ગયા અંકમાં આપણે માનસિક તણાવને કારણે ઉદ્ભવતી શારીરિક વ્યાધિઓ તથા વિચાર-નિયંત્રણ દ્વારા અંતર્નિહિત દિવ્ય સ્વરૂપની અનુભૂતિ વિશે જોયું, હવે આગળ…

માનસિક તણાવ આપણા ક્રિયાકલાપોથી ઉત્પન્ન થાય છે એટલે આપણે પોતાની દિનચર્યાનું વિશ્લેષણ કરવું જોઈએ. આપણા દિનપ્રતિદિનના ક્રિયાકલાપને ચાર ક્ષેત્રોમાં વિભાજિત કરી શકાય. આપણે આપણા કામ પર જઈએ છીએ; એ આપણું કર્મક્ષેત્ર છે. પછી ઘરે પાછા ફરીને પોતાના પરિવાર અને બાળકોને મળીએ છીએ; આ જીવનનું બીજું ક્ષેત્ર છે. ક્યારેક ક્યારેક આપણે પિકનિક પર અથવા કોઈના જન્મોત્સવ કે અન્ય વિશેષ સમારોહમાં મિત્રો સાથે બહાર જઈએ છીએ; આ આપણી સામાજિક વચનબદ્ધતા છે. એટલે મિત્રવર્ગ એવં સમાજ જીવનનું એક બીજું ક્ષેત્ર છે. આ ઉપરાંત ફુરસદના સમયે આપણે રમતગમત, ક્લબ, ટી.વી. વગેરે દ્વારા મનોરંજન કરીએ છીએ. આ આપણું ચોથું ક્ષેત્ર છે.

જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં માનસિક તણાવ ભિન્ન હોય છે. ઉદાહરણ તરીકે કોઈને કાર્યક્ષેત્રમાં માનસિક તણાવ અત્યધિક થાય છે. પરંતુ ઘરે સમજદાર પત્ની હોય તો એ તણાવ ઓછો રહે છે. ધારો કે ઓફિસમાં પણ કંઈક એવું જ થઈ જાય છે. જેમ કે પોતાના સહાયકથી પ્રતિકૂળ બનીને અધિકારી એને જેમાં રુચિ ન હોય, એવું કામ સોંપે છે. પરંતુ જીવનના ઉપાર્જનનું બંધન એ સહાયકને અસહાય બનાવી દે છે અને તે અપ્રિય કામથી છુટકારો પણ મેળવી શકતો નથી. એને માટે એણે બાંધછોડ કરવી પડે છે અને એ તીવ્ર માનસિક તણાવનું કારણ બની જાય છે. તે ઘરે પાછો ફરે અને તેની પત્ની સ્નેહમયી, મધુર અને સમજદાર હોય અને તે પતિની પીડામાં સહભાગી બને તો શાંતિ રહેશે, અન્યથા પરિસ્થિતિ અસહ્ય બની જાય છે.

એવી જ રીતે ધારો કે એક વ્યક્તિ જે કોઈ વિશેષ કાર્યક્ષેત્રમાં લાગ્યો હોય અને અચાનક તેનાં ક્ષેત્રનું પરિવર્તન કરવામાં આવે અને અન્ય ક્ષેત્રની જવાબદારી સોંપીને તેનો વરિષ્ઠ આમ કહે, ‘હવેથી તમે આ નવું કામ સંભાળો’, પરંતુ આ કાર્ય એને કંટાળો આપનારું અને પડકારભર્યું લાગે તો સ્વાભાવિક છે કે તેની કામ કરવાની રુચિ નાશ પામશે. આને કારણે તેનો માનસિક તણાવ વધી જશે, કારણ કે તે હવે કંટાળી ગયો છે, તે પડકારનો સામનો નથી કરી શકતો અને પોતાને અસ્થિર સમજે છે. આમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિઓમાં આપણને સમાયોજન કરતાં આવડવું જોઈએ.

આપણે જોઈ ચૂક્યા છીએ કે કોઈ પણ સ્થિતિમાં તણાવ કે દબાવ એ આજના આપણા જીવનનો એક હિસ્સો બની ગયો છે. આપણે પોતાના હિતમાં એનો ઉપયોગ કરવાનો છે, એનાથી હારી જવાનું નથી. જેનાથી આપણું જીવન સ્વસ્થ અને સંતુલિત તેમ જ સમગ્ર બને એ રીતે એનું રૂપાંતરણ કરવું પડે. એને માટે ઉચિત પ્રકારની અભિપ્રેરણા જોઈએ, કારણ કે સાચું પ્રોત્સાહન તણાવ તેમજ દબાણની પ્રતિકારક ઔષધિ છે. પ્રેરણાવિહીન મનુષ્ય સ્થિરતા વિનાના વહાણ જેવો છે.

જેમનો જીવન પ્રત્યે અત્યંત પ્રયોજનાત્મક દૃષ્ટિકોણ છે એવા માર્ટિન લ્યૂથર કિંગે આ સંદર્ભમાં એક આવશ્યક અને અત્યંત મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે. એમનું કહેવું છે, ‘સુખ અને સુવિધાઓની ક્ષણોમાં જ નહીં, પરંતુ પડકાર અને વિરોધના સમયે પણ કોઈ વ્યક્તિ ક્યાં ઊભી છે તે જ તેની અંતિમ ઓળખાણ છે.’

‘સુખ અને સુવિધાઓની ક્ષણોમાં જ નહીં’ આ શબ્દોને ધ્યાનમાં રાખો. જ્યાં પડકાર નથી; કોઈ વિપરીત પરિસ્થિતિ નથી; મૃત્યુનો કોઈ આઘાત નથી; જ્યાં પતિ અને પત્ની વચ્ચે કોઈ તણાવ નથી; બધાં બાળકો સુખી છે; જ્યાં બધું સારું છે, ખરાબ કંઈ નથી ત્યાં આપણને શાંતિ અવશ્ય મળશે. પરંતુ મનુષ્યની સાચી પરખ કે મૂલ્યાંકન તો ત્યારે જ થાય છે કે જ્યારે તેને કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, સામાન્ય શાંત પરિસ્થિતિઓમાં આવાં પરખ કે મૂલ્યાંકન થઈ શકતાં નથી. કઠિન પરિસ્થિતિઓમાં જે સંતુલન જાળવી રાખે કે માનસિક સમતા રાખે તેનું સર્વશ્રેષ્ઠરૂપે મૂલ્યાંકન થશે. સુખસુવિધાઓની ક્ષણોમાં આપણને માનસિક તણાવ કે દબાણ નથી રહેતું. તણાવને જીતવામાં આપણી સફળતાની કસોટી આ છે કે જ્યારે પડકારોનો સામનો કરવો પડે ત્યારે આપણી શારીરિક તેમજ માનસિક પ્રતિક્રિયા કેવી રહે છે. જીવનની વાસ્તવિક સફળતા તો વિપત્તિમાં નિર્ભીક બનીને દૃઢતાથી તેનો સામનો કરવામાં રહેલી છે. વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો.

વારાણસીમાં દુર્ગાવાડીની નજીક કેટલાક વાંદરા સ્વામી વિવેકાનંદની પાછળ પડ્યા. સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિમાં કોઈ પણ માણસ ગભરાઈ જાય. વાંદરાના આક્રમણથી બચવા સ્વામીજી નાસવા માંડ્યા. એમને એક સાધુનો અવાજ સંભળાયો, ‘દુષ્ટોનો સામનો કરો.’ પાછા ફરીને સ્વામીજીએ દૃઢતાથી વાંદરાઓનો સામનો કર્યો અને તે તરત ભાગી ગયા. એટલે પડકારો આવે છે, જીવનમાં સર્વદા અજવાળું નથી રહેતું. ખરાબ દિવસો અને વિપરીત પરિસ્થિતિઓ તો આવશે જ, પરંતુ આપણે પ્રત્યેક પડકારોનો સામનો નિર્ભીકતાથી કરવાનો છે. આ જાણી લઈએ કે પરિસ્થિતિઓ પર કાબૂ મેળવવાની ક્ષમતા આપણામાં છે. એ જ પુરુષત્વ છે અને એ જ છે માર્ટિન લ્યૂથર કિંગના શબ્દોનો લક્ષ્યાર્થ. (ક્રમશ 🙂

Total Views: 248

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.