(નવેમ્બરથી આગળ…)
તેઓ જાણતા હતા કે કેવી રીતે ટૂંકા જવાબ આપીને નાનાં બાળકોને પણ સમજાવી શકાય છે. અમારી પુત્રી ૮ થી ૧૭ વર્ષની વય દરમ્યાન તેમને ઘણીવાર મળી હતી અને તેમની સાથે વાતો કરતી જોઈને અમને આ વાત સમજમાં આવી હતી. પોતાના આ ઉછરવાના દિવસોમાં તે તેમને દરેક જાતના પ્રશ્ન કરતી. ૮ વર્ષની ઉંમરે તેણે એક વાર તેમને પૂછયું હતું ‘મહારાજ, હું વાંચવાનું જાણું છું. શું આપની પાસે મારા માટે કોઈ પુસ્તક નથી?’ બીજા દિવસે તેને શ્રીરામકૃષ્ણ તથા સ્વામીજી અંગે સચિત્ર પુસ્તકો આપવામાં આવ્યાં. તે બોલી ‘માનું પુસ્તક કેમ નથી ? હું તેમના વિશે વાંચવા ઇચ્છું છું.’ મહારાજે જવાબ આપ્યો, ‘મારી પાસે શ્રીમા વિષયક બાળકો માટેનું પુસ્તક નથી.’ તેમનો આ જવાબ મારી પુત્રીને ગમ્યો નહીં. તે બોલી, ‘તે છોકરી હતી, શું એટલા માટે તેમના વિશે આપે પુસ્તક પ્રસિદ્ધ કરાવ્યું નથી ?’ બે વર્ષ પછી ફરીથી અમે બેલુર મઠ ગયાં. જ્યારે અમે પહેલી વાર તેમને મળવા ગયાં, ત્યારે તેમણે અમારી પુત્રીને શ્રીમા અંગેનું સચિત્ર પુસ્તક આપ્યું. જ્યારે તેણે મૌન આશ્ચર્ય સાથે તેમની તરફ જોયું, ત્યારે તેમના મુખ પર એક મધુર હાસ્ય હતું. અમારું અનુમાન છે કે કદાચ તે બાળકીની નિર્દાેષ ટીકા સાંભળીને તેમણે વિચાર્યું હશે કે બાલ્યાવસ્થા જ આધ્યાત્મિક બીજારોપણનો શ્રેષ્ઠ સમય છે; અને બાળકોમાં પણ શ્રી મા વિશે જિજ્ઞાસા હોય છે. જાણે કે શ્રી મા જ તે બાળકીના મુખથી બોલી રહ્યાં હતાં.
બેલુર મઠની અમારી એક બીજી સહકુટુંબ યાત્રા પણ યાદ કરવા જેવી છે. અમે લોકો પહેલાંની જેમ જ સંધ્યા-આરતી પછી તેમનાં દર્શન કરવા જતાં રહેતાં હતાં. એક દિવસ તેમણે અમને ત્રણેયને ત્રણ જુદાં જુદાં પુસ્તકો ભેટમાં આપ્યાં. અમારા કુટુંબનો ચોથો સભ્ય મારો પુત્ર ત્યારે તો માત્ર એક-દોઢ વર્ષનો હતો અને તેનાં ઘણાં વર્ષો પછી પૂજનીય ભૂતેશાનંદજી પાસેથી તેને દીક્ષા મળેલી. જવા દો, સહુથી વિચિત્ર વાત તો પુસ્તકોની પસંદગીને લઈને હતી. ઘણાં વર્ષો પછી અમને એ વાતની જાણ થઈ કે તેમણે અમારા ત્રણેયના મનની આધ્યાત્મિક સ્થિતિ અને તેના ભવિષ્યનું સચોટ નિદાન કર્યું હતું અને દવાના રૂપમાં દરેકને જુદાં-જુદાં પુસ્તક આપ્યાં હતાં. તેઓ વ્યક્તિના આંતરિક જીવન તથા ભવિષ્યને સ્પષ્ટ જોઈ શકતા હતા. આ વિશે કંઈ કહી શકાશે નહિ કારણ કે તેઓ પોતાની આ શક્તિને જાહેર થવા દેેવાનું પસંદ કરતા નહીં. શ્રીરામકૃષ્ણના આદર્શ મુજબ તેઓ અલૌકિક શક્તિઓને પ્રકટ કરવાથી દૂર રહેતા હતા. એટલે અમે આ પ્રસંગ સંક્ષેપમાં વર્ણવ્યો છે.
શ્રીરામકૃષ્ણના જીવનના કેટલાક પ્રસંગોથી જાણવા મળે છે કે દરેક વસ્તુને પોતાની નિશ્ચિત જગ્યા પર જ રાખવાની બાબતમાં તેઓ ઘણા સાવધાન રહેતા હતા, જરૂર પડે ત્યારે તેેને સરળતાથી મેળવી શકાય. એક પ્રસંગથી જાણી શકાય છે કે મહારાજમાં પણ આ ગુણ રહેલો હતો. અમે એક વાર બેલુર મઠ ગયાં હતાં. આરતી પછી અમે લોકો ગંગાજીના કિનારે અમારાં બાળકો સાથે બેસીને મગફળી ખાઈ રહ્યાં હતાં. ત્યારે અચાનક વીજળી જતી રહી. આ રોજની સમસ્યા હતી અને તે દિવસોમાં બેલુર મઠમાં જનરેટર પણ ન હતું. થોડા સમય પછી અમે અમારા કાર્યક્રમ મુજબ તેમને મળવા ગયાં. અમે ચારેય હજી તેમનાં ચરણો પાસે બેઠાં જ હતાં કે તેમણે જાણી લીધું કે અમારા દોઢ વર્ષના પુત્રને કોઈ મુશ્કેલી છે.
કોઈ રીતે મગફળીનો એક દાણો તેના નાકમાં જઈને અટકી ગયો હતો. જો કે અમે બન્ને ડોક્ટર હતાં, પરંતુ વીજળી ન હોવાના કારણે અમે કશું કરી શક્યાં નહીં. છોડો, મહારાજના બેઠક ઘરમાં મોટી બેટરીથી ચાલતો એક લેમ્પ લાગેલો હતો. અમે જેવી તેમને આ વાતની જાણકારી આપી કે તેઓ તરત જ ઊભા થઈ ગયા અને પોતાના અંધારા ઓરડામાં ગયા. થોડી જ ક્ષણોમાં અંદરથી તેઓ એક નાની થેલી લઈને બહાર આવ્યા. એમાં કોઈ ભક્તે આપેલ ચીપિયો અને બીજાં સાધનો હતાં. તેમાંથી એક સાધનની મદદથી અમે અમારા પુત્રના નાકમાંથી તે દાણો કાઢી લીધો. ઈટાનગરની રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં સેવા આપવાનો અમારો પ્રયાસ અસફળ રહ્યા પછી અમે ગુજરાત પાછાં ફરી ગયાં હતાં.
અમારા જૂના સ્વપ્નને સાકાર કરવા માટે અમે ‘સેવા રુરલ’ SEWA-Rural (Society for Education, Welfare and Action – ગ્રામ્ય શિક્ષણ, કલ્યાણ તથા કાર્યમૂલક સંસ્થા) નામે એક સંસ્થાની શરૂઆત કરી. આ માટે અમે દક્ષિણ ગુજરાતના નર્મદા નદી કિનારા પર અનુસુચિત જનજાતીય ક્ષેત્રમાં આવેલ ઝગડિયા નામના ગામને પસંદ કર્યું. અમારા લોકોની પ્રબળ ઇચ્છા હોવા છતાં પૂજ્યપાદ મહારાજ માટે તે ગ્રામીણ સેવા-કેન્દ્રને જોવાનું સંભવ ન થઈ શક્યું. તેમણે ત્યાં જવાની આંતરિક ઇચ્છા વ્યક્ત કરેલી ત્યારે અમને ઘણી ખુશી થઈ હતી, પરંતુ તેઓ ત્યાં આવી શક્યા ન હતા. તો પણ અમે આશ્વસ્ત હતા કે અમારું કામ તેમના ધ્યાનમાં છે. બે કારણોથી આ બાબતમાં અમે નિશ્ચિંત હતાં.
પોતાના જીવનના અંતિમ દિવસોમાં એકવાર જ્યારે તેઓ મુંબઈના ખાર કેન્દ્રમાં આવેલા રામકૃષ્ણ મિશનમાં પધાર્યા હતા ત્યારે અમે ખાસ તેમને મળવા અને તેમના આશીર્વાદ લેવા ગયાં હતાં. તેમનું આરોગ્ય કથળતું હોવા છતાં તેઓ અસંખ્ય ભક્તોને મળતા તથા તેમને આશીર્વાદ આપતા. ઘણી વિચારણા કરીને પ્રણામ પછી અમે અમારી એક મુશ્કેલી વિશે તેમને પ્રશ્ન કર્યો. અમે અમારી પરિસ્થિતિ તથા સમસ્યાને સવિસ્તાર તેમની સમક્ષ રજૂ કરી. તેમના આશ્વાસનભર્યા શબ્દ અમને હજુ પણ યાદ છે, ‘પોતાના સહયોગીઓની સાથે હળીમળીને કામ કરવાની દરેક કાર્યકર્તાની તેની પોતાની પદ્ધતિ હોય છે. ઘણા સાથી કર્મચારીઓની એક વિશાળ ટોળીની સાથે કામ કરતી વખતે નારાજ થવું, ઊંચા અવાજે બોલવું અથવા પોતાની શક્તિ કે હોદ્દાના જોરે કામ કરાવી લેવું અયોગ્ય છે. વિરોધ પક્ષના લોકોની વાતો ધીરજપૂર્વક સાંભળ્યા પછી પોતાના વિચારો તેમની સમક્ષ રાખીને ત્યાં જ કામ પૂરું કરાવી શકાય છે.’ પછી, અમને અનુભવ થયો કે તેમણે વ્યક્તિની મનોવૃત્તિ તથા દૃષ્ટિકોણની ભિન્નતા અનુસાર વિભિન્ન પ્રકારની પ્રભાવી નેતૃત્વ પદ્ધતિઓનું શિક્ષણ આપ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે તેમની અંદર આ બધા ગુણો રહેલા હતા એટલા માટે તેઓ કોઈપણને દુ :ખ પહોંચાડ્યા વિના પોતાના વિચાર રજૂ કરી શકતા હતા. તેઓ સુવ્યવસ્થાની કળામાં નિપુણ હતા. પરંતુ આ અમારા પ્રશ્નનો અંશ માત્ર હતો. જરૂરી પ્રયત્નો તથા દૃષ્ટિકોણની બાબતમાં ગીતાના બે શ્લોક (૯.૯, ૨.૭) ટાંકીને તેમણે કહ્યું, ‘સંસ્થા દ્વારા તમે ગરીબો માટે જે કાંઈ પણ કરી રહ્યાં છો, તેને ઈશ્વરની પૂજા સમજીને કરો.’ અને ‘કોઈ ખાસ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવા માટે નમ્રતાની સાથે ઈશ્વરને પ્રાર્થના કરો. તે યોગ્ય રીતે તમને માર્ગદર્શન આપશે.’
થોડાં વર્ષો પછી અમારા કામનું મહત્ત્વ જોતાં અમને અમેરિકા આવવાનું આમંત્રણ મળ્યું. કેટલાંક કારણોથી અમારી ત્યાં જવાની ઇચ્છા ન હતી. એક પત્રથી આ વાતની સૂચના મળ્યા પછી મહારાજે ઘણા જ પ્રેમ સાથે લખ્યું કે જો આપણામાંથી કોઈ એક ત્યાં જાય, તો તે આપણા લોકો તથા સંસ્થાના હિતમાં હશે.
અમારા તથા અમારા કામ પ્રત્યે તેમનો કૃપાપૂર્ણ સ્નેહ અંતિમ આશીર્વાદના રૂપમાં, અણધારી રીતે પરંતુ અત્યંત સાર્થકપણે ચરિતાર્થ થયો. ઈ.સ. ૧૯૮૫ માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) પોતાના SASAKAWA પુરસ્કાર માટે સરકારી તથા બિનસરકારી સંસ્થાઓ પૈકી સેવા રુરલની પસંદગી કરી. આ સંસ્થા ૧૯૮૦ માં જ શરૂ થઈ હતી. ઈ.સ. ૧૮૮૫ નો માર્ચ મહિનો હતો. તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું, તો પણ તેમણે ટેલિગ્રામ મોકલીને અમારા કામના ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી. ભવિષ્યમાં જોવાની તેમની શક્તિને જાણતા હોવાથી અમને લાગે છે કે સંભવત : તેઓ ‘સેવા રુરલ’નાં વિકસી રહેલાં કામોને જોઈ શકતા હતા અને મૌન ભાવે અમને આશીર્વાદ તથા માર્ગદર્શન આપી રહ્યા હતા.
તેમની અધ્યક્ષતા દરમ્યાન અમે ઘણીવાર બેલુર મઠ ગયાં અને ત્યાં ઘણા સપ્તાહ રહ્યાં. રોજ સંધ્યા આરતી પછી અમે તેમનાં દર્શન કરતાં અને તેમના સાંનિધ્યમાં એક કલાક વિતાવતાં. એ દિવસોમાં બેલુર મઠમાં એટલી ભીડ ન હતી અને ત્યાં રાતે રહેનાર મહેમાનોની સંખ્યા ઓછી હતી. તેમનાં ચરણોમાં કલાકો બેસવાનું સદ્ભાગ્ય મળ્યું હતું તેથી અમે ધન્યતા અનુભવીએ છીએ. ક્યારેક ક્યારેક તેઓ અમારા પ્રશ્નોના જે જવાબ આપતા, તે ઘણા જ સહજ હોવા છતાં ઊંડા આધ્યાત્મિક તથા વ્યવહારુ જ્ઞાનથી સભર હતા.
તેમના અંગત પ્રસંગની ચર્ચા, કોઈપણ દાર્શનિક પ્રશ્નનો ત્વરીત જ્વાબ, ભારે અટપટી સાંસારિક સમસ્યાનું વિવેકપૂર્વક તેમણે કરેલું સમાધાન – આ બધાની સરખામણીએ અમારા પરિવારે તેમનાં ચરણોમાં વિતાવેલી મૌન ક્ષણો ઘણી મૂલ્યવાન હતી. તેમની ઉપસ્થિતિ માત્રથી અમારું હૃદય જે શાંતિ અને આનંદથી છલકાઈ જતું તેની સ્મૃતિઓ આજે પણ યથાવત્ બની રહી છે. આધ્યાત્મિકતાની બાબતમાં મોટા-મોટા ગ્રંથો વાંચી શકાય, અસંખ્ય પ્રવચનો સાંભળી શકાય; પરંતુ માત્ર એક જીવંત સાંનિધ્ય જ પ્રેરિત, પ્રજ્વલિત, આનંદિત તથા પોષિત અને આખરે જીવન-માર્ગને પ્રકાશિત કરી શકે છે. સાધકના જીવનમાં એક સિદ્ધ ગુરુના પ્રભાવને માનવીય ભાષામાં વ્યક્ત કરવાનું શક્ય નથી. એને તો માત્ર તેનો અનુભવ કરનાર જ સમજી શકે છે.
અમે તેમનાં વારંવાર દર્શન કર્યાં અને એમની અનહદ કૃપા મેળવી પણ અમને લાગે છે કે અમે તેમની પ્રજ્ઞા, અન્તર્દૃષ્ટિ તથા આધ્યાત્મિક શક્તિનો પૂરો લાભ લઈ શક્યા નથી. આ અમારી મર્યાદા હતી અને આજે પણ છે. આ સંદર્ભમાં એક હિન્દી ગઝલની યાદ આવે છે, જે અમારી ભાવનાને સાચેસાચી રજૂ કરે છે, ‘તેરે યહાઁ કમી નહીં, ઝોલી હી મેરી તંગ હૈ.’
Your Content Goes Here