(અનુવાદક : કુસુમબહેન પરમાર)

11

6-7-1959

મહારાજ – જુઓ, શક્તિ ચાર પ્રકારની હોય છે- દેહ, પ્રાણ, મન અને બુદ્ધિ. બુદ્ધિથી વિચાર કરીએ છીએ અર્થાત્ જ્ઞાન. મનમાં ભાવ આવે છે અર્થાત્ ભક્તિ અને જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી દેહથી કર્મ થતું જ રહેશે-‘ન હિ કશ્ર્ચિત્ ક્ષણમપિ.’

સેવક – કેવી વિડંબના છે! કર્મ વિના રહી શકતા નથી અને કર્મ કરવાથી સમસ્યાઓમાં ફસાઈ જવું પડે છે.

મહારાજ – એટલે જ કર્મને ઉપાસનામાં પરિણત કરવું પડશે, નહીં તો કોઈ ઉપાય નથી. કર્મ ન કરીને તમે રહી શકશો નહીં. સાંભળો, બ્રહ્મવિદ્યા સિવાય સંન્યાસીને સંસારત્યાગ કરવાની શી જરૂર છે! દયા, પરોપકાર, જગત્-ઉદ્ધાર અને ઈશ્વરભાવે સેવા, આ બધાં તો ઘરમાં રહીને કરી શકાય તેમ હતાં.

સેવક – હા, ત્યાં સુધી કે છોકરામાં ઈશ્વરબુદ્ધિ ઘરમાં રહીને પણ લાવી શકાય છે.

મહારાજ – હા, સાચી વાત છે. કેવી રીતે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, એ જ સંન્યાસીનો એક માત્ર ઉદ્દેશ છે. પરંતુ એક વાત એ છે કે ઘરમાં રહેવાથી આત્મીય પરિજનોનાં સેવા અને પરોપકાર કરવાં પડે અને તેમાં આસક્તિ ઊભી થવાની ઘણી સંભાવના છે. એ ઉપરાંત અનેક સામાજિક કર્તવ્ય અને સંબંધ હોય છે. પરંતુ અહીં એક વ્યક્તિની સેવા કરો છો. તમે જાણો છો કે તે તમારો કોઈ સગો-સંબંધી નથી અને તમે પણ એના નથી. કાર્ય થયા પછી બન્ને અલગ અલગ થઈ જાઓ છો, કોઈના પ્રત્યે કોઈપણ પ્રકારની આસક્તિ રહેતી નથી.

11-7-1959

મહારાજ – ઘણા લોકો એ જાણતા નથી કે ચારેય યોગ એક જ છે.

સેવક – હા, ત્રણ યોગ એક છે. કર્મયોગ બધા યોગોમાં છે. એ કંઈ અલગ યોગ નથી.

મહારાજ – બરાબર કહો છો, જુઓ, શાસ્ત્રનું અધ્યયન કરીને બધું જાણી શકશો. પરંતુ કોઈ અનુભૂતિ- સંપન્ન વ્યક્તિ પાસેથી સાંભળવાથી વધારે સારી રીતે સમજાય છે. જો હું કર્મક્ષેત્રમાં રહેતો હોત તો તમને કેવી રીતે કર્મની વચ્ચે પણ શાંત રહેવું જોઈએ, આ બધું સમજાવી શકત.

12

12-7-1959

મહારાજ – જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની ઉંમર 11 વર્ષની હતી, ત્યારે તેઓ વૃંદાવન છોડીને મથુરા ચાલ્યા ગયા. ઘણા લોકો એમની વૃંદાવનલીલાની ખોટી વ્યાખ્યા કરે છે. બંકિમચંદ્ર દ્વારા લિખિત ‘કૃષ્ણ-ચરિત્ર’ ને વાંચી જુઓ તો ખ્યાલ આવશે કે ભગવાન કૃષ્ણ શું હતા.

ભગવાન શ્રીકૃષ્ણે કેવળ ગોપીઓનાં વસ્ત્ર-હરણ કર્યાં હતાં અને ચોરીને માખણ ખાધું હતું, એવી વાત નથી. તેઓ દરરોજ એક વીરતાનું કાર્ય તો કર્યા વિના પાછા ન આવતા. ઇચ્છા હતી કે જો કોઈ ભગવાન શ્રીકૃષ્ણની એક જીવનકથા લખી શક્યા હોત.

આપણા લોકોનો તો મોટે ભાગે શાંત અને દાસ્ય-ભાવ છે. સખ્યભાવ પણ સારો છે. પરંતુ આપણા લોકો માટે મધુરભાવ બરાબર નથી. દાસ્યભાવ કે સંતાનભાવ સારો છે- હું તમારો અંશ છું, હું તમારું સંતાન છું તેમજ હું તમારો દાસ છું.

શ્રીરામકૃષ્ણ સત્ય અને રામકૃષ્ણ મિશન મિથ્યા છે. મેં આ વાત એક છોકરાને કરી હતી, પરંતુ તેણે તો  એ વાત પર વિશ્વાસ જ ન કર્યો. તે કર્મ કરવામાં ઉન્મત્ત થઈ ગયો હતો. પછીથી હિસાબમાં ગરબડ થવાને કારણે તેને સંઘમાંથી બહાર કાઢી મૂકવાની સ્થિતિ ઊભી થઈ હતી. એ ભલે ગમે તે હોય, પણ છોકરો ઘણો સારો હતો એટલે સંઘમાં ટકી ગયો. ત્યારે એણે કહ્યું કે આપની વાત જ સાચી છે, એ આજે મને સમજાયું છે. શ્રીરામકૃષ્ણ સત્ય છે અર્થાત્ તે ઈશ્વરની દૃષ્ટિએ સત્ય છે. રામકૃષ્ણ મિશન અથવા સંઘ મિથ્યા છે અર્થાત્ એ બધું સાપેક્ષ (Relative) છે, એ બધું આવશે અને જશે.

મહારાજની પાસે બેસીને પાતંજલ યોગસૂત્ર દ્વારા યોગીનાં લક્ષણનું અધ્યયન ચાલતું હતું.

મહારાજ – જો વર્ણ-પ્રસાદ જોવા ઇચ્છતા હો તો સ્વામી વિશુદ્ધાનંદ મહારાજ તરફ જુઓ. શરીરનો રંગ ચમચમ ચમકે છે. એક દિવસ દવા ખાધા પછી એમણે પોતાનું મોઢું ખોલ્યું, અંદર જોયું તો એકદમ લાલ! આ અત્યારે પણ મને યાદ છે! એમના બન્ને કાન લાંબા છે એ જોયું છે, ને. આ યોગીનાં લક્ષણ છે.

14-7-1959

સેવક – આપ કહો છો કે એવું કર્મ કરવું જોઈએ કે જે ઇષ્ટચિંતનને અનુકૂળ બને, તેમાં સહાયક બને. પરંતુ જો ઇષ્ટબોધથી જીવની સેવા સંભવ ન બને તો?

મહારાજ – કહો છો સાચું, પરંતુ એવું જોવા મળે છે કે જે લોકો પ્રારંભમાં ઘણાં કર્મ કરે છે, પછીથી તેઓ ધ્યાન કરવા માટે એક વ્યગ્રતાનો અનુભવ કરે છે. એટલે વચ્ચે વચ્ચે કર્મમાંથી મુક્તિ લઈને પોતાનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. એનાથી તેની સારી ઉન્નતિ થાય છે. ત્યાર પછી પુન: કર્મમાં લાગી જવું જોઈએ. પરંતુ ધ્યાનના સામયિક આવેશમાં આવીને કર્મ કરવાનું સાવ છોડી દેવાથી પ્રારંભમાં તો સારું ચાલે છે, પરંતુ થોડા દિવસ પછી ધ્યાન પ્રત્યેનું વલણ ઓછું થઈ જાય છે. ત્યારે એ થોડું ધ્યાન કરે છે અને બાકીનો સમય ગપસપમાં વિતાવી દે છે. મેં વિચાર્યું હતું કે તપશ્ર્ચર્યા માટે જઈને ઘણું ધ્યાન કરીશ. પરંતુ ક્યાં! મારે પાછા આવવું પડ્યું. એ સિવાય આપણા લોકોનું શરીર પણ સહન નથી કરી શકતું.

લગભગ એવું જોવા મળે છે કે જે લોકો કર્મ કરે છે અને થોડું ધ્યાન તેમજ સ્વાધ્યાય બરાબર કરે છે, તે લોકો મૃત્યુના સમયે મુક્ત થઈને જ રહે છે. આખો દિવસ કાર્ય દરમ્યાન શ્રીરામકૃષ્ણનામ સાંભળતાં સાંભળતાં એક ધારણા બંધાઈ જાય છે. પરંતુ એટલું ધ્યાન રાખવું પડશે કે કાર્ય કરવામાં જ આપણે મત્ત ન બની જઈએ, કેવળ કાર્યમાં જ ઉન્મત્ત બનવાથી સર્વનાશ નિશ્ર્ચિત છે.

સેવક – ‘નિસ્ત્ર્યેગુણ્યે પથિવિચરતાં કો વિધિ: કો નિષેધ: – ગુણાતીત વ્યક્તિ માટે કોઈ વિધિનિષેધ હોતા નથી, એનો અર્થ શો થાય? શું તે ઇચ્છે તે કરી શકે છે?

મહારાજ – ના, તે એમ જ ચાલશે, જેનાથી તેના પગ બેતાલમાં ન પડે. અર્થાત્ તે નિયમનું અતિક્રમણ કરીને નિયમથી પર થઈ જાય છે.

જુઓ, જે લોકો અવિવાહિત છે તેમને કેટલી હેરાનગતિ છે. તેઓ આખો દિવસ પારકી પંચાતમાં પડીને સમય વિતાવે છે.

સેવક – અમારા તરફ જ જુઓને! કેટલા બખેડા, કેટલી સમસ્યાઓમાં પડ્યા રહીએ છીએ! એ કેવળ રજોગુણનું જ કાર્ય છે!

મહારાજ – ના, આપણા લોકોની શક્તિનો સદુપયોગ કરવા સ્વામીજીએ એક માર્ગ બનાવી દીધો છે. એ માર્ગ પર ચાલવાથી બીજાનું ભલું થાય છે. એની સાથે સાથે આપણા લોકોની પણ ઉન્નતિ થાય છે.    (ક્રમશ:)

Total Views: 226

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.