ગયા અંકમાં શ્રીશ્રીમાની જગન્નાથ પુરીની યાત્રા વિશે વાંચ્યું, હવે આગળ…

એક દિવસ શ્રીશ્રીમાએ મને એકાંતમાં બોલાવીને પૂછ્યું, ‘જયરામવાટી જઈ શકીશ?’ મેં જવાબ આપ્યો, ‘મા, શા માટે ન જઈ શકું?’ એમણે જઈને નાની અને કાલીમામાને બોલાવી લાવવા કહ્યું. પછીના દિવસે રાતની ગાડીમાં જઈશ એવું નક્કી થયું.

પછીના દિવસે સાંજે મંદિરમાં આરતીનાં દર્શન કરીને પાછા ફર્યા પછી શ્રીશ્રીમા વિશ્રામ કરી રહ્યાં હતાં. એમણે ચરણસેવા કરવા મને બોલાવ્યો અને ધીરેથી કહ્યું, ‘તુલસીની નીચે નિર્માલ્ય છે, એને લેતો જજે.’ અને જાહેરમાં ગોલાપમાને બોલાવીને કહ્યું, ‘આશુ ભૂખ્યો છે એને ખાવાનું આપો.’ ભોજન પછી શ્રીશ્રીમાને પ્રણામ કરીને હું ચૂપચાપ રવાના થયો.

શ્રીશ્રીમાના આ પ્રકારે ચૂપચાપ કાર્ય કરવાનો ઉદ્દેશ્ય કેવળ એટલો જ હતો કે નાની મામીને એ વાતની જાણકારી ન થવી જોઈએ. તેઓ પાગલ થઈ ગયા પછી શ્રીશ્રીમા એમના સિવાય કોઈ બીજા ભાઈ કે ભાભીને ચાહે કે એમને માટે કંઈક કરે એવું તે ઇચ્છતી ન હતી. નાની વગેરેને લાવવા માટે મારા પ્રસ્થાન કર્યાના ચાર દિવસ પૂર્વે ગૌરીમા (શ્રીઠાકુરનાં સંન્યાસિની ભક્ત, પછીથી શ્રીસારદેશ્વરી આશ્રમનાં સંસ્થાપિકા બન્યાં.) પુરી આવ્યાં અને અમારા વૃંદમાં સામેલ થયાં.

વિષ્ણુપુરની ટિકિટ લઈને હું યથાસમયે ટ્રેનમાં બેઠો. પછી વિષ્ણુપુર ઊતરીને ભાડાની ઊંટગાડીથી કોતુલપુર ગયો. ત્યાંથી પગપાળા જયરામવાટી જઈને નાની અને કાલીમામાને કહ્યું કે હું શ્રીશ્રીમાના આદેશથી એમને પુરી લઈ જવા આવ્યો છું. પછીના દિવસે નીકળવાની વાત નક્કી થઈ છતાં કાલીમામા પોતાની પત્ની તથા બાળકોને જણાવવા પોતાના સાસરે મડાગઢ ગામ ગયા. એમનો પરિવાર એ સમયે ત્યાં હતો. જતી વખતે કાલીમામા કહી ગયા કે પછીના દિવસે સવારે હું નાનીને ત્યાં લેતો આવું, તેઓ ત્યાં બળદગાડાની વ્યવસ્થા કરી રાખશે અને ગડબેતાના માર્ગે જવાનું રહેશે.

આ બાજુ સીતારામ ઘોષ નામના એક વૃદ્ધ સજ્જન આવ્યા અને નાની માને અનુરોધ કરવા લાગ્યા કે તેઓ એમને પણ સાથે લઈ જાય. આમ તો પોતાનો ખર્ચ તેઓ સ્વયં આપવાના હતા. નાની સહમત થયાં.

પછીના દિવસે નાની અને સીતારામને સાથે લઈને મડાગઢ પહોંચીને જોયું તો કાલીમામાએ પુરી જવા માટે આખી ટોળી ભેગી કરી હતી. એ બાબતે કશું કહેવું અનુચિત લાગતાં હું ચૂપ રહ્યો. બે બળદગાડાની વ્યવસ્થા થઈ હતી. એકમાં નાની, પોતાનાં બન્ને બાળકો, કાલીમામાની પત્ની અને ગાડાવાળા પાસે આગળ સીતારામ બેઠા. બીજીમાં કાલીમામા, એના સાસરા અને લેખક બેઠા. બન્ને બળદગાડાં રાતભર ચાલતાં રહ્યાં અને પછીના દિવસે સવારે ગડબેતા સ્ટેશનની પાસેના ગામમાં પહોંચ્યાં. એક દુકાનમાં બપોરનું ભોજન કર્યા પછી ટ્રેનમાં બેસીને પછીના દિવસે સવારે અમે લોકો પુરી પહોંચ્યા.

મડાગઢથી ગડબેતાના રસ્તામાં રાતને સમયે શાલવન થઈને આવતી વખતે એક વળાંક પર નાનીનું ગાડું એકાએક પલટી ગયું. એને પરિણામે સીતારામના ઉપર નાની અને નાની ઉપર વચેટ મામી અને એમના બન્ને પુત્રો પડ્યા. એ લોકોનો અને એમાંય વિશેષ કરીને ‘મરી ગઈ, મરી ગઈ’ એવો નાનીનો મોટેથી બરાડવાનો અવાજ સાંભળીને હું દોડ્યો અને એમને સહીસલામત બહાર ખેંચીને કહ્યું, ‘નાની, હું તમને મરવા નહીં દઉં, નહીં તો મા રડેને!’

અમે ક્ષેત્રવાસી મઠમાં પહોંચીને જોયું કે નાનીમામી, જે લેખકના અચાનક ગાયબ થઈ જવાથી અત્યાર સુધી શ્રીશ્રીમાને અનેક રીતે હેરાન-પરેશાન કરતી હતી તે બધી વાત સમજી ગઈ અને શ્રીશ્રીમા પાસે જઈને હાથ-મોં નચાવીને કોણ જાણે શું બકવા લાગી. તેના ઉત્તરમાં શ્રીશ્રીમાએ કહ્યું, ‘હું શું કેવળ તમને જ લઈને રહીશ? આ લોકો શું મારા કોઈ સગાંસંબંધી નથી?’ (વિસ્તૃત વર્ણન માટે સ્વામી ગંભીરાનંદનું પુુસ્તક ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’, જુઓ)

અગ્રહાયણ (માગશર) માસમાં પુરીમાં શ્રી બળરામને વિશેષ ભોગ ધરાવાય છે. તે ભોગ અત્યંત સ્વાદિષ્ટ અને વિવિધતાપૂર્ણ હોય છે. અમે લોકો તે પ્રસાદ દરરોજ આરોગતા. શ્રીમંદિરના પ્રાંગણમાં બેસીને ચાંડાલથી માંડીને બધાંનાં મુખમાં મહાપ્રસાદ દેવો અને એમને હાથે સ્વયં આરોગવો એ ત્યાંના મંદિરની રીત છે. આ રીત પ્રમાણે એક દિવસ શ્રીશ્રીમા એક ચબૂતરા પર બેસીને અમારાં બધાંનાં મુખમાં મહાપ્રસાદ આપતાં હતાં અને પોતે પણ આરોગતાં હતાં. ત્યારે માસ્ટર મહાશય અને વરદાકુમાર (વચેટમામા) કોલકાતાથી ત્યાં અચાનક આવી પહોંચ્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો.

જયરામવાટીથી જે લોકો આવ્યા હતા, એમાં નાની ઉપરાંત બાકીનાં બધાં થોડા દિવસો પછી પાછાં ચાલ્યાં ગયાં.

પુરી આવ્યા પછી શ્રીશ્રીમાના પગમાં ફોલ્લો થયો અને કાલીમામાના આવવાને લીધે શ્રીશ્રીમા એટલા દિવસો સુધી મંદિર સિવાય બીજે ક્યાંય જઈ શક્યાં ન હતાં. હવે એમના ચાલ્યા ગયા પછી શ્રીશ્રીમા ફરવા જવા લાગ્યાં. રામનાં મા (બલરામ બસુનાં પત્ની કૃષ્ણભાવિની બસુ) અને નિતાઈનાં મા (નિત્યાનંદ બસુનાં મા અને સાધુપ્રસાદ બસુનાં પત્ની શરત્ કુમારી – રામનાં કાકી) શશીનિકેતનમાં રહેતાં હતાં. તેઓ ક્યારેક ક્યારેક ક્ષેત્રવાસી મઠમાં આવતાં અને કોઈ કોઈ દિવસ સાંજે શ્રીશ્રીમાની સાથે ફરવા જતાં.

પુરી નિવાસ દરમિયાન શ્રીશ્રીમાએ બે વાર સમુદ્રસ્નાન કર્યું હતું. એક દિવસ તેઓ સ્વર્ગદ્વાર જોવા ગયાં. પ્રાય : તેઓ શ્રીમંદિરની પ્રદક્ષિણા કરવા જતાં. એક દિવસ જઈને શ્રીશ્રી જગન્નાથનું રસોડંુ જોયું. એક દિવસ ગુન્ડિચાવાડી ગયાં. એટલું મોટું મંદિર એમણે ફરી ફરીને જોયું. એ દિવસે લક્ષ્મીજલા પણ ગયાં. લક્ષ્મીજલાની વિશેષતા એ છે કે ત્યાં શ્રીમહાપ્રભુના દૈનંદિન ભોગ નિમિત્તે બારે મહિના નિત્ય નવું ધાન (કમોદ) ઉત્પન્ન થતું રહે છે. નિત્ય એ કમોદથી ચોખા રાંધીને તેમને ભોગ ધરાવાય છે.

એક અન્ય દિવસે અમે વિજયકૃષ્ણ ગોસ્વામી મહાશયની સમાધિ જોવા નરેન્દ્ર સરોવર ગયા. ગોસ્વામીજીના પુત્રે અમારંુ સ્વાગત કર્યું. સરોવર અને તેની સાથે સંલગ્ન મઠ રમણીય છે. શ્રીશંકરાચાર્યનો ગોવર્ધન મઠ પણ જોયો.

પુરીક્ષેત્રનિવાસ સમયના અંતે શ્રીશ્રીમાનું સ્વાસ્થ્ય અપેક્ષા પ્રમાણે સુધરી ગયું હતું અને સંભવત : એ જ કારણે ત્યારે તેઓ ખૂબ વાતચીત, આમોદપ્રમોદ તથા હાસપરિહાસ કરતાં.

એક દિવસ વાતો કરતાં કરતાં સ્વામીજીનો દુર્ગાપૂજાનો પ્રસંગ આવતાં તેમણે કહ્યું, ‘‘નરેન્દ્રની કેવી ગુરુભક્તિ હતી! મારે નામે સંકલ્પ કરાવ્યો. તેણે કહ્યું – ‘માના નામે સંકલ્પ થશે. આપણે લોકો કૌપીનધારી છીએ. આપણા નામે સંકલ્પ ન થાય.’ કેષ્ટલાલ (કૃષ્ણલાલ મહારાજ – સ્વામી ધીરાનંદ) મારી પાસે હતા. એમના દ્વારા પૂજા કરાવી. શશી (સ્વામી રામકૃષ્ણાનંદ)ના પિતા તંત્રધારક હતા. ઘણા દિવસો સુધી મારી રહેવાની વ્યવસ્થા નીલાંબરના મકાનમાં કરાઈ હતી.’’

એક અન્ય સમયે તેમણે કહ્યું, ‘તમે કાળા પહાડની વાત સાંભળી છે ને? બ્રાહ્મણનું સંતાન હતું. પરંતુ શું નથી કર્યું! હિન્દુનાં કોઈ દેવીદેવતાઓને જરાય છોડ્યાં નથી, બધાંને તોડીફોડીને ભુક્કો કરી નાખ્યો.’

એક દિવસે શ્રીશ્રીમાને હાસ-પરિહાસ કરતાં જોઈને નટીની માએ કહ્યું, ‘મા, તમે હાસ્યમજાકની આટલી વાતો જાણો છો!’ શ્રીશ્રીમાએ કહ્યું, ‘મને શું જુએ છે? ઠાકુરને જોયા છે ને? એમની વાતો તો પૂરી જ ન થતી. એટલી બધી વાતો તેઓ જાણતા.’

માઘ (મહા) મહિનામાં શ્રીશ્રીમા કોલકાતાના બાગબાજાર સ્ટ્રીટના મકાનમાં પાછાં આવ્યાં. નાની પણ અમારી સાથે કોલકાતા આવ્યાં. નાની પણ પૌત્ર વિશે અમારી સાથે એવી જ રીતે હસતાં રહેતાં અને અમે પણ એમને છોડતા નહીં. એક દિવસ અમે એમને બાગબાજારના નવીન મયરાની દુકાનનાં રસગુલ્લાં અને સંદેશ ખવડાવ્યાં પછી પૂછ્યું કે એ કેવાં લાગ્યાં, તો તેમણે કહ્યું, ‘ભાઈ, એ શું ખાખ મીઠાં હતાં? થોડો કાચો ગોળ ભેળવી દીધો હોત તો કંઈક સ્વાદિષ્ટ લાગત અને ખાવાની મજા આવત.’

કેટલાક દિવસ કોલકાતામાં રહ્યા પછી નાની પ્રસન્ન કુમારના મિત્ર રામનાથ બેનર્જી સાથે જયરામવાટી ચાલ્યાં ગયાં. (ક્રમશ 🙂

Total Views: 339

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.