શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને શત્રુઓનો વિનાશ કરીશ. પરંતુ આધુનિક સમયમાં આ આસુરીશકિતનું તાંડવ બહાર કરતાં અંતર્જગતમાં વધુ છે. સદ્વૃત્તિ અને અસદ્વૃત્તિ વચ્ચે નિરંતર સંઘર્ષ ચાલ્યા કરે છે. ત્યાગ, પવિત્રતા, સહનશીલતા, કરુણા જેવા સદ્ગુણો ક્યાંય લુપ્ત થઈ ગયા છે અને એટલે જ સંસારમાં આટલો અનાચાર ફેલાઈ રહ્યો છે. આને જ અત્યારનો દેવાસુરસંગ્રામ કહી શકાય. એના નિરાકરણ માટે સમગ્ર જગતના ક્લ્યાણાર્થે  મહામાયા મા દુર્ગા આ યુગમાં શ્રીમા શારદા સ્વરૂપે આવ્યાં છે. સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે કે માતાજીએ શા માટે એક સાવ સધારણ કુટુંબમાં અને પછાત ગામડામાં જ્ન્મ લીધો? જયરામવાટી ગામનું એવું તો શું સદ્ભાગ્ય હતું કે મહામાયા સ્વયં એ ભૂમિમાં અવતર્યાં. સ્વામીજીએ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો આધારસ્તંભ ગ્રામ્યજીવન છે. જયરામવાટી આધ્યાત્મિક સંપદાથી સંપન્ન હતું, માટે જ મહામાયા એ પવિત્ર ગામડામાં અવતર્યાં હતાં. શ્રીરામકૃષ્ણદેવ અનેકવાર ગંભીરતાપૂર્વક કહેતા કે મા ભવતારિણી સ્વયં એમની અંદર બિરાજીને લોકોનું કલ્યાણ કરી રહ્યાં છે અને એમના નારાજ થવાથી બહ્મા, વિષ્ણુ કે મહેશ પણ તમારી રક્ષા નહીં કરી શકે.

હવે આપણે માતાજીના જીવનની એવી કેટલીક ઘટનાઓનું વિવેચન કરીશું, જે માતાજીની દૈવીશક્તિનો પરિચય આપવા પૂરતું જ મર્યાદિત નથી; પરંતુ સમગ્ર માનવજાતિમાં શ્રદ્ધાભક્તિ વધારવામાં તથા આધ્યાત્મિક જીવનની ઉન્નતિમાં પણ મદદરૂપ થશે.

સ્વામી  હરિપ્રેમાનંદ પોતાનાં સંસ્મરણોમાં કહે છે કે ‘માની ભત્રીજી રાધુ ઘણા સમયથી બીમાર હતી અને રોગની પીડા ભોગવતાં ભોગવતાં એનું શરીર એકદમ કૃશ થઈ ગયું હતું. આથી મા રાધુને લઈ બાંકુડા  મઠના મહંત વૈકુંઠ મહારાજ પાસે ચિકિત્સા કરાવવા આવ્યાં. બાંકુડા મઠમાં સ્ત્રીઓના રહેવાની વ્યવસ્થા ન હતી આથી મઠની નજીક એક મકાન ભાડે રાખ્યું હતું અને તેમાં માત્ર બે ઓરડા હતા, એક્માં બીમાર રાધુને રાખવામાં આવી અને બીજા ઓરડામાં માની રહેવાની વ્યવસ્થા હતી. એક રાત્રે મા એક્દમ થાકેલાં હતાં અને એક નાનકડા સ્ટુલ પર બેઠાં હતાં. કોણ જાણે મને શો વિચાર આવ્યો કે હું માનાં શ્રીચરણ દબાવવા લાગ્યો. એ દિવસોમાં માતાજીનું શરીર પણ અત્યંત દુર્બળ થઈ ગયું હતું. એમનાં બંને ચરણ પણ શુષ્ક થઈ ગયાં હતાં. હું વિચારી રહ્યો હતો કે શું મા દુર્ગાનાં શ્રીચરણ આવાં હોઈ શકે? પરંતુ આ શો જાદુ ? ધીરે ધીરે મને સ્પષ્ટ દેખાવા લાગ્યું કે પેલાં શુષ્ક ચરણને બદલે અલતો લગાડેલાં સુંદર ચરણ હતાં અને બંને ચરણમાં સોનાનાં નુપૂર અને તેમાં મણિ-મુક્તા જડેલાં હતાં. મનમાં થયું કે આ હું કોની ચરણસેવા કરી રહ્યો છું? વિસ્મયથી હતપ્રભ થઈ મેં મારી નજર માતાજીના શ્રીમુખ તરફ કરી તો મને જોવા મળ્યુંં કે ત્રિનયના, ચતુર્ભુજા, સ્વર્ણકાંતિયુક્ત વિવિધ અલંકારોથી સુશોભિત મા જગદ્ધાત્રી હાથમાં શસ્ત્રો ધારણ કરીને બિરાજમાન હતાં. આ અદ્‌ભુત દર્શનથી હું અચેત થઈ પડી ગયો. કેટલો સમય હું એમ અચેત રહ્યો એ યાદ નથી, પરંતુ જ્યારે ચેતના આવી ત્યારે માતાજી મારા માથા પર હાથ ફેરવતાં ફેરવતાં કહી રહ્યાં હતાં, ‘ઓ હરિ, ઓ હરિ, શું થયું? ઊઠ ઊઠ.’ હું ઊભો થઈ ગયો અને જોયું તો એ જ દુર્બળ શરીરવાળાં માતાજી મારી સામે પ્રેમથી જોઈ રહ્યાં હતાં.’

આ જ છે અમારાં જગદંબા શ્રીમા શારદા અને શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસંગિની.

સન 1915 કે તેની આસપાસના સમયની વાત છે. જયરામવાટી અને તેની આજુબાજુનાં ગામડાંમાં  વરસાદ ન થવાથી ખેતરોમાં પાક સુકાવા લાગ્યો હતો. નિરાધાર ખેડૂતો માતાજી પાસે આવીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ વખતે એમનાં બાળકોના બચવાની કોઈ આશા નથી, ભૂખ્યાંતરસ્યાં એ માસુમ બાળકો પ્રાણ છોડી દેશે. ખેડૂતોની આ વાત સાંભળી માતાજીનું હૃદય દ્રવી ઊઠ્યું. તેઓ એમની સાથે ખેતરો જોવા પણ ગયાં અને ઠાકુરને પ્રાર્થના કરવા લાગ્યાં કે ‘અરેરે ઠાકુર, આ શું થઈ રહ્યું છે? બધાં શું આમ જ મૃત્યુ પામશે?’  અંતે તે જ રાત્રે મુશળધાર વરસાદ થયો અને એટલું જ નહીં પણ કોઈ વરસે નહોતો થયો એટલો પાક એ વરસે થયો. આમ આ ઘટના  શ્રી શ્રીચંડીના અગિયારમા અધ્યાયમાં આવેલ મા શતાક્ષિની કથાની યાદ અપાવે છે, જેમાં મા દુર્ગા પોતે કહે છે કે જ્યારે આ દુનિયામાં વરસાદનો અભાવ થશે ત્યારે હું મારાં સહસ્ર નેત્રોથી વરસાદ વરસાવીશ અને આ પૃથ્વીને ધનધાન્યથી સમૃદ્ધ કરીશ.

સ્વામી ગૌરીશ્ર્વરાનંદજી મહારાજ કહે છે કે સન 1915માં મેં જ્યારે માતાજીનાં પ્રથમ દર્શન કર્યાં ત્યારે મને નિરાશા જ મળી હતી કારણ કે મારા મનમાં તો એવી ધારણા હતી કે માતાજી એક સુંદર સિંહાસન પર અનેક અલંકારોથી વિભૂષિત થઈ વિરાજમાન હશે અને બન્ને બાજુ સેવિકાઓ ચામર ઢોળતી હશે. અનેક ભક્તો એમનાં સ્તુતિગાન કરી રહ્યા હશે. પરંતુ અહીં જયરામવાટીમાં આવીને મેં જોયું તો માતાજી ઘાસ અને માટીના એક નાનકડા ઘરમાં રહેતાં હતાં. એમના હાથમાં ઝાડુ હતું અને તેઓ આંગણું સાફ કરી રહ્યાં હતાં. મારા મનમાં આશંકા ઉદ્ભવી કે શું આને લોકો મા દુર્ગા અને મા જગદ્ધાત્રી કહે છે? મેં સ્વામી જ્ઞાનાનંદજી અને સ્વામી સારદેશાનંદજીને પૂછયું કે આવાં કાર્ય માટે માતાજીને સહાય કરનાર કોઈ નથી? તેઓએ કહ્યું, ‘બેટા, અહીં આવતા-જતા રહો, ધીરે ધીરે બધું સમજાઈ જશે. અથાગ સમુદ્રની અંદર કેવાં કિંમતી રત્નો છુપાયેલાં છે એ શું બહારથી ખબર પડે?’

સ્વામી સત્સ્વરૂપાનંદ પણ પોતાનાં સંસ્મરણોમાં કહે છે કે મેં માતાજીને દૂરથી જ ઘરનાં અનેક કાર્યોમાં વ્યસ્ત જોયાં છે. મારા મનમાં તેમના કોઈ દૈવીભાવની અનુભૂતિ થઈ ન હતી. પરંતુ જ્યારે માતાજીએ મને મંત્રદીક્ષા આપી ત્યારે એક અદ્‌ભુત ચમત્કાર થયો. કરુણામયી માતાજીએ એ સમયે કોણ જાણે શું કર્યું કે દીક્ષા પછી એમના તરફ જોતાં મેં મારા ઇષ્ટમંત્રની અધિષ્ઠાત્રિ દેવીને જોયાં અને એવાં દર્શન મને ખુલ્લી આંખે ત્રણ વખત થયાં. માતાજીને એકીટશે જોઈ રહ્યો હતો ત્યારે માતાજીએ ખૂબ પ્રેમથી કહ્યું કે ‘બેટા, જે જોઈ રહ્યા છો એ સાચું જ જોઈ રહ્યા છો.’ આમ માતાજીએ જ દયા કરીને મને પોતાનું ખરું સ્વરૂપ બતાવ્યું હતું અને મારા  અજ્ઞાનનો પડદો હંમેશાં માટે હટાવી દીધો .

એક્વાર નીચલા કુળની મહિલા એક ભકતનો સામાન લઈ જયરામવાટી માતાજીની પાસે આવી. તે મહિલા બીમાર અને અશક્ત પણ હતી. આથી માતાજીએ તેને રાત્રે ત્યાં જ રોકાઈ જવાનું કહ્યું અને તેના સૂવાની વ્યવસ્થા પણ માતાજીના ઓરડાની બહાર ઓસરીમાં કરવામાં આવી. રાત્રે અજાણતાં જ તે મહિલાથી તેની પથારી ખરાબ થઈ ગઈ. દરરોજની જેમ માતાજી જ્યારે વહેલાં ઊઠ્યાં ત્યારે તેઓ એ મહિલાની દયનીય દશાથી ખૂબ વ્યથિત થઈ ગયાં કારણ કે જો કોઈ બીજું આ જોઈ જશે તો આ બીચારી મહિલાને અત્યંત તિરસ્કારનો સામનો કરવો પડશે. આથી માતાજીએ તેને પ્રેમપૂર્વક જગાડી, આશ્ર્વાસન આપ્યું અને પોતાની સ્વચ્છ સાડી પહેરવા આપીને કહ્યું, ‘બેટા, તું વહેલી સવારે જ અહીંથી નીક્ળી જજે જેથી તારે તડકામાં ચાલવું ન પડે.’ અંતે માતાજીએ બધા ઊઠે તે પહેલાં ઓસરી સાફ કરી અને તેની પથારી પણ ધોઈને સૂકવી દીધી. આવી મમતા અને કરુણા શું ક્યાંય બીજે જોવા મળશે ખરી?

એક યુવકે માતાજીની પાસે આવીને કહ્યું કે ‘મા, આ સંસારમાં આવીને મેં બહુ કષ્ટ ભોગવ્યું છે અને અનેક અપરાધ પણ કર્યા છે છતાં આપની મમતા અને કૃપા મને મળી રહી છે જે માત્ર આપના દ્વારા જ શક્ય છે. તેમ છતાં હજુ એક અંતિમ પ્રાર્થના છે, એવા આશીર્વાદ આપો કે મારા મનમાં કદી એવો ભાવ ન આવે કે આપની કૃપા પામવી સાવ સરળ છે.’

તો ચાલો, આપણે પણ આ યુવકની પ્રાર્થનામાં જોડાઈને માતાજીને કહીએ, ‘મા, કૃપા કરી આપના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવો અને અમારા સઘળા અવગુણો દૂર કરી અમને પવિત્ર બનાવો, જેથી અમે આપની સમીપ જલદીથી પહોંચી શકીએ.’

Total Views: 302

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.