મઠ :-

ધર્મને અનુરૂપ સુનિશ્ર્ચિત સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે સ્થપાયેલ સંસ્થાનોને મઠ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. હિંદુ ધર્મમાં આવા મઠ સ્થાપવાની તેમજ પોતાના નિશ્ર્ચિત મતાનુસાર હિંદુ ધર્મનો પ્રચાર કરનાર શિષ્ય-ઉપદેશકો ઊભા કરવાની પ્રથા હતી. મઠના અધ્યક્ષપદે મહંત હોય છે જેમની વરણી તેમના ઘણા બધા સંન્યાસી શિષ્યો દ્વારા કરાય છે.

આદિ શંકરે ઈ.સ. પૂર્વે 820માં ચાર પ્રાચીન મઠો પૂર્વે બતાવેલ ચાર વિભિન્ન સ્થળોએ સ્થાપ્યા હતા. નાથ સંપ્રદાયે શિવપૂજન નિમિત્તે ઘણા બધા મઠો સ્થાપ્યા હતા. 17મી સદીમાં ભગવાન રામની પૂજાના પ્રસાર અર્થે સ્વામી રામદાસે 12 મઠો સ્થાપ્યા હતા. 20મી સદીના પ્રારંભિક કાળમાં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી હતી. 20મી સદીના મધ્યભાગમાં સ્વામી ચિન્મયાનંદે ચિન્મય મિશનની સ્થાપના કરી હતી. આર્યસમાજ અને ઇસ્કોન પણ આવાં મિશનો છે.

આશ્રમો :-

એકાંત આશ્રમો કે નિવાસી શિબિરોમાં આધ્યાત્મિક પિપાસુઓ જઈ શકે છે અને થોડા દિવસ નિવાસ કરીને ગુરુનિર્દિષ્ટ પથે જીવન વિતાવી શકે છે. ભારતમાં અને પશ્ચિમમાં ઘણા બધા આશ્રમો છે અને નહીં નફો-નહીં નુકસાનના ધોરણે આ આશ્રમો ચલાવાતા હોય છે. પરોઢ પૂર્વે સવારમાં વહેલા જાગવું, શૌચાદિ ક્રિયાઓ પતાવીને વિવિધ પ્રકારનાં આસન-પ્રાણાયામ-ધ્યાનમાં જોડાવું, ધર્માલાપ સાંભળવો અને ભજન-સ્તોત્ર ગાવાં વગેરેનો દૈનિક નિત્યક્રમમાં સમાવેશ થાય છે. ધર્માલાપ દરમિયાન પ્રશ્નોત્તરી આવકાર્ય હોય છે પણ કોઈ મુદૃા અંગેનો તર્ક આવકાર્ય હોતો નથી. આવી શિબિરો મોટેભાગે 5 થી 15 દિવસના સમયગાળાની હોય છે.

જો આશ્રમ તરફથી ધર્મપિપાસુને અનુમતિ મળે અને તેવી વ્યક્તિ શાંત અને ગંભીર હોય તો આવી અવધિ છ માસપર્યંત પણ લંબાવાય છે. જીવનના વાનપ્રસ્થકાળમાં અથવા સંન્યસ્ત જીવનકાળમાં કેટલાક લોકો આશ્રમમાં નિવાસ કરવા જાય છે.  કેટલાક આશ્રમો આહાર અને કસરતોના નિયંત્રણ દ્વારા થતાં નિસર્ગોપચારનાં કેન્દ્રો છે. આવા આશ્રમોનો ગૃહસ્થાશ્રમીઓ માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય-સુધારણા અર્થે ઉપયોગ કરે છે. આવા કાર્યક્રમો 14 થી 21 દિવસના હોય છે.

આ પ્રકરણમાં વર્ણવેલ એક કે એકથી વધુ પદ્ધતિઓના આચરણની  પસંદગી કરવા હિંદુ સ્વતંત્ર છે. ઘણા બિનહિંદુઓ પણ આવા ગુરુઓના ધર્માલાપો સાંભળે છે, યોગ-સંલગ્ન પદ્ધતિઓ અનુસરે છે અને સ્વાસ્થ્ય સુધારણા માટે, જ્ઞાનપ્રાપ્તિ માટે અને ઉચ્ચ કક્ષાની માનસિક શાંતિ અનુભવવા માટે આશ્રમવાસ કરે છે.

ધર્મ : નવો વૈશ્ર્વિક હિન્દુ ધર્મ

હિંદુ ધર્મના પ્રારંભની આ સંક્ષિપ્ત સમીક્ષા અને સાત સહસ્રાબ્દીઓથી વધુ સમયપર્યંત પરિવર્તન પામતા પરિવેશને સાનુકૂળ થવાની તેની ક્ષમતાએ બતાવ્યું છે કે હિંદુધર્મ હવે આગામી સદીઓ સુધી પ્રચાર-પ્રસાર પામવા માટે પુન:જીવન પામી ચૂક્યો છે. છતાંય કેટલાંક  તેને સંલગ્ન પણ મહત્ત્વનાં પાસાં વણસ્પર્શ્યાં રહ્યાં છે. તેથી આ અંતિમ પ્રકરણ હિંદુ ધર્મના પરિપ્રેક્ષ્યમાં વિજ્ઞાન, અન્ય ધર્મો અને જીવવિજ્ઞાન તેમજ તેના ભાવિ દૃષ્ટિબિંદુના મુદૃાઓનું વિવેચન કરે છે.

હિંદુ ધર્મ અને વિજ્ઞાન :-

જેમ યુરોપમાં બનતું કે વિજ્ઞાનની શોધોને ખ્રિસ્તી શાસ્ત્ર(બાઇબલ)ની વિરુદ્ધ શોધાયેલી ગણવામાં આવતી પણ તેનાથી ઊલટું હિંદુધર્મમાં વૈજ્ઞાનિક સંશોધનો સામેનો કોઈ સંઘર્ષ ન હતો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તે ઘટના ભારતમાં પાંચમા સૈકામાં સુવિદિત હતી પરંતુ તેના શોધક આર્યભટ્ટને કોઈપણ પ્રકારનો બહિષ્કાર કે શિક્ષા વેઠવાં પડ્યાં ન હતાં. હિંદુઓએ નિર્ધારણ કર્યું હતું કે રાહુ અને કેતુ એ બે ગ્રહોને કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. જ્યારે વિજ્ઞાને સૂચિત કર્યું કે ગ્રહણો એ છાયા-પ્રભાવો છે અને તેની બિનશરતી સ્વીકૃતિ પણ થઈ. (હિંદુ જ્યોતિષશાસ્ત્ર બે કાલ્પનિક ગ્રહોને લઈને આનંદપૂર્વક જીવંત રહેવાનું ચાલુ રાખે છે.) ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ દખલરૂપ થતો નથી કેમ કે હિંદુઓ માનતા હતા કે વિષ્ણુના દશ અવતારો પૈકી મત્સ્ય(પાણીમાં જન્મેલ સજીવ પ્રાણી) પ્રથમ અવતાર હતો. બીજો અવતાર ઊભયજીવી કશ્યપ (કાચબો) હતો. ત્રીજો અવતાર ભૂમિચર વરાહ હતો અને તે પછીનો અર્ધ-મનુષ્ય અને અર્ધ-પશુ એવો નૃસિંહાવતાર હતો. આ અવતારોની કથા હિંદુ ધર્મનું અજોડ પ્રદાન છે કે જે વૈજ્ઞાનિક પદ્ધતિસર સ્થાપિત ઉત્ક્રાંતિવાદની સમાંતર ચાલે છે. હિંદુઓ હનુમાન દેવતાને પૂજ્ય ગણે છે તે હકીકતને કારણે આપણા પૂર્વજો વાનરો હતા એ બાબત તેઓને ખટકતી નથી. વધારામાં  હિંદુ ધર્મ જણાવે છે કે આત્મા સર્વોચ્ચ દેહધારીઓ પૈકીનો મનુષ્યદેહ ધારણ કરે તે પહેલાં 84 લાખ જન્મના ફેરામાંથી પસાર થાય છે; એ સર્વોચ્ચપણાનો ક્રમ આ રીતે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અને વિભિન્નતાના ખ્યાલ સાથે બંધબેસતો બને છે. 432 બિલિયન (1 બિલિયન = સો અબજ) વર્ષના સમયગાળામાં સૃષ્ટિનું શૂન્યમાંથી સર્જન અને શૂન્યમાં વિસર્જન એ બાબત આધુનિક ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રીઓ પ્રસ્થાપિત કરે છે તેના સમકક્ષ જ જણાય છે. તેમ છતાં આપણે એ નોંધવું જરૂરી છે કે આ અને આવાં બીજાં નિરીક્ષણો અનુકૂળતાભર્યાં સાંયોગિક સત્યો છે કે જે હિંદુ ધર્મને અને હિંદુઓને વૈજ્ઞાનિક પદ્ધતિઓનાં પરિણામો સ્વીકારવામાં મદદરૂપ બન્યાં છે.

સૈદ્ધાંતિકપણે હિંદુ ધર્મ વિજ્ઞાન અને ધર્મની વચ્ચે કોઈ સંઘર્ષ જોતો નથી કારણ કે ધર્મ ‘કર્તા’ (અહંકાર, આત્મા વગેરે) સાથે સંબંધ ધરાવે છે જ્યારે વિજ્ઞાન ‘વસ્તુ’ (સ્થૂળ પદાર્થ-માનવ શરીર, મન સહિત) તરફ લક્ષ ધરાવે છે. ફિલસૂફીની જેમ હિંદુ ધર્મ ‘જીવનનો ઉદ્દેશ’ અને ‘જીવનનો હેતુ’ જેવા પ્રશ્નોના ઉત્તર શોધે છે. વિજ્ઞાન તેના સંશોધનમાં ‘હેતુ’ની શોધ કરતું નથી, વિજ્ઞાન પ્રાકૃતિક ઘટના બનવામાં ‘કેવી રીતે’ પાછળના ‘શા માટે’ના પ્રશ્નોના ઉત્તર મેળવવાનું શોધે છે. પ્રાકૃતિક ઘટનામાં કાર્ય અને કારણ વિશે ‘સત્ય’ પ્રસ્થાપિત થાય છે ત્યારે વિજ્ઞાન એ માનવજાતિ માટેનું સર્વોત્તમરૂપે પ્રાપ્ય સાધન પુરવાર થાય છે. આવી અનુભૂતિ 19મી અને 20મી સદીના હિંદુ સુધારકોમાં પ્રથમ વાર જોવા મળી હતી: કટ્ટર હિંદુ સુધ્ધાંએ જાહેરમાં કહ્યું હતું, ‘વેદો અને પુરાણોને માન આપો પણ બધાં સ્ત્રી-પુરુષોની સમાનતાના સિદ્ધાંતો પર આધારિત આપણી સામાજિક પ્રથાનો પાયો ઘડવા માટે વિજ્ઞાનનાં નિર્ધારણોનો અમલ કરો.’

હિંદુ ધર્મ અને બીજા ધર્મો :-

હિંદુ ધર્મમાં એક મૂળભૂત વિભાવના છે કે ઈશ્વર કે કોઈપણ પ્રકારની મુક્તિ તરફ દોરી જતા અનેક પથ છે. તેથી, નહિ તો સનાતન ધર્મના પ્રારંભિક તબક્કે કે તે હિંદુ ધર્મમાં પરિવર્તિત થયો ત્યારે પણ અન્ય લોકોને ધર્માંતરિત કરીને આ ધર્મે પ્રસાર કરવાનો પ્રયાસ કર્યો નથી અને વળી અન્ય ધર્મ પર જુલમ કરવાનો પણ પ્રયાસ કર્યો નથી. ભાવના એ હતી કે દરેક સમુદાયને તેનાં વર્તમાન જીવનની શૈલી, પરલોકના જીવનનો પથ અને ઈશ્વર અંગેની પસંદગી કરવા દેવી.        (ક્રમશ:)

Total Views: 321

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.