સરયૂબાલાદેવીની નોંધ
૧૨ ફેબ્રુઆરી, ૧૯૧૧
ઉદ્બોધન કાર્યાલય, કોલકાતા
તે દિવસે શ્રીમા બલરામબાબુને ઘેર ગયાં હતાં. તેઓ આવ્યાં ત્યાર પહેલાં તેમના બાગબજારવાળા ઘેર મેં થોડી વાર રાહ જોઈ હતી. મેં પ્રણામ કર્યા બાદ માથું ઊંચકયું ત્યારે તેમણે હસતાં હસતાં પૂછ્યું, ‘તું કોની સાથે આવી છો?’
‘ભાણેજ સાથે’ મેં જવાબ આપ્યો.
‘મજામાં છો ને?’ શ્રીમાએ પૂછ્યું, ‘મારી વહુ (સુમતિ) ખુશીમાં છે ને? ઘણા વખતથી તું અહીં આવી નથી. મને લાગતું હતું કે કદાચ તું બીમાર હોઈશ!’
હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમણે તો મને માત્ર તે એક જ પ્રસંગે જોઈ છે અને માત્ર પાંચ મિનિટ માટે, છતાં તેઓ મને યાદ કરતાં હતાં. મારી આંખોમાં હર્ષાશ્રુ આવી ગયાં.
લાગણીપૂર્વક મારા સામું જોઈને શ્રીમાએ કહ્યુંું, ‘તું આવી; તે જ કારણથી બલરામબાબુને ઘેર મને ખૂબ અશાંતિ થતી હતી.’
મને ખરેખર ખૂબ જ નવાઈ લાગી.
શ્રીમાના નાના ભત્રીજા (ખુદી) માટે સુમતિએ બે ગરમ ટોપીઓ મોકલી હતી. મેં તે તેમને આપી. આ નાની સાદી ભેટે તો તેમને ખૂબ જ ખુશ કરી દીધાં. તેઓ તેમના પલંગમાં બેઠાં અને મને કહ્યુંું, ‘બેટા! અહીં મારી પાસે નજીક બેસ.’
હું તેમની નજીક બેઠી અનેે તેમણે લાગણીપૂર્વક કહ્યુંું, ‘મને લાગે છે કે આ પહેલાં મેં તને અગાઉ ઘણી વખત જોયેલ છે, જાણે કે હું તને લાંબા સમયથી ઓળખું છું.’
મેં કહ્યુંું, ‘મા, કેવી રીતે ? હું તો માત્ર એક વખત જ આવી છું અનેે તે પણ માત્ર પાંચ મિનિટ માટે જ!’
શ્રીમા હસવા લાગ્યાં. અને મારી બહેનના તથા મારા પ્રેમ અને શ્રદ્ધા માટે ઘણી પ્રશંસા કરવા લાગ્યાં..
ધીમે ધીમે શ્રીમાનાં ઘણાં સ્ત્રીભક્તો આવવાં લાગ્યાં. ભક્તિપૂર્ણ નજરે તેઓ શ્રીમાના હસતા અને પ્રેમભર્યા ચહેરા સામે તાકી રહેતાં હતાં. મેં આવું મુખારવિંદ કદી જોયું ન હતું. જ્યાં સુધી મારી ગાડી મને લેવા ન આવી અનેે ઘેર પાછા ફરવાનો સંદેશો ન આવ્યો, ત્યાં સુધી મેં આ બધું મુગ્ધતાપૂર્વક નિહાળ્યા કર્યું. શ્રીમા તરત જ ઊભાં થયાં અનેે પ્રસાદીનો એક ભાગ લઈને, મારા હોઠ સુધી લાવીને, તે લેવા આગ્રહ કર્યો. મને જરા સંકોચ થયો અને તેથી મેં તે હાથમાં લઈ લીધો. મેં જ્યારે રજા લીધી અને જવા તૈયાર થઈ ત્યારે તેમણે કહ્યુંું, ‘બેટા! હવે જા. પણ ફરી આવજે. તું એકલી નીચે જઈશ કે હું તારી સાથે આવું?’ અને તેઓ મારી સાથે જ પગથિયાં સુધી વાતો કરતાં ચાલ્યાં.
‘મા, હું એકલી જ નીચે જઈશ,’ મેં જવાબ આપ્યો, ‘મહેરબાની કરી તમે ન આવશો.’
‘બહુ સારું,’ તેમણે કહ્યુંું, ‘તો પછી એક દિવસ સવારમાં આવ.’
તેમના અગમ્ય પ્રેમ પ્રત્યે આશ્ચર્ય અનુભવતી, આ વખતે હું સંતોષપૂર્ણ હૃદયથી પાછી ફરી.
(શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : ૭૮-૭૯)
Your Content Goes Here