(અનુવાદક : કુસુમબહેન પરમાર)

(ગયા અંકમાં સંન્યાસી મોક્ષ ઝંખે છે, પણ એ જીવનમાં તેણે સુવ્યવસ્થિત રહેવું જોઈએ એ વિશે વાંચ્યું, હવે આગળ…)

(પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.)

૧૧-૦૨-૧૯૫૯

સ્વામી ગંભીરાનંદજી, સ્વામી પુણ્યાનંદજી, સ્વામી કૈલાસાનંદજી મહારાજ આવ્યા છે. એ લોકોએ પ્રેમેશાનંદ મહારાજ સાથે વિભિન્ન વિષયો પર ચર્ચા કરી. પૂજ્ય મહારાજ લોકોના ચાલ્યા ગયા પછી સેવકે પ્રેમેશ મહારાજજીને કહ્યું, ‘શ્રીઠાકુરે કહ્યું છે કે જેણે નારીસુખનો ત્યાગ કર્યો છે તેણે સંસારસુખનો ત્યાગ કર્યો છે. છતાં પણ આપ અવિવાહિત લોકો વિશે કહો છો કે એ લોકોની એવી કોઈ વિશેષ ઉન્નતિ નહીં થાય.’

મહારાજ – એક શબ્દ છે અનાશ્રમી. એ લોકો કોઈપણ આશ્રમનું દાયિત્વ લેતા નથી. એટલે એ લોકોની ઉન્નતિ થવી કઠિન છે. આમ છતાં પણ જો એ લોકો ઈશ્વરને પકડીને રહે કે કોઈ એક આદર્શને સાથે રાખીને ચાલે તો તેમની ઉન્નતિ થાય છે અને એનાથી સમાજનું પણ ભલું થાય છે.

સેવક – એ દિવસે આપે કહ્યું કે મન અને બુદ્ધિ જડ છે. તો શું એ બધું પ્રાણ દ્વારા નિર્મિત છે?

મહારાજ – ના, એ બધું માયા દ્વારા નિર્મિત થયું છે. સ્થૂળ વસ્તુ પ્રાણથી બની છે. વાસ્તવમાં પોતાને આવૃત કરીને બુદ્ધિને જ ‘હું’ સમજીને મરી રહ્યો છું. જે લોકો વિચાર કરે છે, એમને માટે પ્રત્યેક જીવન જ ભયરૂપ છે. તેઓ તરત જ વસ્તુ કે વ્યક્તિના ભૂત-ભવિષ્યને જોઈ લે છે.

બપોરના ભોજન સમયે સામાન્યત : બધા સાધુઓ એકઠા મળીને આનંદ કરતાં કરતાં ભોજન કરે છે. એ દિવસે ભોજનાલયમાંથી કોઈ અવાજ સંભળાતો ન હતો. ત્યારે મહારાજે એ જાણવા મોકલ્યો. વાસ્તવમાં અવાજ થવાથી મહારાજને કષ્ટ થાય છે, એવું વિચારીને બધા સાધુઓ ચૂપચાપ ભોજન કરી રહ્યા છે. મહારાજજીએ સૂચના મોકલી, ‘જઈને કહી દો કે બધા સાધુઓ આનંદપૂર્વક ભોજન ન કરે તો મને કષ્ટ થાય.’

બહરમપુર આશ્રમમાંથી જ્યોતિર્મય ભાઈ આવ્યા છે અને એમને વળી પાછા ફરવાનું છે. તેઓ કહે છે, ‘મહારાજજી આપ લોકો સિવાય ત્યાં (બહરમપુરમાં) જવાનું મન થતું નથી.’

મહારાજ – અહા! સાચું જ કહો છો! અમારા લોકોની સાથે રહેવાથી તમે ઘરબાર બધું છોડી દીધું! પરંતુ શું કરશો!

મહારાજજીએ સાંજે ટહેલ્યા પછી ઓરડામાં પ્રવેશ કર્યો. જ્યારે સેવક એમને મચ્છરદાનીમાં અંદર રાખીને બહાર આવતો હતો ત્યારે મહારાજે કહ્યું, ‘જો ઘડિયાળની સ્પ્રિંગની જેમ લાંબી પોલાદની સ્પ્રિંગને દબાવીને રાખીએ તો તેમાં જેવું થાય છે તેમ જ મારી સમષ્ટિ-સત્તાને વ્યષ્ટિની અંદર આવૃત કરી છે. પ્રાણની સહાયતાથી મન શરીર બનાવીને ઇન્દ્રિયો દ્વારા રૂપરસનું આસ્વાદન કરે છે. પાછા ને પાછા જઈને ફરીથી સ્વ સ્વરૂપમાં આવી શકશો. આ પ્રકારે પોતાના સ્વરૂપનું ચિંતન કરી શકો છો.’

૧૩-૦૨-૧૯૫૯

મહારાજજીના એક પ્રિય ભક્ત મોકો મળતાં જ મહારાજજી પાસે આવે છે. એમણે મહારાજજીને પૂછ્યું, ‘કૃપા, આશીર્વાદ આ બધાનું કેટલું મૂલ્ય છે?’

મહારાજ – એક કોડી જેટલું પણ નહીં, ‘ઉદ્ધરેદાત્મના’. જો કૃપાથી જ બધું કંઈ થતું હોત તો પછી સ્વયં ભગવાને જેના પર કૃપા કરી, એ ભવનાથની એવી જ દશા થાત! મૂળ વાત તો ગ્રહણશક્તિની છે. કૃપા તો છે જ. એ લોકો જગતગુરુ છે. તેઓ હંમેશાં મંગલકામના, આશીર્વાદ અને કૃપા કરતા રહે છે. છતાં પણ જેનો જેટલો ઉચ્ચ આધાર હશે, તે એટલી જ કૃપા પામશે. અર્થાત્ તે એમને સમજી શકશે અને એ લોકો કૃપા કરી રહ્યા છે એવું અનુભવશે પણ. એક કામ થાય છે, કૃપા કે આશીર્વાદ મેળવવાથી પોતાની મેળે જ મનમાં એક શક્તિનો અનુભવ થાય છે. એક શક્તિના બળથી સાધક ખૂબ આગળ વધી જાય છે અને એવો અનુભવ કરે છે કે તે કૃપાના બળથી આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત સંગનો પણ પ્રભાવ છે. સાધુસંગ કરવાથી મનમાં સત્-ચિંતન થાય છે અને ભોગ સાથે રહેવાથી કામવાસનાનું ચિંતન થાય છે.

સેવક – ગુરુનું જે રૂપ જોવા મળે છે, તે કેવું છે?

મહારાજ – ગુરુ એ સચ્ચિદાનંદ સાગરમાં જવા માટે એક ઘાટ માત્ર છે. લક્ષ્ય છે સાગર. પરંતુ ભિન્ન ભિન્ન લોકોના ઘાટ જુદા જુદા હોય છે.

સેવક – આપ વાત વાતમાં વ્યાવહારિક જ્ઞાન Practical Wisdom ની વાત કરો છો. એનો અર્થ શો છે?

મહારાજ – તમને એક મજાની ઘટના સંભળાવું છું : આપણા દેશમાં એક બ્રાહ્મણ હતો. તે ખેતી કરતો હતો. એણે જોયું કે એક શેર અનાજ વાવવાથી ત્રણ મહિના સુધી ખાવાનું મળી રહે છે. પછી એણે નક્કી કર્યું કે હવે પછીના વર્ષથી દસ ગણું વધારે અનાજ વાવશે, એનાથી દસ ગણો વધારે પાક મળશે. આ છે વ્યાવહારિક જ્ઞાનનો અભાવ. એ દિવસે ખાખી ચડ્ડી પહેરીને પ્રાથમિક વિદ્યાલયના એક શિક્ષક આવ્યા હતા. આવાં વસ્ત્ર પહેરીને શાળામાં આવવાનું કારણ પૂછતા એણે કહ્યું કે બે વર્ષ પોલીસની નોકરી કરી હતી, એટલે ખાખી ખમીસ પહેરવાની ટેવ પડી ગઈ છે. કદાચ એણે કોઈ એક વિષય પર પેપર (લેખ-પ્રબંધ) પણ લખ્યો છે અને એણે એને સરકાર દ્વારા પ્રકાશિત કરવા માટે રાષ્ટ્રપતિ શ્રીરાધાકૃષ્ણનને પણ મોકલ્યો છે. શહેરના બી.એ., એમ.એ. પાસ કરેલ છોકરાઓ બધા એમની વાતો મુગ્ધ બનીને સાંભળતા હતા. વ્યાવહારિક જ્ઞાનનો કેટલો અભાવ છે, એ સમજ્યા? કોઈ સંન્યાસી પાસે જઈને કોઈ સાંસારિક સમસ્યા બતાવવાથી તેઓ તરત જ સમાધાન બતાવશે. હા, જો તે સાચા ત્યાગી હોય તો!’

સેવક – યોગસૂત્ર વાંચીને એવું લાગે છે કે મન અને બુદ્ધિની પર જવાથી, સ્વ-સ્વરૂપમાં વસવાથી સર્વશક્તિમાન અને સર્વજ્ઞ બની જઈશ. ત્યારે શું હું મારી જે ઇચ્છા હોય તે જ કરી શકીશ? શું સંસારનું બધું જ જાણી શકીશ? શું જેની ઇચ્છા કરીશ તેને મુક્ત કરી શકીશ?

મહારાજ – તમે એકવાર ગીતાના આ શ્લોકને યાદ કરો તો-

યસ્ત્વાત્મરાતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવ :।

આત્મનૈવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્ય ન વિદ્યતે ।।

એ સમયે વ્યક્તિની કોઈ ઇચ્છા જ રહેતી નથી. આપણે લોકો સામાન્ય એક પતાસામાં જ ભૂલી જઈએ છીએ. જો એ આનંદનો સ્વાદ મળી જાય તો કોઈ ઇચ્છા જ રહેશે નહીં. એનાથી જ આત્મવિભોર બનીને રહીશ. સંસારની કોઈપણ વસ્તુને જાણવાની ઇચ્છા થશે નહીં. આ સંસાર તો એમની પાસે સંસારરૂપે રહેશે નહીં, બ્રહ્મ બની જશે. વળી જગતના કોઈને પણ તે બદ્ધ અવસ્થામાં જોશે નહીં- તે બધાંને મુક્ત જોશે.’ (ક્રમશ 🙂

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.