ભગવાન વિષ્ણુના આવેશાવતાર પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમા અને સૌથી નાના પુત્ર હતા. જન્મ્યા બાદ તેઓ ભગવાન શિવજીની આરાધના અર્થે કૈલાસ પર ગયા. તુષ્ટ થયેલ શિવજી પાસેથી વરદાનરૂપે પરશુરામે કદાપિ કુંઠિત ન થનારું અમોઘ અસ્ત્ર મેળવ્યું. ભગવાન શિવે દિવ્ય પરશુ આપ્યું. આ અમોઘ પરશુ ધારણ કરવાથી તેમનું નામ પરશુસહિત ‘રામ’ એટલે પરશુરામ પડ્યું.

બાલ્યકાળથી તેઓ વીર, પરાક્રમી, ત્યાગી અને તપસ્વી હતા. ધનુર્વેદ શિક્ષા તેઓ પોતાના પિતા પાસેથી શીખ્યા હતા. તેઓ ‘રુરુ’ નામના મૃગનું ચર્મવસ્ત્ર ધારણ કરતા. ખભે ધનુષ-બાણ અને હાથમાં પરશુ સહિત ચાલતી વખતે તેઓ વીરરસનો વિગ્રહ હોય એમ જણાતા હતા. તેઓ પિતૃભક્ત હતા.

માતા રેણુકાના અપરાધથી ક્રોધિત બનેલા પિતાની આજ્ઞાનું પાલન કરવા તેઓએ માતાનો વધ કર્યો. આજ્ઞાપાલક પિતાએ આજ્ઞાકારી પુત્ર પર પ્રસન્ન થઈ વર માગવા કહ્યું અને પરશુરામે માતાનું જીવનદાન માગ્યું.

હૈહયવંશીય સહસ્ત્રાર્જુનના અપરાધ બદલ પરશુરામે તેનો વધ કર્યો. સહસ્ત્રાર્જુનના પુત્રો દ્વારા પરશુરામના પિતાનો વધ થયેલો જોઈ અતિ ઉગ્ર પરશુરામજી ક્રૂરકર્મી ક્ષત્રિયોનો વધ કરતા જ રહ્યા. અત્ર-તત્ર જઈને કુકર્મી અને પાતકી ક્ષત્રિયોનો સંહાર કરતા રહીને ૨૧ વાર પૃથ્વીને ક્ષત્રિય રહિત બનાવી. તે બધાને કુરુક્ષેત્રમાં લઈ જઈને વધ કરતા જેથી તેમનાં રક્તથી પાંચ સરોવર ભરાઈ ગયાં. આ સ્થાન ‘સમન્તપંચક’ નામે પ્રસિદ્ધ છે.

તુલસીદાસકૃત રામચરિતમાનસમાં ભગવાન શ્રીરામ અને પરશુરામના મિલનનો એક રોચક પ્રસંગ જોવા મળે છે. રાજા જનકે યોજેલ સ્વયંવરમાં શ્રીરામે શિવધનુષ્યનો ભંગ કરીને સીતાનું વરણ કર્યું. શિવધનુષ્યનો ભંગ સાંભળીને પરશુરામજી ત્યાં આવ્યા, જાણે કે વીરરસ મુનિનું શરીર ધારણ કરીને આવ્યો હોય! પરશુરામનો ભયંકર વેષ જોઈ સર્વ ઉપસ્થિતજનો ભયભીત થઈ ગયા. તૂટેલા ધનુષ્યના ટુકડા જોઈને તેઓ જનકને પૂછ્યું કે ધનુષ્યનો તોડનાર કોણ છે. ભયભીત બનેલ કોઈ જ ઉત્તર આપી શકતું નથી. શ્રીરામે કહ્યું કે હે નાથ ! ધનુષ્ય તોડનાર કોઈ એક તમારો દાસ જ હશે. પરશુરામે કહ્યું કે સેવક તો તે છે કે જે સેવા કરે. લક્ષ્મણ સાથેના વક્રતાપૂર્ણ સંવાદથી ઉત્તેજિત થયેલ પરશુરામની માફી માગીને વિશ્વામિત્રે તેમને શાંત કર્યા. શ્રીરામે પરશુરામને ક્રોધનો ત્યાગ કરવા વિનવણી કરી અને ધનુષ્યભંગ બદલ ક્ષમા માગી. શ્રીરામે ઉત્તરમાં કહ્યું કે મારું નાનું શું નામ માત્ર ‘રામ’ છે અને તમારું તો પરશુ સહિત મોટું ‘પરશુરામ’ નામ છે! શ્રીરામનાં વારંવારનાં કોમળ ગૂઢ વચનોથી પરશુરામની બુદ્ધિનો પડદો ઊઘડ્યો અને વિષ્ણુનું ધનુષ્ય ચઢાવવાની પરીક્ષામાં શ્રીરામ વિસ્મયકારી રીતે ઉત્તીર્ણ થતાં પરશુરામે શ્રીરામનો પ્રભાવ જાણી લીધો. અંતમાં રામ-લક્ષ્મણની ક્ષમાયાચના કરીને ભૃગુપતિ પરશુરામ તપ કરવા જંગલમાં ચાલ્યા ગયા.

આચાર્ય દ્રોણને બ્રહ્માસ્ત્રનું દાન અને ભીષ્મપિતામહને અસ્ત્રવિદ્યાનું જ્ઞાન પરશુરામે આપ્યું હતું.

પરશુરામ કલ્પાન્તસ્થાયી છે એટલે કે ચિરંજીવી છે, વળી તેઓ આજીવન બ્રહ્મચારી પણ છે.

Total Views: 303

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.