નોંધ : અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશનના ઉપક્રમે ૨૯ ઓગસ્ટ, ૨૦૦૩ ના રોજ Nurturing Relationships: The Art of Caring & Sharing એ વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદ, સચિવ, રામકૃષ્ણ મિશન અને વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા દ્વારા મૂળ અંગ્રેજીમાં અપાયેલ વ્યાખ્યાનનું ગુજરાતી ભાષાંતર.

સંન્યાસીઓ તરીકે અમારે સર્વ સાંસારિક સંબંધોથી પર હોવું જરૂરી છે. તેમ છતાંય, આ સુંદર વિષયના વક્તા તરીકે મારી પસંદગી થયેલ છે, કદાચ તે કારણે પણ હોય કે શ્રીરામકૃષ્ણે કહ્યું છે, ‘તટસ્થ પ્રેક્ષક કે બાજુમાં ઊભેલ દ્રષ્ટા શતરંજના બે ખેલાડીઓની રમત વધુ સારી રીતે સમજે છે કારણ કે બંને પક્ષો માટે તેનું અવલોકન તટસ્થ હોય છે.’ સંન્યાસીઓ તરીકે સંબંધો પ્રત્યે અમારી વસ્તુલક્ષી તટસ્થ દૃષ્ટિ હોય છે કારણ કે સલાહસૂચન માટે – પતિપત્ની, બાળકો ને માતપિતા, વહુ અને સાસુ, તેઓના સંબંધને સ્પર્શતાં પોતાનાં દૃષ્ટિબિંદુઓના મુદ્દા પ્રસ્તુત કરતા – બંને પક્ષકારો અગલ અગલ પણે અમારી સમક્ષ આવે છે અને તેથી અમને સંન્યાસીઓને વિભિન્ન પ્રકારના સંબંધોનાં આંતરિક યથાતથા અથવા વસ્તુલક્ષી દૃષ્ટિબિંદુઓનો ખ્યાલ મળી જાય છે. અને કદાચ તે કારણે જ ‘સંબંધોની સારસંભાળ’ જેવા આ વિશાળ વિષયના વક્તા તરીકે મારી પસંદગી કરાઈ છે. આ તક આપવા બદલ હું અખઅ સંસ્થાનો આભારી છું. અખઅ સંસ્થાના પ્રબુદ્ધ શ્રોતાસમૂહ સમક્ષ વાર્તાલાપ કરવો એ કાયમ માટે આનંદનો પ્રસંગ છે.

પતિ-પત્ની, માતપિતા અને બાળકો, શિક્ષક અને વિદ્યાર્થી, નોકર અને માલિક, મજૂર સંઘ અને સંચાલક મંડળ, સુપરવાઈઝર અને મેનેજર, ઇત્યાદિ પ્રકારના સંબંધો છે. દરેક પ્રકારના સંબંધ માટે અલગ અને વિસ્તૃત છણાવટની આવશ્યકતા છે જે એકાદ વાર્તાલાપમાં શક્ય નથી. તેથી છેલ્લાં કેટલાંક વર્ષોના મારા સલાહ-વિમર્શના અનુભવના આધારે, બધા પ્રકારના સંબંધો માટેનું સર્વસામાન્ય એવું બધાંને સમાવિષ્ટ કરતું બુદ્ધિગ્રાહ્ય Package પ્રસ્તુત કરવાનો હું પ્રયાસ કરું છું.

કોઈપણ જ્ઞાતિ સમુદાય કે સમાજનું ત્રણ વર્ગાેમાં વિભાજન કરી શકાય. પ્રથમ સમૂહ ત્રણ ‘P’ ઇચ્છે છે- તેઓના ધંધાકીય વ્યવહારો અને લેવડ-દેવડમાં Profit (નફો), તેઓના દૈનંદિન પ્રવૃત્તિઓ અને અનુસંધાનોમાં Pleasure (સુખોપભોગ) અને સગાંવહાલાં અને મિત્રો મધ્યે Popularity (લોક-પ્રિયતા). આ સમૂહ માટે IQ-Intelligence Quotient – માત્ર બુદ્ધિઆંક પર્યાપ્ત છે. બીજો વર્ગ સાચો અને દીર્ઘકાળપર્યંત ટકનારો સંબંધ તેમજ મનની શાંતિ ઝંખે છે. તેઓ ત્રણ ‘H’ ઇચ્છે છે- જીવનમાં સુખશાંતિ (Happiness), કૌટુંબિક, સંસ્થાકીય અને સામાજિક જીવનમાં સુમેળ (Harmony) અને બીજા આ ‘H’ હાંસલ કરવા માટેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય (Health). આ સમૂહને IQની સાથે સાથે EQ-Emotional Quotient – લાગણીશીલતા આંકની જરૂરિયાત છે. ત્રીજો વર્ગ માત્ર સુખશાંતિ, સુમેળ અને સ્વાસ્થ્ય જ ઇચ્છતો નથી, પણ સાથે સાથે અમાપ સુખશાંતિ, આનંદ અને શાંતિ સાથેનો કાયમી ટકી રહેનારો સંબંધ પણ ઝંખે છે કારણ કે કોઈપણ માનવ અમાપ સુખશાંતિ, આનંદ અને શાંતિથી સંતુષ્ટ થતો નથી. આ વર્ગને માત્ર ઈંચ અને ઊચ નહીં પણ તેની સાથે સાથે SQ-Spiritual Quotient – આધ્યાત્મિક આંકની પણ જરૂર છે. હું ત્રણેય સમૂહોને આવરી લઈશ અને આ ત્રણેય વર્ગાેને લાગુ પડતું સર્વ-સમાવેશક બુદ્ધિગ્રાહ્ય Package આપીશ.

સમજણપૂર્વક જ હું પ્રથમ વર્ગ વિષેની ચર્ચાનું અતિક્રમણ કરીશ કેમ કે આ અંગેનાં પુસ્તકોની બજારમાં ભરમાર છે, જેવાં કે Dale Carnegieનું ‘How To Win Friends & Influence People’ કે ‘How To Manage the Bose’ ઇત્યાદિ પુસ્તકો.

આ બધું તમે વાંચ્યું જ હશે. એકવાર ઔદ્યોગિક ગૃહમાં હું સેમિનારના ભાગરૂપે પ્રશિક્ષણ કાર્યક્રમ ચલાવતો હતો. ત્યારે એક સુપરવાઈઝરે મને પૂછયું કે ‘વડા’ સાથે કેવી રીતે કામ પાર પાડવું ? મેં રમૂજમાં કહ્યું, ‘તમારી પાસે થોડુંક ‘અમૂલ બટર’ રાખો અને અવારનવાર બોસને તે આપતા રહો.’

તમે જાણો છો કે દરેકને ચાપલૂસી અને ખુશામત પસંદ છે. તમારા બોસ, તમારા પતિ કે તમારી પત્નીને વશ કરી લેવાની કેટલીક યુક્તિ-પ્રયુક્તિઓ એ પુસ્તકોમાં વર્ણવવામાં આવી છે. પરંતુ જો આપણે સાચા સંબંધો બાંધવા માગતા હોઈએ તો આપણને તે માટેનો પરિશ્રમ જરૂરી છે. જેમ છોડને કે રોપાને માવજતની આવશ્યકતા છે તેમ સંબંધોની સારસંભાળ માટે ત્યાગ અને નિસ્વાર્થપણાની મનોવૃત્તિ જરૂરી છે. આ માટેનાં જરૂરી પરિબળો નિમ્નલિખિત છે.

૧. જમીન – માટી

સુયોગ્ય માટી હોવી એ રોપાને મૂળ સંચારિત કરવા અને વૃદ્ધિ કરવા માટેની સૌ પ્રથમ જરૂરિયાત છે. તેવી જ રીતે કોઈપણ સંબંધને વિકસિત કરવા અને જાળવી રાખવા માટે વ્યક્તિમાં કંઈક ભલમનસાઈની સારપ હોવી જોઈએ.

૨. સંબંધોને સુરક્ષા બક્ષવી

રોપાને વૃદ્ધિગત બનવા તેની ફરતે વાડ કે રક્ષણ પૂરું પાડવા માટે ચોકીપહેરાની જરૂરિયાત છે; નહીંતર ગાય-બકરાં આવી જાય અને રોપાઓને ચરી જાય. ગાય-બકરાં નુકસાન ન કરે તેટલા મજબૂત અને અમુક નિશ્ચિત ઊંચાઈના છોડ ન બને ત્યાં સુધી જ વાડની આવી સુરક્ષાની આવશ્યકતા રહે છે. તેવું જ છે સંબંધોની બાબતમાં. સંબંધોને માત્ર પ્રારંભિક તબક્કે જ શિસ્ત, શિષ્ટાચાર અને વિનયીપણાના રક્ષણની આવશ્યકતા રહે છે અને તેથી જ માત-પિતાને પોતાનાં બાળકોના વાલીઓ કે સંરક્ષકો કહેવાય છે. પરંતુ આ પ્રારંભિક તબક્કો વીત્યા બાદ રક્ષણાત્મકતાને દૂર કરવી જરૂરી છે, નહીં તો વિકાસ માપતો છોડ રક્ષણાત્મક વાડને ભાંગી નાખશે અને પોતે તેમાંથી મુક્ત થઈ જશે. તેવી જ રીતે બાળક જ્યારે પુખ્ત બને ત્યારે માત-પિતા તરફનું આવું રક્ષણાત્મક કવચ હળવું કરવું જરૂરી છે. બાળકો મોટી ઉંમરનાં થયા પછી પણ જ્યારે વાલીઓ બાળકોને નિયંત્રિત કરવા માગે છે ત્યારે મુસીબતો શરૂ થાય છે.

ખલીલ જિબ્રાને સાચે જ કહ્યું છે કે બાળકો એ ઈશ્વરનો ઉપહાર છે, જ્યાં સુધી તેઓ પોતાની જાતે જ પોતાની સંભાળ ન લઈ શકે ત્યાં સુધી માતાપિતા કામચલાઉપણે રખેવાળ છે. આ સમયગાળા ઉપરાંત પણ જો વાલીપણું અને નિયંત્રણ ચાલુ રહે તો બાળકને ગૂંગળાવીને તેમજ બાળકના વ્યક્તિત્વના વિકાસને રુંધીને, પરસ્પરના સંબંધો વણસી જાય છે. એક વાર એક છોકરીએ મને કહ્યું કે તેનો પ્રશ્ન એ છે કે તેની માતા તેનામાં એટલી આસક્ત છે કે તે પોતે ગૂંગળામણ અનુભવે છે; તેને શહેરની બહાર ઉચ્ચતર અભ્યાસ માટે જવાની પરવાનગી સુદ્ધાં અપાઈ નથી.

૩. શુદ્ધ હવા અને સૂર્યપ્રકાશ

છોડના વિકાસની પેઠે બાળકના સ્વસ્થ વિકાસ અને વૃદ્ધિ માટે આ પરિબળો આવશ્યક છે. આ નાજુક અવસ્થાએ વાલીઓએ નિશ્ચિતપણે તેઓનાં બાળકોના વિકાસ અને કલ્યાણની બાબતમાં કાળજીપૂર્વક ચિંતિત રહેવું જોઈએ. આ બાબતે ખાતરી ધરાવવા તેઓએ કેટલાક નીતિનિયમો, શું કરવું અને શું ન કરવું એ અંગેનાં ધોરણો ઘડીને તેમજ જ્યાં સુધી તેમનાં બાળકો શું સાચું છે કે શું ખોટું છે અને શું સારું છે કે શું ખરાબ છે તે જાણવા પૂરતાં ઉંમરલાયક થાય ત્યાં સુધી કેટલુંક નિયંત્રિતપણું રાખવું જોઈએ. ત્યારબાદ માતપિતા અને બાળકો વચ્ચે અનૌપચારિક સંબંધ હોવો જોઈએ, પરંતુ કદાપિ ઔપચારિક સંબંધ તો નહીં જ. બીજા પ્રકારના સંબંધોમાં પણ બંને પક્ષોમાં શુદ્ધ હવારૂપી સ્વાતંત્ર્યની યોગ્ય માત્રા હોવી જરૂરી છે અને જેમ જેમ સંબંધ વિકસિત થતો જાય તેમ તેમ ઔપચારિકતા ઘટતી જવી જોઈએ.

૪. ખાતર

જેમ છોડના સ્વસ્થ વિકાસ માટે સેન્દ્રીય ખાતર કે રાસાયણિક ખાતરની જરૂરિયાત છે તેવું જ વિકસતા સંબંધોની બાબતમાં છે. આના અનુસંધાનમાં ખાતર એટલે વિનમ્રતા, ઉમદા સેવાવૃત્તિ, સારસંભાળ વગેરે જેવા વિવિધ સદ્ગુણો. ઘરની કામવાળી કે ડ્રાઈવર જેવા કર્મચારીવર્ગ સાથેના સંબંધ બાબતે પણ આ મુદ્દો મહત્ત્વ ધરાવે છે. રોબર્ટ ગ્રીનલીફ દ્વારા લોકપ્રિય બનેલો નોકરોના નેતૃત્વપણાનો ખ્યાલ, છેલ્લાં પાંચ હજાર વર્ષથી આપણા દેશના મહાન નેતાઓએ સફળતાપૂર્વક અમલીકૃત કર્યો છે. આનું તાજું જ ઉદાહરણ મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા મેળવનાર ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું છે.

૨૦૦૨માં અમે પોરબંદરની શાળાના મકાનના ઉદ્‌ઘાટન સમારોહમાં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને નિમંત્રણ આપ્યું હતું. તેઓ ત્યારે હજુ રાષ્ટ્રપતિ ન હતા પણ ‘ભારતરત્ન’ તો હતા. ઉદ્‌ઘાટન સમારોહ દરમિયાન મેં તેઓને પહેલાંની જેમ જ વિનમ્રતાપૂર્ણ જોયા. ભોજન પીરસનાર કર્મચારીઓ સાથે તેઓ અતિ નમ્રપણે વર્ત્યા હતા.

સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં જે ઓરડામાં ચાર માસ રોકાયા હતા તે ઓરડામાં તેઓએ ગહનપણે ધ્યાન કર્યું. વિદ્યાર્થીઓને તે દિવસે સંબોધિત કરેલા વકતવ્યમાં તેમને વિદ્યાર્થીકાળમાં કઈ બાબતે પ્રોત્સાહિત કર્યા હતા તેનું તેમણે રહસ્યોદ્ઘાટન કર્યું. ઈ.સ. ૧૯૪૭માં તેઓ આઠમા ધોરણમાં હતા અને શાળાના મોનિટર હતા. બધા વિદ્યાર્થીઓને ૧૪ ઓગસ્ટની મધ્યરાત્રીએ જાગીને સ્વાતંત્ર્યદિન અંગેનાં વકતવ્યો સાંભળવા માટે કહ્યું અને જેનું તેમણે પાલન કર્યું.

બીજા દિવસે તેમણે સમાચારપત્રોમાં બે ફોટાઓ જોયા. એક ફોટામાં પંડિત જવાહરલાલ નહેરુ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવતા હતા. તેની બાજુના ફોટોમાં ગાંધીજી કોલકાતામાં ફરી ફરીને કોમી રમખાણોના અસરગ્રસ્તોનાં આંસુ લૂછતા હતા. ડૉ. કલામે કહ્યું કે બીજો ફોટો તેમનું શાળાનું શિક્ષણ, તેમનું કોલેજનું શિક્ષણ અને તેમના જીવનનું શિક્ષણ બની ગયો હતો. સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કરનાર અને સ્વાતંત્ર્ય બાદ કોઈ પદ ન સ્વીકારનાર પણ દીન-દુ :ખીઓની સેવા કરવાનું ચાલુ રાખનાર ગાંધીજીના બલિદાનની ભાવનાથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. તેમની પોરબંદરની મુલાકાતના ત્રણ માસ બાદ ડૉ. કલામ ભારતના રાષ્ટ્રપતિ તરીકે નિમાયા. તે વખતનો તેમનો સંદેશ હતો, ‘વ્યકિત કરતાં રાષ્ટ્ર વિશેષ છે.’

તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે પછીની તેમની સાથેની મારી પ્રથમ મુલાકાતમાં મેં જોયું કે તેઓ હજુય તેવા જ વિનમ્ર અને નિર્દંભી છે. જ્યારે મેં તેઓને કાજુનું પેકેટ, સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો, તેઓએ પોરબંદરમાં આપેલ વક્તવ્ય આધારિત વી.સી.ડી. અને ઓડિયો કેસેટ (આરાત્રિકમ્ અને કથામૃત-ભાગ.૪) આપ્યાં ત્યારે તેમણે આશ્ચર્યોદ્ગાર કર્યો, ‘અરે મહારાજ, તમે ઘણી વસ્તુઓ લાવ્યા છો!’ મેં કહ્યું, ‘હું તો વળી તમારા માટે શું લાવી શકવાનો! હું તો સુદામાપુરી (પોરબંદર)નો યાચક છું. સમ્રાટને હું વળી શું આપી શકું?’ તેઓએ સ્મિત વેર્યું અને કહ્યું, ‘મહારાજ, આપણે બંને એક જ સમ્રાટના નોકરો છીએ.’ આ જ છે ખરી વિનમ્રતા અને સાદગી. વળી તેમાં આશ્ચર્ય નથી કે તેઓ બાળકો સહિત દરેક વચ્ચે ઘણા લોકપ્રિય છે.

૫. નિંદામણ પર કાબૂ

જેવી રીતે નિંદામણ છોડના વિકાસને અસર કરે છે તેવી રીતે માનવીય સંબંધો પર ધનની લાલસા અને પદ-પદવી દ્વારા અસર થાય છે. આપણો સમાજ અત્યધિકપણે ઉપભોગિતાવાદી બની ગયો છે. ભારતમાંય હમણાં હમણાં આત્મહત્યાઓ વધી ગઈ છે. પરંતુ યુ.એસ.એ.માં ૪૫ અને રશિયામાં ૬૦ની તુલનામાં ભારતમાં હજુ તે સંખ્યા એક લાખ લોકો દીઠ ૯ની છે. ભારતમાં પણ માનસિક અસમતુલન અને છૂટાછેડાના બનાવો વધતા જાય છે. યુ.એસ.એ.ની ભૌતિક સમૃદ્ધિની અધિકતા પારસ્પરિક સંબંધોના વિચ્છેદમાં પરિણમી છે. આના પરિણામ સ્વરૂપે બાળકો માતા કે પિતા તે પૈકી એક સાથે ઊછરી રહ્યાં છે અને તે બાળકો વાત્સલ્ય ઝંખે છે.

ભારતમાં પણ વિધિવત્ છૂટાછેડા સિવાય કેટલાંય ત્રસ્ત જોડકાં એકબીજા સાથેના કોઈપણ સંબંધ વગર સાથે રહે છે. લોભરૂપી નિંદામણને દૂર કરવા માટે બંને પક્ષકારો માંહેનું બલિદાન તેમજ સંપત્તિ અને પદની ન્યાયિક સહભાગીતા જરૂરી છે.

૬. જંતુનાશક દવા

જેમ જીવજંતુઓ કે કીડાઓ વનસ્પતિને ખાઈ જાય છે તેવી જ રીતે ઈર્ષા, ક્રોધ ઇત્યાદિ આપણા સંબંધોને અસર કરે છે. જેવી રીતે ખેતરમાં જીવજંતુને દૂર રાખવા જંતુનાશક દવાની આવશ્યકતા છે તેવી રીતે હૃદયના શુદ્ધીકરણ અર્થે પ્રાર્થના, સત્સંગ વગેરે આવશ્યક છે. ઘણા યુવાન છોકરાઓ માટે ઈર્ષાવશ તેઓનાં સ્ત્રી-મિત્રોને અન્ય સાથે મિત્રતાપૂર્ણ રીતે વર્તતાં જોવું અસહ્ય થઈ પડે છે. અત્રે મને એક પ્રસંગ યાદ આવે છે.

એક દિવસ હું જ્યારે મારા આશ્રમના કાર્યાલયમાં બેઠો હતો ત્યારે એક યુવાન છોકરો ઉશ્કેરાટભરી સ્થિતિમાં આવ્યો અને મને તેણે લાવેલું ચપ્પુ આપી દીધું. મેં પ્રશ્ન પૂછતાં તેણે કબૂલ્યું કે જેના માટે તે કંઈ પણ કરવા તૈયાર છે તેવી છોકરી સાથે તે ગહન પ્રેમમાં હતો. એક વખત તેણે તે છોકરીને તેના અંગત મિત્ર સાથે સ્કૂટરની પાછળ બેસીને ફરતી જોઈ. તે આ સહન ન કરી શક્યો. તે બેચેન અને ક્રોધિત હતો અને બંનેને મારી નાખવા માગતો હતો.

આ ઈરાદાથી તેણે પોતાના ઘેરથી ચપ્પુ લીધું અને ચાલી નીકળ્યો. માર્ગમાં આવતા રામકૃષ્ણ મિશનના આશ્રમમાં આવ્યો અને તેના અંતરાત્માના અવાજે તેને અંદર પ્રવેશવા કહ્યું. તે મંદિરમાં ગયો અને થોડી જ ક્ષણોમાં શાંત થઈ ગયો અને મારી નાખવાના ખ્યાલને છોડીને તે ઘેર પાછો વળ્યો. પછીના દિવસોમાં ફરીથી તેનામાં વેર લેવાની વૃત્તિ જાગી. વળી પાછી રાજકોટ આશ્રમના મંદિરની મુલાકાત લેતાં તે શાંત પડ્યો.

જ્યારે આવી મનોભાવના ચોથી વખત ઊભરી આવી ત્યારે તે મારી પાસે આવ્યો અને મંદિરના પવિત્ર તરંગોએ તેના મનને શાંત કરી દીધું છે એમ કહીને મને ચપ્પુ સોંપી દીધું.

૭. પાણી

જેમ છોડના વિકાસ માટે પાણી સૌથી વધુ અગત્યનું છે તેવી જ રીતે સંબંધોને પણ માવજત માટે પાણીની જરૂર છે. તે પાણીને ‘પ્રેમ’ કહેવાય છે. દીપક ચોપરા કહે છે કે માતાપિતા-પણાનો ખ્યાલ ‘પ્રેમ અને વિશેષ પ્રેમ’નો બનેલો છે. Stephen Covey તેમના પુસ્તક ‘Seven Habits of Highly Effective People’ અને Eric Fromm તેમના પુસ્તક ‘Art of Loving’માં પણ સંબંધોની સાર સંભાળમાં પ્રેમના મહત્ત્વ પર ભાર મૂકે છે. પરંતુ પાણી મીઠું (મધુર) હોવું જોઈએ, નહીં કે ખારું. જ્યારે હું પોરબંદરમાં હતો ત્યારે મેં જોયું કે દરરોજ પાણી સિંચવા છતાં છોડવાઓ નાસ પામતા જતા હતા કારણ કે પાણી ખારું હતું. તેથી જેમ છોડની વૃદ્ધિ માટે મીઠા પાણીની આવશ્યકતા છે તેવી જ રીતે સ્વસ્થ સંબંધની જાણવણી માટે પ્રેમ નિ :સ્વાર્થ હોવો જોઈએ. ખારા પાણીની જેમ સ્વાર્થયુક્ત પ્રેમ સંબંધો બગાડી મૂકશે.

પ્રેમ એ દિવ્યતત્ત્વ છે પણ જ્યારે તે સ્વાર્થપરાયણતા સાથે ભળી જાય છે ત્યારે તે આસક્તિ કે મૂર્ખાઈનું સ્વરૂપ લેવાને કારણે સંબંધ-જાણવણીની નિષ્ફળતામાં પરિણમે છે. બલિદાન કે ત્યાગ વિના પ્રેમ વૃદ્ધિગંત નહીં બને. સેવા અને ત્યાગ-બલિદાન નિરંતર સાથે સાથે ચાલે છે. જેમ પ્રેમ પ્રત્યક્ષપણે બલિદાનના સપ્રમાણમાં વધે છે તેમ વ્યક્તિ જેટલું બલિદાન આપશે તેટલા પ્રમાણમાં સંબંધ વિકસશે. (ક્રમશ 🙂

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.