ગયા અંકમાં આપણે સંસ્મરણકારનાં શ્રીમા અંગેનાં સંસ્મરણોમાં માના નોબતખાનાના નિવાસ અને દૈનંદિન નિત્યક્રમ વગેરે વિશે વાંચ્યું, હવે આગળ…

ભગિની નિવેદિતાએ જ્યારે પોતાના બાલિકા વિદ્યાલયને બોઝપાડા લેઈનના ૧૬ નંબર થી ૧૭ નંબરના મકાનમાં સ્થળાંતરિત કર્યું ત્યારે એ જ મકાનને શ્રીશ્રીમા માટે ભાડા પર લીધું અને તેઓ જયરામવાટીથી નાની મામી (અક્ષયકુમારનાં વિધવા) તથા તેની નવજાત પુત્રીને લઈને ત્યાં આવી ગયાં.

અક્ષયકુમારના મૃત્યુ સમયે તેમનાં પત્ની ગર્ભવતી હતાં. તેઓ સદાને માટે દુ :ખી હતાં. બાળપણમાં માનું અવસાન થવાને કારણે કોઈ બીજાએ તેમનું લાલનપાલન કર્યું. દુર્ભાગ્યવશ તે લાલનપાલન કરનારનું પણ અવસાન થયું.

હવે તેઓ યૌવનના પ્રારંભમાં જ વિધવા થયાં. એને વિશે એક દિવસ માના મુખેથી સાંભળ્યું હતું, ‘તે પાગલ ન થાય તો બીજું કોણ થાય? એક તો કાચી ઉંમરમાં જ તેને આટલા શોકતાપ મળ્યા છે અને એક દિવસ સવારે કોલકાતાના મકાન (૧૬, બોઝપાડા લેઈન) માં એક ચોરને જોઈને તે ગભરાઈને પડી ગઈ. ત્યારથી તે આવી થઈ ગઈ છે.’

નાના મામીનું માનસિક સંતુલન બગડી જવાને કારણે અને શિશુ રાધૂની દેખરેખ કરવા માટે શ્રીમાએ જયરામવાટી જવું પડ્યું. એ સમયે તેઓ કોલકાતામાં વધારે દિવસ રહી ન શક્યાં. બીજી વખત જ્યારે તેઓ કોલકાતા આવ્યાં ત્યાં સુધીમાં રાધૂ થોડી મોટી થઈ ગઈ હતી અને એમ કહી શકીએ કે તે બાલિકા અવસ્થામાં પ્રવેશી ચૂકી હતી. આ વખતે શ્રીશ્રીમા બાગબાજાર સ્ટ્રીટના મકાન નંબર ૨/૧માં રહ્યાં.

૧૩૧૦ બંગાબ્દ (ઈ.સ. ૧૯૦૪)ના ફાગણ મહિનામાં પશ્ચિમ ભારતથી પાછા ફરીને અમે લોકોએ શ્રીશ્રીમાને આ મકાનમાં જોયાં. એમના આ મકાનમાં અમને શરત્ મહારાજ (સ્વામી સારદાનંદ), દીન મહારાજ (સ્વામી સચ્ચિદાનંદ) અને એક નવા છોકરાને જોયા. એ છોકરો શ્રીશ્રીમાના આ વખતના કોલકાતા આવતાં પહેલાં જ બલરામબાબુના મકાનમાં શરત્ મહારાજને મળવા આવતો રહેતો. શ્રીશ્રીમાના આવ્યા પછી હવે તે એમના ઘર માટે બજારમાંથી ખરીદી અને અન્ય જરૂરી કામ કરવા લાગ્યો. તે દરરોજ બન્ને સમયે રાજવલ્લભ મહોલ્લામાં જઈને પોતાના પિતાની પાસે જમતો અને રાતના ત્યાં જ સૂતો. પછીથી તે એક બ્રહ્મચારીના રૂપે શ્રીશ્રીમાના ઘરમાં જ રહી ગયો.

યુવકનું નામ હતું – ગણેન્દ્રનાથ. એક દિવસ ગણેન્દ્રનાથે અમારી સાથે ચર્ચા કર્યા પછી શ્રીશ્રીમા પાસેથી દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. પહેલાં કમાયેલા તેમના થોડા રૂપિયા શરત્ મહારાજ પાસે જમા હતા. તેનાથી એમણે પોતાની દીક્ષા માટે એક વસ્ત્ર, થોડી કેરી અને મીઠાઈ ખરીદ્યાં. એક દિવસ અગાઉ એમણે તે કપડું ધોઈને સૂકવી દીધું. બીજે દિવસે તેમની દીક્ષા થઈ. શ્રીશ્રીમાએ તે દિવસે એ જ વસ્ત્ર ધારણ કર્યું હતું. ગણેન્દ્રનાથને ફોટો પાડતાં આવડતું હતું. આ મકાનમાં એમણે શ્રીશ્રીમાના એકાદ-બે ફોટા લીધા. હવેથી હું શ્રીશ્રીમાની પાસે રહેવા લાગ્યો. ઉપર એમની પાસે જવાથી હરિદ્વાર, કનખલ, હૃષીકેશ વગેરે સ્થળોની વાતો સાંભળીને નાની બાળકીની જેમ ખુશ થઈ જતાં.

એકવાર એક ખરાબ ચારિત્ર્યવાળી નારીએ એક સજ્જન પુરુષના ચારિત્ર્ય પર લાંછન લગાડ્યું. મઠના બધા લોકોને ખ્યાલ આવ્યો કે શ્રીશ્રીમાએ એની વાત માની લીધી છે. કોઈ કોઈએ આવીને શ્રીશ્રીમાને ખૂબ સમજાવવા-મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ પણ રીતે એમનો મત બદલવામાં તેઓ સફળ ન થઈ શક્યાં. બધાંને માટે શ્રીમાનો એક જ જવાબ હતો, ‘તમને ખબર નથી, તે એવો જ છે.’ આખરે રાખાલ મહારાજના આદેશથી મેં શ્રીશ્રીમાને ઘણું સમજાવીને કહ્યું, ‘હું પોતે કેટલાંય વર્ષોથી એને જાણું છું, જોઉં છું, તે એવો નથી. જો તમે એના વિશે એવી ધારણા રાખશો તે એનાથી એનું અકલ્યાણ થશે.’ આમ છતાં પણ શ્રીશ્રીમાનો મત બદલાયો નહીં, એમનો બસ આ જ એક જવાબ હતો, જો કે ખરેખર એમણે ક્યારેય એને જોયો પણ નથી અને તે પણ ક્યારેય એમની પાસે આવ્યો ન હતો.

શ્રીશ્રીમાના નીલમાધવ (શ્રીમાના પિતાશ્રી રામચંદ્ર મુખોપાધ્યાયના નાના ભાઈ) નામના એક કાકા હતા. તેઓ અવિવાહિત હતા અને પાઈકપાડા રાજભવનમાં રસોઈયા તરીકે કામ કરતા હતા. હવે વૃદ્ધાવસ્થામાં તેઓ સેવાનિવૃત્ત થઈને પેન્શન મેળવતા હતા. ગામમાં શ્રીશ્રીમા સિવાય અન્ય કોઈએ એમની જવાબદારી ન સ્વીકારતાં તેઓ એમને પોતાની સાથે લાવ્યાં હતાં. અમે જોતા કે શ્રીશ્રીમા પોતાના હાથે એમની સેવા કરે છે. મેંગોસ્ટીન અને કેરી શ્રીશ્રીમાને પસંદ હોવાને કારણે એની મોસમ ન હોવા છતાં પણ અમે લોકો બજારમાંથી લઈ આવતા. પરંતુ અમને એ જોઈને દુ :ખ થતું કે તેઓ પોતે બહુ થોડું કે સમૂળગું ન ખાતાં અને બાકીનું બીજું બધું પોતાના એ કાકાને ખવડાવી દેતાં. એક દિવસ મારાથી રહેવાયું નહીં અને મેં શ્રીશ્રીમાને એ વિશે ટોક્યાં. એમણે જવાબમાં કહ્યું, ‘બેટા, કાકા હવે વધારે કેટલા દિવસ રહેશે? હવે એમની ઇચ્છા તૃપ્ત કરી દેવી એ જ સારું. આપણે લોકો તો હજી ઘણા દિવસ જીવતાં રહીશું અને ઘણું ખાઈશું.’ શ્રીશ્રીમાની આ વાતને મેં લખી રાખી. પરંતુ જે ભાવથી એમણે આ કહ્યું હતું તે ભાવ હું થોડો ઘણોય સારી રીતે વ્યક્ત કરી શકતો નથી. આ વાતો એમણે એક એવા ભાવ સાથે કહી હતી અને તે જ ભાવ અમારા હૃદયમાં એટલો દૃઢતાપૂર્વક અંકિત થઈ ગયો કે – પછી ક્યારેય રાધૂ માટે પણ – આ પ્રકારનાં સેંકડો દૃષ્ટાંત જોઈનેય અમારા મનમાં દુ :ખ ન થયું.

નિવેદિતા સ્કૂલમાં એક ઘોડાગાડી હતી. શ્રીશ્રીમા એ ગાડીમાં બેસીને ગંગાસ્નાન કરવા જતાં અને સાપ્તાહિક અવકાશના દિવસે સ્કૂલ બંધ હોય ત્યારે અમે લોકો એ ગાડીમાં એમને લઈને ક્યારેક મેદાનમાં, મ્યૂઝિયમમાં તો વળી ક્યારેક અલીપુરના પક્ષીઘર કે શિવપુરના વનસ્પતિઉદ્યાનમાં તો વળી ક્યારેક કાલીઘાટ અને કાલીપૂજાના સમયે દીપાવલીની રોશની અને સજાવટ દેખાડવા બડાબજારમાં લઈ જતા. મોટા ભાગનાં સ્થળે શ્રીશ્રીમા ગાડીમાંથી ઊતરીને પગપાળા ફરતાં અને સરળ બાલિકાની જેમ આનંદ પ્રગટ કરતાં. એમને આ રીતે લઈ જવા પાછળ અમારા બે ઉદ્દેશ્ય રહેતા – પ્રથમ, તેઓ આખો દિવસ ઘરમાં જ બંધાયેલાં રહે છે એટલે બહારની હવાથી એમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે અને બીજું, દક્ષિણેશ્વરના નોબતખાનામાં રહેતી વખતે એમના પગમાં જે વા થઈ ગયો હતો, એને કારણે એમને થોડું લંગડાતાં ચાલવું પડતું હતું. અમારી આશા-અપેક્ષા હતી કે એમના આવી રીતે થોડા હરવા ફરવાથી કદાચ એ રોગમાં સારું થઈ જાય.

કાંકુડગાછી યોગોદ્યાનના અધ્યક્ષ સ્વામી યોગવિનોદ એક દિવસ સવારે આવ્યા અને અમારી સમક્ષ શ્રીશ્રીમાને પ્રણામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. અમે એમને ઉપર લઈ ગયા. ત્યાં જઈને એમણે શ્રીશ્રીમાને જન્માષ્ટમીના ઉત્સવમાં આવવાનું નિમંત્રણ આપ્યું અને એમની પાસેથી આવવાનું વચન પણ લીધું. અત : જન્માષ્ટમીના દિવસે હું નિવેદિતા વિદ્યાલયની ગાડીમાં શ્રીશ્રીમા, લક્ષ્મીદીદી, ગોલાપમા, નલિની અને રાધૂને ત્યાં લઈ ગયો. ઉત્સવ ઘણો સારો થયો, ત્યાં મેં ઘણા લોકોનો સમાગમ જોયો. ગિરીશચંદ્ર અને માસ્ટર મહાશય પણ હતા. વૃંદનાં વૃંદ સંકીર્તન કરવાવાળા આવ્યા હતા. પરંતુ વચ્ચે વચ્ચે ગોલાપમા આવીને કહેતાં, ‘શ્રીશ્રીમાને પાછા લઈ જઈએ.’ જ્યારે અમે લોકોએ યોગવિનોદને આ વાત કહી તો તેઓ તેમને છોડવા રાજી ન હતા. કેટલીયે વાર કહ્યું પછી જ્યારે એમણે આવવા દીધાં તે સમયે સાંજના લગભગ છ વાગી ગયા હતા.

પાછા ફરીને ગોલાપમા અને લક્ષ્મીદીદી પાસેથી મને જાણવા મળ્યું કે ત્યાં શ્રીશ્રીમાને ઘણું કષ્ટ થયું હતું – આખો દિવસ એમણે પોતાના સંપૂર્ણ દેહને ચાદરથી ઢાંકી રાખવો પડ્યો હતો – અસંખ્ય લોકો પ્રણામ કરવા આવતા રહ્યા અને એ દરમિયાન એમને જરાય આરામ ન મળ્યો. ભેજવાળી ગરમીમાં એમને લાકડાની પૂતળીની જેમ બેસવું પડ્યું. સર્વાધિક કષ્ટ તો એમને શ્રીઠાકુરનું સમાધિસ્થળ (શ્રીઠાકુરના લીલાવસાન પછી એમનાં પવિત્ર અસ્થિ જ્યાં છે તેને) જોઈને થયું.

એક દિવસ ગિરીશચંદ્ર શ્રીશ્રીમાને થિયેટર જોવા લઈ ગયા અને એમને રોયલ બોક્સમાં બેસાડ્યાં. એમને માટે મોટા હાથપંખાની વ્યવસ્થા પણ કરી હતી. ‘ઠાકુર બિલ્વમંગલ’ નાટક ભજવાઈ રહ્યું હતું. ગિરીશચંદ્ર પોતે ‘ઢોંગી સાધક’ના રૂપે અભિનય કરવા મંચ પર આવ્યા. જ્યારે તેઓ થાકમણિને કૃષ્ણપ્રેમ શીખવવા મંડી પડ્યા ત્યારે શ્રીશ્રીમાએ હસતાં હસતાં કહ્યું, ‘આ ઉંમરે હવે વધારે શું?’ પછી બિલ્વમંગલનો એકનિષ્ઠ પ્રેમ જોઈને તેઓ, ‘અહા! અહા!’ એમ બોલી ઊઠ્યાં.

એક વૃદ્ધ બ્રાહ્મણી ગંગાને કિનારે કામારહાટીમાં સાગર દત્તના મંદિરના એક ઓરડામાં રહેતાં હતાં. એમણે શ્રીઠાકુરને ગોપાલરૂપે જોયા હતા અને શ્રીઠાકુરે પણ એમને મા કહીને સંબોધ્યાં હતાં. શ્રીશ્રીમા પણ એમને સાસુ સમાન ગણતાં. ભક્તલોકો એમને ‘ગોપાલની મા’ કહેતા.

તેઓ અત્યંત વૃદ્ધ થઈ ગયાં હતાં તથા એમની સેવા કરવાવાળું કોઈ ન હતું. એ જોઈને ભગિની નિવદિતાએ એમને ૧૬ બોઝપાડા લેઈનના બાલિકા વિદ્યાલયમાં લાવીને ત્યાં જ એક ઓરડામાં રાખ્યાં અને એમની સેવાચાકરી માટે એક સ્ત્રીને રાખી. ગોપાલની માના બન્ને સમયનું ભોજન શ્રીશ્રીમાના ઘરેથી આવતું. શ્રીશ્રીમા એમને વચ્ચે વચ્ચે જોવા પણ જતાં.

ગોપાલની માને કોઈ રોગ ન હતો. કેવળ અત્યંત વૃદ્ધ થઈ જવાને કારણે હરવા ફરવામાં અશક્ત થઈ ગયાં હતાં. એટલે અંતિમ દિવસોમાં એમને હોશ-ભાન રહેતાં ન હતાં. ક્યારેક ક્યારેક અજાણતાં જ ઝાડો-પેશાબ પણ થઈ જતા. પરંતુ બે વાતમાં એમનો બોધ સદૈવ જાગૃત રહેતો. પહેલી તો એમની જપમાળા – માળા હાથમાં જ હોવી જોઈએ, નહીં તો તેઓ આકુળવ્યાકુળ થઈ જતાં અને બૂમો પાડતાં. એટલે માળા સદાય એમના હાથમાં જ રહેતી. બીજું, તેઓ કોઈને ઓળખી ન શકતાં. પરંતુ શ્રીશ્રીમા ત્યાં જ્યારે જ્યારે જતાં ત્યારે કોણ જાણે કેમ ઓળખી લેતાં. તત્કાળ અસ્ફુટ સ્વરમાં કહેતાં, ‘કોણ, વહુ? આવો આવો.’

અસ્તુ, ધીરે ધીરે એમની નાડીનું ધબકવું ધીમું પડવા લાગ્યું. હૃદયની ગતિ બંધ થવા આવી. વૈદ્યરાજે ‘હવે વાર નથી’ કહેતાં જ ભગિની નિવેદિતાએ કહ્યું, ‘તેઓ હંમેશાં ગંગા તટ પર રહ્યાં છે. હવે એમને ગંગા કિનારે લઈ જવું ઉચિત ગણાશે.’ (ક્રમશ 🙂

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.