મનુષ્યજીવન સંઘર્ષ, દુ :ખ અને વ્યથાઓથી ભરેલું છે. જગતમાં એક પણ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં સંઘર્ષ અને દુ :ખ ન હોય. કાદવમાં ખૂંપેલ મનુષ્ય જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે તેમ તેમ તે બહાર નીકળવાને બદલે વધુ ને વધુ ઊંડો ફસાતો જાય છે. તેવી જ રીતે મનુષ્ય જેમ જેમ સંઘર્ષ અને દુ :ખમાંથી ઊગરવાનો પ્રયાસ કરતો જાય છે તેમ તેમ તે વધુ ને વધુ ફસાતો જાય છે. તો શું આમાંથી ઊગરવાનો કોઈ માર્ગ નથી? હા, છે અને તેનો એક માત્ર ઉપાય છે ભક્તિ. તેથી જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં ભક્તિને જ પ્રાધાન્ય આપ્યું છે.

ભગવદ્ ગીતાના ૧૨મા અધ્યાયમાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ! કેટલાક લોકો સગુણ બ્રહ્મની ઉપાસના કરે છે અને કેટલાક નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરે છે તો મને બતાવો કે એમાંથી શ્રેષ્ઠ ઉપાસના કઈ છે? ઉત્તરમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ‘હે પાર્થ, નિર્ગુણ નિરાકારની ઉપાસના અને સગુણ સાકારની ઉપાસના એ બન્ને મને જ પામવાના બે અલગ અલગ માર્ગર્ છે. બન્ને ઉપાસનાના અંતે મારી જ પ્રાપ્તિ થાય છે. જે ભક્ત સર્વકંઈ ત્યાગીને મારા પરાયણ રહીને પરમ શ્રદ્ધાથી મારું ભજન કરે છે તેને હું શ્રેષ્ઠ યોગી માનું છું અને નિરંતર મારું જ ચિંતન કરતા એ ભક્તના યોગક્ષેમનું હું વહન કરું છું કારણ કે હું ભક્તના હૃદયમાં રહું છું, તેમના કલ્યાણ માટે હું હંમેશાં તત્પર રહું છું.’ આમ ભગવાન ભક્તવત્સલ છે. અર્થાત્ જેમ માતા પોતાના બાળકના કલ્યાણ માટે ચિંતિત રહેતી હોય છે તેવી જ રીતે ભગવાના પોતાના ભક્તના કલ્યાણ માટે નિરંતર ચિંતિત હોય છે. વ્રજની ગોપીઓ, સૂરદાસ, વલ્લભાચાર્ય, મીરા, નરસિંહ મહેતા એ બધા ભક્તોનાં જીવનનું અવલોકન કરતાં માલૂમ પડે છે કે ભગવાનને ભક્તવત્સલ શા માટે કહેવામાં આવે છે.

શ્રીમદ્ વલ્લભાચાર્યના એક શિષ્ય હતા. એક વખત તેમને ગુરુપત્નીએ બજારમાં સારાં પાન લેવા મોકલ્યા. ગુરુપત્નીની આજ્ઞાથી તેઓ પાન લેવા તો ગયા પરંતુ તેમનું ચિત્ત ઠાકોરજીમાં જ લીન હતું. તેઓ ઠાકોરજીથી ક્ષણભર દૂર થવા માગતા ન હતા. તેથી બજારમાં થોડે દૂર જતાં જ રસ્તામાં મૂર્છિત થઈને પડી ગયા. આ બાજુ વલ્લભાચાર્યજી ઠાકોરજીને રાજભોગ ધરાવવા બેઠા. પરંતુ આ શું? આજે ઠાકોરજી રાજભોગ આરોગતા નથી. સ્વયં વલ્લભાચાર્યજી ભોગનિવેદન કરે અને ઠાકોરજી ન આરોગે એવું તો ન જ બને, પણ ઠાકોરજી તો પેલા શિષ્યની ચિંતામાં છે. ઠાકોરજીએ વલ્લભાચાર્યજીને કહ્યું કે પાન લેવા ગયેલો મારો ભક્ત જ્યારે આવશે ત્યારે જ હું રાજભોગ આરોગીશ. વલ્લભાચાર્યજીએ શિષ્યને બોલાવવા વૈષ્ણવોને દોડાવ્યા. વૈષ્ણવોએ બજારમાં જઈને જોયું કે તેઓ મૂર્છિત છે. પછી એક વૈષ્ણવે તેમને કાનમાં ધીમે ધીમે કહ્યું, ‘તમને ઠાકોરજી યાદ કરે છે અને તમારા વિના તે રાજભોગ આરોગતા નથી.’ ભક્તવત્સલ ભગવાનના આવા શબ્દો વૈષ્ણવ મારફત સાંભળીને મૂર્છિત શિષ્ય એકદમ ઊભો થઈને દોડે છે અને ઠાકોરજી સમક્ષ બેસી જાય છે. શિષ્ય ઉપસ્થિત થતાં વેંત જ ઠાકોરજી પ્રેમથી રાજભોગ આરોગે છે. આવી છે ભગવાનની ભક્તવત્સલતા.

સૂરદાસ ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત હતા. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં તેમનાં ભજન સાંભળવા આવતા. એક દિવસ સૂરદાસ રસ્તામાં ચાલતા ચાલતા ખાડામાં પડી ગયા, બહાર નીકળવાની ઘણી કોશિશ કરી પણ તે નીકળી શક્યા નહીં. અંતે તેઓ ખાડામાં બેસીને જ ભજન કરવા લાગ્યા. ભક્તવત્સલ ભગવાનથી ભક્તનું આ દુ :ખ સહન ન થઈ શક્યું. શ્રીકૃષ્ણ ગોપબાલકનું રૂપ લઈ સૂરદાસની વહારે આવ્યા અને તેમને ખાડામાંથી બહાર કાઢ્યા. એ ગોપબાલક સૂરદાસનો હાથ પકડી તેમને દોરીને ઘેર લઈ જાય છે. સૂરદાસ પોતાના આરાધ્યદેવને ઓળખી લે છે અને મજબૂતાઈપૂર્વક તેમનો હાથ પકડી લે છે. શ્રીકૃષ્ણ હાથ છોડાવીને ભાગવા માંડે છે તેથી સૂરદાસ અતિ કરુણભાવે ભગવાનને કહે છે, ‘હે રણછોડ, હે માધવ, તમે મારો હાથ છોડીને ક્યાં ભાગી રહ્યા છો? મેં તો તમને મારા હૃદયમાં પકડી રાખ્યા છે અને ત્યાંથી તમે કદાપિ નહીં છટકી શકો.’ સૂરદાસની ભક્તિથી દ્રવિત થઈને ભગવાન પાછા આવે છે અને તેમનો ફરી હાથ પકડીને યમુનાજીના ગૌઘાટ પર લાવે છે અને ત્યાં પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવે છે. આ છે ભગવાનની ભક્તવત્સલતા.

શ્રીમદ્ ભાગવતમાં કથા છે કે દરરોજ માતા યશોદા પાસે શ્રીકૃષ્ણનાં તોફાનોની ફરિયાદ ગોપીઓ તરફથી આવ્યા કરે છે. અંતે એક દિવસ મા યશોદા ગુસ્સે થઈને તોફાની કનૈયાને બાંધવા એક દોરડું લાવે છે. માતા યશોદા કનૈયાને બાંધવા તો લાગે છે પણ દર વખતે દોરડું ટૂંકું જ પડતું જાય છે. માને આશ્ચર્ય થાય છે કે આમ કેમ? પરંતુ માને ખ્યાલ નથી કે જે બ્રહ્મ સર્વ જીવોમાં વ્યાપ્ત છે અને જે બ્રહ્મ સર્વ પ્રકૃતિમાં વ્યાપ્ત છે તેને વળી કોણ બાંધી શકે? માતા યશોદા નિરાશ થઈ જાય છે. માતા યશોદાની આ વ્યથા જોઈ શ્રીકૃષ્ણ સ્વયં જ બંધાઈ જાય છે અને માને ખુશ કરે છે. આમ ભગવાન ભક્તની ભક્તિથી સદાય બંધાયેલા રહે છે. શ્રીવૃંદાવનમાં શ્રીકૃષ્ણ ગોપીઓને ગૃહકાર્યમાં મદદ કરે છે, વળી ક્યારેક ગોપીઓના ફોસલાવ્યા ગીતો ગાય છે, નાચે છે અને ગોપીઓના હાથની જાણે કઠપૂતળી હોય તેમ તેમને આધીન રહીને કામ કરે છે.

વળી એક વખતે ફળ વેચનારી ‘અરે તાજાં મીઠાં ફળ લો, અરે તાજાં મીઠાં ફળ લો’ એમ બોલતી બોલતી નંદબાબાના ઘર પાસે આવે છે. નાનકડો ગોપાલ એ સાંભળી ફળ લેવા દોડે છે અને થોડાં ફળ આપવાની વિનવણી કરે છે. પરંતુ પેલી ફળ વેચનારી કહે છે, ‘હું ફળ વેચવા આવી છું, વહેંચવા નહીં. તું મને ફળના બદલે શું આપીશ?’ આ શબ્દો સાંભળતાં વેંત સર્વ જીવોને સર્વ કર્મોનું ફળ આપનાર બાલગોપાલ ફળ ખરીદવા માટે પોતાની નાનકડી મુઠ્ઠીમાં ચોખા લઈ આવે છે અને લાવતાં લાવતાં અડધા ચોખા રસ્તામાં વેરાઈ જાય છે. આટલા અનાજ માત્રથી ફળ વેચનારી સંતુષ્ટ થઈને બાલગોપાલના બન્ને હાથ ફળથી ભરી દે છે. ફળ વેચનારી સાંજે પોતાના ઘેર પહોંચીને જુએ છે તો ફળની ટોપલી કિંમતી રત્નોથી ભરેલી છે! આમ બાલગોપાલ ફળ વેચનારીનું દારિદ્ર કાયમ માટે દૂર કરી દે છે. ભગવાનની ભક્તવત્સલતા માટે શું આ પ્રસંગ પર્યાપ્ત નથી?

નરસિંહ મહેતાના ઘેર આજે પિતૃશ્રાદ્ધ છે તેથી તેઓ બજારમાં અન્નસામગ્રી લેવા જાય છે પરંતુ રસ્તામાં હરિભક્તો મળતાં તેઓ સત્સંગમાં અને સંકીર્તનમાં મગ્ન બની જાય છે. સમય થતાં મહેમાનો નરસિંહ મહેતાના ઘેર બ્રહ્મભોજન માટે આવી જાય છે પરંતુ અહીં નરસિંહ મહેતાનું કંઈ ઠેકાણું નથી. તેમનાં પત્ની અત્યંત વ્યગ્ર બનીને ભગવાન શ્રીકૃષ્ણને વિપત્તિમાંથી ઉગારવા પ્રાર્થના કરે છે. ભક્તવત્સલ ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈ અન્નસામગ્રી સહિત આવી પહોંચે છે અને શ્રાદ્ધનો પ્રસંગ સુખરૂપ સંપન્ન કરાવે છે. આમ ગીતામાં આપેલ વચન અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ પોતે ભક્તના યોગક્ષેમનું વહન કરવાની પ્રતિજ્ઞાનું પાલન કરે છે!

ભગવાન ભક્તવત્સલ બની પાંડવોનો કેવી રીતે ઉદ્ધાર કરે છે તે પ્રસંગ જોઈએ. મહાભારતના યુદ્ધની તૈયારી થઈ રહી છે. અર્જુન અને દુર્યોધન બન્ને શ્રીકૃષ્ણ પાસે સહાયતા માગવા આવે છે. શ્રીકૃષ્ણ કહે છે કે મારી સેના એક બાજુ અને એક બાજુ હું પોતે – આ બન્નેમાંથી, તમને ગમે તે એકની પસંદગી કરવાની છે. દુર્યોધન નારાયણી સેના માગે છે અને અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મારે કંઈ જોઈતું નથી, આપ સ્વયં મારી સાથે રહો. શ્રીકૃષ્ણ ઉત્તરમાં કહે છે, ‘હું યુદ્ધમાં કોઈ પ્રકારની મદદ નહીં કરું, મેં શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે, હું માત્ર સારથિ બનીને રથ હંકારીશ.’ અર્જુને ભગવાનનો આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. પ્રસ્તાવ પછવાડેનાં સમર્પણ અને શરણાગતિ પાંડવોના વિજયનું કારણ બને છે. ભગવાન શ્રીકૃષ્ણને જ પોતાનો આશ્રય માનીને પાંડવોએ સંઘર્ષપૂર્ણ જીવન વીરતાપૂર્વક વિતાવ્યું અને ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને સર્વદા પોતાની કૃપા-છાયામાં આશ્રય આપીને દરેક વિપત્તિ સમયે ઉગાર્યા. આ છે ભગવાનની ભક્તવત્સલતાનું પ્રમાણ!

શ્રીરામકૃષ્ણદેવ પાસે એક દિવસ મહાન નાટકકાર ગિરીશચંદ્ર ઘોષ આવ્યા અને કહ્યું, ‘ભગવાન! હું શું કરું?’ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘તમારે કંઈ કરવાનું નથી, સવાર-સાંજ ભગવાનનું નામ લે જો.’ ગિરીશચંદ્ર ઘોષનું જીવન તો એકદમ અનિયમિત હતું. તે કંઈ બોલ્યા નહીં. શ્રીરામકૃષ્ણદેવ તેમનો મનોભાવ સમજી ગયા અને કહ્યું, ‘ઠીક છે, તમે માત્ર રાત્રે સૂતી વખતે ભગવાનનું નામ લેજો.’ આમાં પણ ગિરીશચંદ્ર પોતાની અસમર્થતા બતાવે છે તેથી શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘વાંધો નહિ, મને તમારું મુખત્યારનામું આપી દો પછી તમારે કંઈ કરવું નહીં પડે.’ આ સાંભળીને ગિરીશચંદ્ર તો ખુશ થઈ ગયા અને મુખત્યારનામું એટલે કે પોતાનું સંપૂર્ણ જીવન શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં સોંપી દીધું. આમ ભક્તવત્સલ ભગવાને ભક્તના જીવનની સઘળી જવાબદારી પોતાના માથે લઈ લીધી. કોઈ ગિરીશચંદ્રની પ્રશંસા કરતું ત્યારે તેઓ કહેતા, ‘એક સમય એવો હતો કે હું જ્યાં બેસતો તે સ્થાન સાત હાથ નીચે સુધી અપવિત્ર બની જતું. એક પણ પાપ એવું નથી કે મેં આચર્યું ન હોય, પરંતુ જેમ પારસમણિના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેમ શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં રહી હું પવિત્ર બની ગયો છું.’

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં સાચે જ કહ્યું છે, ‘સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ, અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ :’ બધા ધર્મો છોડી મારા એકને જ શરણે આવ, હું તને બધાં પાપોમાંથી મુક્ત કરીશ, માટે શોક કરીશ નહિ.

શ્રીરામકૃષ્ણદેવ વારંવાર કહેતા કે ભગવાનને આપણા સૌથી નજીકના સ્વજન માનો. તેઓ ભક્તની અંત :કરણપૂર્વકની પ્રાર્થના અવશ્ય સાંભળે છે. માત્ર જરૂર છે દૃઢ વિશ્વાસ અને શ્રદ્ધાની, કારણ કે વિશ્વાસ અને શ્રદ્ધા સિવાય કશુંય સંભવ નથી. કૃપાનો પવન તો વાઈ રહ્યો છે, જરૂર છે સઢ ચઢાવવાની. વિશ્વાસે વહાણ તરે એ કહેવત ઘણી પ્રચલિત છે. સંસારનાં દુ :ખ અને વિપત્તિના નિવારણ માટે ભક્તિ જ એક માત્ર ઉપાય છે. ભક્તિ છે તો દુર્લભ છે પરંતુ ખરા હૃદયની પ્રાર્થનાથી તે જરૂર પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન તો ભક્તવત્સલ જ છે.

Total Views: 361

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.