ગ્રીષ્મ ઋતુની સવારે પાવન સમીર વાઈ રહ્યો હતો. શ્રીકૃષ્ણ અને સખા અર્જુન આ મનોરમ પરિવેશમાં ટહેલતા હતા. અર્જુનના મનમાં અનેક પ્રશ્નો હતા. અર્જુન મનોમન કર્ણ પ્રત્યે ઇર્ષાનો અનુભવ કરતો હતો. કર્ણ તો દાનવીર ગણાય, તો હું કેમ નહીં? અર્જુને પોતાના મનની આ ભાવના શ્રીકૃષ્ણ સમક્ષ પ્રગટ કરી. શ્રીકૃષ્ણે મર્માળુ સ્મિત કરીને ચપટી વગાડતા વેંત આજુબાજુ સોનાના બે પહાડ બની ગયા. આ જોઈ અર્જુન વિસ્મય પામ્યો. અર્જુને શ્રીકૃષ્ણને પૃચ્છા કરી કે આ શું થઈ ગયું?

શ્રીકૃષ્ણે મંદ મંદ હસતાં કહ્યું કે આ સોનાના બે પહાડ છે. તારે એનું દાન કરી દેવાનું છે. અર્જુને તરત જ નજીકના ગ્રામજનોને દાન લેવા માટે આમંત્ર્યા. નાના મોટા, સ્ત્રીપુરુષ, ગરીબ-તવંગર, સર્વજનો એકત્રિત થવા લાગ્યાં. અર્જુને બે હાથે દાનપર્વ શરૂ કર્યું. સંધ્યાકાળ થઈ ગયો છતાં બે વિશાળ પર્વત ખતમ થવાનું નામ જ નથી લેતા! અર્જુન થાક્યો.

હવે શ્રીકૃષ્ણે સ્મિત કર્યું અને કર્ણને કહેણ મોકલ્યું. કર્ણ ત્યાં આવી પહોંચતાં શ્રીકૃષ્ણે આ દાનપર્વ પૂરું કરવાનો આદેશ આપ્યો. શ્રીકૃષ્ણનો આદેશ શિરોધાર્ય કરીને કર્ણ ગ્રામજનો વચ્ચે જઈને ઊભો થઈ ગયો. બે વૃદ્ધજનોને પોતાની પાસે આવવા કર્ણે જણાવ્યું. તે વૃદ્ધજનો આવી પહોંચતાં, કર્ણે બંનેને એક એક સુવર્ણપહાડ દાનમાં આપી દીધો. આમ દાનપર્વનો અંત લાવીને શ્રીકૃષ્ણ અને અર્જુનને વિવેકપૂર્ણ આદર વ્યક્ત કરતો કર્ણ ત્યાંથી ચાલી નીકળ્યો. કર્ણની બુદ્ધિમત્તા નિહાળીને અર્જુન આશ્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યો કે મને આમ કેમ ન સૂÈયું. શ્રીકૃષ્ણ સમક્ષ અર્જુને દુ :ખ વ્યક્ત કર્યું. હવે તો નિશ્ચિત થઈ ચૂક્યું હતું કે કર્ણને શા માટે દાનવીર કહેવામાં આવે છે.

હતાશ-નિરાશ અર્જુનને જોઈને શ્રીકૃષ્ણે સંબોધિત કર્યું, ‘હે પાર્થ, જ્યારે તું દાન આપતો હતો ત્યારે તારા મનમાં એ વિચાર ઘોળાતો હતો કે આટલી બધી સંપત્તિના અધિકારી આ લોકો તો નથી! વળી ગ્રામજનો પ્રતિ ઈર્ષાગ્રસ્ત થઈને તું દાન કરતો હતો. હે ધનંજય! જ્યારે લોકો તારી પ્રશંસા કરતા હતા ત્યારે તારી છાતી ફૂલતી હતી પણ જો કર્ણ કેવો ચાલી નીકળ્યો! લોકોની પ્રશંસાની કોઈ જ દરકાર નથી, અને જો તે કેવો સમદર્શી છે! દાન લેનારાઓ પ્રત્યે તેને કોઈ જ ભેદભાવ નથી. હે પરંતપ! જો, કર્ણ કેવો તપસ્વી છે, આસક્તિનો લેશમાત્ર નથી. જો, તે કેવો દૃઢતાપૂર્વક, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ ચાલે ચાલી નીકળ્યો.

આ તો એક વાર્તા છે. એનો બોધ આપણા જીવનમાં ઉતારવાનો આપણે પ્રયાસ કરવાનો છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા (૧૮.૨૦-૨૧-૨૨)માં ત્રણ પ્રકારનાં દાનનું વિવરણ કરવામાં આવ્યું છે. દાન આપવું એ કર્તવ્ય છે – એવા ભાવથી જે દાન સ્થળ, કાળ અને પાત્ર પ્રાપ્ત થતાં અનુપકારીને આપવામાં આવે છે તે દાનને સાત્ત્વિક કહેવામાં આવ્યું છે. અનુપકારીને એટલે કે દાન નિષ્કામ ભાવથી આપવું. ઉપકારની આશા રાખીને આપવાથી તે દાન રાજસી બની જાય છે. એટલા માટે, આપવું માત્ર મારું કર્તવ્ય છે – એ ભાવથી કરેલું દાન સર્વોત્તમ ગણાય છે. આ રીતે દાન આપવાથી વસ્તુ, ફળ, અને ક્રિયાની સાથે પોતાનો સંબંધવિચ્છેદ થાય છે.

Total Views: 191
By Published On: July 1, 2016Categories: Harshadbhai Patel0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram