ગયા અંકમાં આપણે આશુતોષ મિત્રનાં શ્રીશ્રીમાના દિવ્યજીવન વિષયક વિવિધ સંસ્મરણો જોયાં, હવે આગળ…

એક દિવસ બપોરે શ્રીશ્રીમા પોતાના ઓરડામાં આરામ કરતાં કરતાં વાતો કરવા લાગ્યાં. યોગ્ય તક મળતાં મેં એમના એક શિષ્ય વિશે પૂછ્યું, ‘અમુક આપને પ્રણામ કરવા કેમ આવી શકતા ન હતા?’ પહેલાં મેં એમના વિશે મઠમાં બધું સાંભળ્યું હતું, હવે આ જ વાત એમના મુખેથી સાંભળવાની ઇચ્છા થઈ. એમણે જવાબ આપતાં કહ્યું, ‘મને પ્રણામ કરવા આવ્યો તો એક છરી કાઢીને પોતાના ગળા પર ચલાવવા જતો હતો!’ મેં વધારે તર્ક કરતાં કહ્યું, ‘મા, જરા વિચારો, એનું કાર્ય તો બરાબર ન હતું, પણ તેનો ઉદ્દેશ્ય ખરાબ ન હતો. સાધનામાં અડચણ આવતી હતી, મન ધ્યાન-જપમાં બરાબર બેસતું ન હતું, એટલે તો તે આપના દ્વારા સર્જાયેલ પ્રાણને આપનાં જ પાદપદ્મોમાં આહુતિ દેવાનો પ્રયાસ કરી રહ્યો હતો!’ માએ કહ્યું, ‘નિરર્થક વાતો ન કરો. મને શું તેણે પથરની મૂર્તિ સમજી લીધી હતી કે કાલીઘાટની કાલી માની લીધી હતી, જેથી બલિ દેવા આવ્યો હતો. એ જ સમયથી એનું આવવાનું બંધ કરાવી દીધું.’

મેં કહ્યું, ‘એ સમયે આપ ઘણાં કઠોર થઈ ગયાં હતાં. પણ પછીથી આપને ફરીથી નમ્ર થવું પડ્યું અર્થાત્ એ સમયે આપને તેને પોતાની ભયંકર મૂર્તિ દેખાડી હતી અને પછીથી એ જ સ્નેહમયી મૂર્તિમાં પ્રગટ થવું પડ્યું હતું!’

શ્રીશ્રીમાએ હસતાં હસતાં કહ્યું, ‘જવા દોને એ નકામી વાતો, છોકરાઓએ ખૂબ કહ્યું એટલે આવવા દીધો. એકલો આવી શકતો ન હતો, કોઈને કોઈ સાથે રહે છે અને પ્રણામ કરીને ચાલ્યો જાય છે.’

અસ્તુ, જયરામવાટીમાં અમે લોકો પહેલીવાર રહેતા હતા એ સમય દરમિયાન શ્રીશ્રીમાની ભત્રીજી નલિનીના વિવાહ થયા. છોકરો હુગલી જિલ્લાના ગોહાટ ગામમાં રહેતો હતો. છોકરાનું નામ પ્રમથનાથ ભટ્ટાચાર્ય હતું. આ પ્રમથનાથ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. એટલે અહીં નામ આપ્યું છે. મામાઓએ શ્રીશ્રીમા દ્વારા અમને લોકોને (મને અને મોક્ષદાચરણને) કહેવડાવ્યું કે અમે લોકો વિવાહમાં જાનૈયાઓ સાથે ચર્ચા કરીએ. એ દિવસોમાં ગામડામાં વિવાહના સમયે વર અને કન્યા પક્ષ વચ્ચે તર્ક કરવાની પ્રથા પ્રચલિત હતી. વિવાહની રાતે ભાનુ ફઈના ઘરે અમારા સૂવાની વ્યવસ્થા થઈ. એ રાતે ભાનુ ફઈ શ્રીશ્રીમાના ઘરે હતાં. અને એમના ઘરમાં કોઈ ન હતું એટલે અમે લોકો ત્યાં સૂતા. અરધી રાતના સમયે વર આવી ગયા એટલે ભાનુ ફઈ હાથમાં દીપક લઈને આવીને અમને બોલાવી ગયાં.

અમે લોકો આવીને ઓસરીમાં બેઠા અને જાનૈયાઓને પૂછ્યું કે એમનામાંથી કોઈ અંગ્રેજીમાં ચર્ચા કરવા તૈયાર છે ખરો? ઉત્તર સાંપડ્યો કે એમાંથી કોઈ અંગ્રેજી જાણતું નથી. મોક્ષદાચરણે પુછાવ્યું કે કોઈ સંસ્કૃતમાં પ્રશ્ન કરી શકશે? આનો જવાબ પણ નકારાત્મક મળ્યો. એટલે એમના અનુરોધથી મોક્ષદાચરણે શાસ્ત્રના આધાર પર ‘વિવાહ’ શબ્દના અર્થની વ્યાખ્યા કરીને એક નાનું એવું વ્યાખ્યાન આપ્યું.

નલિનીના વિવાહ પહેલાં અને પછી જેટલા દિવસ હું જયરામવાટીમાં હતો ત્યારે દરરોજ બપોરે શ્રીશ્રીમાના ભોજન પછી વિરામના સમયે એમના ઓરડામાં જતો અને એમની પાસેથી ઘણી વાતો સાંભળતો. અહીં એમાંથી કેટલીક મહત્ત્વપૂર્ણ તથા રોચક વાતોનો ઉલ્લેખ કરું છું. આમાંથી મોટાભાગની વાતો હું પહેલેથી જ જાણતો હતો, પણ શ્રીશ્રીમાના મુખેથી સાંભળવાના ઈરાદાથી હું એમને પૂછતો અને તેઓ જવાબ આપતાં.

શ્રીશ્રીમા – હા, સારદાને (ત્રિગુણાતીતાનંદને) ઠાકુરે નોબતખાનામાં મારી પાસે મંત્ર લેવા મોકલ્યો હતો. યોગીને (સ્વામી યોગાનંદે) પણ મંત્ર લીધો. પરંતુ તે ઘણો સંકોચશીલ હતો. એટલે મંત્ર ભૂલી ગયો, બીજીવાર વૃંદાવનમાં મંત્ર દેવો પડ્યો.

‘સારદાને પૈસા દેવાની વાત કરી રહ્યા છો? મારા પ્રાણ જ શ્રીઠાકુરની પાસે પડ્યા રહેતા. એમના ઓરડામાં શું થઈ રહ્યું છે, તેઓ ત્યાં કોને શું કહે છે, એ બધું હું નોબતમાં બેઠી બેઠી સાંભળતી અને જાણી લેતી. સારદા ઘરે જશે. તેને કહ્યું, ‘ગાડીનું ભાડું નોબતમાંથી લઈ લે.’ મેં તત્કાલ ચાર પૈસા નોબતના દરવાજાની ચોખટમાં રાખી દીધા અને એક બાજુએ હટી ગઈ. સારદાએ આવીને પૈસા જોયા અને લઈ લીધા.

‘નરેનનું પણ એવું જ હતું. એને તેઓ જેવું ‘આજ તું અહીં રહેજે’ એમ કહેતા કે તરત જ હું ચણાની દાળ ચડાવી દેતી. શૌચ માટે જતા સમયે તેઓ નરેનના ભોજન વિશે કહેવા આવ્યા. જોયું તો દાળ ચડે છે અને લોટ પલળી રહ્યો છે. મને કહી રાખ્યું હતું કે નરેન જે દિવસે જમે ત્યારે એને માટે મોટી રોટલી અને ચણાની દાળ રાંધજે. એ બધું પચાવી શકે છે. મગની દાળ અને પાતળી રોટલી ચાલશે નહીં.

‘હા બેટા, નોબતમાં જે દિવસો વીત્યા છે એને કોણ સમજાવે! નટીની મા, (શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી ‘મ.’નાં ધર્મપત્ની. એ જ એના મોટા પુત્રના ઘરનું નામ છે.) યોગેન, ગોલાપે જે જે કંઈ જોયું છે, એ બધાં કહેતાં, ‘મા, આટલા નાના ઓરડામાં કેવી રીતે રહો છો?’ ઓરડો તો તેં જોયો છે ને? આટલા નાના ઓરડામાં ઉપરના શીંકામાં બધી વસ્તુઓ, એક ગૃહસ્થના ઘરમાં વ્યક્તિને જે જે વસ્તુઓની જરૂર રહે છે, મસાલા વગેરે બધું ઝૂલે છે. સીધા ઊભા રહેવાની તો જગ્યા જ નથી. ઊભા થતાં જ માથું શીંકા સાથે ટકરાય. માથું વારંવાર ભટકાવાથી ફૂલી ગયું છે. વળી ફરસ પર ચોખા, દાળ, હાંડીઓ, પાટલો, વેલણ, ચૂલો વગેરે વસ્તુઓ રહેતી. પછી એમાં જગ્યા જ ક્યાંથી રહે! એમાં જ ઊઠવું-બેસવું. એમાં વળી શ્રીઠાકુર જો કોઈ મહિલાને રોકાવાનું કહે તો તે પણ મારી સાથે એટલી જ જગ્યામાં સૂતી. ક્યારેક ક્યારેક એમને સુવડાવીને મારે આખી રાત બેઠાં બેઠાં પસાર કરવી પડતી!

‘હા, મંદિરમાં કોઈ જાગે એ પહેલાં જ હું ઊઠી જતી. ત્યારે પણ ઠીક ઠીક રાતનો ભાગ રહેતો. ક્યારેય કોઈ મને જોઈ ન શક્યું. બધાં કામ પતાવીને ગંગા-સ્નાન કરવા જતી. શરૂ શરૂમાં ઘણો ભય લાગતો, પરંતુ પછીથી જોયું કે મારા સ્નાન વખતે નોબતમાંથી એક પ્રકાશ સીધો ગંગા સુધી દેખાતો અને હું એની રોશનીમાં સ્નાન કરી આવતી. નાહીને પાછા ફરતી વખતે એ રોશની તિરોહિત થઈ જતી.

‘બાગદી અને બાગદીની વહુની વાત પૂછો છો? જયરામવાટીના ભૂષણ મોડલને તમે જોયા છે. એની મા અને કેટલીક સ્ત્રીઓ ગંગા-સ્નાન કરવા જઈ રહ્યાં હતાં. મેં પણ એમની સાથે જવાની હઠ કરી. મેં વિચાર્યું કે એ લોકો ગંગા નાહીને પાછી આવશે અને હું શ્રીઠાકુરની પાસે રહી જઈશ. મને જતી જોઈને લક્ષ્મી (શ્રીઠાકુરની ભત્રીજી) અને શિબૂ (શ્રીઠાકુરના ભત્રીજા) પણ મારી સાથે આવ્યાં. કામારપુકુરથી ઝહાનાબાદ (હવે આરામબાગ) સુધી ગઈ. સાથેના લોકો હજી દિવસ આથમવો બાકી છે, એમ સમજીને ત્યાં રોકાયાં નહીં અને આગળ ચાલ્યાં ગયાં. તેમણે કહ્યું – સંધ્યા થતાં પહેલાં જ તેલોભેલોનું મેદાન પાર કરી લઈશું. પરંતુ હું આગળ ચાલી ન શકી. કષ્ટ થવા લાગ્યું, પાછળ રહી ગઈ. એ લોકોની જેમ ચાલવાનો કોઈ અભ્યાસ ન હતો! છતાં પણ જેમ તેમ કરીને ચાલવાનું રાખ્યું. એક તેપાંતરના મેદાનમાં એકલી જ ચાલી જતી હતી. ત્યાં ડાકુઓનો ઘણો ભય. બાળપણથી જ ઘણી ઘટનાઓ સાંભળી હતી. સાંજ પડી ગઈ છતાં ચાલવાનું ચાલુ રાખ્યું. શરીર થાકીને લોથપોથ થઈ ગયું, ત્યારે જોયું તો સામેથી એક આદમી કે જેના માથા ઉપર રૂખાસૂકા વાળ, હાથમાં ચાંદીનું કડું, વર્ણ કાળો, હાથમાં લાકડીને મારી તરફ આવી રહ્યો છે. હું તો ગભરાઈને ઊભી રહી ગઈ. શરીરનાં રુંવાડાં ઊભાં થઈ ગયાં. બાગદી જાતિના એ આદમીએ ડાકુની જેમ કઠોરવાણીમાં કહ્યું, ‘તું કોણ છે?’ અને મારી તરફ મોં ફાડીને જોયું. એની સ્ત્રી પણ આવી ગઈ. એ સ્ત્રીને જોઈને મને હિંમત આવી. મેં કહ્યું, ‘પિતાજી, હું સારદા, તમારી દીકરી છું, તમારા જમાઈ પાસે જઈ રહી છું. મારા સંગાથીઓ આગળ નીકળી ગયા છે, મને મહેરબાની કરીને ત્યાં પહોંચાડી દો.’

એમણે પૂછ્યું, ‘શું?’

લેખક : ‘ડાકુએ આપની તરફ જોઈને આશ્ચર્યચકિત થઈને શું જોયું?’

મા : ‘એણે પાછળથી કહ્યું હતું, કાલીરૂપે જોયાં!’

લેખક : ‘તો આપે એમને કાલીરૂપે દર્શન દીધાં? મા, કોઈ વાત છુપાવતાં નહીં, સાચે સાચી વાત કહેજો.’

મા : ‘હું ભાઈ, શા માટે કાલીરૂપ બતાવું? તેણે કહ્યું કે એણે જોયું હતું.’

લેખક : ‘એને એ દર્શન થઈ ગયું, આપે બતાવ્યું હતું; નહીં તો એણે બીજી કોઈ સ્ત્રીને ન જોઈ અને આપનામાં જ કાલીરૂપ જોયું? આપ સ્વીકારો કે ન સ્વીકારો પણ સ્વત : સિદ્ધ છે કે આપે દર્શન આપ્યું હતું.’

(હસીને) મા : ‘હવે ભલે તમે ગમે તે કહો.’

હું સમજી ગયો કે શ્રીઠાકુર દ્વારા ‘રાખથી ઢંકાયેલી મીંદડી’ એમ કહેવાનો કંઈ અર્થ નથી. મેં કહ્યું,

‘પણ મા, હું તો એ કાલીવાળા રૂપમાં આપને જોવા ઇચ્છતો નથી. હું તો આપને ‘આપ મા છો અને હું આપનો દીકરો’એ રૂપમાં જોવા ઇચ્છું છું.’

મા (હસીને) : ઠીક છે બેટા, મારો જીવ બચ્યો. મારે પણ જીભ કાઢીને ઊભા રહેવું નહીં પડે. (ક્રમશ 🙂

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.