શ્રીશ્રીમાના ભાઈઓ વિશે અહીં થોડુંઘણું લખું છું, કારણ કે એની આવશ્યકતા પડશે. એ લોકો એમાંય વિશેષત : એમના મોટા અને વચેટ ભાઈ પૂજારી બ્રાહ્મણ હતા. એ બન્ને વારાફરતી કોલકાતામાં પૂજા કરતા. રહેવા માટે ચોરબાગાનમાં એક ભાડાનું મકાન લીધું હતું. એમાં શ્રીશ્રીમાના નાના ભાઈ અભયકુમાર પણ રહેતા હતા. (વાસ્તવિક નામ અભયચરણ હતું.) એમણે પ્રવેશિકા પરીક્ષા પાસ કરીને કેમ્પબેલમાં ડાૅક્્ટરી વિદ્યાનો અભ્યાસ કર્યો હતો.

યોગીન મહારાજના દેહત્યાગ પછી અભયકુમાર કોલેરાથી રોગગ્રસ્ત બનીને દિવંગત થયા. એમની માંદગી વખતે શ્રીશ્રીમા પાલખીમાં એમની તબીયતની ખબર કાઢવા ગયાં હતાં. શરત્ મહારાજ અને સુશીલ મહારાજે અભયકુમારની સેવા કરી હતી. એ સમયે શ્રીશ્રીમાના મુખેથી આવું સાંભળ્યું હતું, ‘એટલા ઝડપથી ઝાડા થતા હતા કે શકોરું લાવવાનો સમય જ ન રહેતો. કેટલીયે વાર શરત્ અને સુશીલને પોતાના હાથે ઝાડો લેતા જોયા છે.’ આ ભાઈને શ્રીશ્રીમા ખૂબ ચાહતાં એટલે એમના મૃત્યુથી શ્રીશ્રીમા ખૂબ ઉદ્વિગ્ન થઈ ગયાં હતાં. (અભયચરણનું મૃત્યુ ૨ ઓગસ્ટ, ૧૮૯૯ના રોજ થયું હતું. એના થોડા દિવસ પૂર્વે એમણે કેમ્પબેલ મેડિકલ કોલેજની અંતિમ પરીક્ષા આપી હતી.)

યોગીન મહારાજના અર્થાત્ પોતાના એક અંતરંગના દેહાંત તેમજ તેના લગભગ ચાર માસ બાદ પોતાના ભાઈ અભયકુમારના અવસાનથી શ્રીશ્રીમા એટલાં વ્યથિત થયાં કે એમને માટે કોલકાતામાં, એમાંય વિશેષ કરીને આ મકાનમાં રહેવું મુશ્કેલ બની ગયું. એટલે સારદા મહારાજ એમને શ્રીશ્રીમાની જન્મભૂમિ, જયરામવાટી લઈ ગયા.

એ લોકો વર્ધમાન થઈને જઈ રહ્યા હતા. પછીથી રસ્તામાં બનેલી એક ઘટના જે અમે શ્રીશ્રીમાના મુખેથી સાંભળી હતી એનું મારા શબ્દોમાં વર્ણન અહીં આપું છું : દામોદર નદી પાર કર્યા પછી પાલખી ન મળવાથી શ્રીશ્રીમા બળદગાડામાં ગયાં અને સારદા મહારાજ ખભા પર લાઠી લઈને ગાડાની આગળ આગળ પગપાળા જતા હતા. અરધી રાતથી વધારે સમય થઈ ગયો હતો. લગભગ ત્રીજો પહોર હતો. શ્રીશ્રીમા સૂઈ ગયાં હતાં. ચાલતાં ચાલતાં સારદા મહારાજે જોયું તો એક જગ્યાએ સડક પૂરના પાણીને કારણે તૂટી ગઈ હતી અને ત્યાં એક ખાડો પડી ગયો હતો. એને એ વટીને ગાડું આગળ જઈ શકે તેમ ન હતું. ખાડા પરથી ગાડું લઈ જવાથી પૈડું તૂટી જવાનો અને આંચકાથી શ્રીશ્રીમાની ઊંઘ ઊડી જવાનો કે ઈજા થવાનો સંભવ હતો. સારદા મહારાજને એક ઉપાય સૂઝયો, એનાથી ગાડું સહજતાથી નીકળી જાય અને શ્રીશ્રીમાની ઊંઘ પણ ન ઊડે. તેઓ ઊંધા મુખે એ ખાડામાં સૂઈ ગયા. કોઈનેય કંઈ ખબર ન પડી. એમનો હેતુ એ હતો કે ગાડું એમના સ્થૂળદેહ પરથી પસાર થઈ જાય. હેતુ ખરેખર મહાન હતો. પરંતુ એમણે એકવાર પણ એવું ન વિચાર્યું કે એમ કરવાથી એમનું મૃત્યુ નિશ્ચિત જ છે, એમ થાય તો આ નિર્જન સ્થળ તથા ગહન રાતે એમના સિવાય શ્રીશ્રીમાને કોણ સંભાળશે, એમની રક્ષા માટે કોણ હાજર થશે? તેઓ આ જવાબદારી લઈને કોલકાતાથી નીકળ્યા હતા.

કહેવત છે કે ‘ભાવિને કોણ ટાળી શકે?’ એવું જ થયું. ગાડું ખાડા પાસે પહોંચતાં જ માની ઊંઘ એકાએક ઊડી ગઈ અને ચાંદનીના પ્રકાશમાં જોતાં તેઓ તત્કાલ બધું સમજી ગયાં. એમણે રાડ પાડીને ગાડાવાળાને ગાડું રોકવા કહ્યું અને નીચે ઊતરીને સારદાને એમના એ કાર્ય માટે ખૂબ ઠપકો આપ્યો. પછી એમણે પગે ચાલીને એ ખાડો પસાર કર્યો. ખાલી ગાડું સહજ રીતે ખાડામાંથી બહાર નીકળી ગયું. જો કે એ વખતે સારદા મહારાજે ધક્કા મારવા પડ્યા હતા. પછીથી એમની નિષ્ઠા અને ગુરુભક્તિની અત્યંત પ્રસંશા કરતાં શ્રીશ્રીમાએ અમને આ ઘટના કહી હતી.

એકવાર શ્રીશ્રીમા જયરામવાટીમાં રહેતાં હતાં ત્યારે ત્યાં જવાની મને ઇચ્છા થઈ. સારદા મહારાજને એ વાત કહેતાં તેમણે મને પ્રોત્સાહિત કર્યો અને પોતે લોટ, મેંદો, ખાંડ, સાકર, નાળિયેર તેલ, કેરી, મીઠાઈ જેવી ચીજો ખરીદીને એમને એક મોટી ટોપલીમાં બાંધી દીધાં. એમણે વર્ધમાનના રસ્તામાં આવનારી ધર્મશાળાઓનાં નામ તથા તેનું એકબીજા વચ્ચે અંતર તેમજ ક્યાં શું મળે છેે, વગરે વાતો લખી દીધી. લેખકના મિત્ર સુપ્રસિદ્ધ પંડિત મોક્ષદાચરણ સામાધ્યાયી પણ સાથે નીકળ્યા.

મારા મિત્રના એક સંબંધી વર્ધમાનની રાજ કોલેજમાં અધ્યાપક હતા. પહેલી રાત અમે એમના ઘરે વિતાવી. પછીના દિવસે દામોદર નદી પાર કરીને શ્રીઠાકુરના જન્મસ્થાન કામારપુકુર માટે એક બળદગાડું ભાડે લીધું. બપોરે ઉચાલન નામના પડાવે શિક્ષકે આપેલી ખાદ્યચીજો અમે ખાધી. તે રાત દ્વારકેશ્વરના તટ પર એકલખી નામના પડાવ પર વિતાવી. પછીના દિવસે બપોર પહેલાં અમે કામારપુકુર પહોંચી ગયા.

અમે શ્રીશ્રીમાના ઘર માટે સામાન ખરીદ્યો અને મજૂરના માથે બધું રાખીને સાંજે જયરામવાટી પાછા ફર્યા. રસ્તામાં આમોદરને પાર કરીને હલદી અને પુકુર ગામ વટાવીને સાંજે શ્રીશ્રીમા પાસે પહોંચ્યા. ધૂળવાળા પગ સાથે જ માને પ્રણામ કર્યા. અમને જોઈને તેઓ ખૂબ રાજી થયાં. અમારા રહેવાની વ્યવસ્થા કર્યા પછી તેઓ જલદી જલદી લોટ ચાળીને શાકભાજી સુધારવા લાગ્યાં. તરત જ અમને પૂરી અને ચણાની દાળ, આલુદમ, કોળાની ચટણી અને દૂધ જમવામાં મળ્યું. એમણે પોતે અમને જમાડ્યા અને પીરસતાં પણ રહ્યાં. શ્રીશ્રીમાના હાથનું રાંધેલું મારા જીવનમાં મેં પહેલી વખત ખાધું હતું. બરાબર કોલકાતાના ભોજન જેવું જ સ્વાદિષ્ટ લાગ્યું. અમારે કારણે શ્રીશ્રીમાને કેટલું કષ્ટ વેઠવું પડ્યું એ વિચારીને અમને દુ :ખ થયું. ખાતાં ખાતાં એમની સાથે (મધુર) ચર્ચા-વિવાદ થવા લાગ્યો.

મેં કહ્યું, ‘અમારા માટે આપને આટલો પરિશ્રમ કરવો પડે અને ઉદ્વિગ્ન થવું પડે એવું અમે ઇચ્છતા ન હતા. આપે આ બધું કરવાની જરૂર નથી. અમને ભાત ખાવાની ટેવ છે. બધાની જેમ અમે પણ ભાત ખાઈશું.’ શ્રીશ્રીમાએ કહ્યું, ‘બાળકો માટે મા ન કરે તો બીજું કોણ કરે?’ આવી જ રીતે બીજું ઘણું કહેવા લાગ્યાં. પરંતુ જ્યારે એમણે જોયું કે અમે અમારી વાતમાં અડગ છીએ એટલે તેઓ કંઈ બોલ્યાં નહીં. પછીના દિવસે અમે મામીઓએ બનાવેલ ભાત ખાવા લાગ્યા. બરાબર આ જ રીતે એકવાર શ્રીશ્રીમા સાથે અમારે તર્ક સાથે ચર્ચા કરવી પડી. એ વખતે સાથે કાલીકૃષ્ણ મહારાજ (સ્વામી વિરજાનંદ) પણ હતા. એ વખતે પણ પહેલી રાત્રે શ્રીશ્રીમાએ પોતાને હાથે પૂરી વગેરે રાંધીને ભોજન કરાવ્યું હતું.

Total Views: 359

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.