નોંધ : ૧ જાન્યુઆરી, રવિવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજીએ આપેલ વ્યાખ્યાન અહીં પ્રસ્તુત છે. – સં.

વર્તમાનયુગમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું દૈવીકાર્ય પૂર્ણ કરવા એમની જ દિવ્ય શક્તિએ મા સારદાનો અવતાર લીધો. શ્રીરામકૃષ્ણ કહેતા કે ઈશ્વર અને તેની ઈશ્વરીય શક્તિને અલગ કરી શકાય નહીં. તેઓ એક સાથે જ આવે છે. શ્રીશ્રીમા વિશે શ્રીઠાકુર કહેતા કે તે સારદા છે, સરસ્વતી છે, જ્ઞાન દેવા આવી છે. શ્રીશ્રીમા આપણને જ્ઞાન દેવા આવ્યાં છે તો દેતાં પહેલાં કંઈક પ્રાપ્ત કરવું પડે. તેમણે પોતાનું આખું જીવન સાધકરૂપે વિતાવી દીધું. સ્વામી વિવેકાનંદ કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશ. આપણે મા વિશે કહી શકીએ કે આધ્યાત્મિક જીવનની સાધના એ જ તેમનું જીવન. શ્રીમાના જીવનચરિત્રનો સૂક્ષ્મ અભ્યાસ કરીએ તો આપણને જાણવા મળશે કે એમણે પોતાના જીવનમાં બધું જ સાધનારૂપે જીવી બતાવ્યું છે. આ સાધના એમણે ચૂપચાપ કરી હતી. કોઈ ફરિયાદ નહીં, કંઈ મેળવવાની આશા નહીં, કેવળ જીવનને શ્રેષ્ઠ કરવાની અને જગતનું કલ્યાણ કરવાની તાલાવેલી.

પતંજલિના યોગશાસ્ત્રમાં વર્ણવેલ આધ્યાત્મિક જીવન માટે બધાં સોપાનો તેમના જીવનમાં એકીભૂત થઈ ગયાં હોય એવું લાગે છે. આધ્યાત્મિક સાધનામાં જે મુખ્ય બાબતો છે – શમ, દમ ઉપરાંત તિતિક્ષા, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન જેવાં સોપાનો શ્રીમાના જીવનમાં આપણને જોવા મળે છે. તેમને જીવનમાં ઘણું સહન કરવું પડ્યું હતું. વિવેકાનંદજી તેમને સાક્ષાત્ જીવંત દુર્ગા કહેતા. આપણે તેના દૈવીત્વને એક બાજુએ રાખીને સામાન્ય માનવીરૂપે જોઈશું તો ખ્યાલ આવશે કે તેમણે પોતાના જીવનમાં કેટલીય સાધનાઓ કરેલી છે. શ્રીરામકૃષ્ણદેવ સાથે તેમના વિવાહ થયા બાદ ઘણા સમયે દક્ષિણેશ્વર આવ્યાં. શ્રીમાએ એમના વિશે ઘણું સાંભળ્યું હતું પણ તેઓ જરાય વિચલિત ન થયા. અંતરમાં શ્રદ્ધા રાખીને કામારપુકુરમાં જીવન વિતાવ્યું. એમના જીવનમાં અવલોકન કરીએ તો એમનું આખું જીવન આપણને તપોમય લાગે છે.

બાળપણથી જ તપોમય અને સેવામય જીવન હતું. નાની ઉંમરે લગ્ન થયાં. વિવાહ પછી ઘરેણાં લઈ લીધાં તે વખતે જાણે કે તેઓ ત્યાગનો પથ દેખાડતાં હોય એવું લાગે છે. તેમના જીવનનું ભૂષણ ત્યાગ, વૈરાગ્ય અને ભક્તિ હતાં. સેવાપરાયણતા, પવિત્રતા અને પ્રેમ એ એમના સાચા અલંકાર હતા. સંન્યાસિની હોવા છતાં ગૃહવધૂ. શ્રીરામકૃષ્ણદેવે આધ્યાત્મિક જ્ઞાન સાથે વ્યવહારુ જ્ઞાન પણ આપ્યું હતું. ત્યાગનો ભાવ પણ શીખવ્યો હતો. જીવનના અનુભવ પરથી શ્રીમા કહેતાં, ‘જ્યારે જેવું ત્યારે તેવું, જેને જેવું તેને તેવું.’ આ બધું તો આધ્યાત્મિક સાધનાથી જ સંભવ છે. શ્રીમા કહેતાં કે માનવે પોતાના દોષ જોવા જોઈએ. બીજાના નહીં.

નોબતખાનામાં રહેતાં ત્યારે એમની દિનચર્યાની લોકોને ખબર જ ન પડતી. એટલે જ દક્ષિણેશ્વરના ખજાનચીએ કહ્યું છે કે તેઓ ત્યાં રહે છે એવું સાંભળ્યું છે પણ ક્યારેય જોયું નથી. આત્મવિલુપ્તિની આ શ્રેષ્ઠ ફળશ્રુતિ છે. પોતાની જાતને ઢાંકીને સેવામાં પ્રવૃત્ત તો વિરલ જ હોય છે.

દક્ષિણેશ્વરમાં શ્રીમા આવ્યાં ત્યારે શ્રીરામકૃષ્ણદેવે એમને પૂછ્યું, ‘શું તમે મને સંસારમાં તાણી લેવા આવ્યાં છો?’ શ્રીમા એનો જવાબ આપે છે, ‘ના, હું તો તમને તમારા પથમાં સહાય કરવા આવી છું.’ શ્રીરામકૃષ્ણ કહેતા કે જો તેમણે મને સંસારમાં ખેંચી લીધો હોત તો મારી શી વિશાત્. શ્રીઠાકુરને અવારનવાર થતી સમાધિ અવસ્થા એમણે કેટલીયેવાર જોઈ હતી. તેઓ પોતે જ શ્રીઠાકુરના કાનમાં ભગવાનનાં નામ કહીને સમાધિમાંથી બહાર લાવતાં. ફલહારિણી કાલીપૂજાના પવિત્ર દિવસે શ્રીઠાકુરે તેમની માતૃવત્ પૂજા કરી અને એમનામાં એક અનોખી આધ્યાત્મિક જાગૃતિ લાવી દીધી. એમ કહી શકાય કે તેઓ જાણે કે જગન્માતા બની ગયા.

નોબતખાનાની નાની ઓરડીમાં શ્રીમા સારદાને જોઈને તેઓ કહેતા, ‘અરે, કેવા ઘરે અમારી સીતાલક્ષ્મી રહે છે! જાણે કે વનવાસ!’ નાની ઓરડીના પડદાની વચ્ચેના કાણામાંથી શ્રીઠાકુરનાં દર્શન કરીને તૃપ્ત થતાં. તેઓ કહેતાં કે શ્રીઠાકુર કીર્તન કરતા ત્યાર નોબતખાનામાં ઊભી રહીને હું તેમને કીર્તન કરતા જોતી અને પ્રણામ કરતી. એને લીધે પગમાં વા થયો, પછી કેટલાય લોકો મળવા આવતા અને માત્ર ભગવાનની જ વાતો થતી. શ્રીશ્રીમા ઠાકુરનાં દર્શન માટે આતુરતા સેવતાં.

એ દિવસોની વાત યાદ કરીને તેઓ કહે છે કે ત્યારે અશાંતિ એટલે શું એ જાણતી નહીં. તેઓ સતત જપ કરતા, આરાધનામય જીવન જીવતાં. દક્ષિણેશ્વરના દિવસો યાદ કરતાં તેમણે કહ્યું કે એ સમયે કામવાળી વૃંદાએ મારી સામે વાસણ ફેંકી દીધું એના શબ્દોએ મારી છાતીને જાણે કે વીંધી નાખી. તેઓ કહેતા કે જ્યારે બહુ ગહન ધ્યાન થાય ત્યારે અત્યંત મૃદુ શબ્દ પણ સહેવા અશક્ય બની જાય છે. દક્ષિણેશ્વરમાં કોઈ રાત્રે વાંસળી વગાડે તો મને મનમાં એવું થતું કે જાણે સાક્ષાત્ ભગવાન જ વાંસળી વગાડે છે. એ સાંભળીને હું સમાધિભાવમાં આવી જતી.

શ્રીઠાકુરની મહાસમાધિ પછી બેલુરના નીલાંબર બાબુના ઘરમાં રહેતા તે સંબંધે તેઓ કહેતા, ‘આહા! બેલુરમાં કેટલા આનંદમાં હતી, કેટલી શાંત જગ્યા, હંમેશાં ધ્યાન લાગેલું જ રહે.’ સહજ ત્યાગ, વૈરાગ અને પવિત્રતાને કારણે એમના જીવનમાં નિયમિત સાધન-ભજનનો સરસ યોગ થયો હતો. પાછલી અવસ્થામાં તેઓ કહેતા, ‘ઈષ્ટદર્શન એ તો હસ્તામલકવત્.’

નોબતખાનાની નાની ઓરડી સાધનાની પુણ્ય પિઠ. તેમાં એક હાથથી સેવાનું સદાવ્રત અને બીજા હાથે અંતરની સાધનામય પૂજાનો પ્રદીપ જલતા રાખતાં. સંસારનાં કામકાજ વચ્ચે તેમને નિરાશક્ત થવાની ઇચ્છા રહેતી. તેઓ અંતરથી પ્રાર્થના કરતાં, ‘હે ઠાકુર, ચંદ્રમાં કલંક છે, પણ મારા મનમાં દાગ ન લાગે, મન પવિત્ર રહે એવું કરજો.’ ઘરનાં કામકાજની વચ્ચે પણ મા ભવતારિણી માટે માળા ગૂંથતાં. એકવાર શ્રીભવતારિણી માતાનાં બધાં જ ઘરેણાં ખોલી શ્રીશ્રીમાએ ગૂંથીને તેની માળા પહેરાવી. તે જોઈને શ્રીઠાકુર મુગ્ધ થયા હતા.

Total Views: 255

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.