આ વાત ભગવાન બુદ્ધના સમયની છે. એક નવયુવક ભગવાન બુદ્ધની વાણીથી પ્રેરાઈને, એમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને રોજ તેમની પાસે આવતો હતો. સમય જતાં ધીમે ધીમે આ નવયુવક પોતાની સાધનામાં લીન થતો ગયો અને એ કારણે એ પોતાની  ગૃહસ્થીના દાયિત્વથી વિમુખ થતો ગયો. એનામાં આવતું પરિવર્તન જોઈને તે યુવકના પિતા એક દિવસ ખૂબ ક્રોધિત થઈ ગયા અને પોતે જ તથાગત બુદ્ધ પાસે જવા નીકળી પડ્યા. આશ્રમ પહોંચતાં જ તેમણે જોયું કે ભગવાન બુદ્ધના ઘણા બધા શિષ્યો તેમની ચારે તરફ બેસીને તેમની વાણીનો લાભ લઈ રહ્યા છે. તે ક્રોધિત થયેલા પિતાએ જોયું કે નવજવાન અને સમર્થ યુવકો તેમનાં માતાપિતાનું ઋણ અને પરિવારની જવાબદારી છોડી કામ વગર અહીં બેકાર બેઠા છે. આ બધું જોઈને આ પિતાનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. તે ક્રોધથી કાંપતો તથાગત બુદ્ધ સામે પહોંચી અને બુદ્ધના આ અસામાજિક કાર્યો માટે તેને બેફામ ગાળો ભાંડવા લાગ્યો. નિર્વિકાર બુદ્ધને જોઈને એ પોતાની ધીરજ ઉપર કાબૂ ન રાખીને બુદ્ધની ઉપર થૂંક્યો. આ ભયાનક કૃત્ય જોઈને કોઈપણ શિષ્ય હવે ચૂપ ન રહી શક્યા અને ભગવાન બુદ્ધની સામે વિરોધ દર્શાવવા લાગ્યા. બુદ્ધે કોઈ પ્રતિક્રિયા ન આપી તે જોઈને શિષ્યો મૂંગા થઈ ગયા. તો પણ તે પિતાને શાંતિ ન મળતાં તે વધારે ને વધારે ગાળો બોલતો બોલતો તે જગ્યાએથી નીકળી ગયો. ઘેર પહોંચીને પોતાના આ ખરાબ વર્તનનો તેને ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યો અને તેના મનમાં આ દૃશ્ય ખડું થયું કે પોતાના આટલા ઘોર અપમાન બાદ પણ બુદ્ધ તો કેટલા શાંત બેઠા હતા! પશ્ચાત્તાપ થવાથી તે પિતા તરત જ પાછો બુદ્ધના આશ્રમે પહોંચી ગયો. ભગવાન બુદ્ધના તે જ સૌમ્યરૂપને ફરીવાર જોઈને તેમના પગમાં પડી ગયો અને ક્ષમાયાચના કરવા લાગ્યો. એ જોઈને તથાગતે કહ્યું કે હું તો તને માફ નહીં કરી શકું. આ સાંભળીને બધા જ શિષ્યો સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે શું ખરેખર ભગવાન બુદ્ધને અપમાનનો અનુભવ થયો?

ભગવાન બુદ્ધ તો સદાય કરુણામય જ હતા, તેઓ હંમેશાં સર્વને ક્ષમા જ આપતા હતા, અને હવે કહી રહ્યા છે કે તેઓ તેને માફ નહીં કરે! એવું તો બને જ નહીં! બુદ્ધે તો તે સ્થિતિનું નિરાકરણ કરવું જ પડશે કેમ કે બધા વિસ્મય પામ્યા હતા.

બુદ્ધે ઉત્તર આપ્યો, ‘તે વ્યક્તિ અત્યારે અહીંયાં નથી. જો હું તે વ્યક્તિને મળું, જેની ઉપર તમે થૂક્યા હતા; તેને હું કહીશ કે તે તને માફ કરી દે. તેથી જે મારી સમક્ષ છે, તે વ્યક્તિ ઘણી સારી છે, તેણે કોઈ ભૂલ કરી નથી. અત્યારે તેનું મન ઘણું જ પવિત્ર છે.’

આ છે કરુણા! કરુણાનો અર્થ એ નથી કે કોઈને દોષિત ગણાય અને પછી તેને કહે કે ‘સારું, હું તને ક્ષમા કરું છું.’ આ કરુણા નથી. તમારી ક્ષમાશીલતા એવી હોવી જોઈએ કે જે માણસને ક્ષમા અપાઈ રહી છે તેને તેનો સહેજ પણ ખ્યાલ ન આવવો જોઈએ કે તમે તેને ક્ષમા આપી રહ્યા છો. તેની ભૂલને માટે તેને દોષિત અનુભવવા દેવો જોઈએ નહીં. આ છે યથાર્થ ક્ષમાશીલતા!

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.