સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અંશત: અહીં પ્રસ્તુત છે.

અતિ શ્રમ કરનાર રોગીએ ચિકિત્સક પાસેથી માનસિક તણાવની સલાહ લઈને કબ્રસ્તાનમાં જઈને મૃત્યુની વાસ્તવિકતા વિશે મનન કર્યું. એ વાત આપણે અગાઉના અંકમાં જોઈ. હવે આગળ…

આપણામાંથી મોટાભાગના લોકો અગાઉ ઉલ્લેખેલ રોગી જેવા છે. તેઓ માનસિક તણાવ, થાક અને જીવનનો ભાર તથા અતિશ્રમથી પીડાય છે. આ સંદર્ભમાં કર્મના રહસ્ય વિશે સ્વામી વિવેકાનંદે જે પ્રતિપાદિત કર્યું છે તે અત્યંત ઉપયોગી છે. તેમણે કહ્યું છે, ‘આપણે જેટલા શાંત હોઈશું, આપણા સ્નાયુઓ પણ અપેક્ષા કરતાં જેટલા ઓછા તણાવમાં રહેશે, એટલું જ વધારે આપણે શીખી શકીશું અને આપણું કાર્ય પણ એટલું જ વધારે ઉત્તમ હશે.’ આ શબ્દોના માધ્યમથી સ્વામીજી આપણને એક મહત્ત્વની અંતર્દૃષ્ટિ આપે છે. તે એ છે કે જ્યાં સુધી આપણે પોતાની જાતને કોઈ પણ પ્રકારના અનુશાસનને અધીન નથી કરતા ત્યાં સુધી આપણું માનસિક સંતુલન વિખરાયેલું રહે છે.

એક ઉદાહરણ સાથે આ વાતને સ્પષ્ટ કરું છું. કેટલાક મહિના પહેલાં એક વૃદ્ધ દંપતી પોતાના એકના એક પુત્રને લઈને મારી પાસે આવ્યું. એમનું સંપૂર્ણ જીવન તે છોકરા પર આધારિત હતું. તે સારી પરિસ્થિતિમાં જીવતો હતો, તેને સારું વેતન મળતું હતું અને રહેવા માટે દિલ્હીમાં તેને એક સારું મકાન પણ હતું. યુવાવસ્થામાં સામાન્ય રીતે બને છે તેમ એ છોકરો એક પરજ્ઞાતિની છોકરી સાથે પ્રેમ કરવા લાગ્યો. માતપિતા ઉદાર હતાં એટલે એમણે લગ્ન કરવાનો વિરોધ ન કર્યો.

ધીરે ધીરે વહુ સાસુની સાથે વધુ નિભાવી ન શકી. જો કે સાસરા પ્રત્યે તેને પ્રતિકૂળભાવ ન હતો. થોડા જ સમયમાં તેણે પોતાના પતિને જુદું મકાન લઈને રહેવા મનાવી લીધો. આનાથી માતપિતાને ઘણો આઘાત લાગ્યો અને તેઓ માનસિક તણાવથી ઘેરાઈ ગયાં. એમણે પોતાના એકના એક પુત્રને કેટલાં આશા અને અરમાનો સાથે મોટો કર્યો હતો! થોડા સમય પછી તેઓ મારી પાસે આ સમસ્યાનું સમાધાન કરાવવાના ઉદ્દેશ્ય સાથે આવ્યાં. મેં પૂછ્યું, ‘શું આપ એ છોકરાને એક દિવસ મારી પાસે લાવી શકશો?’ તેમણે કહ્યું, ‘અમે પ્રયાસ કરીશું.’

મેં પૂછ્યું, ‘શું તમારો દીકરો તમને મળવા આવે છે?’ તેમણે જવાબ આપ્યો, ‘હા, ક્યારેક ક્યારેક આવે છે, પરંતુ એની પત્ની ક્યારેય આવતી નથી અને કેટલાંક કારણોથી તે અમને મળવાનું પસંદ કરતી નથી.’ મેં કહ્યું, ‘ઠીક છે, એક દિવસ આપ એમને લાવજો. હું એમની સાથે વાત કરવા ઇચ્છું છું.’

એક પખવાડિયા પછી પિતાએ મને ટેલિફોન પર કહ્યું કે તે પોતાના પુત્ર સાથે આવશે. આ સમસ્યા ઉકેલાઈ જશે એ માટે હું આશાવાદી હતો. મને ઓછામાં ઓછું એ છોકરા સાથે વાત કરવાનો અવસર તો મળ્યો. તે આવ્યો તો ખરો, પણ મેં જોયું કે તે પણ માનસિક તણાવથી પીડાય છે. મેં જાણ્યું કે તે પાછો આવીને પોતાનાં માતપિતા સાથે રહેવા ઇચ્છતો નથી.

પરંતુ થોડા સમય પછી તેને પોતાની પત્ની સાથે પણ અણબનાવ થઈ ગયો. સ્વભાવિક હતું કે તેમનો માનસિક તણાવ વધી ગયો. તે પોતાનું ઘર છોડીને માતપિતાને ઘરે આવી ગયો. હવે સંભવત: કંઈક સમાધાન થઈ જશે, એવી મને શ્રદ્ધા હતી. પણ દુર્ભાગ્યવશ એવું થયું નહીં. ચા-પાણી કરાવ્યાં પછી મેં તેમના પુત્રની રામકહાણી સાંભળી. તેણે બતાવ્યું કે તેની પત્નીએ એને ત્યજી દીધો છે એટલે તેને પોતાનાં માતપિતાને ઘરે પાછું આવવું પડ્યું છે.

મેં પૂછ્યું, ‘બરાબર, પણ હવે તું શું કરવા ઇચ્છે છે?’ તેણે કહ્યું, ‘મારી પત્નીએ મને ત્યજી દીધો છે, પણ હું એને ત્યજી શકતો નથી. હું એનો પ્રેમ ફરીથી પ્રાપ્ત કરવા ઇચ્છું છું અને એની સાથે રહેવા માગંુ છું.’

ઈશ્વરની લીલા નિરાળી છે! ખાસ કરીને દિલ્હી જેવા શહેરમાં આ પ્રકારની ઘટના અસામાન્ય નથી અને તણાવનું એકમાત્ર કારણ નથી.

એક બીજું ઉદાહરણ જુઓ. એક દિવસ મારી પાસે એક પરિવાર આવ્યો. તે લોકો ભારતની બહાર રહેતા હતા. તેમની એક પુત્રી હતી અને દિલ્હી પાછા ફર્યા પછી તે દીકરીને સારી શાળામાં દાખલ કરવાનું કામ મુશ્કેલ બની ગયું. આ એમની ચિંતા કે તણાવનું મુખ્ય કારણ હતું. એ જ રીતે એક બીજા દંપતીએ આવીને મને કહ્યું કે એમને પોતાની પુત્રીને એક સારી શાળામાં દાખલ કરાવવા ઇન્ટરવ્યૂ આપવો પડ્યો! વાસ્તવમાં આ એમની ચિંતા અને તણાવનું કારણ બની ગયું. ક્યારેક કોઈ ભક્ત કહે છે, ‘વારુ, સ્વામીજી, હું શાંતિપૂર્ણ જીવન વિતાવવા ઇચ્છું છું. પરંતુ એની સાથે કાર્યકુશળ પણ રહેવા માગું છું. ઓફિસમાં આઠ કલાક તીવ્રગતિએ કાર્ય કરવા છતાં પણ એને પૂરું કરી શકતો નથી, પરિણામે મારે વધારે સમય સુધી ઝડપથી કામ કરતા રહેવાને લીધે માનસિક તણાવ અનુભવવો પડે છે. ક્યારેક ક્યારેક હું સામાન્યમાં સામાન્ય બાબતોમાં પણ ભાંગી પડું છું અને ખૂબ ચિડાઈ જાઉં છું.’

આ કોઈ વિશેષ ઉદાહરણ નથી. આખા જગતની સામાન્ય રીતે આ જ પરિસ્થિતિ છે. આપણે બધી જગ્યાએ ધક્કામુક્કી, ભાગદોડ અને અત્યંત ઉતાવળનો સામનો કરીએ છીએ અને થાક અને તણાવ અનિવાર્ય બની જાય છે. જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ ગમે તે હોય, પણ આપણે એ તથ્યને અસ્વીકારી ન શકીએ કે સ્નાયુતંત્રીય તણાવ એક નિત્ય ઘટના જેવો બની ગયો છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે આપણને એક શાંત, સામાન્ય તેમજ સંતુલિત જીવન જીવનાર મનુષ્ય વિરલ જ જોવા મળે છે. એવો મનુષ્ય કે જે શાંત અને દૃઢ મનવાળો હોય અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પણ ઉન્નત એવો મનુષ્ય વિરલ છે.

સંગીન પ્રશ્ન આ છે : શું આપણે આવા દિવસોમાં કાર્ય બરાબર કરીએ છીએ? પૂર્વજોનું જીવન આવું રઘવાટિયું અને વ્યગ્ર ન હતું. કામ તો એ લોકો પણ કરતા, પરંતુ આપણે એમની જેમ કામ કરતા નથી. આપણે તો હંમેશાં ઉતાવળમાં હોઈએ છીએ. આપણી પાસે તો વ્યવસ્થિત રીતે ભોજન કરવાનો પણ સમય નથી. ઓફિસમાં ઘૂમતી ખુરશી પર બેસી બેસીને અને ઘર પર ટી.વી.માં આંખ લગાડીને આપણે ગમે તેમ કરીને ઝડપી ગતિથી ભોજન ગળે ઉતારી લઈએ છીએ. એટલે કે આપણે જોબરી લઈએ છીએ. એ ભારપૂર્વક કહેવાની આવશ્યકતા છે કે આપણામાંથી મોટાભાગના લોકો સદા અત્યંત તનાવપૂર્ણ મનોવૃત્તિમાં રહીએ છીએ. આપણે કારને સતત ઉચ્ચતમ ગતિએ ચલાવીએ તો દુર્ઘટના તો અવશ્ય થવાની. આપણે આપણાં કામ પણ લગભગ અત્યંત ઉતાવળમાં કરતા રહીશું તો ભીષણ માનસિક તણાવથી પીડાવું એ અવશ્યમ્ભાવી છે. વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકી દ્વારા ઉત્પન્ન આધુનિક પરિસ્થિતિઓને કારણે આપણે પોતાની જાતને ઝડપથી ઉત્તેજિત થનાર તથા ગુસ્સામાં ભડકી ઊઠનાર સ્નાયુઓના સમૂહમાં રૂપાંતરિત કરી દીધી છે. શું આ વાત સાચી નથી કે આ શતાબ્દીમાં આપણામાંથી મોટાભાગના લોકો તણાવગ્રસ્ત, થાકેલા, દયનીય અને દુ:ખી છે? આપણે એટલા તણાવમાં રહીએ છીએ કે લેખકોએ આ સદીને ‘તણાવની શતાબ્દિ’ કહી છે. માનવની આ અવસ્થાને તો આપણે સામાન્ય માનવા લાગ્યા છીએ. એ માટે તર્ક પણ કરીએ છીએ કે આજની દુનિયામાં આપણે દબાણ અને તણાવની સાથે જ જીવવું પડશે. આપણામાંથી કેટલાક લોકો તણાવજન્ય રોગો જેવા કે હૃદયરોગ, લોહીનું ઊંચુંદબાણ, દુશ્ચિંતા વગેરેના નિરોધક ઉપાયો માટે ક્ટરો દ્વારા નિયમિત પરીક્ષણ પણ કરાવીએ છીએ. આ પરીક્ષણો પછી પણ સાચી હકીકત તો એ છે કે આપણે દુ:ખી અને તણાવગ્રસ્ત જ રહીએ છીએ. આપણે બહારથી શાંત દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણો ચહેરો આપણી મનોવૃત્તિનું દર્પણ છે. તે આપણી ચિંતા અને તણાવને વ્યક્ત કરતો રહે છે.

…….

Total Views: 368

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.