયોગ કરતા નથી. (ઊંઘમાં આપણી સ્મૃતિ અસ્થાઈ રૂંધાઈ જાય છે) આ ઊંઘ અને ‘સ્મૃતિની પેલે પાર વિચારવું’ની પ્રક્રિયામાં માત્ર એક જ ભેદ છે. તે એ છે કે સૂતી વખતે આપણે અચેતનરૂપે આપણી પોતાની સ્મૃતિનો ઉપયોગ કરતા નથી અને ‘સ્મૃતિની પેલે પાર વિચારતી વખતે, આપણે જાણી-સમજીને પોતાની સ્મૃતિનો પ્રયોગ કરતા નથી, એટલે આધ્યાત્મિક ભાષામાં કહીએ તો ‘સ્મૃતિની સીમાને ઓળંગીને વિચારવું’નો અર્થ એ છે કે મસ્તિષ્કની જાગરુક અવસ્થામાં રહીને, પહેલેથી સંગ્રહાયેલી (મગજની કોશિકાઓમાં – સૂચનાઓ)ને સ્પર્શ્યા વિના કાર્ય કરવાની ક્ષમતા.

‘આમ દુનિયાના બધા ધર્મોએ ઉચ્ચારેલી મહાન ઉક્તિ એ છે કે અમુક ક્ષણોએ માનવમન ઇન્દ્રિયોની સીમાથી પર જાય છે એટલું જ નહીં પણ બુદ્ધિથી પણ પર જાય છે; પછી તે એવી ઘટનાઓનો સાક્ષાત્ અનુભવ કરે છે કે જે તેણે ઇન્દ્રિયો દ્વારા કદીય અનુભવી ન હોય અગર બુદ્ધિ દ્વારા વિચારી ન હોય. આ અનુભૂતિઓ દુનિયાના સર્વ ધર્મોનું મૂળ છે. એ ખરું છે કે આ અનુભૂતિઓને બુદ્ધિની સરાણ ઉપર ચઢાવવાનો કે તેમની સામે પડકાર કરવાનો આપણને અધિકાર છે. છતાં પણ દુનિયાના આજના બધા ધર્મો એવો દાવો કરે છે કે માનવમનમાં ઇન્દ્રિયોની અને બુદ્ધિની સીમાઓથી પર થઈ શકવાની આ વિશેષ શક્તિ રહેલી છે. તેઓ આ શક્તિને એ સત્ય હકીકત તરીકે આપણી સમક્ષ રજૂ કરે છે. (સ્વા.વિ. ગ્રંથમાળા, ૨.૨૮૭)

વિચારો વચ્ચેના અંતર પર ધ્યાન રાખો -સ્મૃતિ સાથે કોઈ સંપર્ક નથી

આપણા વિચારો નિરંતર ઉત્પન્ન થતા રહેતા નથી. બે વિચારોની વચ્ચે એક અંતર હોય છે, જેને આપણે ‘મૌન’ કહીએ છીએ. પરંતુ સામાન્ય રીતે આપણે પોતાના વિચારો વચ્ચેના અંતરને અનુભવી શકતા નથી કારણ કે આપણા વિચારો લગાતાર એક સાંકળરૂપે ચાલુ રહે છે. એમાં એક વિચાર બીજા વિચાર સાથે સાતત્ય જાળવી રાખે છે. એટલે આ વિચારો વચ્ચેના ‘મૌન’નો આપણે અનુભવ કરી શકતા નથી. મારો હવે પછીનો વિચાર કેવો હશે એવું કોઈ પહેલેથી બતાવી શકે ખરા ? ના, જરાય નહીં. વિચારની આ સાંકળમાં વિચારોની વચ્ચે આવતા મૌનની અનુભૂતિ એટલે થતી નથી કે આ અંતર – ખાલીપણા – દરમિયાન આપણો ‘અહમ્’ પોતાની સ્મૃતિઓને પછીના વિચારને જન્મ આપતા પહેલાં ઉખેડવા માંડે છે. સ્મૃતિની સીમાની પેલે પાર જઈને વિચારવાની પ્રક્રિયામાં સમસ્યાના ઉકેલ માટે આપણી સ્મૃતિને ખોદવાના કે ઢંઢોળવાના આ સતત ચાલતા ચક્રને તોડવાની અને મૌનમાં સ્થિરધીર બની જવાની ક્રિયા સામેલ થાય છે. આ વિચારોની વચ્ચે એક શાંતિ, એક નિરવતા હોય છે. આ શાંતિ અને નિરવતા જેટલી વધારે હોય એટલી આપણી માનસિક તત્પરતા કે સર્જનાત્મકતા વધારે હોવાની. જો આપણે કોઈ પણ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને પોતાની સ્મૃતિનું અનુનિરીક્ષણ ન કરીએ તો એ વાત ‘સ્મૃતિ શક્તિની સીમાની પેલે પાર જઈને વિચારવું,’ છે. વિચારોની વચ્ચે આ શાંતિ દરમિયાન આપણે પોતાની સ્મૃતિનો સ્પર્શ કરતા નથી. એ મૌનની અવધિઓ વચ્ચે એક અંતરાલ છે અને એમાં જ રહેલ છે, ‘સ્મૃતિ શક્તિની સીમાની પેલે પાર જઈને વિચારવા,’નો ખજાનો. એને જાગૃત કરવો એ એક સર્જનાત્મકતા છે.

Total Views: 328

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.