‘યોગ’માં રૂઘ્ર ધાતુ હોવાથી ચિત્તને એકાગ્ર કરવું-જોડવું-એકત્ર કરવું એવો અર્થ થાય છે. સાધકનો જે ક્રિયા સાથે સંબંધ હોય છે, તે અનુસાર તે યોગનું નામ પડે છે. મનુષ્ય ચાર પ્રકારના હોય છે – કર્મપ્રધાન, ભક્તિ પ્રધાન, યોગ પ્રધાન અને બુદ્ધિ પ્રધાન. જો સાધકનો સંબંધ કર્મ સાથે હોય તો તે કર્મયોગ, ભક્તિ સાથે સંબંધ હોય ભક્તિ યોગ, પ્રાણાયામ સાથે સંબંધ હોય તો રાજયોગ અને જ્ઞાન-તત્ત્વવિચાર સાથે સંબંધ હોય તો તે જ્ઞાન યોગ કહેવાય. ‘યોગ’ શબ્દનો યથાર્થ ભાવ સમજવો જરૂરી છે. ‘પરમાત્મા સાથે’ યુક્ત થઈ જવું એ જીવનું પરમ ધ્યેય છે. પરમાત્મા સાથે જીવાત્માના સંયોગનું નામ યોગ. પરમાત્મા પ્રાપ્તિના પ્રયત્ન જે ક્રિયા સાથે જોડાય છે, તે યોગ બની જાય છે. જે યોગની ક્રિયા ભગવન્મુખી નથી તે યોગ નથી. યોગના અનેક માર્ગો ભિન્ન ગણાય છે પણ દરેકનું પ્રાપ્તવ્ય સ્થાન એક જ છે- પરમતત્ત્વની ઉપલબ્ધિ. संयोगो योग इत्युक्तो जीवात्मापरमात्मनो: – જીવાત્મા-પરમાત્માનું મિલન યોગ છે. બધી સાધનોઓનું મૂળ યોગ જ છે.

બધાં શાસ્ત્રોમાં યોગવિષયક સમીક્ષા જોવા મળે છે. પાતંજલ યોગદર્શનમાં ‘રાજયોગ’, કપિલમુનિના સાંખ્યદર્શનમાં ‘સાંખ્યયોગ’, ઉત્તરમીમાંસામાં ‘બ્રહ્મયોગ’ પૂર્વમીમાંસામાં ‘કર્મયોગ’, શ્રીમદ્ભાગવતાદિ પુરાણોમાં ‘ભક્તિયોગ’નું વર્ણન જોવા મળે છે.

યોગશાસ્ત્રના ગ્રંથોમાં યોગના ચાર પ્રકાર ગણાવાયા છે – મંત્રયોગ, લયયોગ, હઠયોગ અને રાજયોગ.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ત્રણ યોગ સવિશેષ ચર્ચાયા છે – સાંખ્ય યોગ(જ્ઞાન) કર્મયોગ અને ભક્તિયોગ.

આ સિવાય પણ અન્ય યોગ પ્રવર્તે છે – ધ્યાનયોગ, પ્રેમયોગ, જપયોગ. સ્વામી વિવેકાનંદે પણ કર્મયોગ, રાજયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ પર વિશેષ ભાર મૂક્યો છે. જગતના વિવિધ ધર્મોમાં પણ યોગ-સાધના વિવિધ સ્વરૂપે પ્રવર્તમાન છે.

હવે આ સઘળા યોગનું સંક્ષિપ્ત વિવેચન કરીએ.

મંત્રયોગ – મંત્રયોગનો સિદ્ધાંત છે કે આ સંસાર નામરૂપાત્મક છે. નામ અને રૂપથી જ જીવ અવિદ્યામાં ફસાઈને બદ્ધ થાય છે અને આ જ નામ અને રૂપના અવલંબનથી મુક્ત થઈ શકે છે. મંત્રયોગમાં દિક્ શુદ્ધિ, સ્થાન શુદ્ધિ, મંત્રજાપ, સ્તુતિ, ન્યાસ વગેરે 16 સોપાન છે. મંત્રયોગના ધ્યાનને સ્થૂળ ધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાન સગુણ ઉપાસના અને અવતાર ઉપાસના અનુસાર ઘણી જાતનાં છે. મંત્રયોગની સમાધિને મહાભાવ સમાધિ કહેવામાં આવે છે.

આ યોગના ઉપ-યોગ એવો અન્ય જપયોગ પણ છે. જપના સ્મરણ દ્વારા ચિત્તનું ‘સ્વરૂપ’ સાથે સંધાન એટલે યોગ. નામ-સ્મરણથી મંત્ર કંઈક વિશેષ છે. મંત્રને સાંપ્રદાયિક રીતિ અનુસાર ગ્રહણ કરીને તેનો જપ કરવાનો હોય છે. દીક્ષાવિધિ અનુસાર મંત્ર ગ્રહણ કરીને શ્રીગુરુ દ્વારા નિર્દિષ્ટ પદ્ધતિ મુજબ જપ વિધિનું અનુસરણ કરવાનું હોય છે. જપ અનેક પ્રકારના છે – નિત્ય, નૈમિત્તિક, કામ્ય, નિર્દિષ્ટ, પ્રાયશ્ર્ચિત, અચલ, ચલ, વાચિક, ઉપાંશુ, માનસ, અખંડ, અજપા વગેરે.

લયયોગ – જીવાત્માના દેહરૂપી પિંડ અને સમષ્ટિ સૃષ્ટિ રૂપી બ્રહ્માંડ એ બન્ને વ્યષ્ટિ-સમષ્ટિ સંબંધથી એક જ છે. તેથી બન્નેને એક જ સમજીને પોતાની અંદર જે પ્રકૃતિ શક્તિ છે તેને પોતાના શરીરસ્થ પુરુષભાવમાં લય કરવાની જે શૈલી છે અને તેને અનુસારી જેટલાં સાધન છે તેને લયયોગ કહેવાય છે. અન્ય શબ્દોમાં મનુષ્ય શરીરમાં આવેલ સપ્તમ ચક્ર મસ્તકમાં સ્થિત સહસ્રદલમાં જે યોગ દ્વારા કુલ કુંડલિની શક્તિને લઈ જઈને બ્રહ્મરૂપી સદાશીવ સાથે જોડી દેવાય છે, તે શિવમાં શક્તિનો લય કરીને મુક્તિ પ્રાપ્ત કરાવનારી સાધના-પ્રક્રિયાનું નામ લયયોગ છે. લયયોગના આ આઠ અંગ છે. લયયોગના ધ્યાનને બિંદુધ્યાન અને લયયોગની સમાધિને મહાલય સમાધિ કહેવાય છે. આને કુંડલિની યોગ પણ કહે છે.

હઠયોગ – સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર પરસ્પર સંકળાયેલાં છે. અને એકનો પ્રભાવ અન્ય પર પૂર્ણપણે પડેલો જોવા મળે છે. સ્થૂળ શરીરને પોતાને આધિન કરીને, સૂક્ષ્મ શરીરને પણ આધિન કરીને યોગની પ્રાપ્તિ કરવી એને હઠયોગ કહે છે. ધૌતી, બસ્તી, નૈતી, નૌલિ, ત્રાટક, કપાલભાતિ ઇત્યાદિ ષટ્કર્મ; આસન, મુદ્રા, પ્રાણાયામ વગેરે હઠયોગના સાત અંગ છે. હઠયોગના ધ્યાનને જ્યાતિર્ધ્યાન કહેવાય છે અને પ્રાણના નિરોધથી થનારી હઠયોગની સમાધિ મહાબોધ સમાધિ કહેવાય છે.

રાજયોગ(જ્ઞાનયોગ) – રાજયોગ ઉપર્યુક્ત ત્રણ યોગોની ચરમ સીમારૂપ છે. આ (જ્ઞાનયોગ) યોગનો સિદ્ધાંત છે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી સંચાલિત અંત:કરણ જ જીવના બંધંન અને મોક્ષનું કારણ છે. જેમ અશુદ્ધ મન જીવનું પતન કરે છે તેમ શુદ્ધમન ઉન્નતિ સાધે છે. ઇન્દ્રિયપરાયણ બુદ્ધિ જીવને બદ્ધ કરે છે, બ્રહ્મ પરાયણ બુદ્ધિ જીવને મુક્ત કરે છે. તેથી શુદ્ધ બુદ્ધિની સહાય દ્વારા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીને અંતે રાજયોગી જીવ અને બ્રહ્મના અભેદનું કારણ સમજીને, જ્ઞાનથી અજ્ઞાનનો નાશ કરતો કરતો અને બ્રહ્મની અદ્વૈતસિદ્ધિ દ્વારા મુક્ત થઈ જાય છે. રાજયોગ સાધનામાં સોળ અંગ છે. રાજયોગના ધ્યાનને બ્રહ્મધ્યાન કહેવાય છે અને રાજયોગની સમાધિ નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે, જેનું ફળ છે જીવનમુક્તિ. જ્ઞાનયોગનો સાધક મુક્તિના ચાર સાધન-વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ(શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા, સમાધાન) અને મુમુક્ષુત્વનો આશ્રય લે છે. તદ્ઉપરાંત શ્રુતિઓનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરે છે. તે જીવ અને બ્રહ્મની એકતાના પ્રતિપાદક ‘તત્ત્વમસિ’ વાક્યના વાસ્તવિક અર્થનું ધ્યાન કરે છે. અંતમાં તેને આત્મસાક્ષાત્કાર કે બ્રહ્માનુભવ થાય છે. જ્ઞાનયોગની ભૂમિકાઓ છે – શુભેચ્છા, સુવિચાર, તનુમાનસી, સત્વાપત્તિ, અસશક્તિ, પદાર્થાભાવની.

અષ્ટાંગયોગ – મહર્ષિ પતંજલિ પ્રવર્તિત અષ્ટાંગયોગને સ્વામી વિવેકાનંદે રાજયોગ તરીકે વર્ણવ્યો છે. મહર્ષિ પતંજલિના યોગસૂત્ર અનુસાર ચિત્તવૃત્તિઓનો નિરોધ એટલે યોગ. ચિત્તની પાંચ અવસ્થાઓ છે – ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરોધાવસ્થા.

ક્લેશકર્મ આદિના નિવારક ચિત્તવૃત્તિઓના નિરોધને જ યોગ કહે છે. ઉત્તમ અધિકારી માટે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ચિત્તનિરોધ થાય છે. મધ્યમ અધિકારી માટે તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન ક્રિયાયોગ છે. નિમ્ન અધિકારી માટે અષ્ટાંગ યોગનાં આઠ સાધન છે – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

યમ પાંચ છે – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. નિયમ પાંચ છે – શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન. આસન અર્થાત્ ચિરકાળ સુધી નિશ્ચલરૂપે એક જ  સ્થિતિમાં બેસવાનો અભ્યાસ.

હઠયોગ પ્રદીપિકા મુજબ 14, યોગપ્રદીપ મુજબ 21, વિશ્વકોષ અનુસાર 32 અને અનુભવપ્રકાશ મુજબ 50 પ્રકારના આસન છે. પદ્માસન, વીરાસન, સ્વસ્તિકાસન, દંડાસન ઇત્યાદિ મુખ્ય છે.

પ્રાણાયામ અર્થાત્ પ્રાણનો આયામ એટલે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ વાયુઓ સામે પ્રાણની સહાયતાથી મનને રોકવાનો પ્રયાસ કરવો તે. પ્રાણાયામના ત્રણ ભેદ છે – પૂરક, કુંભક, રેચક.

પ્રત્યાહાર અર્થાત્ ઇન્દ્રિય વિષયોથી ઉપરામ થઈને ચિત્તનું પોતાની સ્વરૂપસ્થિતિમાં રહેવું. શ્રોત્રાદિ ઇન્દ્રિયોને સ્વસ્વરાગ દ્વેષાત્મક સ્વાભાવિક વિષયોથી વિવેકરૂપી બળ દ્વારા નિવૃત્ત કરીને, તેમનો અયોગ્ય આહાર બંધ કરીને, ચિત્તને અધિન કરવાની ક્રિયા.

ધારણા અર્થાત્ ધ્યેય સ્થાન પર ચિત્તવૃત્તિના તૈલધારાવત્ અખંડ પ્રવાહ તથા મનનું નિર્વિષય થવું.

સમાધિ અર્થાત્ ધ્યેય વસ્તુના સ્વરૂપને પ્રાપ્ત થયેલું મન જ્યારે પોતાના ધ્યાનસ્વરૂપનો પરિત્યાગ કરીની અને સંકલ્પવિકલ્પ રહિત થઈને માત્ર ધ્યેય વસ્તુના સ્વરૂપમાં સ્થિત થાય છે તેવી અવસ્થા. આ અવસ્થા એટલે સમાધિ. આવી સમાધિ બે પ્રકારની છે – સમ્પ્રજ્ઞાત્ અને અસમ્પ્રજ્ઞાત્ અથવા સવિકલ્પ અને નિર્વિકલ્પ.

યોગના અન્ય પ્રકારો પણ છે.

ધ્યાનયોગ – ઈશ્વરનાં અનેક રૂપ છે – નિર્ગુણ નિરાકાર, સગુણ નિરાકાર, નિર્ગુણ સાકાર, સગુણ સાકાર. આ સર્વરૂપોમાં એક જ સત્ તત્ત્વ અનુસ્યૂત છે અને તે સર્વમાં, સર્વત્ર, સર્વદિક્, સમરસ પરિપૂર્ણ છે. ભગવત્કૃપાપાત્ર સાધક કોઈ એક રૂપમાં એકનિષ્ઠ બનીને તેનું ધ્યાન કરે છે.

ધ્યાન માટેનું સ્થાન એકાંત, પવિત્ર અને નિર્વિઘ્નકર્તા હોવું જોઈએ. ધ્યાન માટેનો ઉત્તમ સમય છે ઉષાકાળ કે રાત્રિનો અંતિમ પ્રહર. ધ્યાન માટેનું આસન  અધિક ઊંચું કે નીચું ન હોવું જોઈએ. વળી પહેલાં કુશાસન, તેના પર મૃગચર્મ અને તેના પર શુદ્ધ વસ્ત્ર હોવું જોઈએ. સ્વસ્તિકાસન કે પદ્માસન ઉત્તમ છે. ઓછામાં ઓછા એક કલાક માટે ધ્યાનનો અભ્યાસ આવશ્યક છે. ધ્યાન વખતે કરોડ, ગરદન અને મસ્તક સીધાં-ટટ્ટાર રહેવાં જોઈએે. અભેદ ધ્યાનમાં આંખો મીંચીને કે નાસિકાના અગ્રભાગ પર દૃષ્ટિને સ્થિરપણે એકાગ્ર કરીને ચિત્તમાં પ્રતીત થતી વસ્તુઓને કલ્પનામાત્ર જાણીને તેનો ત્યાગ કરવાનો હોય છે. દૃશ્યપ્રપંચનો અભાવ થતાં બાકી રહે છે ચેતનઘન પરમાત્મા. ભેદ ધ્યાનમાં વિવિધ ઈશ્વરીય દેવદેવીનાં સ્વરૂપોનું ધ્યાન કરવામાં આવે છે. ધ્યાનનો આનંદ અવર્ણનીય છે, તેનો મહિમા અમિત છે.

પ્રેમયોગ – જેના હૃદયમાં પોતાના પરમ પ્રિયતમ પરમાત્મા પ્રત્યેુ પ્રેમ પેદા થાય છે તેને સર્વ વિષયભોગ પ્રતિ વિતૃષ્ણા જાગે છે. તેની સઘળી ચેષ્ટાઓ પ્રેમી જેવી થઈ જાય છે. તેના દેહમાં અષ્ટવિકાર ઉદ્ભવે છે – સ્તમ્ભ, કમ્પ, સ્વેદ, સ્વરભંગ, વૈવર્ણ્ય, પુલક, પ્રલય. પ્રેમયોગમાં સાધકની પૂર્વરાગ, મિલન અને વિરહ એમ ત્રણ અવસ્થાઓ થાય છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ યોગશાસ્ત્ર છે. તેનો પ્રત્યેક અધ્યાય એક એક યોગ અથવા સંપૂર્ણ યોગનું એક એક અંગ છે. ગીતામાં સાંખ્યયોગ, કર્મયોગ, ભક્તિયોગ, ધ્યાનયોગ, અષ્ટાંગયોગ, ઐશ્વર્યયોગ ઇત્યાદિનું પ્રત્યક્ષ કે પરોક્ષ વિવેચન છે. ગીતામાં મુખ્યત્વે સાંખ્યયોગ (જ્ઞાનયોગ), કર્મયોગ અને ભક્તિયોગનું સ્પષ્ટ વિવેચન છે. ગીતાની પરિભાષામાં-

समत्वं योग उच्यते – સમતાને યોગ કહેવાય છે.

योग: कर्मसु कौशलम् – કાર્યોમાં કૌશલ્ય એટલે યોગ.

तं विद्याद् दु:खसंयोगवियोगं योगसंज्ञितम् – જેમાં દુ:ખના સંયોગનો જ વિયોગ છે તેને યોગના નામે જાણવો જોઈએ.

સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ગીતાનો એક મધ્યવર્તી વિચાર છે – સતત રીતે કાર્ય કરો પણ તેથી અનાસક્ત રહો. સ્વામી વિવેકાનંદ કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને રાજયોગ એમ ચાર યોગોનું જ્ઞાનદાન કરે છે. તેમની દૃષ્ટિએ અધ્યાત્મમાર્ગમાં તીવ્ર પ્રગતિ માટે એક યોગનો મુખ્ય આધાર લઈને અન્ય માર્ગોનું સહાયકરૂપે અનુસરણ કરવું જોઈએ.

સ્વામી વિવેકાનંદના શબ્દોમાં આ યોગનું સંક્ષિપ્ત વિવેચન જોઈએ.

કર્મયોગ – મૃત્યુ દ્વાર ખખડાવતું હોય ત્યારે પણ કોઈ પ્રશ્ન પૂછ્યા વગર હરકોઈને સહાય કરવી એટલે કર્મયોગ. અનાસક્તિ એટલે સંપૂર્ણ સ્વાર્થ ત્યાગ. કર્મયોગ પ્રમાણે માણસે કરેલું કાર્ય ફળ ન આપે ત્યાં સુધી નાશ પામતું નથી, પ્રકૃતિની કોઈ સત્તા તેનું ફળ આપતાં અટકાવી શકે એમ નથી. જે સંપૂર્ણપણે નિ:સ્વાર્થ છે તે સૌથી વધુ સફળ છે. કાર્ય કરો, સતત કાર્ય કરો પણ આસક્ત ન થાઓ. ગીતાની દૃષ્ટિએ સ્વધર્મપાલન, નિયતકર્મ-કર્તવ્યકર્મ કરવાં પણ તેનાં સઘળાં ફળ ઈશ્વરને અર્પણ કરવાં તેનુ નામ કર્મયોગ. કોઈપણ પ્રકારના કર્મને હલકું ગણો નહીં કાર્ય એ જ પૂજન. દરેક કર્તવ્ય પવિત્ર છે અને કર્તવ્યપાલન એ ઈશ્વરપૂજાનું ઊંચામાં ઊંચું સ્વરૂપ છે.

જ્ઞાનયોગ – આપણે સમગ્રરૂપે બ્રહ્મ‘છીએ’ – બ્રહ્મના અંશરૂપે નહીં – આની આત્માનુભૂતિ એટલે જ્ઞાનીઓ. માનવીના જીવનમાં ધ્યેય બે છે – સાચું જ્ઞાન અને આનંદ. સનાતન ઐક્યનો અનુભવ એટલે જ્ઞાનયોગ. એકલો આત્મા જ મુક્ત છે અને એ આપણું સ્વરૂપ છે. સાચા જ્ઞાનયોગીનાં લક્ષણો આ છે – એને જ્ઞાનપ્રાપ્તિ સિવાય કોઈપણ વસ્તુની તૃષ્ણા ન હોય. તેની બધી ઇન્દ્રિયો સંયમમાં હોય. તે જાણે છે કે એક આત્મા સિવાય બધું મિથ્યા છે. મુક્તિ માટે તેને તીવ્ર ઝંખના હોય. જ્ઞાનયોગ માટે સાંખ્યદર્શન આધારભૂત છે.

ભક્તિયોગ – ભક્તિયોગ એ ઈશ્વર માટેની સાચી અને આંતરિક શોધ છે, જેનો આદિ, મધ્ય અને અંત પ્રેમમાં થાય છે. ઈશ્વર પ્રત્યેનો એક ક્ષણનો પણ પ્રેમોન્માદ શાશ્વત મુક્તિ આપે છે. આત્મપ્રાપ્તિ કરી શકે તે માટે ભક્તને સ્વયં ભગવાન સહાય કરે છે. આધ્યાત્મિક અનુભૂતિ માટેના સાધારણ પૂજાપાઠથી આરંભ કરીને ઈશ્વર પ્રત્યેના ગાઢ પ્રેમમાં પરિણત થતી સતત માનસિક ચેષ્ટાઓને ભક્તિયોગ કહે છે. ભકિતયોગ એટલે પરમાત્મા સાથે એક થવા માટેની પદ્ધતિસરની ઉપાસનાનો માર્ગ.

રાજયોગ – અષ્ટાંગયોગને સ્વામી વિવેકાનંદ રાજયોગ તરીકે વર્ણવે છે. રાજયોગની સાધના માટે લાંબો સમય અને નિરંતર સાધના જોઈએ છે. આ સાધનાનો અમુક અંશ શરીરને લગતો છે પણ મુખ્યત્વે કરીને એ મનને લગતો છે. યોગની સાધના માટે ઉષા અને સંધ્યાનો સમય શ્રેષ્ઠ છે. રાજયોગથી મનની સ્થિરતા અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે.

સ્વામી વિવેકાનંદ મહર્ષિ પતંજલિ પ્રવર્તિત અષ્ટાંગયોગને સર્વયોગોના રાજા તરીકે ગણાવીને તેને જ રાજયોગ એવું નામ આપે છે.

શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટિએ કહીએ તો યોગના ત્રણ પ્રકાર છે – જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ.

જ્ઞાનયોગ – જ્ઞાની બ્રહ્મને જાણવા માટે ‘નેતિ નેતિ’ એમ વિચાર કરે; બ્રહ્મસત્ય જગત મિથ્યા એવો વિચાર કરે, સત્ અસત્નો વિચાર કરે. જ્યાં એ વિચારનો અંત આવે, ત્યાં સમાધિ થાય અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય.

કર્મયોગ – કર્મ દ્વારા ઈશ્વરમાં મન રાખવું. અનાસક્ત થઈને  પ્રાણાયામ, ધ્યાન, ધારણા વગેરે કરવારૂપી કર્મયોગ. જો સંસારી માણસ અનાસક્ત થઈને ઈશ્વરને ફળ સમર્પણ કરી, તેમના પ્રત્યે ભક્તિ રાખીને સંસારનાં કર્મો કરે તો એ પણ કર્મયોગ. ઈશ્વરને ફળ સમર્પણ કરીને પૂજા, જપ વગેરે કર્મો કરવાનું નામ પણ કર્મયોગ.  ઈશ્વરપ્રાપ્તિ એ જ કર્મયોગનો ઉદ્દેશ.

ભક્તિયોગ – ઈશ્વરનું નામ, ગુણગાન, કીર્તન એ બધું કરીને ઈશ્વરમાં મન રાખવું. કલિયુગને માટે ભક્તિયોગ એ સહેલો માર્ગ. ભક્તિયોગ જ યુગધર્મ. કર્મયોગ બહુ કઠણ. જ્ઞાનયોગ પણ આ યુગમાં બહુ કઠણ. એનો અર્થ એવો નથી કે ભક્ત એક જગાએ જવાનો અને જ્ઞાની કે કર્મયોગી બીજી જગાએ !

આમ શ્રીરામકૃષ્ણદેવ સર્વયોગોના ગંતવ્ય સ્થાન તરીકે બ્રહ્મજ્ઞાનને જ ગણાવે છે. તેમને મન બધા યોગ સમાન છે, તેમાં કોઈ ભેદ નથી.

Total Views: 417

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.