ઘણાં વર્ષ પહેલાંની વાત છે. રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી પોતાના કેટલાક વિદેશી શિષ્યો સાથે ભારતમાં આવ્યા હતા. એ સમયે હરિદ્વારમાં કુંભનો મહાપર્વ ચાલતું હતું. વિદેશી આગંતુકો સાથે એ સંન્યાસી કુંભમેળામાં ભાગ લેવા હરિદ્વાર પહોંચ્યા. કુંભમેળાના સ્નાન માટે આબાલવૃદ્ધોની ખૂબ મોટી ભીડ લાગી હતી. આ ભીડ જોઈને વિદેશી મહેમાનોએ સંન્યાસીને આશ્ચર્યથી પૂછ્યું : ‘સ્વામીજી, આટલી જનમેદની એકઠી કરવા ઘણી બધી નિમંત્રણપત્રિકા મોકલી હશે! ઘણો ખર્ચાે થયો હશે!’ કોઈ પણ ભારતવાસી આ સાંભળીને હસવું ટાળી ન શકે. પશ્ચિમની અને ભારતની સંસ્કૃતિમાં આ જ તો મોટો ફરક છે – વિદેશમાં આટલા લોકોને એકત્રિત કરવા માટે ઘણા ડોલરનો ખર્ચ કરવો પડે. નિમંત્રણ સિવાય ક્યાંય પણ ન જવું, એ એમની સભ્યતા છે.

ધર્મ ભારતનો પ્રાણ છે

ઉપરોક્ત પ્રશ્નનું જો આપણે ચિંતન કરીશું તો આપણને એક વાતનો ખ્યાલ આવશે – કુંભમેળો હોય કે કોઈ પણ મંદિરમાં ધર્મોત્સવ હોય, આવી જગ્યાએ આવનારી જનમેદની શું નિમંત્રણ વગર આવી હશે? કદાપિ નહીં. એમને પણ નિમંત્રણ મળે છે, પરંતુ એ માત્ર બાહ્ય નિમંત્રણ નથી હોતું, પરંતુ એ નિમંત્રણ તો એમના અંતરાત્માનું હોય છે. આવા ઉત્સવોનું નિમંત્રણ સરકારે આપવું પડતું નથી, એ તો મળે છે ભારતીયોની રગેરગમાં વહેતા ધાર્મિક સંસ્કારોથી. જે દિવ્ય છે, ઉદાત્ત છે, પવિત્ર છે, ગૌરવમય છે, જેના દ્વારા એકાત્મતા પ્રાપ્ત થાય છે – આ આપણી સંસ્કૃતિ છે. આ જ સંસ્કૃતિ આપણા રક્તમાં પ્રવાહિત થઈ રહી છે અને આ જ આંતરિક પ્રેરણાથી આપણે ઘરની તમામ સુવિધાઓને ત્યજીને આવા પુણ્યપ્રસંગે એકઠા મળીને આનંદનો ઉત્સવ માણીએ છીએ. આનાથી જ આપણી ભારતીય સંસ્કૃતિની એકાત્મતાનું દર્શન થાય છે. આ જ ઉદ્દેશ સાથે આપણા પૂર્વજોએ આવા પર્વોત્સવનું આયોજન કર્યું છે. દરેક દેશનો એક પ્રાણ હોય છે, ભાષા હોય છે. ભારતની ભાષા છે ધર્મની-અધ્યાત્મની. ધર્મના માધ્યમથી જ મહાન વસ્તુ લોકો સમક્ષ મૂકવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે : ‘દરેક રાષ્ટ્રની એક ભાષા હોય છે, કોઈ પણ વાત એ રાષ્ટ્રના લોકોને સમજાવવી હોય તો તેના દ્વારા જ સમજાવવી પડે છે. દા.ત. ઇંગ્લેન્ડની ભાષા છે વ્યાપાર-વાણિજ્ય. અમેરિકાની ભાષા છે રાજકારણ, ઇત્યાદિ. ભારતની ભાષા છે ધર્મ. એટલે ભારતમાં કોઈ મહાન વસ્તુ સમજાવવી હોય તો ધર્મ દ્વારા જ સમજાવી શકાય છે. ભારતમાં ઇતિહાસ, રાજકારણ, સ્વાસ્થ્ય આદિ સમજાવવા ધર્મનો આધાર લેવાથી લોકો તરત જ સમજી શકે છે. આ જ કારણથી અમારા દેશમાં મોટા ઉત્સવો અને પર્વોનું આયોજન થતું આવ્યું છે.’

ઉત્સવ-મેળો :

અખંડિતતા અને એકાત્મતાનાં પ્રતીક

ભારતનો કોઈ એવો ભૂ-ભાગ નહીં હોય કે જ્યાં ઉત્સવ, યાત્રા, તહેવાર ન થતાં હોય. ભારતની આ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરા છે, એની પાછળ પણ વિજ્ઞાન છુપાયેલું છે. અલગ અલગ બગીચાનાં પુષ્પો દોરાના માધ્યમથી એક સાથે હારરૂપે એકત્ર થાય છે, તેવી જ રીતે ભિન્ન ભિન્ન પ્રાંતના, અલગ અલગ ભાષાના લોકો આવા ઉત્સવ કે તહેવારના માધ્યમથી એકત્ર થઈને આનંદ માણે છે. એટલે જ ભારતની અખંડતા અને ઐક્યનો શ્રેય આ ઉત્સવોને આપવામાં આવે છે. આવા જ એક ઉત્સવમાં દેશના ખૂણેખૂણેથી ગરીબ-શ્રીમંત, ઉચ્ચ-નીચ, શિક્ષિત-અશિક્ષિત, પંજાબી-બંગાળી-મરાઠી-ગુજરાતી લોકો આવા બધા ભેદ છોડીને ‘આપણે બધા ભારતીય છીએ’ એવા ભાવથી એકીસાથે આવે છે.

આ ઉત્સવને ‘કુંભમેળો’ કહેવાય છે. અનેક દિવસ ચાલતો આ કુંભમેળો ધાર્મિકતાને ટકાવી રાખનાર, પૃથ્વી પર મોક્ષ પ્રદાન કરનાર છે આવું વર્ણન ઘણાં સ્થાનો પર આવે છે. આ કુંભમેળામાં લાખો ભાવિકો સાથે અનેક ધર્મોના આચાર્યો, સાધુ-સંન્યાસીઓનું આગમન થાય છે. કુંભમેળાનું દૃશ્ય ઘણું અદ્‌ભુત લાગે છે! આ કુંભમેળામાં કોઈ નાગાસાધુ, કોઈ કૌપીનધારી, કોઈ ભગવાં વસ્ત્રધારી, કોઈ પાઘડીવાળા સાધુ, કોઈ મુંડનમસ્તિષ્ક, કોઈ જટાધારી, કોઈ શ્વેતવસ્ત્રધારી, કોઈ મૌનવ્રતી, કોઈ હઠયોગી, કોઈ એક પગે ઊભા રહીને તપ કરનાર, કોઈ ૨૦૦ લાડુ ખાનાર બાબાજી, કોઈ ફલાહારી, કોઈ અજગરવૃત્તિ ધારણ કરનારા બાબાજી – આવા ઘણા પ્રકારના સાધુસંતોનાં દર્શન થાય છે. એકી સાથે લાખો ભાવિક શ્રદ્ધાળુઓને ભક્તિથી સ્નાન કરતા જોઈને ધર્મહીન વ્યક્તિમાં પણ ધર્મની ભાવના ઉજાગર થાય છે અને ભારત એક પુણ્યભૂમિ છે એવી અનુભૂતિ થાય છે.

ભારતનાં ભિન્ન ભિન્ન સંસ્કૃતિ, ભિન્ન ભિન્ન ભાષા, વિભિન્ન જાતિ, વિભિન્ન પ્રાકૃતિક પોશાક ઇત્યાદિમાં જોવા મળતી વિભિન્નતામાં એકતા લાવવા માટે આવા ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે.

કુંભમેળાનો ઇતિહાસ

કુંભમેળાનો પ્રારંભ ક્યારે થયો? આ પ્રશ્નનો ઉત્તર આપવો ઘણો કઠિન છે. આ કુંભમેળો અનાદિકાળથી અખંડિત ચાલતો આવ્યો છે. આનો પ્રારંભ કોણે અને ક્યારે કર્યો એ હજુ સુધી અજ્ઞાત છે. પરંતુ અથર્વવેદ, વિષ્ણુપુરાણ, સ્કંદપુરાણ આદિ અનેક પુરાણગ્રંથોમાં કુંભનો ઉલ્લેખ જોવા મળે છે. આનાથી કુંભપર્વ અતિપ્રાચીન છે, એ સ્પષ્ટ થાય છે.

पुरा प्रवृत्त्ो देवानां दैत्यैः सहमहारणे ।

समुद्रमंथनात्प्राप्तं सुधाकुंभं तदासुरैः ।।

तस्मात्कुंभात्समुक्षिप्तं सुधाबिन्दुर्महीतले।

यत्र यत्रापतत्तत्र कुंभपर्व प्रकल्पितम् ।।

(સ્કંદપુરાણ)

અર્થાત્ – સમુદ્રમંથનથી નીકળેલ અમૃતકુંભની પ્રાપ્તિ માટે દેવ અને દાનવોમાં સંઘર્ષ થયો. એ સમયે દેવતાઓએ જે જે જગ્યાઓએ આ કુંભ રાખ્યો હતો તે તે જગ્યાએ અમૃતનાં બિંદુઓ પડ્યાં હતાં. એ જ સ્થળોએ કુંભમેળાનું આયોજન થાય છે. કુંભમેળાના સ્થાનનું આવું વિવરણ સ્કંદપુરાણમાં પ્રાપ્ત થાય છે –

गंगाद्वारे प्रयागे च धारा गोदावरी तटे ।

कुंभरव्यो दिव्योगोयं प्रोच्यते शंकरादिभिः।।

– ગંગાદ્વારે એટલે હરિદ્વારમાં, પ્રયાગમાં ત્રિવેણી સંગમ, ધારા એટલે ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે, ત્ર્યંબકેશ્વર (નાસિક) એટલે ગોદાવરી નદીના કિનારે કુંભમેળાનાં આ ચાર સ્થાનો છે.

કુંભને ભારતીય સંસ્કૃતિમાં અત્યંત શુભ અને માંગલ્યનું પ્રતિક ગણવામાં આવે છે. કુંભ કળશ, ઘટ આદિ નામોથી પણ ઓળખાય છે. દરેક ધાર્મિક કાર્ય અને શુભ પ્રસંગોએ કળશની પૂજા થાય છે. કુંભને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. (ક્રમશ 🙂

Total Views: 294

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.