1956માં ડૉ. ભીમરાવ આંબેડકરે દલિતો (અસ્પૃશ્યો)ને ધર્માંતરણ કરવા અને બૌદ્ધધર્મનો અંગીકાર કરવા કહ્યું. (2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં આવા લોકો 0.8% પ્રમાણમાં હતા. ) 1950ના દાયકા બાદ મોટા ભાગના ભારતીય યહૂદીઓ ઇઝરાયેલમાં સ્થળાંતરિત થયા. અન્ય ધર્મના લોકો સાથે લગ્ન સંબંધ ન બાંધનારા અને બીજાઓને પારસી ધર્મમાં પ્રવેશવા પરવાનગી ન આપનારા પારસીઓની સંખ્યા ઘટતી જાય છે. બહાઈ ધર્મીઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. આમાંના કોઈપણ ધર્મને હિંદુધર્મ સાથે સંઘર્ષ નથી.

વિભિન્ન ધર્મો અથવા જાતિઓની વ્યક્તિઓના પરસ્પરના સામાજિક સંબંધની મોટામાં મોટી કસોટી છે આંતર-ધર્મ કે આંતર-જ્ઞાતિય લગ્નો અંગેનું વલણ. આપણા 21મી સદીના પ્રવેશ બાદ હિંદુ છોકરીઓ અને છોકરાઓની અન્ય ધર્મમાંના સાથીની પસંદગી અસામાન્ય ઘટના રહી નથી. ભારતમાં એવાં લગ્નો થાય તે ગમતું નથી પણ બરદાસ્ત કરી લેવામાં આવે છે અને વિશ્વવ્યાપક હિંદુ પરિવેશમાં સ્વીકારી લેવાય છે. જો લગ્નના સાથીદારો પૈકીના બંનેય પોતાનો ધર્મ ન બદલવા સંમત થાય તો તેવાં લગ્નો વિશેષપણે સ્વીકૃતિ પામે છે. જો લગ્ન પહેલાં છોકરા કે છોકરીનો પરિવાર ધર્માંતરણનો આગ્રહ રાખે, તો જ સમસ્યા ઊભી થાય છે. મોટાભાગે આવો પ્રશ્ન જ્યારે બેઉ પૈકીનો એક સાથી મુસલમાન હોય ત્યારે ઉપસ્થિત થાય છે. ઇસ્લામ ધર્મમાં ધર્માંતરણનો વિશેષપણે આગ્રહ રખાય છે. સદ્ભાગ્યે, આવા પ્રસંગો ઘણું કરીને ઓછા ઊભા થાય છે. પહેલાં, હિંદુ પુરોહિતો પણ ઇચ્છુક વર કે ક્ધયાને હિંદુધર્મમાં ધર્માંતરિત કરવા અનિચ્છુક રહેતા હતા, માત્ર આર્ય-સમાજ આવા ધર્માંતરણને આવકારતો. હવે સ્થિતિ બદલાઈ છે; હિંદુધર્મમાં ધર્માંતરણ આવકાર્ય બન્યું છે. ઘણાં બધાં યુગલો ન્યાયાલયોમાં કાયદેસર રીતે શિષ્ટાચારપૂર્ણ લગ્ન-નોંધણી કરાવે છે. કેટલાક બંને વિધિથી લગ્ન કરે છે: ઉદાહરણ તરીકે એક હિંદુ વિધિ અનુસાર અને અન્ય ખ્રિસ્તી વિધિ અનુસાર. આવાં મિશ્ર લગ્નો દ્વારા થતાં બાળકોએ પાળવાના ધર્મ અંગે માતાપિતા નિર્ણય લે છે; સામાન્ય વલણ તરીકે આવી ઘટનાઓમાં શું બને છે તેનું સાચું ચિત્ર તો આગામી પેઢીઓ બાદ નિષ્પન્ન થશે.

હિંદુધર્મ અને પર્યાવરણ :-

ઔદ્યોગિકીકરણે સર્જેલ ગ્લોબલ વોર્મિંગને કારણે ઉદ્ભવેલ પ્રકૃતિની જાળવણીની આવશ્યકતા એ માનવજાતની વર્તમાન જરૂરિયાત છે. ભૂગર્ભમાંથી પ્રાપ્ત થતા બળતણ પદાર્થોનો વપરાશ કરતા ઘણા બધા પ્રક્રિયા-પ્રકલ્પોથી પેદા થતા પ્રદૂષણને કારણે વિભિન્ન જીવનચક્રો અને વાતાવરણીય ચક્રોની નૈસર્ગિક સમતુલાને પ્રતિકૂળપણે અસર થઈ રહી છે તે સમજવા માટે આપણે ‘પ્રગતિ’નાં 200 વર્ષનો સમયગાળો લીધો છે. ઔદ્યોગિકીકરણનો પ્રારંભ થયો તે પૂર્વેથી જગતના બધા ધર્મો અસ્તિત્વમાં આવેલા છે અને તેથી નૈસર્ગિક જાળવણીને માનવીય ફરજ રીતે ગણવાની જરૂરિયાત જણાઈ નહીં હોય. પરિણામરૂપે, કોઈપણ ધર્મ પ્રત્યક્ષપણે નૈસર્ગિક જાળવણીનો ઉપદેશ આપતો નથી. યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામના મત મુજબ ઈશ્વરે માનવજાત માટે જગતનું સર્જન કર્યું છે તેથી માનવજાત દ્વારા પોતાના લાભ માટે દુર્વ્યયપણે થતા જગતના વપરાશને સામાન્ય બાબત ગણવામાં આવે છે. હિંદુ ધર્મમાં જડ અને ચેતન બધામાં બ્રહ્મ વિદ્યમાન છે તે વિલક્ષણ વિભાવના છે. પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ એ બધાં પૂજ્યભાવને લાયક છે, વળી બધી પ્રાર્થનાઓ સઘળા સજીવોના કલ્યાણ માટેની છે. આવા પૂજ્યભાવને કારણે, ભારતમાં વાતાવરણીય પ્રદૂષણને નાથવાની અને વિશ્વના જૈવ-દ્વિભાજનની જાળવણીની ચળવળને ઘણી સરળતાપૂર્વક વ્યાપક ટેકો મળી રહ્યો છે.

હિંદુધર્મ – ભાવિ દૃષ્ટિબિંદુ :-

19મી સદી પર્યંત, વ્યક્તિએ હિંદુ થવા માટે હિંદુ પરિવારમાં જન્મધારણ કરવો પડતો હતો. અને હિંદુઓ સંપૂર્ણપણે માત્ર ભારતમાં જ (અને નેપાળ) હતા. હિંદુ ધર્મ અને ભારતીયો એ અવિભાજ્ય વિભાવના હતી. આપણા 21મી સદીમાંના પ્રવેશ બાદ, જગતની કોઈપણ વ્યક્તિ હિંદુ બની શકે છે અને હિંદુઓ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યા છે. હિંદુઓ જે દેશમાં જઈને કાયમીપણે વસ્યા છે ત્યાં તેનું નાગરિકત્વ સ્વીકારી લીધું છે. ભારત સિવાય (અને નેપાળ) ના અન્ય દેશોના નાગરિકોએ હિંદુ ધર્મ અપનાવ્યો છે. તેથી હિંદુઓએ ભારતીય નાગરિક બની રહેવું જરૂરી નથી. હિંદુ હોવું એ ધાર્મિક મુદૃો છે, ખ્રિસ્તીઓ અને મુસલમાનોની બાબતમાં છે તેમ રાષ્ટ્રીયતાની બાબત નથી. ભારતીય નાગરિકો સાત કરતાં પણ વધુ જુદા જુદા ધર્મો પાળે છે, હિંદુઓ સિવાયના લોકોનું ભારતીયપણું એટલે કે તેમના દેશ પ્રત્યેની તેમની દેશભક્તિ-ભારત પ્રત્યેની એ હિંદુઓ જેટલી દૃઢ છે. ધર્મ તરીકે હિંદુધર્મે હિંદુ રાષ્ટ્રવાદની વિભાવનામાંથી મુક્ત થવાની જરૂર છે, જે રાજકીય બાબત છે.

મોક્ષ પ્રાપ્તિના ત્રણ વિભિન્ન માર્ગો, સમાનતા અને સ્વતંત્રતાના પાયા પર આધારિત વર્ણાશ્રમ પ્રથા તેમજ યોગ, પ્રાણાયામ અને ધ્યાન જેવી પદ્ધતિઓ એવી છે  કે જેનું બધા જ ધર્મોના લોકો સાર્વત્રિકપણે અનુસરણ કરી શકે છે. ચાર આશ્રમની વિભાવનાઓ અને નિર્દિષ્ટ વર્તન-વર્તણૂકો તેમજ ચાર પુરુષાર્થો સમતુલિત અને સુખી જીવન પ્રાપ્ત કરવા માટે, ધાર્મિક – સંલગ્નતાને બદલ્યા વિના, સ્વૈચ્છિકપણે સ્વીકારવા યોગ્ય છે. આ પદ્ધતિઓના અમલથી થતી સારી માનસિકતા અને શારીરિક સ્વસ્થતા માટે પ્રસ્તુત કરાયેલા લાભો હવે સારી રીતે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા છે અને લાખો લોકો દ્વારા તેનો લાભ લેવાઈ રહ્યો છે.

આ વિભાવનાઓને હજુય વધુ વિસ્તૃત કરવાની આવશ્યકતા છે, ખાસ કરીને તો જ્યારે સમાજ સંપત્તિની પ્રચુરતાથી ભરચક થઈ રહ્યો છે અને અતિ સ્વકેન્દ્રીપણા તેમજ માદક દ્રવ્યોના ઉપયોગથી નૈતિક રીતે અધ:પતિત થઈ રહ્યો છે ત્યારે…

છેલ્લે, મોક્ષપ્રાપ્તિના ત્રણ પથો (ઈશ્વરત્વનું સામીપ્ય, મુક્તિ કે ભાવગાંભીર્ય) જગતના બધા ધર્મોને બીજા દરેક ધર્મને માન-આદર આપવા અને અન્ય કોઈપણ ધર્મ પાળવા લોકો સાથે શાંતિપૂર્ણપણે રહેવા માટેની નિર્ભેળ યોજના પૂરી પાડે છે.

Total Views: 409

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.