આ પહેલાંના અંકમાં અખંડ ચૈતન્ય તેમજ બ્રાહ્મણત્વના ખ્યાલો વિશે ચિંતન કર્યું, હવે આગળ…

૨૩-૧૦-૫૮

સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ સવારે ટહેલીને આવ્યા અને એમણે પોતાનો એક-એક ઝભ્ભો કાઢતાં કાઢતાં કહ્યું,

‘પ્રાણીઓનું જીવન કેટલું ભયાવહ છે!

Association અને Identification બંને ભિન્ન ભિન્ન વસ્તુ છે. મેં આ શરીર સાથે તાદાત્મ્ય સાધી લીધું છે. હું સ્થાયીરૂપે પોતાને શરીર માનું છું. પરંતુ મારો ઝભ્ભો એમ કહેવાથી Association – સંયુક્ત સંબંધનું જ્ઞાન થાય છે, પોતાના આ શરીરની સાથે એકત્વ અનુભવું છું. પરંતુ એ જ શરીર સાથે Association (સંબંધ)નો અનુભવ કરે છે.

Identification = Permanent Association

Association = Temporary Identification’

બપોરે મહારાજજીએ થોડો આરામ કર્યા પછી સેવક એમની પાસે ગયો. મહારાજે કહ્યું, ‘નિદ્રા અને મૃત્યુમાં કયું અંતર છે? નિદ્રામાં ભાન અજ્ઞાનમાં વિલીન થઈ જાય છે. મૃત્યુમાં પણ એવું જ થાય છે. પરંતુ નિદ્રામાં પ્રાણ Momentum (સંવેગાત્મકરૂપે) કામ કરે છે અને નિદ્રા પછી પહેલાંના બધા સંબંધ રહી જાય છે.પરંતુ મૃત્યુમાં પ્રાણ બીજરૂપે મન અને બુદ્ધિની સાથે Potential (સૂક્ષ્મ) બનીને રહે છે. સાથે ને સાથે પૂર્વ સંબંધોને ભૂલીને નવા સંબંધ સાથે પોતાને જોડી દે છે.’

આશ્રમમાંથી છત્રી અને આસન લઈને સાંજે મહારાજની સાથે અમે લોકો ફરવા નીકળ્યા. થોડે દૂર રેલવે લાઈનના કિનારે બિલ્વવૃક્ષ નીચે બેસીને મહારાજજી વિશ્રામ કરે છે અને અનેક ચર્ચાઓ થાય છે. રસ્તામાં ચાલતી વખતે સેવકે (લેખક) એક કીડાને મારી નાખ્યો. આ સંદર્ભમાં મહારાજે કહ્યું, ‘શાસ્ત્રમાં પંચસૃણાનો ઉલ્લેખ છે. પંચસૃણા-ગૃહસ્થના દૈનિક લોકવ્યવહારમાં પાંચ પ્રકારની હિંસાઓ થાય છે : ચૂલો, ૫ાટલો-વેલણ, સાવરણી, ખાંડણિયાનું સાંબેલું અને ઘડૉ. કેટલીક વાર વ્યક્તિ જાણે-અજાણ્યે કે કોઈ વિશેષ પરિસ્થિતિમાં નાની નાની હિંસા કરી બેસે છે. એટલે શાસ્ત્રકારોએ એના પ્રાયશ્ચિત્ત માટે પાંચ પ્રકારના યજ્ઞનો ઉપદેશ આપ્યો છે. પંચમહાયજ્ઞ- બ્રહ્મયજ્ઞ, નૃયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ અને ભૂતયજ્ઞ.’

સેવક – મહારાજ, શ્રીઠાકુરે વાતવાતમાં કામિની-કાંચનનો ત્યાગ કરવાની વાત કરી છે. પરંતુ અમારા લોકો માટે તો કાર્ય કરીએ ત્યારે એનાથી દૂર રહેવું સંભવ નથી.

મહારાજ – શ્રીઠાકુરે કહ્યું છે – પુરુષ સ્વભાવત : સ્ત્રીને પ્રેમ કરે છે. નારી સ્વભાવત : પુરુષને પ્રેમ કરે છે. એટલે આ શરીર પરથી આસક્તિ ન જાય તો ભગવાનમાં મન લાગે નહીં. એટલે જ સાધુ લોકો આટલા સાવધાન રહે છે. હંમેશાં સજાગ રહેવું પડે છે.

સેવક – મહારાજ, ભગવદ્ દર્શનનું તાત્પર્ય શું છે?

મહારાજ – ભગવદ્ દર્શનનું કોઈ અલગ તાત્પર્ય નથી. પોતાને પંચકોષમાંથી બહાર કાઢી લેવા એ જ મોક્ષ છે. સંન્યાસનો અર્થ પણ એ જ છે.

સેવક – તો આપણે શ્રીઠાકુર-મંદિરમાં જ કેમ જઈએ છીએ.

મહારાજ – જ્યાં સુધી આપણને દેહબોધ રહે ત્યાં સુધી ભગવાન પાસે પ્રાર્થના કરવી પડે. એ વખતે આપણે દ્વૈતવાદી છીએ. એટલે તો કહું છું, આપણે લોકો અદ્વૈત-દ્વૈતવાદી છીએ. અર્થાત્ આપણે એ જાણીએ છીએ કે કાલી જ તે અખંડ સચ્ચિદાનંદ છે. તેઓ કેવળ એક રૂપ દ્વારા પોતાની જાતને અભિવ્યક્ત કરે છે. શ્રીઠાકુરને જ જુઓને, હમણાં નિર્વિશેષ છે અને જ્યારે બધું બ્રહ્મમય જુએ છે ત્યારે તેઓ સવિશેષ છે અને એક પગલું નીચે આવીને બધાંમાં નારાયણ-ઈશ્વરને જુએ છે. બધાંને અંતે પોતાના રામકૃષ્ણરૂપી શરીરમાં પ્રવેશ કરીને સાધારણ માનવ બનીને નરેન અને રાખાલ બનાવે છે.

૨૪-૧૦-૫૮

એક વ્યક્તિ સાથે ચર્ચા દરમિયાન સેવકે કહ્યું, ‘શ્રીઠાકુરની ઇચ્છા હોવાથી થશે.’ આ સાંભળીને મહારાજે કહ્યું, ‘તમે ફરીથી તોફાન આચરો છો. ઈશ્વરની કઈ ઇચ્છા છે અને કઈ અનિચ્છા છે, એને શું તમે સમજી શકો છો? સંપૂર્ણત : ‘અંહકાર’નો નાશ થતાં જ ઈશ્વરની ઇચ્છા છે એમ કહી શકાય. એટલે જ પુરુષાર્થ પર ભાર દો. જુઓને તમને ચૂંટલો ભરતાં જ તમે પગ પછાડો છો; ‘ભાગ્યનો લેખ’ કે ‘અલ્લાહનો હુકમ’ કહી કહીને આ દેશ પુરુષાર્થહીન બની ગયો છે.’

રામકૃષ્ણ મિશનના રાહતકાર્ય વિશે ચર્ચા કરતાં પ્રેમેશ મહારાજે કહ્યું, ‘ઢાકામાં એક સભા મળી કે રાહત કાર્ય કરવું પડશે. એક ભક્તે કહ્યું, ‘ મિશનના સાધુઓએ લોકોનાં ઘરે ઘરે જઈને રાહતકાર્ય કરવાની જરૂર છે. તેમણે સંદર્ભ આપીને કહ્યું, સ્વામી શિવાનંદજી એવું જ ઇચ્છતા હતા. મેં એમનો વિરોધ કરીને કહ્યું-ઘરે ઘરે રાહત કાર્ય કરીને જોયું છે, એનું પરિણામ સારું નથી આવતું. પરંતુ સુવ્યવસ્થિત રીતે એક સ્થળે કરવું સારું રહે છે.

એ સમયે શિલેટને કેન્દ્રસ્થાને રાખીને એક ભાવઆંદોલન શરૂ થયું હતું. આ બધું સાધુઓના આશીર્વાદથી જ સંભવ બન્યું. મેં શાકવાળાની જેમ કથામૃત ઘરે ઘરે વિતરિત કર્યું છે. આચાર્યના વંશમાં જન્મ થયો હતો, મારી જન્મકુંડળીમાં આચાર્યત્વ કરવાની વાત હતી. મહારાજ લોકોની કૃપાથી એ સ્વાર્થપરતા શ્રીઠાકુરના ભાવઆંદોલનના કાર્યમાં લાગી ગઈ.

૨૫-૧૦-૫૮

બેલુર મઠના સારદાપીઠ કેન્દ્રમાંથી એક સંન્યાસી સવારે આવી પહોંચ્યા. એમણે મહારાજને પૂછ્યું, ‘ધ્યાન કરતી વખતે ગુરુમૂર્તિને બદલે જો શ્રીઠાકુરનું ધ્યાન કરું તો કંઈ માઠું થાય?’ મહારાજે કહ્યું, ‘આપણા લોકોના ગુરુ તો તેઓ જ છે. માનવગુરુમાં તેઓ જ પ્રતીકરૂપે રહે છે. બાળપણમાં શ્રીઠાકુરનું ધ્યાન કરવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ જોયું તો વારે વારે સ્વામીજીનું મુખ પ્રતિભાસિત થઈ રહ્યું છે. થોડો સમય સ્વામીજીનું ચિત્ર દૂર રાખી દીધું. આ બધા સાધનાના એક એક સ્તર છે.’ (ક્રમશ 🙂

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.