સરયૂબાલાદેવીની નોંધ :

જેમ જેમ દિવસ ચઢતો ગયો તેમ તેમ ત્યાં એકઠી થયેલી સ્ત્રીઓ એક પછી એક રજા લેવા લાગી.

ધીમે ધીમે સાંજ પડી. શ્રીમાએ રાધુ, માકુ અને બીજાંને તેમની પ્રાર્થના કરવાને માટે પ્રાર્થના-ખંડમાં બોલાવ્યાં. જ્યારે તેઓ મોડાં પડ્યાં ત્યારે શ્રીમાએ જરા નારાજ થઈ કહ્યુંું, “જુઓ આ લોકોને, સાંજની પ્રાર્થનામાં બેસવાને બદલે તેઓ કેવાં આમતેમ ફરે છે!’ પછી તરત તેઓ આવ્યાં.

પૂજ્યપાદ ગોલાપમા, જોગીનમા અને બીજાં બધાં સાંજે શ્રીમાને પ્રણામ કરવા આવ્યાં અને તેમણે તેમનો હાથ તે લોકોના મસ્તક ઉપર મૂક્યો અનેે આશીર્વાદ આપ્યા. કેટલાકને હડપચીએ સ્પર્શ કર્યો અને પછીથી પોતાના હાથને ચુંબન કર્યું. બીજાને તેમણે હાથ જોડીને નમસ્કાર કર્યા. પછી તેમણે ઠાકુરને વંદન કર્યું અનેે એક સાદડી પાથરીને તેના ઉપર જમવા બેઠાં. જ્યારે શ્રીમા પોતાના જપ પૂરા કરીને ઊઠ્યાં ત્યારે સાંજની આરતીની તૈયારીઓ થતી હતી. . .

શાળાના કામના દબાણને અંગે કેટલોક સમય હું શ્રીમાનાં દર્શને જઈ શકી નહીં. ઘણા દિવસો બાદ આજે હું તેમની પાસે ગઈ અને તેમના ચરણો પાસે બેઠી. તરત જ તેઓ પ્રેમપૂર્વક મને વહાલ કરવા લાગ્યાં. ભૂદેવ (શ્રીમાનો ભત્રીજો) મહાભારતમાંથી વાંચતો હતો. તે હજુ બાળક હતો અને વાંચતાં વાંચતાં અચકાતો હતો. ત્યારે શ્રીમા ઉતાવળમાં હતાં. કારણ કે મોડું થતું હતું. તેથી તેમણે ભૂદેવને કહ્યુંું, “પુસ્તક તેને આપી દે, તે વહેતા પાણી જેવું સરળ વાંચશે. તું જાણે છે કે અધ્યાય પૂરો થયા સિવાય હું ઊઠીશ નહીં.’

શ્રીમાના હુકમથી હું મહાભારતમાંથી વાંચવા બેઠી. મેં પહેલાં કદી તેમની સમક્ષ વાંચ્યું ન હતું. મને શરમ આવવા લાગી પણ જેમ તેમ કરીને અધ્યાય પૂરો કરવાનો પ્રયત્ન કર્યો. શ્રીમાએ પોતાના હાથ જોડ્યા, પુસ્તકને નમન કર્યું અનેે ઊભાં થયાં. અમે બધાં સાંજની આરતી માટે પ્રાર્થના-ખંડમાં ગયાં. શ્રીમાએ જપ માટે પોતાની નિયત જગ્યા લીધી.

જ્યારે પ્રાર્થનાઓ પૂરી થઈ ત્યારે તેમણે ઈશ્વરનું નામ-સ્મરણ કર્યું અને પ્રણામ કર્યા બાદ ત્યાં હાજર રહેલા બધાને પ્રસાદ વહેંચ્યો. અમે વાતો કરતાં હતાં ત્યારેે કોઈએ કર્મ વિશે પૂછ્યું. શ્રીમાએ કહ્યુંું, “મનુષ્યે બધો સમય કામ કરવું જોઈએ. કામ તો શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે છે. અગાઉ પહેલાં હું જ્યારે જયરામવાટીમાં રહેતી ત્યારેે દિવસ-રાત કામ કરતી. હું ક્યારેય કોઈને મળવા બહાર જતી નહીં. જો હું જાઉં તો લોકો કહેશે, “અરેરે ! આ તો શ્યામા (શ્રીમાનાં માતાનું નામ શ્યામાસુંદરી હતું.)ની દીકરી, જેને પાગલ સાથે પરણાવવામાં આવી છે !’ આવી ટીકાઓ હું સાંભળવા માગતી ન હોવાથી કદી ક્યાંય જતી નહીં. એક સમયે ત્યાં હું સખત બીમાર પડી અનેે તરત જ સાજી ન થઈ શકી. છેવટે મેં સિંહવાહિનીદેવીના દ્વારે વ્રત કર્યું અને આખરે મને આરામ થયો.’….

(શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : ૮૨-૮૩) c c c

Total Views: 300

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.