મોટાભાગના પરિવારો બાળકો માટેનો નિત્યક્રમ સુનિશ્ર્ચિત કરે છે, જેમાં દિવસમાં ઓછામાં ઓછી એક વખત તેઓ પ્રાર્થના કરે છે. હળદર, કુમકુમ અને પુષ્પો અર્પણ કરવાં, ઘીનો દીપ પ્રગટાવવો, સ્તોત્રપાઠ કરવાં અને થાળીમાં સજાવેલ દીપ પ્રગટાવીને આરતી ઉતારવી એ બધાંનો પૂજા-ઉપાસનામાં સમાવેશ થાય છે. તે વખતે ઈષ્ટને ખાસ પ્રકારનાં નૈવેદ્ય-ભોગ ધરાવાય છે અને ત્યારબાદ ઉપસ્થિત લોકોને તે નૈવેદ્ય ઈશ્વરના પ્રસાદરૂપે વહેંચવામાં આવે છે. આવી પૂજા ઘણું કરીને સવારમાં કે સાંજના સમયે કરાય છે. બહોળા પરિવારમાં ઘણા બધા પ્રકારની પૂજાઓ અને પ્રાર્થનાઓ જોવા મળે છે અને તે પણ ખાસ કરીને અલગ અલગ ભાષાવાદી ભારતના પ્રત્યેક રાજ્યમાં અને જુદાં જુદાં રાજ્યોની અંતર્ગત. અહીં ફરીથી હિંદુધર્મ સૌથી વધુ લોકતાંત્રિક હોવાનું પુરવાર થાય છે. દરેક હિંદુ સ્ત્રી-પુરુષ તેને ગમે તે માર્ગે ઈશ્વરની ઉપાસના કરવાનું પસંદ કરવા અંગે સ્વતંત્ર છે.

રહેણાંકની બહારના ભાગમાં આવેલાં મંદિરો એક ચોરસમીટરના ક્ષેત્રફળથી માંડીને કેટલાક હેક્ટરોમાં ફેલાયેલ વિશાળ સંરચનાવાળા બધા જ કદ-આકારનાં જોવા મળે છે. માર્ગોની બાજુ પર ઈશ્વરની ફક્ત એક મૂર્તિ સમાય તેટલી જ જગાવાળાં મંદિરો જોવા મળે છે. કોઈ વ્યક્તિ, મોટે ભાગે પુરુષ આવા મંદિરની દેખરેખ રાખે છે અને દૈનિક પૂજા થાય છે કે નહિ તે જુએ છે. આવાં મંદિરો પાસેથી પસાર થતા કોઈક તેમાં રહેલા ઈશ્વરને વંદન કરે છે અને ભેટરૂપે કેટલાક પૈસા ધરે છે. મંદિરની દેખરેખ રાખતી વ્યક્તિ માટે તે આવકરૂપ બને છે. વિધિસરનાં વિશાળતર મંદિરોને મુખ્યમંડપ, ઈશ્વરની જ્યાં મૂર્તિ સ્થાપિત થઈ હોય છે તેવું ગર્ભગૃહ અને ગર્ભગૃહની ફરતે ચતુષ્કોણીય કે વર્તુળાકાર પરિક્રમા-પથ હોય છે જેનો ઉપયોગ ભક્તો ઈષ્ટદેવતાની ચોપાસ ઘડિયાળના કાંટાની દિશામાં પ્રદક્ષિણા કરવા માટે કરે છે. મંદિર શિખરબદ્ધ હોય છે. મંદિર સ્થાપત્યનાં ધારાધોરણ આશરે ઈ.સ. પૂર્વે 3000 વર્ષ કે તેથી પણ પહેલાં નિર્ણિત કરાયાં હતાં અને તેને વિશ્વભરમાં બંધાતા કોઈપણ હિંદુમંદિર-સ્થાપત્યમાં અનુસરાય છે. વળી સ્થાપત્યની ઘણી બધી શૈલીઓ અમલમાં છે. ઉત્તર તેમજ દક્ષિણભારતનાં મંદિરોમાં સ્પષ્ટપણે ભિન્નતા પ્રવર્તે છે. સામાન્ય રીતે, પરિવાર ધરાવતા પરિણીત પુરુષ-પુરોહિતોને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે. પુરોહિતો પૂજા-અર્ચના કરે છે, જેનું માળખું ગૃહમંદિરની પૂજાને મળતું જ આવે છે પણ તે વિશેષ વિસ્તૃત અને પરિશ્રમભર્યું હોય છે. 20મી સદીની અંતિમ પચીસી સુધી તો પુરોહિતપણું માત્ર બ્રાહ્મણોનો જ અધિકાર હતો. પરંતુ હવે તે અન્ય વર્ણ કે જ્ઞાતિના પુરુષો અને સ્ત્રીઓ માટે પણ અબાધિત છે. પુરોહિત બનનારે પુરોહિતપણા માટેનું યોગ્ય પ્રશિક્ષણ લેવું જરૂરી હોય છે. આ પ્રશિક્ષણમાં સંસ્કૃતભાષાનો અભ્યાસ અને હિંદુધર્મના સર્વસામાન્ય ખ્યાલોથી સુમાહિતગાર થવું અને વિભિન્ન જાતની પૂજા-અર્ચના અને વિધિઓ જેવી કે ઉપનયન, લગ્ન અને મરણોત્તર એ બધાંને વિગતવાર શીખવી એ બધાંનો સમાવેશ થાય છે. આ સઘળું સંસ્કૃત ભાષામાં છે. ઘણા બધા અવસરો પર સંસ્કૃત ગ્રંથનાં લખાણોનો મર્મ યજમાન અને તેનાં સગાંને સવજાવવાનો રિવાજ થઈ ગયો છે. 21મી સદીમાંય ભોટાભાગના હિંદુઓ બ્રાહ્મણોને પુરોહિત તરીકે પસંદ કરે છે.

ભજન-સત્સંગ :-

સ્ત્રી-પુરુષના નાના સમૂહ સાપ્તાહિક કે માસિક ધોરણે વારાફરતી એકબીજાના ઘરે ભજન ગાવા એકત્રિત થાય છે અને સમૂહના એકાદ વ્યક્તિ પાસેથી કથાવાર્તા સાંભળે છે. આ સત્સંગ કહેવાય છે.

ઉપવાસ અને વ્રત :-

આત્મસંયમ કેળવવાના સાધન તરીકે ઉપવાસ-ઈશ્વર નજીક રહેવું- નું પ્રયોજન એ સામાન્ય પ્રક્રિયા છે. ઉપવાસ સૂર્યોદયથી શરૂ કરીને સૂયાસ્ત સુધી રાખવામાં આવે છે. ઉપવાસનો અર્થ છે મર્યાદિત ખાદ્યપદાર્થો ખાવા, કોઈપણ જાતનું અન્ન ન ખાવું અથવા કોઈપણ પ્રકારનું પ્રવાહી પણ ન પીવું. ઉપવાસ સપ્તાહ કે મહિનાના કોઈક નિશ્ર્ચિત દિવસે કરાય છે અને લોકો ચોમાસાના ચાર માસ દરમિયાન માંસાહાર ન ખાવાનો વિકલ્પ પસંદ કરે છે. વ્રત એટલે ઉપવાસ ઇત્યાદિ કરવાનું પસંદ કરવું અથવા નિશ્ર્ચિત સમય દરમિયાન દરરોજ પસંદગીયુક્ત શ્ર્લોક-પાઠ કરવા અને તે દ્વારા ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી.

પવિત્ર તીર્થધામો :-

ભારતભરમાં ફેલાયેલાં પવિત્ર ધામોની યાત્રા કરવા પ્રેરિત કરીને આ વિશાળ ખંડ ઉપર વિવિધ દેવ-દેવીઓની ઉપાસના કરતા હિંદુઓને આ ધર્મે પરસ્પર જોડી રાખ્યા હતા અને જોડી રાખી રહ્યો છે. પ્રાચીન કાળથી આઠ નગરો પવિત્ર મનાયાં છે. અયોધ્યા (રામ), મથુરા (કૃષ્ણ), માયાપુરી-હરિદ્વાર (શિવ અને વિષ્ણુ), કાશી (શિવ), જગન્નાથપુરી (કૃષ્ણ), દ્વારાવતી-દ્વારકા(કૃષ્ણ) આવાં સેંકડોથીય વધુ પ્રસિદ્ધ તીર્થધામો છે. તે બધાં કાં તો કોઈ ચોક્કસ દેવ (દેવી)નાં મંદિરો માટે અથવા કોઈ સાધુ-મહાત્મા એવાં સ્ત્રી-પુરુષોને કારણે તીર્થો બન્યાં છે.

તીર્થયાત્રા :-

હિંદુઓને ભારતનાં વિવિધ સ્થળોથી પરસ્પર નજીક લાવીને જોડાવામાં પ્રોત્સાહન પૂરુ પાડનારાં પ્રસિદ્ધ યાત્રાધામો આ મુજબનાં છે : હિમાલયના પશ્ચિમ ભાગનાં ચારધામ- બદરીનાથ(વિષ્ણુ), કેદારનાથ(શિવ),ગંગોત્રી-યમુનોત્રી(ગંગા-જમુના નદીનાં ઉદ્ગમ સ્થાનો); ભારતના ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમમાં આવેલાં બાર જ્યોતિલિંગ (શિવ) સોમનાથ, ઉજ્જૈન, ત્ર્યંબક, રામેશ્વર, શ્રીશૈલ, વારાણસી એ પૈકીનાં છે., મહારાષ્ટ્રના અષ્ટવિનાયક (ગણેશ), રાજસ્થાનમાં નાથદ્વારા (કૃષ્ણ), તામિલનાડુમાં તિરુપતિ (કૃષ્ણ), કેરાલામાં ગુરુવાયુર (કૃષ્ણ). માન સરોવર (હાલમાં તિબેટમાં), અમરનાથ (શિવ) અને વૈષ્ણોદેવી (શક્તિ-દુર્ગા) જમ્મુ-કાશ્મીરમાં, ઝારખંડમાં દેવધર (શિવ), મહારાષ્ટ્રમાં પંઢરપુર (વિઠ્ઠલ-વિષ્ણુ), ગુજરાતમાં ડાકોર (કૃષ્ણ) એ સૈકાઓ પુરાણાં પરંપરાગત તીર્થધામો છે જ્યાં વર્ષના સુનિશ્ર્ચિત સમયે તેઓના ઈષ્ટનાં મંદિરો સુધી પહોંચવા કેટલાક દિવસો સુધી સો-સો કિલોમીટર સુધીનું  અંતર દરેક જ્ઞાતિના સ્ત્રી-પુરુષો સાથે મળીને ચાલે છે. ચાર-ચાર વર્ષના અંતરે હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન અને પ્રયાગ (અલ્લાહાબાદ)માં કુંભમેળો ભરાય છે. પ્રયાગમાં દર બાર વર્ષે ત્રિવેણીસંગમ(ગંગા, યમુના, સરસ્વતી-લુપ્ત એમ ત્રણ નદીઓ)પર  મહાકુંભમેળો ભરાય છે અને આ મહાકુંભમાં લાખો લોકો ભેગા મળે છે.

ઉત્સવ-તહેવાર :-

હિંદુ ઉત્સવો આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય, દેવ-દેવીઓની જન્મતિથિઓની સ્મૃતિ અને જીવનલીલાના મહાન પ્રસંગો અને વિશિષ્ટ ઉદ્દેશો માટે વિભિન્ન દેવદેવીઓની પૂજાના નિમિત્તે ઉજવાય છે. હિંદુ પંચાંગના નિશ્ર્ચિત દિવસોને અનુલક્ષીને ઉત્સવોનું આયોજન થતું આવ્યું છે અને આ દિવસો કૃષિ આધારિત સંસ્કૃતિને અનુકૂળ પડે તે રીતે એક જ સમયે ઉજવાય છે. રાજ્યમાં ઉજવાતા તહેવારોનું મહાત્મ્ય તેની લાંબા સમયથી ચાલતી આવી રહેલી સાંસ્કૃતિક પરંપરા અને તે રાજ્યના અગ્રગણ્ય-મુખ્ય ઈષ્ટ પર આધાર રાખે છે.(ક્રમશ:)

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.