૧૬ નવેમ્બર, ૨૦૧૪

મારા વહાલા મિત્રો,
જય સ્વામી વિવેકાનંદ.

આજે હું થાકી ગયો છું, ખરેખર થાકી ગયો છું. આજે આખો દિવસ અમારામાંના ઘણા બધા રથ-સંકલિત પુસ્તકવિક્રય-વાહનમાં પુસ્તકો ગોઠવવાના કાર્યમાં ઘણા કલાકો વ્યસ્ત રહ્યા. આવતી કાલે, એક માસ માટે અમદાવાદ તરફ રથ તેની યાત્રાનો પુન : પ્રારંભ કરશે.

વચ્ચેના સમયગાળામાં દિવાળીના તહેવાર નિમિત્તે દીર્ઘકાલીન રજાઓ હતી. સ્વામીજી યુવાનો માટે છે, તેમનો સંદેશ યુવાનો માટે છે અને જ્યારે યુવાનો જ શાળા-કોલેજોમાં નથી ત્યારે તો ક્યાંય પણ રથ લઈ જવો એ તદ્દન નિરર્થક છે. તેથી દિવાળીના તહેવાર નિમિત્તની રજાઓમાં રથયાત્રાને એક સુદીર્ઘ વિરામ અપાયો હતો. મને લાગ્યું કે જાણે સ્વામીજી પણ દિવાળીની રજાઓનો આનંદ માણી રહ્યા હતા. મેં પણ સ્વામીજીનાં પુસ્તકો પુન : પુન : વાંચવામાં સમય વિતાવ્યો. અને હવે હું તેઓના આદર્શાેને આપણી યુવાપેઢી અને બધા વચ્ચે પ્રચારિત કરવા અત્યંત પ્રોત્સાહિત થઈ ગયેલ અનુભવું છું.

આ દરમિયાન, અમે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમરેલી, જૂનાગઢ, ગીર, સોમનાથ, દીવ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં અમારી રથયાત્રા સંપન્ન કરી. અનેકાનેક સ્મૃતિઓ! અને તમને બધાને ઘણા લાંબા સમયથી મેં લખી જણાવ્યું નથી. તે માટે મને ખરેખર દોષ આપી શકો છો. પણ રથનો નિત્યક્રમ જ એવો ભરચક હોય છે. અમારા પંદર વ્યક્તિ પૈકીના દરેકને સવારમાં ઘણું વહેલું ઊઠવું પડે છે અને જેટલું બને તેટલું જલદી તૈયાર થઈ જવું પડે છે. પછી સવારના ચા-નાસ્તા માટે ભાગવું પડે છે. મોટાભાગે દરરોજ નવી જ જગ્યાએ રોકાવાનું અને એમ અમારે એક સ્થાનેથી બીજા સ્થાને ફરવાનું હોય છે. પછી અમે એક પછી એક એમ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈએ છીએ. અમારામાંના કેટલાક પુસ્તક-વિક્રય-વાહન લઈને કોઈક વ્યસ્ત જાહેર સ્થળે જાય છે અને ત્યાં કલાકો સુધી ઊભા રહે છે. મોટેભાગે કાર્ય સાંજના મોડે સુધી ચાલુ રહે છે. અને પછી તો અમે ઝંખીએ છીએ આરામ, આરામ અને બસ આરામ. સ્વામીજીનું કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે આપણે કેવા વિશેષ સુદૃઢ હોવું જોઈએ એ વિશે અમે વારંવાર વિચારીએ અને ચર્ચા કરીએ છીએ.

પરંતુ, મારે તમને એક બાબત કહેવી જ પડશે. અમારામાંનો કોઈ રથયાત્રા દરમિયાન અસ્વસ્થ થયો નથી. આહાર અને નિવાસની પરિવર્તનશીલતા, શેરીની ધૂળ મધ્યે અને સૂર્યના તાપમાં કલાકો સુધી ઊભા રહેવું, વરસાદની ભીનાશ અને એવું બધું અમારા સ્વાસ્થ્યની આડે આવ્યું નથી. હું દરરોજ અનુભવતો કે અમે સ્વામીજીનું કાર્ય આનંદ અને ઉત્સાહ સાથે કરી શકીએ તે માટે શ્રીશ્રીમા સારદાદેવી અમારું રક્ષણ કરી રહ્યાં છે.

આ પત્ર લખતાં લખતાં હું બારીમાં ડોકિયું કરીને બહાર નિહાળું છું. એક મોટા વૃક્ષ નીચે હું રથને ઊભેલો જોઉં છું. સ્વામીજી તેઓના રથ પર બિરાજિત છે. આગળના ભાગે, શિકાગો ધર્મપરિષદમાં જગતે નીરખ્યા હતા તે મુદ્રા અને પરિધાનમાં સ્વામી વિવેકાનંદ ભવ્યતાપૂર્વક ઊભા છે . કેવા મહાન, કેવા બલિષ્ઠ દેખાય છે તે! જ્યારે પણ હું સ્વામીજીના આ સ્વરૂપ સામે દૃષ્ટિ માંડું છું ત્યારે અનુભૂતિ થાય છે કે આ જગતની સમગ્ર શક્તિ જો રૂપ અને આકાર ધારણ કરે તો તે ‘વિવેકાનંદ’ એવા નામે ઓળખાય. અને પશ્ચાદ્ ભાગે તેમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ અને શ્રીશ્રીમા સારદાદેવીનાં ચરણોમાં ધ્યાનમુદ્રામાં સ્વામીજી બેઠેલા છે, અને જાણે કે પુન : પુનશ્ચ તેમને જોનારને તેઓ કહી રહ્યા છે કે આપણી માતૃભૂમિ ભારતનું જીવનરક્ત છે તેની આધ્યાત્મિકતા. અને ભારતવર્ષના આ આધ્યાત્મિક સંદેશને તેનાં બાળકોમાં વિતરણ કરવા ‘વિવેકાનંદ રથ’ એક ગામથી બીજે ગામ અને એક શહેરથી બીજે શહેર ઘૂમી રહ્યો છે. આ ભવ્ય વારસાને આપણે સૌ જાણીએ અને સાચા ભારતીયો બનીએ એવી સ્વામીજીનાં શ્રીચરણોમાં મારી પ્રાર્થના છે.

જય સ્વામી વિવેકાનંદ

રથસ્થ તમારો,
વિવેક.

પ્રતિ,
સ્વામીજીના સૌ મિત્રો.

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.