(ઈ.૧૮૮૪માં કોલકાતામાં આયોજિત શ્રીકૃષ્ણોત્સવમાં શ્રીરામકૃષ્ણ સહભાગી થયેલ તે પ્રસંગની વાતો લેખકે અહીં પ્રસ્તુત કરી છે.)

જો તમે બડાબજારના માર્ગાે ઉપર પસાર થયા હો તો તે અતિ ભીડવાળા કોલકાતા શહેરનો અત્યંત ગીરદીવાળો રસ્તો છે; તમારી આગળ પાછળ દોડતી ગાડી તથા હાથગાડી અને દરેક પ્રકારના લોકોની ભીડથી ઘેરાઈ તમે જરૂર ભય તથા આશ્ચર્ય પામશો. શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ એ આ વિસ્તારમાં શ્રીરામકૃષ્ણના આગમનનો ઉલ્લેખ કર્યો છે. એક શતાબ્દી પહેલાંના શ્રીરામકૃષ્ણના સમયથી આજ સુધી આ દૃશ્યમાં કોઈ ઉલ્લેખનીય પરિવર્તન નથી થયું.

કાલીપૂજનના બે દિવસ પહેલાંની, ૨૦ ઓક્ટોબર ૧૮૮૪ની આ ઘટના છે. બડાબજારના મારવાડી ભક્તોએ અન્નકૂટ ઉત્સવ ઉપર શ્રીરામકૃષ્ણને ૧૨, મલ્લિક સ્ટ્રીટમાં મયૂરમુકુટધારી કૃષ્ણનાં પૂજન-અર્ચન કરવા આમંત્રણ આપેલું. શ્રીરામકૃષ્ણ ઘોડાગાડીમાં ત્યાં ગયા હતા, જે અવરજવર માટેના માર્ગ ઉપર ઘણી મુશ્કેલીથી ચાલતી હતી. ઘણી જ મુશ્કેલીથી બપોરે ૩ વાગ્યે તેઓ ત્યાં પહોંચ્યા. ગાડીમાંથી ઊતર્યા બાદ ચાલીને તેઓ બાબુરામ (સ્વામી પ્રેમાનંદ)ની સાથે યજમાનના ઘર તરફ ગયા. શ્રી‘મ’, જે ઘણા લાંબા સમયથી ત્યાં તેમની પ્રતીક્ષા કરતા હતા તેમણે માર્ગ બતાવ્યો. મારવાડી ભક્તે શ્રીરામકૃષ્ણને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કર્યા અને તેઓને ઘરના ત્રીજા માળે લઈ ગયા. દીવાલ ઉપર મા કાલીનું તૈલચિત્ર શોભાયમાન હતું. શ્રીરામકૃષ્ણે તે ચિત્રને શ્રદ્ધાસભર પ્રણામ કર્યા. આસન ગ્રહણ કર્યા બાદ તેઓ ઉપસ્થિત એક પંડિત અને તેના પુત્ર સાથે આધ્યાત્મિક વિષયો ઉપર જેવા કે ઈશ્વર-અવતારનું પ્રયોજન, ભક્તિ અને પ્રેમનો વાસ્તવિક અર્થ, સમાધિના પ્રકારો, સિદ્ધિઓની નિરુપયોગિતા,હઠયોગની નિરુપયોગિતા,વેદાંતનો અભ્યાસ તથા ભાગવતનો સાચો મર્મ સમજવાની આવશ્યકતા વગેરે ઉપર વાર્તાલાપ

કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ એક મોટા તકિયાને સહારે બેઠા હતા. ભક્તજનો સામે ઓસરીમાં બેઠા હતા. તે જ સ્થિતિમાં બેસીને તેઓ મીરાનું પદ ગાવા લાગ્યા-

હરિ સો લાગી રહો રે ભાઈ,

તેરી બનત બનત બન જાઈ.

પવિત્ર હૃદયવાળા મારવાડી ભક્ત, જે શ્રીરામકૃષ્ણ પ્રત્યે અત્યંત શ્રદ્ધાવાન હતા, તેમણે ઓરડામાં પ્રવેશ કર્યો અને નમીને તેમને પ્રણામ કર્યા. તેઓ શ્રીરામકૃષ્ણ સાથે આધ્યાત્મિક સાધના તથા જીવનમાં તેની આવશ્યકતા અંગે વાતો કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ – શ્રી રામનું પૂજન કરો, તેનું ધ્યાન ધરો. તે જરૂર તમને સર્વસ્વ આપશે જ.

મારવાડી ભક્ત – આપ ખુદ તે જ રામ છો.

શ્રીરામકૃષ્ણ – ‘ભગવાનને વિષે એવું ન કહેવાય,’ એમ કહીને બન્ને હાથ જોડીને મારવાડી ભક્તને પ્રણામ કર્યા અને બોલ્યા, ‘રામ તો પ્રત્યેક જીવમાં વ્યાપ્ત છે, તે સમગ્ર સૃષ્ટિમાં વિદ્યમાન છે. હું તો તમારો દાસ છું. રામ ખુદ સર્વ જીવ-જગતમાં અવતરિત થયેલ છે.’

મારવાડી ભક્ત – મહારાજ! અમે તે કંઈ નથી જાણતા.

શ્રીરામકૃષ્ણ – આપ જાણો કે ન જાણો, પરંતુ તમે ખુદ રામ છો.

ઉપરના રોચક વાર્તાલાપ બાદ મારવાડી ભક્તના કહેવાથી શ્રીરામકૃષ્ણ મયૂરમુકુટધારી શ્રીકૃષ્ણના દર્શનાર્થે ગયા. મૂર્તિનો મુગટ મયૂરપંખોથી શોભાયમાન હતો. આત્મવિભોર બની મૂર્તિનાં દર્શન કરી તેમણે તેને પ્રણામ કર્યા અને પછી બોલ્યા : ‘હે ગોવિન્દ! તંુ મારા પ્રાણ છો, તું જ મારું જીવન છો. તારો જય હો. તારંુ નામ પતિતપાવન છે. તું સદ્-ચિત્ત-આનંદ (સચ્ચિદાનંદ) મૂર્તિમાન વિગ્રહ છો. હે કૃષ્ણ, હે કૃષ્ણ, મારા જીવનરક્ષક’ આટલું કહીને તેઓ સમાધિમગ્ન થઈ ગયા. શ્રીરામકૃષ્ણ ઊભા હતા તેથી તેમની સાથે આવેલ શ્રી રામ ચેટર્જીએ તેમને સહારો આપ્યો.

લાંબા સમય પછી તેઓ બાહ્યજગતમાં પાછા આવ્યા અને ભક્તવૃંદ સાથે ચાલવા લાગ્યા. ભક્તો મયૂરમુકુટધારીના વિગ્રહને બહાર લઈ જઈ રહ્યા હતા કારણ કે ભોગ બહાર ધરાવવાનો હતો. મધુર ઘંટારવથી આરતી પૂર્ણ થઈ અને ત્યાર બાદ ભોગનિવેદન થયું. તે સમગ્ર સમય દરમિયાન શ્રીરામકૃષ્ણ મૂર્તિને ચામર ઢોળતા રહ્યા. અગાસીમાં બ્રહ્મભોજ શરૂ થયો. શ્રીરામકૃષ્ણે પણ પ્રસાદ લીધો અને મારવાડી ભક્તો પાસેથી વિદાય લીધી. સાંજ થઈ ગઈ હતી. રસ્તો ફરીથી વાહનો અને પદયાત્રીઓથી ખીચોખીચ હતો. આ જોઈ શ્રીરામકૃષ્ણે કહ્યું : ‘ચાલો, આપણે ગાડી છોડી દઈએ. તે પાછળના રસ્તાથી ફરીને આગળ મળશેે.’ તેઓ પગપાળા ચાલવા લાગ્યા અને ગાડી જ્યારે પાછળના રસ્તાથી ફરીને આગળ ઊભી રહી ત્યારે બાબુરામ, ‘મ’ અને રામ ચેટર્જી સંગાથે તેમાં બેસી ગયા. ‘મ’ની સાથે આવેલ છોટો ગોપાલ ગાડીના છાપરા ઉપર બેઠો. દક્ષિણેશ્વર તરફ પાછા ફરતી વખતે શ્રીરામકૃષ્ણે મારવાડી ભક્તો દ્વારા આયોજિત અન્નકૂટ ઉત્સવના સંદર્ભે વાતો કરતાં કહ્યું, ‘તમે મૂર્તિને બહાર લેવા સમયે તેમના આનંદને જોયો? તેઓ એવી રીતે ખુશખુશાલ હતા કે જાણે સાક્ષાત્ ભગવાનનું સિંહાસન પોતાના ખભા પર લઈને જઈ રહ્યા હોય!’

ત્યાર બાદ તેઓએ એક વિશેષ વાત કરી, ‘હિન્દુ ધર્મ જ સનાતન છે. આજકાલ જે સંપ્રદાય અને જૂથો જોઈ રહ્યા છો તે સર્વ તેમની ઇચ્છાથી ઉદ્ભવીને સમાપ્ત થઈ જશે. તેથી હું કહું છું કે, આધુનિક જે સૌ કોઈ ભક્ત છે તેમનાં ચરણોમાં પ્રણામ છે. હિન્દુ ધર્મ પ્રારંભથી છે અને કાયમ રહેવાનો પણ.’

આ સદાચારી મારવાડી ભક્ત કોણ હતા કે જેમને શ્રીરામકૃષ્ણ પ્રત્યે આટલી શ્રદ્ધા હતી? તે વિદ્વાન પંડિત કોણ હતા કે જેની સાથે શ્રીરામકૃષ્ણે હિન્દીમાં વાર્તાલાપ કર્યો? શું મયૂરમુકુટધારીનું મંદિર આજે પણ છે? કથામૃતનું પાન કરવાવાળા ભક્તોને આ પ્રશ્ન ઉદ્ભવે તે સ્વાભાવિક છે. આમાંથી કંઈક ઉત્તર મેળવવાની આશાએ લેખક એક સાંજે (સન ૧૯૮૭માં) કોલકાતાના બડાબજારની મલ્લિક સ્ટ્રીટમાં ગયા. પરંતુ તેમનો મલ્લિક સ્ટ્રીટના ઘર નં. ૧૨, જ્યાં શ્રીરામકૃષ્ણ પધારેલ તે શોધવાનો પ્રયત્ન સફળ ન રહ્યો. તે વિસ્તારનું પોલિસથાણું પણ આ સંદર્ભે તેમની કોઈ મદદ ન કરી શક્યું. કેટલાક દિવસો પછી તેઓ તે સ્થાનને શોધવાનો દૃઢ નિશ્ચય કરી ફરી ત્યાં ગયા. જ્યારે પૂછ્યું કે અહીં કોઈ ઘરમાં સો વર્ષ પહેલાં શ્રીરામકૃષ્ણ પધારેલ? લોકોએ મજાના પ્રશ્નો કર્યા – ‘શ્રી રામકૃષ્ણ કોણ હતા? તેઓ કયા વેપારથી જોડાયેલ હતા? વગેરે વગેરે…’

કોલકાતાના વેપારી સમુદાયની શ્રીરામકૃષ્ણદેવના સંબંધે અજ્ઞાનતા જાણી નિરાશ થઈ લેખકે એવું જાણવાનો પ્રયાસ કર્યો કે શું કોઈ ઘરના ત્રીજા મજલા પર મયૂરમુકુટધારીનું મંદિર હતું કે? ઊંડી શોધખોળ કર્યા બાદ લોકોએ એક રહેઠાણ બતાવ્યું કે જેનું નામ ‘કાલી ગોદામ’ હતું. સીડી ચડી જ્યારે લેખક ઉપરના મજલે પહોંચ્યા તો મયૂરમુકુટધારીનું મંદિર જોઈ આનંદના અતિરેકથી વિહ્વળ બની ગયા. અહીં છતના એક ભાગના ઓરડામાં મંદિર આવેલ હતું. ઓરડાના પશ્ચિમ ભાગમાં ગર્ભગૃહ હતું, જ્યાં અનેક મૂર્તિઓ હતી. વચ્ચે શ્રીકૃષ્ણની મૂર્તિ હતી જેના મસ્તક ઉપર મયૂરપંખથી શોભતો મુકુટ હતો. મંદિરના પૂજારી શ્રીદુર્ગાદત્તે (જે ૧૫ વર્ષથી પૂજાપાઠ કરી રહ્યા હતા) જણાવ્યું કે તેમણે પોતાના પૂર્વપંડિત પાસેથી આ સાંભળેલ હતું કે શ્રીરામકૃષ્ણ આ મંદિરમાં પધાર્યા હતા. શ્રી ચિરંજીલાલ ભવસિંઘકા જે મે. તારાચંદ ઘનશ્યામદાસ ફર્મના મુખ્ય મુનીમ (ચિફ મેનેજર) છે અને રહેઠાણના માલિક છે તેઓએ ઘટસ્ફોટ કર્યો કે કેટલાંય વર્ષો પહેલાં ઘરનો નંબર ૧૨માંથી બદલીને ૧૮ કરાયો હતો.

એક સૈકા પૂર્વે મે.તારાચંદ ઘનશ્યામદાસ એવડી મોટી પેઢી હતી કે થોમસ એ ટિમ્બર્ગે પોતાના પુસ્તક ’The Indian Economic and Social History Review’માં એના માટે એક અલગ પ્રકરણ લખ્યું હતું. એનું શીર્ષક છે ‘તારાચંદ ઘનશ્યામદાસ-એક વિશાળ મારવાડી ફર્મ.’ તે પ્રમાણે પહેલા વિશ્વયુદ્ધ પહેલાં જ તારાચંદ ઘનશ્યામદાસે ૧૮, મલ્લિક સ્ટ્રીટની કાલી ગોદામની આખી મંજિલ ખરીદીને તેમાં પોતાની પેઢી સ્થાપી હતી. કાલી ગોદામ જૂના અફીણના વ્યાપાર કેન્દ્રની નજીક આવેલ છે અને સંભવત : ૧૮૭૦ના દશકમાં તે કેન્દ્ર બન્યું હતું. એનો અર્થ એ છે કે પેઢીની પાસે આઠથી વધારે ઓરડા છે અને એ વચ્ચેના ખૂલા આંગણા તરફની બાલ્કનીમાં ખૂલે છે. વળી આ પેઢીના માલિક અને પોદ્દાર પરિવારના એક વારસ શ્રી હનુમાનપ્રસાદ પોદ્દારના મત પ્રમાણે આ બિલ્ડીંગ ૨૦૦ વર્ષ જૂનું છે. ૧૫૦ વર્ષ પહેલાં એને મેસર્સ તારાચંદ ઘનશ્યામદાસે ખરીદ્યું હતું.

પેઢીના માલિક પોદ્દાર પરિવારના પૂર્વજ રાજસ્થાનના ચુરુના નિવાસી હતા. આ પરિવાર અચાનક ધનવાન કેવી રીતે બન્યો એની એક મજાની વાત છે. શ્રી ભગોતીરામ ચુરુના એક સામાન્ય માણસ હતા. એક દિવસ કેટલાક ચોરોએ ક્યાંકથી સોનાનાં ઘણાં વાસણોની ચોરી કરી તથા ચુરુમાં આવીને આશ્રય લીધો. અકસ્માત એ ચોરોનો પીછો કરવામાં આવ્યો અને બધો માલ છોડીને તેઓ ભાગી છૂટ્યા. પછીના દિવસે ચોરાયેલા માલની હરાજી થઈ. હવે ભગોતીરામ સિવાય આ વાત કોઈ જાણતું ન હતું કે ચોરીના માલમાં સોનાનાં કીમતી વાસણો હતાં. એટલે એમણે આ બધા માલની બોલી લગાડી અને સસ્તા દામે માલ ખરીદી લીધો. આમ તેઓ રાતોરાત ધનવાન બની ગયા.

ચતુર્ભુજ ભગોતીરામના સૌથી મોટા પુત્ર હતા. ચતુર્ભુજના બીજા પુત્ર તારાચંદ પોદ્દાર ઉદ્યમી હતા અને એમણે અનેક સ્થળે વ્યવસાય શરૂ કર્યા હતા. તારાચંદના પ્રપૌત્ર ઘનશ્યામદાસ (ગુરુ સહાયમલના પુત્ર) પણ ઘણા પરિશ્રમી હતા. આ રીતે વિશાળ મારવાડી પેઢી ‘તારાચંદ ઘનશ્યામદાસ’ના શ્રીગણેશ થયા હતા. ઘનશ્યામદાસને છ પુત્રો હતા. તે પૈકીના એક પુત્ર મુરલીધરે સંન્યાસ લીધેલ. એક અન્ય પુત્ર લક્ષ્મીનારાયણ પોદ્દાર ઘણા જ સાત્ત્વિક વૃત્તિ દાખવનાર વ્યક્તિ હતા. તેમણેે વૃંદાવનની પાસે બરસાનામાં રાધાકૃષ્ણનું સુંદર મંદિર બંધાવ્યું અને પોતાના જીવનના અંતિમ દિવસો ગહન આધ્યાત્મિક સાધનામાં વિતાવ્યા હતા. તેમનું મૃત્યુ ૧૮૮૭માં થયું હતું.

ઘનશ્યામદાસના બીજા એક પુત્ર શ્રીરાધાકૃષ્ણ પોદ્દાર ઘણા ધાર્મિક વૃત્તિના હતા. તેઓ ગૃહત્યાગ કરીને ચિત્રકૂટ ચાલ્યા ગયા હતા અને એમણે પોતાના જીવનનો ઉત્તરાર્ધકાળ એકાંતવાસમાં આધ્યાત્મિક સાધનાઓમાં વિતાવ્યો હતો. એમનું મૃત્યુ સન ૧૯૧૯માં થયું હતું. રઘુનાથ પ્રસાદ, જાનકી પ્રસાદ, લક્ષ્મણ પ્રસાદ, હનુમાન પ્રસાદ એ નામના શ્રીરાધાકૃષ્ણ પોદ્દારને ચાર પુત્રો હતા. ૧૮ મલ્લિક સ્ટ્રીટના જે ઘરમાં શ્રીરામકૃષ્ણ પધાર્યા હતા તે ઘર લક્ષ્મણ પ્રસાદ પોદ્દારના ભાગે આવ્યું હતું.

હવે એવો પ્રશ્ન સ્વાભાવિક છે કે આ ચારમાંથી કોણે શ્રીરામકૃષ્ણને અન્નકૂટ ઉત્સવમાં આમંત્ર્યા હતા? શ્રીજાનકી પ્રસાદ પોદ્દાર કે જેઓ પોદ્દાર પરિવારના વરિષ્ઠ સભ્ય છે, તેમણે લેખકને જણાવ્યું કે સન ૧૯૦૦ સુધી આ માલિકોમાંથી કોઈ કોલકાતા આવ્યા ન હતા. એમના મત પ્રમાણે આ પેઢીના મુખ્ય મુનીમ કે જેને પ્રચલિત રીવાજ પ્રમાણે માલિક જ કહેવામાં આવે છે, તેણે શ્રીરામકૃષ્ણને આમંત્રણ આપ્યું હશે. એનું કારણ એ છે કે આ પેઢીની ભારતભરમાં અનેક સ્થળે શાખાઓ છે અને મુખ્ય મુનીમ જ એનો કારભાર ચલાવે છે. તો પછી ૧૮૮૪માં એ પેઢીના મુખ્ય મુનીમ કોણ હતા? આ પ્રશ્ન અનેક લોકોને પૂછવામાં આવ્યો પણ કોઈપણ વ્યક્તિ એનો નિશ્ચયપૂર્વક ઉત્તર આપી ન શકી. વળી તત્સંબંધી રેકોર્ડ પણ પ્રાપ્ય ન બન્યો. મુખ્ય મુનીમનાં બે સંભવિત નામ બતાવવામાં આવ્યાં તે છે- મુનીમ શ્રી જયનારાયણ પોદ્દાર અને મુનીમ શ્રીહરદત્તરાય પ્રહ્‌લાદકા. શ્રી બાલચંદ મોદીના મત પ્રમાણે શ્રી જયનારાયણ પોદ્દાર ૧૮૯૭ની આસપાસ મુખ્ય મુનીમ બનીને કોલકાતા આવ્યા હતા. એટલે એમના દ્વારા ૧૮૮૪માં શ્રીરામકૃષ્ણને આમંત્રિત કરવાની સંભાવના એની મેળે જ રદ થઈ જાય છે. થોમસ એ. ટિમ્બર્ગના મત પ્રમાણે હરદત્તરાય પ્રહ્‌લાદકા ‘તારાચંદ ઘનશ્યામદાસ’ની પેઢી સાથે સન ૧૮૬૦માં જોડાયા હતા. ત્યાર પછી તેઓ રામગઢ અને મથુરા શાખાઓમાં સ્થળાંતરિત થયા હતા અને પછી એમણે પેઢીમાંથી રાજીનામું આપી દીધું અને અંતે ૧૮૯૬માં એ જ પેઢીના મુખ્ય મુનીમ બનીને કોલકાતા પાછા ફર્યા. સંભાવના છે કે એ સમયે હરદત્તરાય પ્રહ્‌લાદકા જ પેઢીની કોલકાતા શાખાના મુખ્ય મુનીમ હતા અને એમણે શ્રીરામકૃષ્ણને આમંત્રણ આપ્યું હતું. શ્રી ચતુર્ભુજ ભંડારીના કહેવા પ્રમાણે શ્રી હરદત્તરાય એક યોગ્ય વેપારી હતા અને ઉદાર મનવાળા ધાર્મિક માનવ પણ હતા. એમણે ‘હરદત્તરાય પ્રહ્‌લાદકા એંગ્લો વર્નાક્યુલર મિડલસ્કૂલ’ અને ‘હરદત્તરાય પ્રહ્‌લાદકા હોસ્પિટલ, રામગઢ’ (તેઓ રામગઢના નિવાસી હતા)ને એક લાખથી વધારે રૂપિયાનું દાન આપ્યું હતું. લિખિત પ્રમાણના અભાવે સાવ નિશ્ચયપૂર્વક કહેવું કે હરદત્તરાય પ્રહ્‌લાદકા જ એ સમયના મુખ્ય મુનીમ હતા એ સંભવ નથી.

જ્યાં સુધી એ વિદ્વાન પંડિતનો પ્રશ્ન છે કે જેમની સાથે શ્રીરામકૃષ્ણનો વાર્તાલાપ થયો હતો એ વિશે અમારું દૃઢ માનવું છે કે તેઓ ચોક્કસપણે ભાગવતના વિદ્વાન હશે. ૨, ઓક્ટોબર ૧૮૮૪ના દિવસે બડાબજારના કેટલાક મારવાડી ભક્તો દક્ષિણેશ્વર પધાર્યા હતા. સંભવત : ૧૨ મલ્લિક સ્ટ્રીટના ગૃહસ્વામી આ દળ સાથે શ્રી રામકૃષ્ણને અન્નકૂટ ઉત્સવ માટે આમંત્રણ આપવા ગયા હશે. આ મારવાડી ભક્તો વિશે શ્રીરામકૃષ્ણની ઉક્તિ છે ‘અહા, તેઓ ઈશ્વરના આદર્શ ભક્તો છે! તેઓ દર્શનાર્થે મંદિરમાં જાય છે, કીર્તન કરે છે, પ્રસાદ મેળવે છે અને આ વર્ષે એમણે જેને પૂજારીરૂપે પસંદ કર્યા છે તેઓ છે ભાગવતના વિદ્વાન.’ પંડિત રામગોપાલ શર્મા કાલી ગોદામ ભવનના એક ઓરડામાં સન ૧૯૫૧થી રહે છે. લેખક સાથે થયેલ વાતચીત દરમ્યાન એમણે જણાવ્યું હતું કે જે પંડિતે શ્રીરામકૃષ્ણ સાથે વાતચીત કરી હતી તે પંડિત શિવદત્ત શાસ્ત્રી અથવા પંડિત બાલાચંદ્ર શાસ્ત્રી હોઈ શકે. એ બન્ને સંસ્કૃતના તથા ભાગવતના પ્રકાંડ પંડિત હતા અને ‘કાલી ગોદામ’ના માલિક હરદત્તરાય પ્રહ્‌લાદકાના વતન રામગઢના નિવાસી હતા. પરંતુ લિખિત પ્રમાણના અભાવે આ સંબંધે ક્યા પંડિત સાથે શ્રીરામકૃષ્ણે વાર્તાલાપ કર્યો હતો એ વિશે નિશ્ચયપૂર્વક કહેવું અમારા માટે સંભવ નથી.

આજે પણ આ મંદિરમાં મયૂરમુકુટધારીનો અન્નકૂટ ઉત્સવ દર વર્ષે ઉજવાય છે. આ લેખ દ્વારા અમારો ઉદ્દેશ એ છે કે શ્રીરામકૃષ્ણ દ્વારા કરાયેલ આ મંદિરની ઐતિહાસિક મુલાકાત તથા ભવનના માલિક (મુનીમ) તેમજ વિદ્વાન પંડિત સાથે થયેલ રોચક વાર્તાલાપથી પ્રેરણા પ્રાપ્ત કરીને લોકો ધર્મલાભ પામે.

Total Views: 385

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.