ઘ) નેલ્સન મંંડેલા : આ વ્યક્તિએ પોતાની વચનબદ્ધતાને પૂરી કરવા ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યાંં

કોઈ વ્યક્તિએ પોતાના જીવનનાં ૨૭ વર્ષ જેલમાં ગાળવાનાં છે અને એમાંથી અધિકાંશ દક્ષિણ આફ્રિકાના અત્યંત ક્રૂર અને ભયાનક સ્થાન પર વિતાવવાનાં હોય, તેની એક કલ્પના તો કરી જુઓ. કોઈ ઘોર અપરાધી આજીવન કારાવાસમાં જેલમાંં લાંંબો સમય વિતાવે એ એક અલગ વાત છે, પણ આ ઘટના તો છે, નાગરિક અધિકારો માટે પોતાના દેશબંધુઓ માટે લડતા મહાન નેતા નેલ્સન મંડેલાની. આ ઉમદાકાર્ય માટે તેમણે પોતાનાં મૂલ્યો, ગૌરવગરિમા તેમજ સિદ્ધાંંતોમાંં જરાય બાંંધછોડ ન કરી. આ પાવન ઉદ્દેશ માટે તેમણે ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યાં. આ છે ઉમદા ઉદ્દેશ્ય માટેની સાચી વચનબદ્ધતા.

મંડેલાએ પોતાની રાજનૈતિક ગતિવિધિઓ-કારકિર્દીનો આફ્રિકન નેશનલ કોંગ્રેસના માધ્યમથી ૧૯૪૮ના રંગભેદ સમર્થક નેશનલ પાર્ટીની ચૂંટણી પછીના થોડા સમય બાદ પ્રારંભ કર્યો હતો. રંગભેદ એક કાનૂની પ્રજાતીય ભેદભાવ હતો. એ પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં કાળા લોકોને બહુ ઓછા અથવા તો નહીં બરાબર અધિકાર હતા. શાસનમાંં પૂરેપૂરું આફ્રિકાના શ્વેત લોકોનું પ્રભુત્વ હતું. જ્યારે મંડેલાએ આફ્રિકન નેશનલ કોંગ્રેસ તરફથી આ કાયદાના વિરોધનું અભિયાન ચલાવ્યું અને તેની આગેવાની લીધી ત્યારથી તેઓ છવાઈ ગયા. પછીથી મંડેલાએ રંગભેદનો હિંસક પ્રતિરોધ કરવા માટે ઈઝરાઈલની શૈલીનું ગેરીલા યુદ્ધ (અભિયાન) ચલાવ્યું. ૧૯૬૧માં મંડેલા આફ્રિકન નેશનલ કોંગ્રેસની સશસ્ત્ર શાખાના સંયુક્ત સંસ્થાપક અને નેતા બન્યા.

૧૯૬૧માં મંડેલાને ૨૭ વર્ષની જેલની સજા મળી. એમાંથી ૧૮ વર્ષનો સમય તેમણે રાેબ્બન દ્વીપની જંંગલી જેલમાં વિતાવ્યો. મંડેલા આફ્રિકન નેશનલ કોંગ્રેસની હિંસા અને સશસ્ત્ર આંદોલનની નિંદા કરે એ શરતે ૧૯૮૫માં તેમની જેલમુક્તિનો પ્રસ્તાવ મોકલવામાંં આવ્યો. પણ તેમણે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો. તેઓ ૧૯૯૦ સુધી જેલમાં રહ્યા તથા દક્ષિણ આફ્રિકાની જનતાના દબાણ અને આંતરરાષ્ટ્રિય વિરોધને કારણે નેલ્સન મંડેલા જેલમુક્ત બન્યા.

૧૯૯૪માં દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર શ્વેત અને અશ્વેત બન્ને ભાગ લઈ શકે તેવી સામાન્ય ચૂંટણી થઈ. આફ્રિકન નેશનલ કોંગ્રેસને તેમાં બહુમતી મળી અને નેલ્સન મંડેલા આ રાષ્ટ્રના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા.

ચ) નિરંતર પ્રયાસ સાથે સંલગ્ન ટિટોેડી પક્ષીઓની વાત

સ્વામી વિવેકાનંદ કહે છે : ‘સફળ થવા માટે તો તમારામાં જબરદસ્ત ખંત હોવી જોઈએ, પ્રબળ ઇચ્છાશક્તિ હોવી જોઈએ. ‘હું સાગર આખો પી જઈશ, મારી ઇચ્છાશક્તિના જોરે પર્વતના ચૂરા થઈ જશે’, ખંતીલો જીવ તો એમ બોલે. એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઇચ્છાશક્તિ કેળવો, તો તમે ધ્યેયે પહોંચશો જ.’ (સ્વા.વિ.ગ્રંથ. ૧.૧૯૪)

ચાલો, આપણે હવે એવી ભાવના વિશે એક રોચક વાર્તા વાંચીએ :

‘એક સમયની વાત છે કે ટિટોડી પક્ષી-પતિપત્નીએ સમુદ્રના કિનારે એક માળો બનાવ્યો અને ત્યાં રહેવાં લાગ્યાં. જ્યારે માદા પક્ષી ઈંડાં મૂકતી ત્યારે સમુદ્રનાં મોજાં એને તાણી-ગળી જતાં. પુરુષ પક્ષી સમુદ્રની આ પાપભરી પ્રવૃત્તિ પર ખૂબ ક્રોધિત થયો અને તેણે પ્રતિજ્ઞા કરી કે તે સમુદ્રને ખાલી કરી નાખશે અને પોતાનાં ઈંડાં પાછા લઈને આવશે. સતત પોતાની ચાંચમાં સમુદ્રનું પાણી લઈને તેણે જમીન ઉપર નાખવાનું કામ આરંભી દીધું. આસપાસનાં અન્ય પક્ષી પણ આ પવિત્ર કાર્યમાં તેમને મદદ કરવા લાગ્યાં. આ સમય દરમિયાન આ ખબર જંગલની આગની જેમ ચારે તરફ ફેલાઈ ગઈ. અન્ય સમુદાયનાં પક્ષીઓ જેવાં કે ગરુડ, ગીધ વગેરે પણ એમને આ સ્થિતિમાંંથી ઉગારવા માટે ના અભિયાનમાં જોડાયાં. પક્ષીઓના રાજા તથા ભગવાન વિષ્ણુના વાહન ગરુડ રાજાનું ધ્યાન પણ એ તરફ ગયું. તેઓ પણ એમની સહાયતા કરવા એ સ્થાને પહોંચી ગયા. ભગવાન વિષ્ણુ પોતાનું વાહન એવા ગરુડજી હાજર ન હોવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. શું થઈ રહ્યું છે એ જોવા માટે તેઓ પણ સમુદ્ર પાસે પહોંચી ગયા. ભગવાન વિષ્ણુની હાજરીનો લાભ લઈને ગરુડે એમને વિનંતી કરી કે તેઓ આ ટિટોડી યુગલને ન્યાય આપે. ભગવાન વિષ્ણુ ટિટોડી પક્ષીઓ દ્વારા પ્રદર્શિત અદ્‌ભુત દૃઢતા જોઈને અભિભૂત થઈ ગયા. તથા તેમણે સમુદ્રને મનાવીને એમનાં ઈંડાં પાછાં અપાવ્યાં.’

આ વાર્તા આપણને દર્શાવે છે કે જો આપણે નિરંંતર પ્રયાસ સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધીએ તો આપણે જે ઇચ્છીએ તે બધું પ્રાપ્ત કરી શકીએ છીએ.

સારાંશ : સ્વામી વિવેકાનંદ નિરંતર એ વાત સમજાવે છે કે મહાન કાર્યો કરવા આપણે પોતાની ભીતર ધૈર્યનો ગુણ વિકસિત કરવો જોઈએ. જો આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો પણ હિંમત ન હારવી જોઈએ. પરંતુ ધૈર્ય, કઠિન પરિશ્રમ, સહનશીલતા અને પ્રતિબદ્ધતા સાથે આગળ વધવું જોઈએ.

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘જિંદગીમાં મેં શીખેલા અનેક મહાન બોધપાઠોમાંનો એક એ છે કે જેટલું ધ્યાન કાર્યના ધ્યેય તરફ આપવું જોઈએ તેટલું જ તેના સાધન તરફ પણ આપવું જોઈએ. આ પાઠ હું એક મહાન પુરુષ પાસેથી શીખ્યો હતો અને તેમનું પોતાનું જીવન આ મહાન સિદ્ધાંતના પ્ા્રત્યક્ષ દાખલારૂપ હતું. તે એક જ સિદ્ધાંતમાંથી હું હંમેશાં ઘણું ઘણું શીખું છું. મને લાગે છે કે સફળતાનું સર્વ રહસ્ય એમાં જ રહેલું છે કે જેટલું ધ્યાન સાધ્ય પ્રત્યે આપો તેટલું જ સાધન પ્રત્યે પણ આપો.’ (સ્વા.વિ.ગ્રંથ. ૧.૧૨૩)

Total Views: 356

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.