અગાઉના અંકમાં આપણે કુંભમેળાની પશ્ચાદ્ભૂમિકા વિશે વાંચ્યું, હવે તેના વિશે વધુ…

કુંભમેળાની પૌરાણિક કથા

કુંભ વિશે એક કથા કહેવામાં આવે છે. અનેક પુરાણ ગ્રંથોમાં આ કથા અલગ અલગ રીતે રજૂ કરાઈ છે, પરંતુ મૂળરૂપે તે સમાન છે –

એક વાર દેવ અને અસુરના સંગ્રામમાં દેવોનો પરાજય થવા માંડ્યો. આસુરી શક્તિની સામે દેવો બલહીન થવા લાગ્યા. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે પૃથ્વી પર અસુરનું રાજ આવી જશે. આવા સમયે બધા દેવો વિષ્ણુની શરણે ગયા. ભગવાન વિષ્ણુએ દેવોને સલાહ આપી કે અસુરો સાથે સંધિ કરીને સમુદ્રનું મંથન કરો. એમાંથી જે અમૃત પ્રાપ્ત થાય, તેના સેવનથી અમરત્વ પ્રાપ્ત થશે ત્યારે જ તમે અસુરો પર વિજય પ્રાપ્ત કરી શકશો.

ભગવાન વિષ્ણુની સલાહ અનુસાર દેવો અને અસુરોએ મળીને સમુદ્રમંથનની શરૂઆત કરી. સમુદ્રમંથન માટે મંદરાચલ પર્વતનો રવૈયો કર્યો, વાસુકિ નાગની દોરી બનાવી. પૂંછડી બાજુએ દેવો અને મુખ બાજુએ અસુરોએ પકડીને મંથન શરૂ કર્યું. અમૃતકુંભની આશાથી બધી શક્તિ એકઠી કરીને તેઓ ત્વરિત ગતિથી મંથન કરવા માંડ્યા. પરંતુ અમૃતને બદલે સાગરમાંથી પ્રથમ વિષ બહાર આવ્યું. આ વિષનો સ્વીકાર કરવા કોઈ તૈયાર ન થયું. એ સમયે ભગવાન શંકર પ્રગટ થયા અને તેમણે આનંદથી એ વિષપાન કર્યું. એટલે એમનું નામ નીલકંઠ થયું. વિષની સાથે સમુદ્રમાંથી કામધેનુ, ઉચ્ચૈ :શ્રવા અશ્વ, ઐરાવત ગજ, કૌસ્તુભ મણિ, પારિજાત વૃક્ષ, નૃત્યાંગના રંભા, લક્ષ્મી, મદિરા (વારુણી), ચંદ્રમા, શંખ, અક્ષય તૂણીર ધનુષ, આ બધા પછી છેલ્લે હાથમાં અમૃતકુંભ લઈને ધન્વંતરી પ્રગટ થયા. ધન્વંતરી તેર અને અમૃતકુંભ ચૌદ – આમ ચૌદ રત્નો સમુદ્રમાંથી પ્રાપ્ત થયાં.

અમૃતકળશ પ્રગટ થતાં જ દેવ અને દાનવોમાં કલહ શરૂ થઈ ગયો. દેવોએ વિચાર્યું કે જો અમૃત અસુરોને મળી જશે તો એમની સામે જીત મેળવવી કઠિન થઈ જશે. એટલે દેવો પોતાના ગુરુ બૃહસ્પતિના શરણે ગયા. બૃહસ્પતિની સલાહ પ્રમાણે બધા દેવો મળીને વિષ્ણુના શરણે ગયા અને અમૃતકળશના રક્ષણ માટે પ્રાર્થના કરવા લાગ્યા. દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ મોહિનીરૂપ ધારણ કર્યું. મોહિનીરૂપ દ્વારા દૈત્યોને મોહમાં નાખીને એમને મદિરાપાન કરાવ્યું અને દેવતાઓને અમૃત પિવડાવવા લાગ્યા. દૈત્ય રાહુને આ વાતની ખબર પડી. રાહુએ દેવતાનું રૂપ લીધું અને એમની કતારમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. મોહિનીરૂપધારી વિષ્ણુએ એને પણ અમૃતપાન કરાવ્યું. આ વાતનો સૂર્ય અને ચંદ્રને ખ્યાલ આવતા જ તેઓ બરાડી ઊઠ્યા : ‘અરે, આ તો દૈત્ય છે! અને દેવતાનું રૂપ ધારણ કરીને અમારી કતારમાં આવીને બેઠો છે.’ ભગવાન વિષ્ણુએ તરત જ પોતાના સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું, પરંતુ એની પહેલાં જ અમૃતરસ એના ગળેથી નીચે ઊતરી ગયો હતો. પરિણામે રાહુ અમર થઈ ગયો. આ કોલાહલમાં અમૃતકુંભ મેળવવા માટે મોહિની પર દૈત્યોએ તરાપ મારી. ભગવાન વિષ્ણુએ ઇંદ્રના પુત્ર જયંતને એ કળશ આપીને એને ભાગી જવા કહ્યું. જયંત જેમ જેમ ભાગવા માંડ્યો, દૈત્ય પણ એની પાછળ દોડવા લાગ્યા. દૈત્યોથી બચવા માટે જયંત સતત ૧૨ દિવસ સુધી દોડતો રહ્યો. વિશ્રામ માટે તે જે જે જગ્યાએ રોકાયો હતો, તે તે જગ્યાએ દૈત્યોએ એની પાસેથી અમૃતકળશ છીનવવાની કોશિશ કરી હતી. પરંતુ જયંતે અમૃતકળશ એમના હાથમાં આવવા ન દીધો. કળશની ખેંચાખેંચ થવાથી અમૃત છલકાઈને કેટલાંક બિંદુઓ જે ભૂમિ પર પડ્યાં તે બધાં સ્થળો અમૃતમય બની ગયાં. આ પવિત્ર સ્થળોનું નામ છે – હરિદ્વાર, પ્રયાગ (અલ્લાહાબાદ), નાસિક અને ઉજ્જૈન. આ ચાર જગ્યાઓ પર દર ૧૨ વર્ષે વારાફરતી અનાદિકાળથી કુંભમેળાનું આયોજન થતું રહ્યું છે અને આજે પણ થાય છે.

દેવલોકના ૧૨ દિવસ, મનુષ્યલોકનાં ૧૨ વર્ષ સમાન છે. એટલે ૧૨ વર્ષના અંતરે આ જ સ્થાનો પર કુંભનો યોગ આવે છે. બૃહસ્પતિ (ગુરુ), સૂર્ય અને ચંદ્ર આ ત્રણેયે જયંતને સહાય કરીને અમૃતકુંભને દૈત્યોના હાથમાં જવાથી બચાવ્યો હતો. એટલે કુંભપર્વમાં આ ત્રણ ગ્રહોની તિથિ મુખ્ય ગણવામાં આવે છે. સૂર્યે કળશને તૂટવાથી બચાવ્યો હતો. ચંદ્રે અમૃતને છલકાવાથી બચાવ્યું હતું, તો બૃહસ્પતિએ દૈત્યોના હાથમાં જતો અટકાવવા કોશિશ કરી હતી.

કુંભનાં સ્થાન અને તિથિ

આર્યોના પ્રાચીન ગ્રંથ વેદોના અનેક મંત્રોમાં કુંભનો ઉલ્લેખ આવે છે. ઉપર કહ્યું તેમ કુંભનો મેળો હરિદ્વારમાં ગંગાકિનારે, પ્રયાગમાં ત્રિવેણીસંગમે, નાસિક (ત્ર્યંબકેશ્વર)માં ગોદાવરી કિનારે અને ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે ભરાય છે. સ્કંદપુરાણમાં આ વિશે વિસ્તૃત રીતે સમજાવ્યું છે :

पद्मिनीनायके मेषे, कुम्भराशि गते गुरौ।
गंगाद्वारे भवेद् योगः कुंभनामा तदोत्तमः।।

मेषराशि गते जीवे, मकरे चंद्र भास्करौ।
अमावास्यां तदा योगः कुम्भाख्यस्तीर्थं नायके।।

कर्के गुरुस्तथा भानुः चन्द्रश्चन्द्रक्षयस्तथा।
गोदावर्यां तदा कुम्भो जायतेऽवनिमण्डले।।

घटे सूरिशशिसूर्याः दामोदरे स्थिता यदा।
धारायां च तदा कुम्भो जायते खलु मुक्तिदः।।

જયારે બૃહસ્પતિ (ગુરુ) કુંભરાશિમાં, સૂર્ય મેષરાશિમાં આવે છે ત્યારે આ ગ્રહસ્થિતિમાં હરિદ્વારમાં અમૃતકુંભ યોગ આવે છે. (અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે અંદાજે ૧૩-૧૪ એપ્રિલમાં આવે છે.) જયારે બૃહસ્પતિ (ગુરુ) મેષરાશિમાં, ચંદ્ર અને સૂર્ય મકરરાશિમાં આવે છે, અમાવાસ્યાની તિથિ હોય છે ત્યારે આ ગ્રહસ્થિતિમાં તીર્થરાજ પ્રયાગમાં મહાકુંભ થાય છે. (અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે અંદાજે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે છે.) જયારે બૃહસ્પતિ (ગુરુ) કર્કરાશિમાં, સૂર્ય અને ચંદ્ર અમાવાસ્યાની તિથિમાં હોય છે ત્યારે આ ગ્રહસ્થિતિમાં ગોદાવરી કિનારે ‘મુક્તિદાયક કુંભ’ આવે છે. (અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે અંદાજે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવે છે.) જયારે બૃહસ્પતિ (ગુરુ) તુલા રાશિમાં, સૂર્ય અને ચંદ્રનો સંયોગ થાય અને સાથે અમાવાસ્યાની તિથિ હોય છે ત્યારે આ ગ્રહસ્થિતિમાં ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી કિનારે ‘સુધા કુંભયોગ’ આવે છે. (અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે અંદાજે જૂન-જુલાઈમાં આવે છે.)

દરેક કુંભમેળાની વચ્ચે ત્રણ વર્ષનું અંતર હોય છે. પરંતુ ફક્ત પ્રયાગમાં અને હરિદ્વારમાં દરેક છ વર્ષ પછી અર્ધકુંભનું પણ આયોજન થાય છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, ક્ષિપ્રા – આ પૌરાણિક નદીઓનો મહિમા અપાર છે. એમાં અમૃતનાં બિંદુઓ ભળ્યા પછી તો એમનો મહિમા કયા શબ્દોમાં વર્ણવવો? દર ૧૨ વર્ષ પછી બૃહસ્પતિ, સૂર્ય અને ચંદ્રની સંયોગસ્થિતિ વખતે આ નદીઓના જળમાં અમૃતની વર્ષા થાય છે. આ સમયે તે ક્ષેત્રનો જળપ્રવાહ અમૃતમય થઈ જાય છે. એમાં જે સ્નાન કરે છે તેમનું જીવન પણ અમૃતમય બની જાય છે. આવી શ્રદ્ધાને કારણે ઉપરોક્ત ચારેય જગ્યાએ અનાદિકાળથી આજ સુધી લાખો શ્રદ્ધાળુ ભાવિકો પોતાના જીવનને અમૃતમય બનાવવા માટે સ્નાન કરે છે અને ધન્ય બને છે.

 

આદ્યશંકરાચાર્યનું યોગદાન

ભારતીય કાળગણના પ્રમાણે ૧૨ વર્ષનો કાળ એક યુગ માનવામાં આવે છે. આ કાળને એક ‘તપ’ પણ કહેવામાં આવે છે. જગદ્ગુરુ આદ્યશંકરાચાર્યે આ પર્વની ભૂમિકા પર હિંદુસમાજને એકત્રિત કરવા બધા ધર્મોના આચાર્ય અને તમામ સંપ્રદાયો, પંથોને એક સનાતન ધર્મની છત્રછાયા હેઠળ લાવીને – આવતા ૧૨ વર્ષ દરમિયાન શું કરીશું, એ વિશે ચર્ચા કરીને બધાને સંગઠિત કરવાનું મહાન કાર્ય કર્યું હતું. એમણે ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે ચાર દિશામાં ચાર મઠોની સ્થાપના કરીને પોતાના ચાર શિષ્યોને એ સ્થાનના આચાર્યો બનાવ્યા. ઉત્તર દિશામાં હિમાલય સ્થિત બદરીનારાયણમાં જ્યોતિર્મઠ (જોશીમઠ), દક્ષિણ દિશામાં શૃંગેરીમઠ, પશ્ચિમ દિશામાં દ્વારિકા સ્થિત શારદામઠ, પૂર્વ દિશામાં પુરી સ્થિત ગોવર્ધનમઠ. ચારેય દિશાઓમાં આ ચાર મઠ સ્થાપીને એનું કાર્યક્ષેત્ર અને આચારસંહિતા બનાવી હતી. સાથે ને સાથે દશનામી સંન્યાસી સંપ્રદાયની સ્થાપના કરીને એમણે ઉપરોક્ત ચાર મઠોમાં એનું વિભાજન કરી દીધું. દશનામી સંપ્રદાય એટલે તીર્થ, અરણ્ય, આશ્રમ, સરસ્વતી, ભારતી, ગિરિ, પુરી, વન, પર્વત, સાગર. ત્યારથી દરેક સંન્યાસી ઉપરોક્ત ચાર મઠ અંતર્ગત ‘દશનામી સંપ્રદાય’ કહીને પરિચય આપે છે. કુંભ મેળામાં આ મઠના બધા શિષ્યો અને મઠાધ્યક્ષોએ એકઠા મળીને ધર્મચર્ચા, ધર્મસંમેલનનું આયોજન કરીને સમાજને સુસંગઠિત રહેવા પ્રયત્ન કરવા જોઈએ, એવો આદેશ શંકરાચાર્યે બધાને આપ્યો છે.

પછીના સમયમાં ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવા દશનામી સંન્યાસી અને દશનામી નાગા સંન્યાસી એકત્ર થયા. વચ્ચેના કાળમાં રાજાઓએ એમના ભરણપોષણ માટે થોડી જમીનદારી આપી. આમાંથી અખાડાનું નિર્માણ થયું. આ અખાડા નિર્વાણી, નિરંજની, જૂના, આવાહન, અટલ, આનંદ અને અગ્નિ જેવાં મુખ્ય સાત નામોથી ઓળખાય છે. ભારત એટલે સાધુસંતોની, ઋષિમુનિની ભૂમિ છે. આ કુંભમેળામાં અનેક સાધુસંતોનું આગમન કુંભનગરીમાં થાય છે. આદ્યશંકરાચાર્યે શરૂ કરેલી પરંપરા અનુરૂપ દરેક કુંભ મેળામાં બધા અખાડાના સાધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. એનાથી કુંભમાં અપૂર્વ દૃશ્ય જોવા મળે છે. આ મેળામાં ઠેર ઠેર સાધુના મોટા મોટા પંડાલ, મોટી મોટી ધ્વજાઓ, કથા-પ્રવચનો, સંકીર્તન, અન્નદાન, ધર્મચર્ચાઓ વગેરેનું આયોજન થાય છે. આ જોઈને નાસ્તિક પણ આસ્તિક બની જાય છે. આવા પવિત્ર વાતાવરણમાં આવીને આપણી ભક્તિ વધે, ચિત્ત શુદ્ધ થાય, આધ્યાત્મિક પ્રગતિ થાય અને આ બધા દ્વારા તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખી શકે એ ઉદ્દેશથી કોટિ કોટિ શ્રદ્ધાળુ ભક્ત આ કુંભનગરીમાં એકઠા થઈને સ્નાન, દાન, આદિ પુણ્યકર્મ કરીને કૃતાર્થ થાય છે.

શોભાયાત્રા અને સાધુઓનું શાહીસ્નાન

શોભાયાત્રા અને સાધુઓનું શાહીસ્નાન એ કુંભમેળાનું સૌથી મોટું આકર્ષણ છે. આ શોભાયાત્રામાં શણગારેલ ચાંદીની અંબાડીવાળા હાથી અને ઘોડા ઉપર બિરાજેલ અખાડાના મહામંડલેશ્વર, ચાંદીના મોટા મોટા ધ્વજદંડ, ભગવા ધ્વજ, બેંડવાજાં અને બીજાં વાદ્યો સાથે શોભાયાત્રાની આગળ વિભિન્ન અંગ કસરતો કરતા પારંપરિક વેશધારી સાધુઓ, કેટલાક નાગાસાધુઓ, અંગે ભસ્મ ચોળેલ સાધુઓ, પુષ્પહાર પહેરેલા સાધુઓ – આવા વિભિન્ન પ્રકારના સાધુઓ શોભાયાત્રામાં સામેલ હોય છે. ‘હર હર મહાદેવ’ની ઘોષણા સાથે આ શોભાયાત્રા નદી તટ તરફ સ્નાન માટે પ્રયાણ કરે છે. રસ્તાની બંને બાજુએ લાખો ભાવિકો શ્રદ્ધાપૂર્વક શોભાયાત્રા પર પુષ્પવૃષ્ટિ કરે છે, પ્રસાદ આદિનું વિતરણ કરતા રહે છે. કુંભમેળામાં આવેલા ભાવિકોને ભારતીય સંસ્કૃતિનું દર્શન તથા તપસ્વી સાધુઓનું દર્શન થાય એ હેતુથી હાથી, ઘોડા, રત્નજડિત છત્ર-ચામર આદિ સાથે શાહી શોભાયાત્રા કાઢવાની પ્રથા રાજા હર્ષવર્ધને શરૂ કરી હતી, એવું કહેવામાં આવે છે. સાધુસંતોને સ્નાનમાં અગ્રતા આપવામાં આવે છે અને ત્યાર પછી ભાવિક ભક્તો માટે ઘાટ ખોલવામાં આવે છે. આ પવિત્ર વાતાવરણમાં અમૃતમય સ્નાન કરીને દરેકના જીવનમાં એક અલગ જ સમાધાન જોવા મળે છે. પોતાનું જીવન સાર્થક થયું છે એવી દરેકને અનુભૂતિ થાય છે. કુંભમેળામાં અમૃતતુલ્ય જળમાં સ્નાન કરવાથી શું લાભ થાય તેનું વર્ણન વિષ્ણુપુરાણમાં આ પ્રમાણે કર્યું છે :

अश्वमेध सहस्राणि वाजपेयशतानि च ।
लक्षप्रदक्षिणा पृथ्व्याः कुंभस्नानेन तत्फलम् ।।

અર્થાત્ એક હજાર અશ્વમેધ યજ્ઞ, સો વાજપેય યજ્ઞ અને એક લાખ પૃથ્વી પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે છે તે એક કુંભસ્નાનથી પ્રાપ્ત થાય છે.

ઋગ્વેદમાં પણ કુંભસ્નાનનું મહત્ત્વ આ રીતે કહેવામાં આવ્યું છે –

जघान वृत्रं स्वधितिर्वनेव
सरोजपुरो अरदन्न-सिन्धन।

विभेवगिरि नवभिन्न कुंभभागा
इन्द्रो अक्रगतास्वयुग्भिः ।।

અર્થાત્ કુંભમેળામાં થતું સ્નાન, દાન તથા હોમ આદિ પવિત્ર કર્મો દ્વારા મનુષ્યનાં બધાં પાપકર્મોનો નાશ થાય છે. જેમ ધારદાર કુહાડીથી લાકડું કપાઈ જાય છે તેમ કુંભસ્નાનથી પાપનો નાશ થઈ જાય છે.

પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવનાર, એકાત્મતાનું જ્વલંત પ્રતીક પ્રદર્શિત કરનાર, નદી-પર્વત, જડ-ચેતન, બધાંની અંદર ચેતન છે એની યાદ અપાવનાર; નાના-મોટા, ગરીબ-શ્રીમંત બધાને આકર્ષિત કરનાર આ કુંભમેળો છે. આખા વિશ્વમાં આવું અદ્‌ભુત દૃશ્ય બીજે ક્યાંય જોવા મળતું નથી. એટલે આ મહોત્સવને વિશ્વનો સૌથી પ્રાચીન, સૌથી મોટો મહોત્સવ કહેવાય છે.

Total Views: 258

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.