ઈ.સ. પૂર્વે 5000 વર્ષથી સનાતન ધર્મે અન્ય ધર્મો સાથે વ્યવહાર કર્યો છે. જ્યારે આર્યો ભારતવર્ષમાં આવ્યા ત્યારે તેઓએ શિવલિંગ પ્રત્યેની ભક્તિ પર આધારિત અસંસ્કૃત ધર્મ જોયો હતો. તે બંને સમૂહો વચ્ચેની દીર્ઘકાલીન આંતરપ્રક્રિયા એકબીજાની કેટલીક શૈલીઓ અપનાવવાના કાર્યમાં પરિણમી. પરિણામ સ્વરૂપે આજે આપણે જાણીએ છીએ તે હિંદુ ધર્મ અસ્તિત્વમાં આવ્યોે. બીજી ટક્કર ઈ.સ. 700ની આસપાસ ઊભી થઈ. જો કોઈ તીર્થંકર મહાવીરના મતને અનુસરવા ઇચ્છતા તો તે જૈન બનતા અને એને સ્વીકૃત કરાતા. જો કેટલાક ગૌતમ બુદ્ધને અનુસરવા ઇચ્છતા તો તેઓ પોતાને બૌદ્ધવાદી ગણાવતા અને તે પણ સ્વીકારાતું. અન્ય પથોના આ અનુસરનારાઓ પર ન તો જુલમ ગુજારાતો, ન તો તેમનો બહિષ્કાર કરાતો. બૌદ્ધ ધર્મને પોતાના ‘રાજધર્મ’ તરીકે અપનાવતા રાજશાસકો ન તો સનાતન ધર્મના અનુસરનારાઓ પર સિતમ ગુજારતા અને ન તો પોતાના રાજભંડારમાંથી અપાતી સહાય બંધ કરતા. આ ત્રણેય ધર્મોને રાજશાસન તરફથી સહાયતા મળતી. જૈન ધર્મ પાંગર્યો પણ વસ્તીમાં તેમની ટકાવારી અલ્પ રહી. જો કે બૌદ્ધ ધર્મે બધી જ્ઞાતિઓનાં સ્ત્રી-પુરુષોને શ્રાવક-શ્રાવિકા બનવા આકર્ષ્યાં પણ આમજનતા દેખીતી રીતે વણસ્પર્શી રહી. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનાં ઘણાંય આદર્શો અને પદ્ધતિઓ સનાતન ધર્મનાં હતાં અને તેથી સંઘર્ષ નહિવત્ હતો. હિંદુ ધર્મે સાચા અર્થમાં બુદ્ધને વિષ્ણુના નવમા અવતાર ગણીને બૌદ્ધ ધર્મને પોતાનામાં ગ્રહણ કરી લીધો. પાછળથી આદિ શંકરાચાર્યના પ્રયત્નો બૌદ્ધ ધર્મની ગૃહસ્થો પરની અસરને ઓછી કરવામાં સફળ થયા.

ઇસ્લામ અને હિંદુ ધર્મ એ બે વચ્ચેના સંબંધો દુર્ભાગ્યપણે વિરોધી રહેતા આવ્યા એનું મુખ્ય કારણ એ કે ઇસ્લામની કટ્ટર માન્યતા છે કે માત્ર તે જ માનવજાતનો સત્યધર્મ છે. વધુમાં મોટાભાગના મુસ્લિમ શાસકોએ ઇસ્લામ ધર્મના પ્રચાર-પ્રસારને તેમની પવિત્ર ફરજ ગણી હતી. હિંદુઓના ઇસ્લામ સાથે સુમેળભર્યા સંબંધો રાખવાના પ્રયત્નો એકતરફી જ રહ્યા. મહાત્મા ગાંધીએ મુસલમાનો અને હિન્દુઓ વચ્ચે ભ્રાતૃભાવ વિકસાવવાનો પ્રયત્ન કર્યો. તેમનું ભજન સૂચિત કરતું હતું કે ઈશ્વર અને અલ્લાહ એ બે એક જ પરમાત્માનાં નામ છે. મોટાભાગના હિંદુઓ તેવો જ ખ્યાલ ધરાવે છે, પરંતુ કોઈપણ મુસલમાન તેવી અધાર્મિક વગોવણી સ્વીકારવાની હિંમત ન કરે. કુરાન પ્રબોધે છે કે અલ્લાહ જ એક માત્ર ઈશ્વર છે અને તેના માનનારાઓને મૂર્તિઓનો નાશ કરવાનો આદેશ કરે છે. ‘કાફીરો’નું બળજબરીપૂર્વકનું ધર્માંતરણ, શરિયત/કુરાન મુજબ સમયે સમયે હિંદુઓ પરનો વધારાનો કર, હિંદુ મંદિરોનો નિરંકુશપણે ધ્વંશ અને મુસ્લિમ શાસકોની (જો કે ઇસ્લામના નામે નહિ) હિંદુઓ પરની જોહુકમી (ખાસ કરીને સ્ત્રીઓ પર)- ટૂંકમાં આ બધું હિંદુઓ માટે મુસલમાનો પ્રત્યેના નફરતપૂર્ણ અવિશ્વાસમાં પરિણમ્યું. જ્યાં ધર્મને રાષ્ટ્રિયતા સાથે સમકક્ષતાના ધોરણે સાંકળવામાં આવ્યો હતો તેવી બે રાષ્ટ્રની સૈદ્ધાંતિક માન્યતાના આધારે પાકિસ્તાનનું સર્જન, બ્રિટિશ ભારતના ભાગલા દરમિયાન(1947-48)નો નરસંહાર અને જેહાદ (1980 પછી)ના નામે ઇસ્લામનાં વહાબી સુન્ની/ તાલિબાન સંગઠનો દ્વારા આચરાતો આતંક વગેરેએ બંને વચ્ચેના સંબંધોને ગૂંચવી મૂક્યો છે. ઈ.સ.1900 અથવા તે પછીથી હિંદુ-મુસલમાન વચ્ચે કોમી રમખાણો ભારતના જુદા જુદા ભાગોમાં અવારનવાર ફાટી નીકળ્યાં હતાં અને તેવું અંતિમ રમખાણ 2013માં થયું હતું. આવાં રમખાણો ધાર્મિક મુદૃા કરતાં સામાજિક અને રાજકીય ધોરણસરનાં વધુ હોય છે.

ખ્રિસ્તી અને યહૂદીઓ સિવાયના બિન-મુસ્લિમો માટે કુરાનમાં બે જ વિકલ્પો અપાયા છે: કાફીરોને કાં તો ઇસ્લામમાં ધર્માંતરિત કરવા જોઈએ અથવા તો કતલ કરવી જોઈએ. આધુનિક ઇસ્લામ આવા ઉપદેશ-સિદ્ધાંતને અનુસરવા ઇચ્છતો નથી, પરંતુ કોઈ ધાર્મિક નેતાએ ખુલ્લેઆમ કહ્યું નથી કે આ ખ્યાલ વિવિધ ધર્મોવાળા વિશ્વમાં અર્થહીન છે. સદ્ભાગ્યે ભારતીય મુસ્લિમોની વિશાળ બહુમતીએ ઇસ્લામના આ અસૈદ્ધાંતિક-અનૈતિક સૂત્રને સભાનપણે વર્જ્ય ગણ્યું છે અને શરિયત કાનૂનના અનૈતિક સિદ્ધાંતોથી દૂર રહી છે.

મોટાભાગના ભારતીય મુસ્લિમો તેમના સહવાસી એવા ભારતમાંના અન્ય ધર્મોના નાગરિકો જેટલા જ દેશભક્ત હોય છે અને તેઓને તેમનો ધર્મ શાંતિપૂર્વક અનુસરવા આમંત્રે છે. તેઓ ભારતે અપનાવેલ બિનસાંપ્રદાયિક લોકતંત્રમાં ધર્મમતોની અરસપરસની સ્વીકૃતિની ભાવના સાથે એકઠા મળીને રહે છે.

શીખ ધર્મને તેના પ્રારંભિક કાળમાં હિંદુ ધર્મે પ્રોત્સાહન આપ્યું હતું. સામાન્યપણે એવું જોવા મળતું હતું કે હિંદુ પરિવારો તેમના એકાદ પુત્રને શીખ બનવા માટે પ્રોત્સાહિત કરતા. શીખ ધર્મના કેટલાક સિદ્ધાંતો હિંદુ ધર્મને મળતા આવે છે. તેમના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહિબ’માં વિવિધ રાગોમાં ગવાતાં પદ કે કવિતાઓનો સમાવેશ થયેલો છે. આ પવિત્ર ગ્રંથમાં હિંદુ અને મુસ્લિમ સંતોએ રચેલાં પદો સમાવિષ્ટ થયેલાં છે. હિંદુઓ અને શીખો વચ્ચેની મૈત્રી તદૃન હાર્દિક સ્નેહપૂર્ણ છે અને ધાર્મિક પરંપરાઓ માટે પારસ્પરિક સન્માનપૂર્ણ છે. તેમ છતાંય 1970 થી 1990 વચ્ચેનો સમયગાળો મોટા અપવાદરૂપ છે. આ સમય દરમિયાન કેટલાક શીખોએ, ઘણું કરીને ભારત બહારનાઓએ અલગ શીખ રાષ્ટ્રની માગણી કરી હતી. ખાલસા સંગઠિત દળોએ પસંદગીપૂર્વક હિંદુ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા. અમૃતસરનું સુવર્ણમંદિર તરીકે ઓળખાતું શીખોનું મુખ્ય મંદિર સશસ્ત્ર આતંકવાદીઓએ કબજે લીધું હતું અને ભારતીય સૈન્યને તેઓને ત્યાંથી દૂર કરવા આદેશ અપાયો હતો જે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ શીખ-અંગરક્ષક દ્વારા હત્યા તરફ દોરી ગયું. ત્યારબાદ ફાટી નીકળેલાં રમખાણોએ ભારતભરમાં શીખોનાં સંપત્તિ અને જીવનનો મહાવિનાશ  નોતર્યો. પરંતુ ત્યારબાદ, આ વણસેલા સંબંધોમાં સુધારો આવી ગયો છે. આપણે પુન: તે નોંધી લઈએ કે આવો શાંતિભંગ રાજકારણ પ્રેરિત હતો. જ્યારે કેટલાંક ખ્રિસ્તી મિશનરીઓએ તેમના ધર્માંતરણના પ્રયત્નો દરમિયાન હિંદુ ધર્મની હાંસી કરવાનો પ્રયત્ન કર્યો હતો તે સમયગાળામાં ખ્રિસ્તી ધર્મ અને હિંદુ ધર્મના સંબંધો વણસી ગયા હતા. 20મી સદીમાં, પશ્ચિમના કેટલાક ખ્રિસ્તી સંપ્રદાયોએ સ્વીકારવા માંડ્યું છે કે ખ્રિસ્તી ધર્મ સિવાયના અન્ય પથો પણ ઈશ્વરકૃપા તરફ દોરી જાય છે. આ બાબત 1994માં પોપ દ્વારા સત્તાવારપણે સૂચિત કરાઈ છે. આ બાબત ખ્રિસ્તી ધર્મને હિંદુ ધર્મ પરત્વે સહિષ્ણુ બનવાની પરવાનગી આપે છે. તેમ છતાં, આ સૂચને ખ્રિસ્તીઓને હિંદુઓનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવાની ઇચ્છા ધરાવતા રોક્યા નથી; મુસ્લિમો અને શીખો આ બાબતે બાકાત રખાયા છે.  તેઓ આદિવાસીઓ અને દલિતો પરના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: દક્ષિણ ભારતમાં – ખાસ કરીને તામિલનાડુમાં – કહેવાતા ‘દ્રાવિડિયનો’ પર પણ ખ્રિસ્તી સમુદાયો દ્વારા અનુદાનિત, બિનસાંપ્રદાયિક ગણાવતી સંસ્થાઓ કે જે ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિના ઇતિહાસનો અભ્યાસ કરે છે, તેઓ ભ્રામક અને ખોટો દાવો કરે છે કે તામિલનાડુમાં ધાર્મિક વિભાવના અને સંસ્કૃતિની અભિવ્યક્તિને ખ્રિસ્તી ધર્મે ઘડવામાં મદદ કરી છે. આવા પ્રયત્નો ભારતીયોને એકબીજાના હરીફ ગણતા સમુદાયોમાં વિભાજિત કરે છે અને અનિચ્છનીય સંઘર્ષોની સંભાવના પ્રતિ દોરી જતા બને છે.      (ક્રમશ:)

Total Views: 350

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.