સ્વામી વિવેકાનંદના ધ્વન્યાલેખન વિશેની એક સંશોધનાત્મક સ્પષ્ટતા

૧૮૯૩માં શિકાગોના વૈશ્વિકમંચ પરથી ભારતવર્ષનું ગૌરવગાન કરનાર સ્વામી વિવેકાનંદને અમેરિકાના લોકો તરફથી મળી રહેલ માન-સન્માન તથા પ્રાપ્ત ખ્યાતિ સંદર્ભે સ્વામીજીએ ૧૮૯૪માં સ્વામી રામકૃષ્ણાનંદજીને એક પત્રમાં લખ્યું હતું-

” I want no name – I want to be a voice without form… the Lord be praised. I know nothing.”

ઉલ્લેખનીય છે કે ૧૨૨ વર્ષ પહેલાં શિકાગોમાં અપાયેલાં સ્વામીજીનાં વ્યાખ્યાનો વિવિધ વ્યક્તિઓ દ્વારા નોંધાયાં, સચવાયાં, છપાયાં અને એ રીતે આપણા સુધી લેખિત માધ્યમથી પહોંચ્યાં છે. અને એમનાં એ જ વ્યાખ્યાન તથા લખાણોમાંથી આજ સુધી અનેક વ્યક્તિઓએ પ્રેરણા, ઉત્સાહ તથા જીવનોપયોગી માર્ગદર્શન મેળવ્યાં છે.

ગુલામીકાળની અવસ્થામાંથી સ્વાતંત્ર્યપ્રાપ્તિ તરફ આપણા દેશને લઈ જવામાં વાસ્તવમાં ‘પ્રિન્ટ મીડિયા’નું યોગદાન મહત્ત્વનું ગણી શકાય.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં થયેલ વિકાસને પગલે પ્રગતિ સાધી રહેલ માનવસમાજે જાણે કે એક નવી ક્રાંતિ તરફ મીટ માંડી છે. સાથોસાથ નવી સદીનાં વિજ્ઞાન અને ટેકનોલોજીને સાથે રાખીને ઇતિહાસ તથા સંસ્કૃતિના વારસાનું જતન કરવાના પ્રયત્નો થતા જોઈ શકાય છે. આ બધાંની વચ્ચે વિજ્ઞાનને ઉપયોજીને જીવનને ઉદાત્ત બનાવવાના પ્રયાસોની વચ્ચે, આ બાબત કદાચ અગત્યની બની જાય છે કે વ્યક્તિ કોઈનાથી પણ દોરવાયા વગર પોતાના તર્કવિચાર વડે સારાસારની સમજને વળગી રહે. ઓગસ્ટ ૨૦૧૦ના ‘વેદાંત કેસરી’માં છપાયેલ એક લેખમાં આ પ્રકારની એક વાત સૂચક અને વિશ્લેષણાત્મક રીતે મૂકવામાં આવી છે. આ લેખના કેટલાક અંશોને પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.

સ્વાભાવિક રીતે જ વિજ્ઞાન-પ્રૌદ્યોગિક ક્ષેત્રે અન્ય પૌર્વાત્ય દેશોથી આગળ એવા અમેરિકાના પ્રખ્યાત શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વકક્ષાની ધર્મપરિષદ જેને કારણે ઐતિહાસિક બની ગઈ એ સ્વામી વિવેકાનંદનાં કોઈ વ્યાખ્યાનો જે તે સમયે રેકર્ડ થયેલાં કે કેમ એ અંગે જાણવાનો પ્રયાસ ઉપરોક્ત લેખના લેખક શ્રી એમ. એસ. નન્જુન્દીઆએ કરેલો છે તથા ખાસ આ સંદર્ભમાં કરવામાં આવેલ સંશોધનોનો આધાર લઈને તેમણે કેટલીક બાબતો અંગે સ્પષ્ટતા પૂરી પાડેલ છે.

સ્વામીજીની પશ્ચિમના દેશોની મુલાકાત પર સંશોધન કરનાર જાણીતાં સંશોધનકાર મેરી લુઈસ બર્કે જાન્યુઆરી ૧૯૯૪માં બેલુર મઠની પોતાની મુલાકાત વખતે રામકૃષ્ણ મઠ-મિશનના તત્કાલીન જનરલ સેક્રેટરી સ્વામી પ્રભાનંદજી સાથે આ બાબતની ચર્ચા કરતાં જણાવેલ કે તેમનાં પોતાનાં તથા અન્ય બે સંશોધનકારોનાં સંશોધનો મુજબ સ્વામીજીનાં વ્યાખ્યાનોનું ધ્વન્યાલેખન થયું નથી. એ જ રીતે આર્ટ ઇન્સ્ટિટ્યૂટ આર્કાઇવ્સ, શિકાગો તથા શિકાગો હિસ્ટોરિકલ સોસાયટીની રિસર્ચ વીંગ સાથે ઇ-મેઈલ દ્વારા સીધો પત્રવ્યવહાર કરીને લેખકે માહિતી મેળવી હતી કે પરિષદ દરમિયાન કોઈ રેકોર્ડિંગ થયાં ન હતાં. વિવેકાનંદ વેદાંત સોસાયટી, શિકાગોમાંથી સ્વામી ચિદાનંદ પાસેથી એવું જાણવા મળ્યું કે તેમણે આ અંગે તપાસ કરી હતી, પરંતુ સ્વામીજીના અવાજનાં એવાં કોઈ રેકોર્ડિંગ્સ ઉપલબ્ધ નથી.

વિશેષમાં ૧૮૯૩ના સમયે ધ્વન્યાલેખન માટે વપરાતાં તથા ઉપલબ્ધ વૈજ્ઞાનિક ઉપકરણોની સમીક્ષા કરવામાં આવતાં સદર લેખકને જણાયું કે તે સમયે અવાજનું રેકોર્ડિંગ કરવા માટે વ્યક્તિ એક યંત્રની ભૂંગળીમાંથી બોલે ત્યાર બાદ એની સાથે જોડાયેલ પડદા પરની સોય અવાજનાં આંદોલનોને એ યંત્ર ફરતા નળાકાર ભાગ કે સિલીન્ડર પર આલેખિત કરતી. તેમજ માત્ર બે થી ત્રણ મિનિટનું રેકોર્ડિંગ એ સમયે થઈ શકતું. ડિસ્ક ઉપર અવાજને અંકિત કરી શકતા. ‘બર્લીનર ગ્રામોફોન’માં માત્ર બે જ મિનિટનું રેકોર્ડિંગ થતું. આ જ ગ્રામોફોન ૧૮૯૪ની સાલમાં અમેરિકામાં પ્રચલિત થયું હતું.

તાજેતરમાં ઇન્ટરનેટનાં માધ્યમથી વહેતાં થયેલ ઓડિયો-વીડિયો રેકોર્ડિંગને સ્વામીજીના અવાજના રેકોર્ડિંગ તરીકે બતાવવામાં આવેલ છે. પરંતુ એનાં વિવિધ પાસાંનું અવલોકન કરતાં જણાય છે કે એ સાચંુ ન હોઈ શકે. એક તો આ રેકોર્ડિંગ ઉપરોક્ત બે કે ત્રણ મિનિટના સમય કરતાં વધુ સમયનું છે. જેમાં સ્વામીજીનો પરિચય કોઈ મહિલા આપે છે. પરંતુ આલાસિંગા પેરુમલને એક પત્રમાં સ્વામીજીએ પોતે લખ્યું હતું કે ધર્મપરિષદમાં તેમનો પરિચય ડૉ. બેરોઝે આપ્યો હતો.

‘અમેરિકાનાં મારાં બહેનો અને ભાઈઓ’ ના સંબોધનને તાળીઓ દ્વારા મળેલા પ્રતિસાદનો વાસ્તવિક સમય બે મિનિટનો હતો. જ્યારે આ રેકોર્ડિંગમાં તે થોડી સેકંડો સુધીનો છે. ‘એડિસન સિલીન્ડર’ જેવાં ઉપકરણોની મદદથી થયેલ એ સદીનાં રેકોર્ડિંગમાં અવાજોનું મિશ્રણ જોવા મળે છે. અને પાછળનાં વર્ષોમાં આ મિશ્રિત અવાજોને હટાવીને એની સ્પષ્ટતાની માત્રા વધારવા જતાં અવાજ બગડી જતો જોવા મળે છે. જ્યારે આ રેકોર્ડિંગમાં આવી કોઈ અસર નોંધાતી નથી. આમ આ તમામ દૃષ્ટિએ જોતાં સ્વામીજીનું આ ધ્વન્યાલેખન અસલ કે પ્રમાણભૂત ગણાવી ન શકાય, એમ સૂચવવામાં આવ્યું છે.

Total Views: 321

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.