માત્ર થોડાં કદમ આગળ… અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી નીરવ શાંતિ છવાયેલી છે. વિશાળ સંમેલનને આવરી લેતો એક જ દૃષ્ટિપાત અને ઓષ્ઠમાંથી વાણીનું સંચારણ થાય છે. અવાજ – મધુર, ગંભીર તથા સુસ્પષ્ટ છે – ‘અમેરિકાવાસી બહેનો તથા ભાઈઓ!’

પ્રથમ શબ્દો બોલાઈ ચૂક્યા છે અને આ શબ્દો ધર્મોના ઇતિહાસમાં દૂરસુદૂર સુધી જશે – ‘અમેરિકાવાસી બહેનો તથા ભાઈઓ!’

એક વીજળીનો આંચકો શ્રોતાગણમાંથી પસાર થઈ ગયો. અહીં જ એ પ્રેરણા હતી, એક હૃદય વિશ્વની સામે પોતાને ખુલ્લું મૂકી રહ્યું હતું. અહીં માત્ર અડધા જ વાક્યમાં એક પ્રાચીન પ્રજાની સંસ્કૃતિએ પોતાની જાતને અભિવ્યક્ત કરી. અદૃશ્ય હાથ જોડાઈ ગયા. એક વિશ્વ-આત્માએ માનવહૃદયના સૌથી ઉમદા અને સુંદરતમ તારને સ્પર્શ કર્યો. ‘અમેરિકાવાસી બહેનો તથા ભાઈઓ!’ શબ્દો ઓછા હતા, પણ એમાં એ માનવ પ્રગટ થઈ ઊઠ્યો.

ક્ષણમાત્રમાં વિશ્વધર્મ પરિષદે પોતાનો સાક્ષાત્કાર કર્યો. એનો આશય, એનો ઉદ્દેશ-ધ્યેય આ એક અભિવ્યક્તિમાં સમાઈ રહ્યાં : ‘અમેરિકાવાસી બહેનો તથા ભાઈઓ!’ દેદીપ્યમાન ઉચ્ચારો ! પૂર્વએ પશ્ચિમનો સ્પર્શ કરી લીધો, અલગતાને જન્માવતા સમુદ્રો સુકાઈ ગયા, વિશ્વ એક થઈને ઊભું રહી ગયું. ઓછામાં ઓછું એક ટૂંકી ક્ષણ માટે અંતરાયો છૂટી ગયા, ચામડીના રંગ વિસરાઈ ગયા, પોશાકનો ભેદ પડતો મુકાયો, રીતભાતની વિશિષ્ટતાનું કોઈ મૂલ્ય ન રહ્યું; માનવ માનવની સન્મુખ આવીને ઊભો રહ્યો.

ઉપર ટાંકેલ વર્ણન ‘પ્રબુદ્ધ ભારત’માં પ્રસિદ્ધ થયેલ એક લેખમાંથી લેવામાં આવ્યું છે જે સૂચવે છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં ‘શબ્દો’ અખિલજગતને એક કરી શકે છે, જ્યારે એ અદ્વિતીય સ્વાભાવિકતા અને હૃદયના ઊંડાણમાંથી બોલાયા હોય; અને શી નવાઈ, જ્યારે બોલનાર વ્યક્તિ સ્વામી વિવેકાનંદ જેવી હોય! તો પછી એમના જ શબ્દોમાં જોઈએ તો – જ્યારે રાસાયણિક તત્ત્વોને એકસાથે મૂકી દેવામાં આવે ત્યારે પ્રક્રિયા આપોઆપ થવાની જ…

એ રાસાયણિક તત્ત્વો કયાં હતાં એ જાણવાનો આપણે માત્ર એક નાનો એવો પ્રયાસ કરી શકીએ.

આ પ્રશ્ન વિશે અથવા સ્વામીજીનાં પોતાનાં ભાષા-પ્રયોજન તથા પ્રત્યાયન શૈલી વિશે વાત કરતા પહેલાં, આ બાબતને થોડા અલગ દૃષ્ટિકોણથી જોતાં, એવો પ્રશ્ન કરી શકાય કે પોતાના વિચારોને ઉત્તમ રીતે પહોંચતા કરવા માટે સ્વામીજીએ કયા પ્રકારની ભાષા પ્રયોજવી જરૂરી હતી? સરળ, અપ્રચલિત, આલંકારિક, કાવ્યાત્મક, પ્રવાહી, દુર્બાેધ અથવા આ બધાનું સંમિશ્રણ? વર્ષો પૂર્વે આનો જવાબ એરિસ્ટોફેન્સ નામક ચિંતકે આપેલો છે. તેઓ કહે છે, ‘ઉદાત્ત વિચારો ઉદાત્ત શબ્દોમાં વ્યક્ત થવા જોઈએ.’ સ્વામીજીની પોતાની ભાષાપ્રયોજનની સંકલ્પના શી હતી? તેમણે કહ્યું હતું, ‘સરળતા એ જ રહસ્ય છે. ભાષા માટેનો મારો આદર્શ મારા ગુરુદેવની ભાષાનો છે – સૌથી વધારે સહજ છતાં સૌથી વધારે અર્થપૂર્ણ. જે વિચાર વ્યક્ત કરવાનો આશય હોય એને જ તેણે રજૂ કરવો જોઈએ.’

અહીં સ્વામીજી સરળતા માટેની પોતાની અગ્રિમતા બતાવે છે. પરંતુ એવું ભાસે છે કે ભાષાનું એમનું પ્રયોજન એ અમુક જ વર્ગના મથાળા તળે બાંધી ન શકાય; એવું કહેવું અસ્થાને નહીં ગણાય કે જો એમના ગુરુદેવની ભાષાનું વૈશિષ્ટ્ય એ સરળતા, સ્પષ્ટતા, મધુરતા, અનૌપચારિકતા તથા એક બેજોડ સ્વાભાવિકતામાં રહેલું છે, તો સ્વામીજીની ભાષાની સંુદરતા અલગ અલગ પાસામાં રહેલી છે જેને વર્ણવવાનું કે જુદાં પાડવાનું કાર્ય કઠિન છે. એ માત્ર ભારપૂર્વકની રજૂઆત કે વક્તૃત્વની વિશિષ્ટતા નથી કે નથી માત્ર કાવ્યમય શૈલી કે આલંકારિક પ્રયોગ કે જે સ્વામીજીની ભાષાનાં લક્ષણો તરીકે ઉપસે છે. હકીકતમાં સ્વામીજીનો શ્રોતાગણ તેમની ભાષાના પ્રભાવ, ઉદાત્તતા તથા તેજસ્વીતા સામે દંગ રહી જાય છે. જેમ ઘણા બધા પાસા વડે એક હીરાનો આકાર ઊભરી આવે છે, તેમ ઘણાં બધાં તત્ત્વો એકી સાથે એક અપૂર્વ ભંડારની રચનામાં સમ્મિલિત થાય છે જેમાંથી એક પછી એક અસાધારણ શબ્દરચનાઓનો એકદમ સ્ફોટ થાય છે અને આસપાસનું સર્વકંઈ પ્રકાશ અને ભવ્યતાથી ભરાઈ જાય છે. આ સંદર્ભમાં તેમના શબ્દો જોઈએ તો, ‘આ પૃથ્વી ઉપર કલ્યાણમયી પુણ્યભૂમિ તરીકે જેને ઓળખાવી શકાય, બધા જીવાત્માઓને પોતાનાં કર્મોનો હિસાબ ચૂકવવા જે ભૂમિ ઉપર આવવું જ પડે, જ્યાં પરમાત્માને પંથે પ્રયાણ કરી રહેલા દરેક જીવાત્માએ પોતાનું અંતિમ ધામ પ્રાપ્ત કરવા માટે આવવું જ પડે, જ્યાં માનવતાએ મૃદુતાની, ઉદારતાની, પવિત્રતાની, શાંતિની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હોય, સૌથી વિશેષ અંતર્મુખતાની અને આધ્યાત્મિકતાની જો કોઈ ભૂમિ હોય તો તે ભારત ભૂમિ છે.’

અહીં ભાષાની આલંકારિકતાના પ્રભાવક વહાવની સાથોસાથ સરળ ભાષાનો પ્રયોગ પણ જોઈ શકાય છે. શબ્દોની પસંદગી સંદર્ભની જરૂરિયાત પ્રમાણે બદલાય છે. પરંતુ ક્યાંય પણ સહેજેય અકુદરતીપણું જણાતું નથી કે નથી વિચારોની અભિવ્યક્તિ માટે અનુભવાતી મૂંઝવણનું દર્શન. વસ્તુત : જે જોવા મળે છે તે છે વાક્છટાની સરળ લભ્યતા અને ભાષણમાં એક સીધા સંવાદનો અભિગમ. પોતાની વાતને સજ્જડ રીતે એકત્ર કરીને, સાંભળનારનાં મનમાં ઉતારી દેવાની ક્ષમતા એમની વાણીમાં છતી થાય છે. તેમણે કહ્યું હતું, ‘મારા શબ્દો પ્રાણ છે, જીવન છે… તમારા મસ્તકમાં એ અગ્નિ પ્રવેશ કરશે અને તમે તેમાંથી છટકી નહીં શકો.’

અહીં એ નોંધવું આવશ્યક છે કે સ્વામીજીના કિસ્સામાં વક્તાને એની વાણીથી તથા વ્યક્તિને તેની રજૂઆત અને જે મન-આત્મામાંથી એ ભાષાની ઉત્પત્તિ થાય છે એનાથી જુદાં પાડવાં એ ખરેખર કઠિન બની જાય છે. જે તે સમયે જેમણે તેઓને પ્રત્યક્ષ સાંભળેલા, તેઓ તેમના વક્તવ્યનું વર્ણન લગભગ દરેક વખતે તેમના ભવ્ય વ્યક્તિત્વના વર્ણનની સાથે જ કરે છે.

અજાણ્યા દેશમાં ઊતર્યા બાદ જ્યારે તેમની પાસે વિશ્વ ધર્મપરિષદમાં પ્રતિનિધિ તરીકે ભાગ લેવાનું પ્રમાણપત્ર ન હતું ત્યારે ડૉ. જે. એચ. રાઈટે તેમને કહ્યું હતું, ‘સ્વામીજી, તમારી પાસેથી પ્રમાણપત્રો માગવાં એ તો સૂર્યને પ્રકાશવા માટેનો એનો હક્ક જણાવવા કહેવું એના જેવું છે.’ સ્વામીજીના ભાષાપ્રયોજનને માટે તો આવું જ કહી શકાય, જે પોતે જ પોતાની ઓળખ આપે છે. મહાન ગ્રીક સમાલોચક લોન્જાઈન્સે ‘ઉદાત્ત’ ભાષાની વ્યાખ્યા આપતાં નોંધ્યું છે કે ‘તે વક્તાઓ તથા કવિઓ માટે શ્રેષ્ઠતાનું ચિહ્ન છે.’ લોન્જાઈન્સના મતે શ્રોતા ઉપર ઉદાત્ત વ્યાખ્યાનની ઉદાત્ત અસર નીપજે છે તથા ખરેખરું ‘ઉદાત્ત’ તો ‘શ્રોતાના આત્માને ઊંચે ઉઠાવીને લઈ જાય છે (the ‘true’ sublime transports the soul of the hearers), એને આનંદ તથા ગર્વથી ભરી દે છે, જાણે કે જે કંઈ બોલાયું એ તેના પોતાના આત્માનું જ સર્જન હોય…’

અંતમાં એ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય કે સ્વામીજીની ભાષા પોતે જ એક વર્ગનું સૃજન કરે છે. શ્રેષ્ઠતાના સામાન્ય કોટિના આદર્શોને એ સહજ જ

વટાવી જાય છે અને ભાષારૂપી સાધન તેમના વડે પ્રયોજાઈને એક આશ્ચર્યકારક અને અસરકારક ઉદાહરણ પૂરું પાડે છે. સ્વામીજી એમના વિચારોને એ રીતે શબ્દબદ્ધ કરે છે કે જ્યાં કાગળ પર તેમનું વ્યાખ્યાન પૂરું થતું હોઈ શકે પરંતુ શ્રોતાના મન તથા હૃદયમાં એ ગુંજી ઊઠે છે, નહિ કે તે હવામાં લોપ પામી જાય. તેમના વિચારોની ભવ્યતા કે શ્રેષ્ઠતા વિશે અભિપ્રાય આપવો એ કઠિન વાત છે પરંતુ ભાષાની ભવ્યતા અને શ્રેષ્ઠતાની વાત આવે ત્યારે જે કંઈ શ્રેષ્ઠતમ, સુંદરતમ અને સર્વથી ઉદાત્ત છે એના વક્તા સ્વામીજી છે અને રહેશે.

Total Views: 315

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.